સુનીલ અંજારીયા
1.
બારે મેઘ ખાંગા થયા હોય તેવો ધોધમાર વરસાદ ગાજવીજ સાથે સતત વરસી રહ્યો હતો. આકાશમાંથી જાણે અનેક ધોધ વહી રહ્યા હતા. વચ્ચે વચ્ચે વીજળીના ચમકારા આંખ આંજી દેતા હતા અને ગડગડાટ કાનમાં તમરાં બોલાવી દેતા હતા. રસ્તાઓ ઉપર પાણી તો એટલાં વહેતાં હતાં જાણે કોઈ નદી સંગમ સ્થળની નજીક હોય. એક તો થોડી મોડી રાત્રી, ઉપરથી ઘનઘોર વાદળોથી કાળું ડીબાંગ અંધારું તો હતું જ, સાથે વરસાદમાં રોડ લાઈટો પણ બંધ પડી ગઈ હતી. વાતાવરણ ખૂબ સૂમસામ હતું. રડ્યાંખડયાં વાહનો મારી આગળ પાછળ જતાં હતાં.
હું મારું બાઈક ખાડાઓથી તારવતો, પાછળ પાણીના પટ્ટા ઉડાડતો, ખૂબ ધીમેધીમે, ક્યાંક ખાડામાં ન પડી જવાય તેનું ધ્યાન રાખી સાચવીને જતો હતો.
આગળ કશું દેખાવું મુશ્કેલ હતું. મેં હેલ્મેટ પહેર્યો હોઈ માથું તો ભીનું થતું ન હતું પણ ચશ્મા આડે વરસાદની બોછારોથી દ્રષ્ટિ ઢંકાઈ જતી હતી. મારું ઘર અહીંથી હજી દસેક કી.મી. દૂર હતું. ઓફિસથી મોડો નીકળેલો કેમ કે મારી ઉપર અમુક જવાબદારી હતી અને એક અગત્યની મિટિંગ ચાલુ હતી તે દરમ્યાન જ લાઈટ ગઈ અને પાછી આવી ત્યાં ખૂબ મોડું થઈ ગયેલું અને વરસાદ પૂરાં જોરથી તૂટી પડેલો. મેં ઘેર જવાનું કદાચ દુઃસાહસ કરેલું પણ હવે અર્ધે રસ્તે શું થાય? પાણી વધુ ને વધુ વહેતાં થયેલાં. મેં આગળના કોઈ વાહનની ટેઈલ લાઇટને સહારે, અહીં રોડ ડીવાઈડર હશે તેમ માની રસ્તાની વચ્ચે બાઈક ચલાવ્યે રાખ્યું.
આગળ પાણી ખૂબ ઝડપથી વહેતાં હતાં. રસ્તાની એક સાઈડે લોકો વાહનો પાર્ક કરી ત્યાંથી ચાલતા ઘેર જતા રહ્યા હશે તેની લાઇન હતી. ટુ વ્હીલર વાહનોનાં પૈડાં પાણીમાં ડૂબી ગયાં હતાં. વાહનો આમથી તેમ પાણીના પ્રવાહ સાથે ઝૂલવા લાગેલાં.
એક તો ચશ્મા ઉપર પાણી પડતાં આગળ કશું દેખાય નહીં ને ઉપરથી રસ્તે પાણીમાં ખાડાઓ. ક્યાંક ઝાડની ડાળીઓ મૂકી ત્યાં ગટરનું ઢાંકણું છે તેવી ચેતવણીઓ વગર બોર્ડ માર્યે હતી. હું ડીવાઈડરને અડીને મારી બાઈક ચલાવતો હતો. જ્યાં સુધી સાયલંસર પાણીમાંથી બહાર રહે ત્યાં સુધી એન્જિન બંધ થાય તેમ ન હતું.
એક સિગ્નલ પાસે ભર વરસાદે હજી લાલ લાઈટ હોઈ એક બે કાર ઊભેલી તેની સાથે હું હાથથી એકસેલરેટર ઢુર.. ઢુર.. કરતો ચાલુ રાખી ઊભો. લીલી લાઈટ થતાં મેં બાઈક આગળ ચલાવી ત્યાં કોઈ કાર નજીકથી પસાર થતાં હું થોડો રસ્તાની બાજુએ ફંટાયો અને સાયલંસરમાં પાણી જવાથી કે કોઈ પણ કારણે મારી બાઈક બંધ પડી ગઈ. હજી ઘણું અંતર કાપવાનું હતું.
મેં નજીકના ત્રિભેટેથી સામેના ખાંચામાં મારી બાઈક દોરીને ચાલવા માંડ્યું.
ગોઠણ સુધીનું પાણી, વહેતો પ્રવાહ અને વરસાદ ચાલુ. મારાથી બાઈક વધુ ખેંચી નહીં શકાય એમ લાગ્યું. હું નજીકની શેરીમાં બાઈક દોરતો દોરતો લઈ ગયો. અહીં થોડી ઊંચાઈએ રસ્તો હતો તેથી પાણી ઓછું ભરાયેલું હતું. મેં થોડો ઢાળ હોઈ જોર કરી બાઈક દોર્યું. એક ઝાડને ટેકે ઊભી બાઈકમાંથી પાણી કાઢવા તેને ઊંચું કરવા પ્રયત્ન કર્યો પણ એકલે હાથે તેમ થઈ શક્યું નહીં. ગ્રીપ પરની પક્કડ પણ પાણીનાં ટીપાંઓને કારણે બરાબર આવતી ન હતી. હું હાંફી ગયેલો. ભીનો પણ સરખો એવો થયેલો અને પરસેવો પણ વળતો હતો. મેં સામે દેખાતા એક સફેદ રંગના, બેઠા ઘાટના, જૂના દેખાતા બંગલા તરફ જોયું. વરસાદમાં તેના કમ્પાઉન્ડમાંના કોઇ વૃક્ષની બે ચાર ડાળીઓ તૂટીને રસ્તા પર આવી ગઈ હતી. બંગલાનાં છજા પરથી પાણીની ધારાઓ પડતી હતી તેનો મોટેથી તડતડ અવાજ પણ ડર લાગે એવો આવતો હતો. આજુબાજુ નીરવ શાંતિ હતી. બંગલામાં બહાર પોર્ચમાં બલ્બ અને અંદર બારીમાંથી ડીમ લાઈટ બળતી જોઈ મેં મારું બાઈક ત્યાં મૂકી ઘેર ફોન કરી ચાલતા જવા કે આગળ જતાં કોઈ બસ જેવું વાહન મળે તો તેમાં જવા વિચાર્યું.
મેં બંગલામાં પ્રવેશી કમ્પાઉન્ડનો દરવાજો ખોલ્યો. તેના મિજાગરાનો કર્કશ કીચૂડાટ થયો. મેં પાણી ભરાયેલાં કમ્પાઉન્ડમાંથી છબ છબ કરતાં રસ્તો કરી જેમતેમ કરી બાઈકને સ્ટેન્ડ પર ચડાવી. હું એ ડીમ લાઈટનાં ઝાંખાં અજવાળામાં પોર્ચનાં પગથિયાં ચડ્યો. મારાં પગલાંનો પણ ઠપ ઠપ અવાજ આવતો હતો. આ અવાજ છતાં કોઈએ ઘરમાંથી બહાર ડોકીયું કાઢ્યું નહીં. મેં પગથિયાં ચડી પોર્ચમાં છજાં નીચે ઊભી ઘરની બેલ મારી.
થોડી વાર કોઈ અવાજ આવ્યો નહીં. મેં "હેલો, કોઈ છે કે? " કહેતાં ફરી બેલ મારી.
ડીમ લાઈટ નીચે બળતી હતી પણ ઉપરથી બારીના કાચમાંથી કોઈએ ડોકું કાઢ્યું હોય એવું લાગ્યું. બારીમાંથી અંદર કોઈ પડછાયો દેખાયો અને તરત દૂર જતો રહ્યો. મોટા થતા પડછાયામાં દેખાયેલું તે માણસ જેવું કોઈ ફરી અંદર જતું રહ્યું. મેં ફરી કહ્યું "કોઈ છે? પ્લીઝ, ડોર ખોલો. મારે તમારી જરૂર છે."
ફરી બારી પાસે પડછાયો દેખાયો. મેં ડોર હાથથી નોક કર્યું. કોઈ દાદરો ઉતરતું હોય એવો અવાજ આવ્યો અને ફરીથી કિચૂડાટ થયો. કોઈ બારણું અંદરથી ખોલતું હોય એવું લાગ્યું પણ બારણું ખૂલ્યું નહીં. મેં જોરથી ડોરનું હેન્ડલ મચડ્યું. હેન્ડલ નીચે થતાં ડોર થોડું પોર્ચની લાદી સાથે ચીં.. અવાજ કરતું ઘસાયું. બારણું ચડી ગયું હોય તેમ લાગ્યું. મેં બહારથી હળવો ધક્કો માર્યો અને અંદરથી પણ ડોર ખેંચાયું હોય એમ લાગ્યું. એકદમ ડોર ખૂલતાં હું અંદર તરફ પડતાં રહી ગયો. પહેલાં તો લાગ્યું કે બારણું પોતાની મેળે ખૂલ્યું કે શું? સામે કોઈ ન દેખાયું. પવનનો એક ઝપાટો આવ્યો અને બારણું ભટકાતું બંધ થવા લાગ્યું. હું ઝડપથી અંદર એક ખૂણા તરફ ખસ્યો. હું કોઈ વસ્તુ, ના, કોઈ માનવ દેહ સાથે અથડાયો. એની સાથે અથડાઈને એટલો ખ્યાલ એનાં અંગોના સ્પર્શથી આવ્યો કે એ કોઈ સ્ત્રી હતી.
ક્રમશ: