Important days celebrated on Shatrunjay Giriraj in Gujarati Spiritual Stories by shreyansh books and stories PDF | શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસો

Featured Books
Categories
Share

શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસો

શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસો

ફાગણ વદ-૮

આ દિવસે શ્રી શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયક શ્રી આદીશ્વર દાદાની પ્રતિમા તથા અન્ય જિન પ્રતિમાઓના અઢાર અભિષેક વિધિ સહીત થાય છે. આ દિવસ આદીશ્વર ભગવાનનો જન્મ તથા દીક્ષા કલ્યાણકનો દિવસ છે. આ દિવસે છઠ્ઠ એટલે કે બે સળંગ ઉપવાસ કરીને વરસીતપનો પ્રારંભ કરવામાં આવે છે.

વૈશાખ સુદ-૩(અક્ષય તૃતીયા)

પ્રથમ તીર્થકર પરમાત્મા ઋષભદેવે ફાગણ વદ છઠ્ઠના દિવસે દીક્ષા લીધા પછી વૈશાખ સુદ ૨ સુધી ૧૩ મહિના જેટલા સમય સુધી નિર્જળા ઉપવાસ કર્યા પછી આજ દિવસે હસ્તિનાપુરમાં રાજકુમાર શ્રેયાંસના હાથે ઇક્ષુરસ ગ્રહણ કરીને પ્રથમ પારણું કરેલું. આને વરસી-તપ કહે છે. ઉમદાભાવના, ઉત્તમદ્રવ્ય, ઉત્કૃષ્ટ પાત્ર આ બધાના લીધે આ તપ પવિત્ર મનાય છે.

ભારતમાં જ નહિ દુનિયામાં ઠેક ઠેકાણે લોકો મોટી સંખ્યામાં આ તપ કરે છે.

અક્ષય તૃતીયાના દિવસે શત્રુંજય તીર્થની યાત્રા સાથે દાદાના દર્શન –સ્તવન અને પૂજન કરીને વરસીતપનું પારણું કરવાની ભાવના રાખતા પૂજ્ય તપસ્વી સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા સેંકડો તપસ્વી ભાઈ-બહેનો પોતાના સગા સંબંધીઓ વગેરે સાથે અહી પદાર્પણ કરતા હોય છે. તળેટીની સમીપે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા નવનિર્મિત પારણાભવનમાં તમામ તપસ્વીઓને બહુમાન આદર અને ભક્તિ સાથે ઇક્ષુરસથી પારણું કરાવવામાં આવે છે. ઘણી વખતે લાખ જેટલા યાત્રિક ભાઈ-બહેનોના મહેરામણથી ઉભરાતો આ દિવસ જોવો એ લાખેણો લહાવો હોય છે. પેઢી તરફથી ખુબ જ સુંદર રીતે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે.

વૈશાખ વદ ૬ મૂળનાયક ભગવાનની માહિતી(વર્ષગાંઠ)

શ્રી પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર મૂળનાયક શ્રી આદેશ્વર દાદાના દેરાસરની વર્ષગાંઠ

વૈશાખ વદ ૬ (છઠ્ઠ)ની છે. મૂળનાયક દાદાની પ્રતિમાની પ્રતિષ્ઠાની પૂણ્યસ્મૃતિ નિમિત્તે દેરાસરની વરસગાંઠ વૈશાખ વદ ૬ ના ઉજવાતી હોય છે. જેમાં આદીશ્વર દાદાના જિનાલયના ઉત્તુંગ શિખર ઉપર નવી ધજાનું આરોહણ કરાવાય છે. આ દિવસ જાણે કે તીર્થની વરસગાંઠ હોય એવા ઉલ્લાસ અને ઉમંગથી ઉજવાય છે.

મેરુ-ત્રયોદશી શ્રી ઋષભદેવ ભગવાન મહાવદ ૧૩ (ગુજરાતી પોષ વદ ૧૩)ના દિવસે અષ્ટાપદ પર્વત પર મોક્ષે પધાર્યા, તે નિમિત્તે આ પર્વને આરાધે છે. (ત્યારે ઘીનો મેરુ બનાવીને પ્રભુજીની સન્મુખ મુકાય છે. ગામે ગામ ઘીનો મેરુ બનાવીને મુકવાની પરંપરા છે.) તેથી તે દિવસે યાત્રા કરે છે. આ મેરુત્રયોદશીનું પર્વ છે.

ફાગણ સુદ ૮

શ્રી આદેશ્વર ભગવાન ગિરિરાજ પર પૂર્વ નવ્વાણું વાર પધાર્યા છે. પણ જયારે જયારે પધાર્યા છે ત્યારે આદિત્યપુર(આદપુર)થી પધાર્યા છે.અને ફા.સુ.૮ના પધાર્યા છે. એટલે પૂણ્યવાનો જય તલાટીથી ગિરિરાજ ઉપર આવી, દાદાના દર્શન કરી, વર્તમાનમાં તે દિશાએ નીચે એટલે વર્તમાન ઘેટીને પાયગાએ શ્રી આદીશ્વર ભગવાનનાં ચરણપાદુકાની દેરી છે, ત્યાં દર્શન ચૈત્યવંદન કરીને, પાછા ઉપર આવે છે. અને દાદાની યાત્રા કરે છે.

ફાગણ સુદ ૧૩ના

દિવસે ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા કરાય છે. પ્રદક્ષિણા કરીને આતપુરમાં (પુરાણું આદિત્યપુર) પડાવ કરે છે ત્યાં બધા યાત્રાળુઓ આવે છે.

શાંબ ને પ્રધુમ્ન તે દિવસે મોક્ષે ગયા છે. માટે આ દિવસની યાત્રાનો મહિમા છે.સહુ પ્રથમ દાદાની યાત્રા કરીને યાત્રિકો ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ પ્રધુમ્નની દેરી આવે છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઊતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદાના ચરણપાદુકા છે. ત્યાં પણ દર્શન ચૈત્યવંદન કરીને પાલના નામે ઓળખાતા પડાવમાં જાય છે. આ પ્રદિક્ષણાનો રસ્તો અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે. પંચોતેર જેટલા પડાવ-પાલમાં જુદા જુદા ગામના- સંઘોના તથા જૂદી જૂદી સંસ્થાઓ અને મંડળોના પાલ હોય છે. પેઢીનો પણ પડાવ-પાલ ત્યાં હોય છે. આની વ્યવસ્થા આણંદજી કલ્યાણજી કરે છે. તથા બીજા પુણ્યવાનો લાભ લે છે. તે મેળો જોવા જેવો હોય છે. હજારોની સંખ્યામાં લોકો ભક્તિ-ભાવ પૂર્વક યાત્રા કરે છે. દર વરસે આ દિવસે યાત્રાર્થે આવતા હજારો યાત્રિક ભાઈ બહેનોની સાધર્મિક ભક્તિ પાલમાં કરવામાં આવે છે, અહીંની સામાન્ય જનતામાં આ દિવસ ઢેબરીયા મેળા તરીકે પણ ઓળખાય છે.

ચૈત્રી પૂર્ણિમા-

ચૈત્ર સુદ ૧૫ શ્રીઆદીશ્વર ભગવાન ગણધર શ્રી પુંડરિક સ્વામીએ આ ગિરિ પર પોતાને અને પોતાના શિષ્યપરિવાર ને મુક્તિ પ્રાપ્ત થશે એમ ભગવાનના મુખથી જાણીને અહી સ્થિરતા કરી અને આરાધના કરી. આરાધનાપૂર્વક અનશન કરીને ચૈત્રી પૂર્ણિમાના દિવસે પાંચ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા. તેથી ગિરિરાજનો મહિમા વધ્યો, અને પુંડરિક ગિરિ એવું નામ પણ થયું. આથી ચૈત્રી પૂર્ણિમાના દિવસ મહિમાશાલી ગણાય છે. અને ગામે ગામથી –દેશે દેશથી (વર્તમાનમાં) યાત્રા એ આવે છે. અને યાત્રા કરે છે. ૧૦-૨૦-૩૦-૪૦-૫૦ પુષ્પોની માળા વગેરે ચઢાવે છે.વળી અન્ય ખેડૂત આદિ સ્થાનિક લોકો પણ આ દિવસે શ્રીગિરિરાજ પર આવે છે. યાત્રાનો લાભ લે છે, રાસડા વગેરે લે છે, અને આનંદ અનુભવે છે. આ રીતે આ ચૈત્રી પૂર્ણિમાનું પર્વ ઊજવે છે.

અષાડ સુદ ૧૪.

(આષાઢ-ચોમાસી ચૌદસ) ભાવિકો ગિરિરાજની યાત્રાનો ઉમંગ રાખે છે. અને યાત્રા એ આવે છે . વર્ષમાં એક વખત તો ગિરિરાજની યાત્રા કરવી જ જોઈએ. આથી જેને યાત્રા રહી ગઈ હોય તે છેલ્લે અ.સુ.૧૪ ની યાત્રા કરી લે છે. કારણકે પૂર્વાચાર્યોએ વિરાધનાદિ કારણો નો વિચાર કરીને આષાઢ ચાતુર્માસિક ૧૪ પછી ગિરિરાજની યાત્રા ના થાય, ઉપર ના ચઢાય, તેવો નિષેધ કર્યો છે, ને તેનું પાલન શ્રી સંઘ કરે છે. એટલે પણ ગિરિરાજની આ વર્ષની યાત્રા કરી લઈએ તેમ ગણીને પણ પુણ્યવાનો આ ગિરિરાજ પર આષાઢી ચોમાસાની યાત્રા કરવા આવે છે.

આ રીતે વર્ષમાં આટલા પર્વો મુખ્ય આવે છે.બાકી યાત્રા તો સદાયે આઠે મહિના કરાતી હોય છે.

ગિરિરાજની સ્પર્શના કરનારા અષાઢથી કાર્તિક સુદ ૧૪ સુધી પાલીતાણા આવી ધર્મશાળામાં સ્થિરતા કરીને કૃતાર્થ થાય છે પણ ઉપર ચઢતા નથી.

કાર્તિકી પૂર્ણિમા-

કારતક સુદ ૧૫ આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થવાથી ડુંગર ઉપર જઈને દાદાને ભેટવાનો પહેલો દિવસ હોય છે. આ દિવસની સાથે દ્રાવિડ અને વારિખિલ્લ રાજા અને તેના સૈનિકોની કથા જોડાયેલી છે. લોકો ભારે હર્ષોલ્લાસ પૂર્વક આ યાત્રામાં જોડાયા છે.