7.
એમ ને એમ નિરવ શાંતિ અને ગાઢ અંધકારમાં અમે કેટલો સમય બેઠાં રહ્યાં હશું તેનો અંદાજ નથી. મારા મગજમાં એ વાત ઘોળાયા કરી કે આજ સુધી વેમ્પાયર તરીકે એકદમ રૂપાળી, યુવાન, સાથે સારા ઘરની શિક્ષિત સ્ત્રી બતાવી જોઈ કે સાંભળી નથી. ચોક્કસપણે આ યુવતી કલ્ચર્ડ છે અને મને મદદરૂપ પણ થઈ હતી. છતાં જે જોયું અને કહેવાયું તે મુજબ લાગતું હતું કે ખૂબ લાંબા સમયથી બંધ બંગલામાં આ અપાર્થિવ સ્ત્રી રહે છે. બીજી તરફ મન કહેતું હતું કે આવી સ્ત્રી ભૂત, ચુડેલ કે ડાકણ ન હોઈ શકે.
અત્યારે તો હું શાંતિથી બેઠો રહ્યો.
એકદમ કાચની બારી ખખડી. દરવાજો ધણધણ્યો. મેં હાથ લાંબો કરી મારો મોબાઈલ લીધો. હવે તેની લાઈટ થઈ. તેમાં ચાર્જ ખૂબ ઓછો હતો. મને ક્યાંક વાંચેલું યાદ આવ્યું કે સ્પિરીટ્સ તેમની હલચલ માટે નજીકના સ્ત્રોતમાંથી વિદ્યુત વાપરે છે અને તેથી જો મોબાઈલ નજીક હોય તો તેમાં ચાર્જીંગ ઝડપથી ઘટવા લાગે છે.
મેં મોબાઈલ ફરી મારી બાજુમાં મૂક્યો.
મેં આસપાસ જોયું. તે દેખાઈ નહીં. પવનમાં પડદો ઝૂલવા લાગ્યો. પેસેજમાં તે ઝડપથી ચાલતી દેખાઈ. એકલું ઉપરનું શરીર. હાથમાં મીણબત્તી હતી. ફરીથી એક વીજ કડાકો થયો અને પવનનો ઝપાટો બારણાંની તડમાંથી આવ્યો અને મીણબત્તી બુઝાઈ ગઈ. હું તે તરફ જોઉં ત્યાં મારી સાવ બાજુમાં તેની માદક સુગંધ આવી. તેના વાળ મારા ખભાને અડ્યા. તેના અગ્ર શરીરનો સ્પર્શ મારા ખભા પાસે થઈને દૂર થયો. મારા શ્વાસ એકદમ ઝડપથી ચાલવા લાગ્યા. મારી નજીક ગરમ ઉચ્છ્વાસ અનુભવાયો.
દૂર કોઈ ઘડિયાળમાં ત્રણના ટકોરા સંભળાયા હતા તે યાદ આવ્યું. આ સમયને ડેવિલ્સ ટાઇમ કહે છે. પછી ચારેક વાગે બ્રાહ્મ મુહૂર્ત શરૂ થાય. આ સમયે આસુરી અને અપાર્થિવ શક્તિઓ મુક્ત પણે વિહરે છે એવું વાંચેલું.
હું મોટેથી હનુમાન ચાલીસા બોલવા લાગ્યો.
ઓચિંતો ફરી, આ વખતે સાવ નજીકથી, મોટેથી એના હાસ્યનો અવાજ આવ્યો. વધુ નજીક આવ્યો. હું ઊભો થઈ પેસેજ તરફ જવા લાગ્યો ત્યાં તો મારી સાવ નજીક, મારા કાનમાં ચીસ પાડી મને ટપલી મારી તેનો ઓળો દૂર થઈ ગયો. મારા હનુમાનચાલીસા અટકી ગયા. મારાથી ચીસ નીકળી ગઈ. હું જે તરફ કાચની બારી હતી તે તરફ ભાગ્યો. મારા પગે કાઈંક અથડાયું. હું પડતાં રહી ગયો. અંધારામાં સેન્ટર ટીપોય મારા હાથમાં આવી. ટેકો લઈ મેં નીચે પડતું મૂક્યું. હું બીજા સોફા પર ખાબક્યો. મારા પગનો અંગુઠો ખેંચાયો. મેં પગને ઝટકો મારવાનું કર્યું તો બેય પગ જ પકડાઈને આંટી મારેલા. મારા પગ ખેંચાયા. મેં "હે ભગવાન, બચાવો.." બૂમ પાડી અને હનુમાનજીનું નામ લઈ જે તરફ બારીનો કાચ હતો તે તરફ લગભગ ડાઇવ મારી. મારા હાથમાં પડદો પકડાયો. પડદો ખોલવા જાઉં ત્યાં હું બાવડેથી ખેંચાયો. એ જ ઠંડા, હવે લગભગ નોર્મલ ટેમ્પરેચર વાળા હાથે મને ખેંચ્યો. મારી બોચી પાછળથી ખેંચાઈ. હું મોટેથી ચીસ પાડવા ગયો પણ મારાં ગળાંમાંથી અસ્પષ્ટ ‘ઓ.. ઓ..’ અવાજ સિવાય કોઈ અવાજ નીકળ્યો નહીં.
દૂર ક્યાંકથી ઘુવડ કે ચીબરીનો અવાજ આવ્યો.
મેં મોટેથી રામનામ ઉચ્ચાર્યું. હું જમીન પર સૂઈ ગયો થોડી વાર, એકાદ મિનિટ શાંતિ રહી. પછી મારી કમરને તેનો પગ અડ્યો. હું પકડવા હાથ ઊંચો કરું ત્યાં હાથ ખાલી હવામાં વીંઝાયો. હું આંધળુકીયું કરી મને દરવાજો ખ્યાલ હતો તે તરફ ભાગ્યો. મારો પગ મેં કપડાં બદલેલાં તે ટુવાલ નીચે પડેલો તેની ઉપર પડ્યો. મેં ટુવાલ મારી ફરતે વીંટ્યો અને બે હાથે પકડી દરવાજો ખોલવા દોડ્યો. દિશાનું જજમેંટ ખોટું પડ્યું. હું અંધારામાં સીધો દીવાલ સાથે અથડાયો. હું મોં ભર પડ્યો અને બાળકની જેમ રડી પડ્યો.
મારાં નાક પાસે તેના ગાઉનની ભીની કોર અડી અને નાકમાં તેની ગંધ ગઈ. પડદો થોડો હવામાં ઝૂલ્યો અને મને ખ્યાલ આવ્યો કે હવે બહાર વરસાદ નથી. મને લાગ્યું કે પડદા પાછળ તે છે. તે બારી ખોલી બહાર નીકળી ગઈ? બારી બંધ હતી પણ પવનમાં ખખડતી હતી.
તે કદાચ બાળકને હાઉકી કરીએ તેમ પડદા પાછળ હોય તેવો ભાસ થયો. તેનો ઓળો બારીને બદલે બીજી ભીંત પાસે દેખાયો. મારી તરફ અત્યંત ધીમેધીમે આવતો લાગ્યો.
મેં બે હાથ જોડયા. "મને છોડ. મારી ભૂલ થઈ ગઈ અહીં આવ્યો તે. પ્લીઝ.. મને કાઈં ન કરતી.."
એક અટ્ટહાસ્ય સંભળાયું. મને લાગ્યું કે હું ઢસડાયો. મારા હાથ સોફાની ધારને અડ્યા. હું ત્વરાથી સોફા પર સુઈ ગયો.
મેં આંખ મીચી દીધી.
તેણે મારા વાળ પકડ્યા અને વ્હિસ્પરીંગ ટોનમાં મારા કાનમાં "હુ.. હુ.. " અવાજ આવ્યો. એ સાવ ઠંડા પણ કડક હાથ મારાં શરીર પર ફરી રહ્યા અને મારી છાતી પાસે અટક્યા. ફરી મારા કાન પાસે " હુ.. હુ.." જેવો અવાજ સંભળાયો.
મને લાગ્યું કે મારું હાર્ટ બંધ થઈ જશે.
વળી બધું એકદમ શાંત થઈ ગયું.
ક્રમશ: