Ek Andhari Ratre - 3 in Gujarati Horror Stories by SUNIL ANJARIA books and stories PDF | એક અંધારી રાત્રે - 3

Featured Books
Categories
Share

એક અંધારી રાત્રે - 3

3.

તે તો હમણાં દાદરો ઊતરતી હતી ને? અત્યારે મારી સાવ બાજુમાં! તેની હાઇટ.. મારા કાનની ઉપલી બુટ સુધી કે મારી ભમર સુધીની હતી. મોબાઈલના પ્રકાશમાં મને તેનું એકદમ આકર્ષક ફીગર દેખાયું. તેની તેજસ્વી નીલી આંખો મને તાકી રહી હતી. આંખોમાં કોઈ ભાવ ન હતા કે એક સ્મિત હતું? તે સ્મિત હોય તો બિલકુલ વિચિત્ર પ્રકારનું હતું.

હું તેની આંખોમાં આંખ મેળવી શક્યો નહીં અને નીચું જોઈ ગયો.

મોબાઈલના સ્ક્રીનની આટલી બ્રાઈટ લાઈટ? મેં ફ્લેશ તો ઓન કર્યો નથી. મારો હાથ પડતાં સ્ક્રીન એક્ટિવેટ થયો હશે અને સ્ક્રીન પર ફ્લેશની સાઈન પર આંગળી દબાઈ ગઈ હશે એટલે આવી બ્રાઈટ લાઈટ દેખાઈ હશે. એમ હોય તો પણ, આવી લાઈટ હોય તે કરતાં ઘણી વધુ શાર્પ હતી. જાણે ટોર્ચની લાઈટ.

મેં મોબાઈલ સામેની તરફ ધર્યો. દાદરો ઉપર જતો દેખાયો. તે તો નીચે જ હતી. મારી ખૂબ નજીક. મારી લગોલગ.

મને તેનાં પગલાં કેમ સંભળાયાં નહીં !

હવે તેણે સ્મિત આપ્યું અને કહ્યું "આવો, આવો મધરાતના મહેમાન! આપણે અંદર સાથે બેસીએ."

વળી મેં તેની તરફ જોયું તો તે હવે મારી લગોલગ નહોતી પણ આગળ જઈ એક બાજુ ઊભી હતી. એ તરફ તે ક્યારે ગઈ? મેં બાજુમાં જોયું.

સામે ભીંત પર એક વોલપીસમાંથી ઓનીડા કંપનીનો રાક્ષસ આવતો તેવું, બે શિંગડાં વાળું અને મોંમાંથી તિક્ષ્ણ દાંત દેખાડતું મહોરું જાણે મારી સામે દાંત ફાડી જોઈ રહ્યું હતું. હવે ફરીથી સહેજ ખુલેલાં બારણાની તડનો પ્રકાશ તેની ઉપર જ ફોકસની જેમ પડતો હતો. મેં તે વોલપીસ પરથી નજર ફેરવી લીધી. નજર બીજી બાજુ ફેરવતાં મેં અંદર તરફ તેણે આવવા કહ્યું તે રૂમ તરફ જોયું. તે રૂમમાં સોફા પર એક હાથ રાખી ઊભી હતી. પ્રકાશ સામેથી આવતો હોવા છતાં ભીંત પર તેનો પડછાયો પડતો ન હતો.

પડછાયો માત્ર પ્રેતને જ ન હોય. પ્રેતનાં પગલાં પડે નહીં. આવું મેં સાંભળેલું. તો શું આ અંધારી રાત્રે એકાંત બંગલામાં હું એક પ્રેત સાથે છું?

મને ખૂબ ડર લાગ્યો. મારું મોં પણ સુકાવા લાગ્યું.

મારા શ્વાસ ખૂબ ઝડપથી ચાલવા લાગ્યા. મારા ગરમ ઉચ્છ્વાસ સાથે તેના ઉચ્છ્વાસ પણ મારા ખભે સ્પર્શતા હોય તેમ લાગ્યું. તે મારો ભ્રમ હતો? ના. થોડી વાર પહેલાં તેની બોડી ઓડર પણ મેં મારી સાવ નજીક, મારાં નાક નીચે જ અનુભવી હતી. કોઈ યુવાન સ્ત્રીની હોય તેવી. તે બોડી ઓડર ફરીથી મારા કાન પાસેથી આવી રહી હતી.

"અરે આટલા બધા ડરી કેમ ગયા છો? તમે તો ધ્રુજો છો.

જે વાતાવરણ છે તે છે. હવે તમે એને બદલી તો શકવાના નથી. તો અંદર આ ડ્રોઈંગ રૂમમાં આવો. અંદર બેસીને થોડી હૂંફ મેળવો. તમે ખૂબ પલળી ગયા છો અને ધ્રુજો પણ છો. આવો."

એમ કહેતાં તેણે મને આવવા કહ્યું. એ સાથે રૂમમાં ડીમ લાઈટ પણ થઈ. તેની સ્વીચ તો દૂર હતી. કેવી રીતે થઇ?

એ મારા રેઇનકોટ ઉપરથી નીતરેલાં પાણી પરથી પસાર થઈ. તે પેસેજમાં આગળ ગઈ હતી પણ તેનાં પગલાં ફ્લોર પર ઉઠ્યાં દેખાયાં નહીં. પણ એ જ પેસેજમાં હું મારાં ગારાવાળા બૂટનાં નિશાન સ્પષ્ટ જોઈ શકતો હતો.

મને સાચે જ ખૂબ ડર લાગવા માંડ્યો. હું આજુબાજુ જોતો અંદર ગયો. સાવ આછી લાઇટમાં જઈને સામે દેખાતા સોફા પર હું ધબ કરતો બેઠો. એ સાથે જ બારીના કાચમાંથી વીજળીનો આંખો આંજી દેતો પ્રકાશ દેખાયો અને પ્રચંડ ધડાકો થયો. પ્રકાશમાં મે એટલું જ જોયું કે તે મારી સાવ સામે ઊભી હતી. સામે કોઈ ઊંચી ડોક વાળા, હાથ લંબાવેલા મનુષ્ય જેવી મોટી તેની છાયા બારીના કાચ પર પડતી હતી અને બહારની આછી લાઈટ આવતાં તે એકદમ મોટી, વિકરાળ લાગતી હતી. એ સાથે હું આંખ બંધ કરી ગયો.

મને ફરી તેની સુગંધ મારી સાવ નજીક અનુભવાઈ. તે મારી સાવ સામે લાગી. તે મારી લગોલગ બેઠી હોય તેમ લાગ્યું.

તેણે મારો ખભો દબાવ્યો. એકદમ ઠંડો સ્પર્શ. તેના હાથ ખૂબ કડક હતા પણ તેની હથેળી મુલાયમ હતી. તેણે બેય હાથ મારા ખભાઓ પર રાખતાં મારા ખભાઓ પર સારું એવું દબાણ આવ્યું. મેં આંખ ખોલી ઊંચું જોયું. તેણે મારી સામે નીચે જોયું. તેનું ગોરું મુખ લાંબા કાળા વાળમાં ઢંકાઈ ગયું હતું. વાળ મારા ખોળામાં રમી રહ્યા હતા. મેં ઉપર જોયું તો તેણે વાળને એક ઝટકો માર્યો અને તેમાંથી ફરી એ નીલી આંખો સાઈડમાંથી આવતા પ્રકાશમાં દેખાઈ. એકલી આંખો. મારા શરીરમાંથી ફરી એક લખલખું પસાર થઈ ગયું.

ફરી ઘોર અંધારું થઈ ગયું. બારીના કાચ પરની છાયા પણ હવે નહોતી દેખાતી.

" ઘરમાં હમણાં સુધી થોડી લાઈટ હતી તે એકાએક કેમ બંધ થઈ ગઈ?" મેં થોથરાતા અવાજે પૂછ્યું.

"અરે એ તો તમારા મોબાઈલની જ લાઈટ હતી. મોબાઈલ હવે બંધ થઈ ગયો છે. તમારું પાકીટ, મોબાઈલ અને ચશ્મા મને આપો. સેન્ટર ટીપોય ક્યાં છે તે મને જ ખ્યાલ આવશે. હું ત્યાં મૂકી દઉં. ફીલ એટ હોમ. જેટલો સમય તમે છો તેને અનુભવી લો. હું છું ને? પછી તમે અહીંથી જઈ તો શકવાના નથી. ધેન ફીલ ફ્રી." તેનો ઊંડાણમાંથી આવતો હોય તેવો અવાજ આવ્યો. તે હસી. ફિલ્મોમાં ભૂતો કરે છે તેવું અટ્ટહાસ્ય નહીં પણ ખુલ્લું મુક્ત હાસ્ય. તેનાં હાસ્યનો ખડખડાટ ખાલી ઘરમાં પડઘાઈ રહ્યો.

મારામાં તેની સામે હસવાના હોશકોશ ન હતા.

મેં મારું પાકીટ, ચશ્મા અને મોબાઈલ તેને આપવા બાજુમાં મૂક્યાં. મુકું તે પહેલાં આ અંધારામાં તેણે લઈ પણ લીધાં.

મારી નજીક એ જ દેહની ખાસ સુગંધ, એના પગના પંજાઓનો મને સ્પર્શ, ફરીથી મને સાવ  અડોઅડ એ સ્નિગ્ધ અને એકદમ ઠંડો સ્પર્શ અને કદાચ એક ચુંબન કરવાનો પ્રયત્ન. એનું મોં મારી એકદમ નજીક લાગ્યું. હું એક ચીસ પાડી ઝટકા સાથે ઊભો થઈ ગયો.

ક્રમશ: