દુલ્હનના રૂપમાં સજેલી સંજના ધીર ગંભીર અને ખૂબજ સુંદર લાગી રહી હતી જાણે રાજકુંવરી જ જોઈ લો તેને માંયરામાં પધરાવવાની જ વાર હતી અને જાન આવે તેની રાહ જોવાઈ રહી હતી.
અને એટલામાં તો ચઢે ઘોડે દિપેન જાન લઈને આવી ગયો હતો. જેટલી રાહ સંજના દિપેનની જોઈ રહી હતી તેટલી જ રાહ અશ્વલ આન્યાની જોઈ રહ્યો હતો.
ક્રીમ કલરના શેરવાની સૂટમાં અને ક્રીમ કલરની મોજડી પહેરીને વરરાજાના પહેરવેશમાં સજ્જ દિપેન લગ્નના હોલની બહાર આવીને ઉભો રહ્યો હતો અને સંજનાને તેને હાર પહેરાવવા માટે બહાર ગેટ પાસે લાવવામાં આવી દિપેનને તેના ફ્રેન્ડ્સે ઉંચકી લીધો હતો એટલે સંજનાને પણ હાર પહેરાવવા માટે ઉંચી કરવી પડે તેમ હતી.
એક્સરસાઇઝ કરીને કસેલા શરીરે અશ્વલે પોતાની વ્હાલી બહેનને તરતજ ઉંચકી લીધી અને આન્યાએ તેને ઈશારાથી વાહ કહ્યું એટલે અશ્વલનું સ્પીરીટ ડબલ વધી ગયું.
સંજના અને દિપેન બંને ચોરીમાં ગોઠવાઈ ગયા હતા. અશ્વલ આ બંનેને બતાવીને ઈશારો કરીને આન્યાને કહી રહ્યો હતો કે ચાલને આપણે પણ ગોઠવાઈ જઈએ અને આન્યા નકારમાં માથું ધુણાવીને તેને ના પાડી રહી હતી અને તેની બાજુમાં જ તેના મોમ અને ડેડ બેઠાં હતાં તે બતાવી રહી હતી અને તેને ચૂપ રહેવા સમજાવી રહી હતી.
થોડીવાર પછી આન્યા ફ્રેશ થવા માટે બ્રાઈડ રૂમમાં ગઈ ત્યાં કોઈજ નહોતું એટલે તે અંદરથી રૂમ લોક કરવા જઈ રહી હતી ત્યાં તેની પાછળ પાછળ અશ્વલ પણ આવી પહોંચ્યો અને તેણે આન્યાનો હાથ પકડી લીધો અને રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો અને આન્યાને ખૂણામાં પોતાની તરફ ખેંચી લીધી આન્યાથી એકદમ ચીસ પડાઈ ગઈ એટલે અશ્વલે તેના મોં ઉપર પોતાનો હાથ દબાવી દીધો અને અશ્વલ અજાણપણે જ તેની એકદમ લગોલગ આવી ગયો બંને વચ્ચે ફક્ત શ્વાસોશ્વાસની જ અવરજવર રહી હતી આન્યાએ ઓરેન્જ કલરના ચણીયાચોળી પહેર્યા હતા જે બેકલેસ હતા જેની ચોલી પાછળથી ફક્ત દોરી ઉપર જ ટકેલી હતી અશ્વલના પ્રેમની લાલી આન્યાના ગુલાબી ગાલ ઉપર પથરાયેલી હતી તે આજે ખૂબજ સુંદર લાગી રહી હતી. અશ્વલના બંને હાથ આન્યાની ગરદનના પાછળના ભાગ તરફ ગયા અને તેણે આન્યાના ગળામાં એક સોનાની ચેઈન પહેરાવી જેમાં "A❤️A" લખેલું હતું અશ્વલના હાથનો આમ અચાનક જ સ્પર્શ થતાં આન્યાના શરીરમાં રોમાંચ છવાઈ ગયો અને તેણે અશ્વલના બંને હાથ ફીટ પકડી લીધા અશ્વલનો હાથ પ્રેમથી તેના બરડા ઉપર ફરી રહ્યો હતો અને બંને એકબીજાના પ્રેમમાં જાણે ગળાડૂબ થઈ ગયા હતા. અશ્વલે આન્યાને પોતાની બાહુપાશમાં લઇ લીધી અને તેનાં હોઠ ઉપર તેમજ તેના બંને ગાલ ઉપર ખૂબજ પ્રેમથી કીસ કરી અને તેનો ચહેરો પોતાના બંને હાથમાં લીધો અને તેની ઉપર પોતાનો અવિરત પ્રેમ વરસાવતો હોય તેમ તેને "આઈ લવ યુ, યુ આર લુકીંગ સો બ્યુટીફુલ આઈ લવ યુ સો મચ, લગ્ન કરીશ તો ફક્ત તારી જ સાથે આઈ લવ યુ માય ડિયર..."અને એટલું બોલ્યો ત્યાં કોઈ આવી રહ્યું હોય તેવી આહટ સંભાળાતા આન્યાના જવાબની રાહ જોયા વગર જ આન્યાના હોઠ અને મન બંને પલાળીને આન્યા કંઈ સમજે કે બોલવા જાય તે પહેલાં ત્યાંથી ચાલ્યો ગયો.
આન્યાએ પોતાની સામે રાખેલા ફૂલ મીરર સામે નજર કરી જેમાં તે આખેઆખી દેખાઈ રહી હતી અને તે પોતાની જાતને નીરખવા લાગી, ખરેખર તે આજે ખૂબજ સુંદર લાગી રહી હતી તે હમણાં જ પોતાની બાજુમાંથી ગયેલા..જેનો અતિશય પ્રેમભર્યો સ્પર્શ તેના રોમેરોમમાં અને દિલમાં સમાઈ ગયો હતો અને જે હજુ તેના મનમાં બિલકુલ તાજો જ છે તે અશ્વલને પોતાની બાજુમાં ઉભેલો છે તેમ વિચારવા લાગી અને તેણે આપેલી ગોલ્ડ ચેઈન ઉપર પ્રેમથી પોતાનો હાથ ફેરવવા લાગી અને પોતાની જાતને અશ્વલના પ્રેમમાં ડૂબાડી..અમારી જોડી કેવી લાગી રહી છે તેમ વિચારવા લાગી અને તેના મોંમાંથી, "આઈ ઓલ્સો લવ યુ સો મચ.. એન્ડ થેન્કસ ફોર યોર ગીફ્ટ માય ડિયર" સરી પડ્યું અને તે પોતાની જાત સામે જોઈને હસી પડી... બસ હજુ તો તેની નજર મીરરમાં રહેલી બીજી આન્યાની નજરમાં ભળેલી હતી અને ત્યાં તેના સેલફોનમાં રીંગ વાગી પોતાના ખભા ઉપર લટકાવેલું ડેકોરેટીવ ગોલ્ડન પર્સ તેણે ખોલ્યું અને મોબાઈલ પોતાના હાથમાં લીધો તો મોમનો ફોન હતો તેણે તરત જ ફોન ઉપાડ્યો અને, "આવી મોમ.." તેમ બોલીને ફોન પાછો અંદર પર્સમાં મૂક્યો....
દિપેનભાઈ અને સંજનાના લગ્નની વિધિ પૂરી થવા આવી હતી. આન્યા પોતાની મોમને અને ડેડને જમવા માટે લઈ ગઈ જમતાં જમતાં તેની મોમ તેને પૂછી રહ્યા હતા કે, તે ક્યારે ઘરે પરત ફરશે. આન્યાએ પોતે બીજે દિવસે ઘરે પરત ફરશે તેમ કહ્યું અને જમ્યા બાદ તેના મોમ અને ડેડ બંને આન્યાને બાય કહીને પોતાના ઘરે જવા માટે નીકળી ગયા.
આ બાજુ દિપેનભાઈના લગ્નની વિધિ પૂરી થઈ ગઈ હતી. આન્યા દિપેનભાઈ અને સંજનાની સાથે પંચઉલામાં જમવા માટે બેઠી અને તેની બાજુમાં અશ્વલ આવીને બેઠો.. જમવાનું પીરસાઈ રહ્યું હતું અને અશ્વલ તેને પૂછી રહ્યો હતો કે, "તને ગીફ્ટ ગમી?"
આન્યા કોઈને સંભાળાય નહીં તેમ ધીમેથી બોલી રહી હતી કે, "હા બહુ ગમી." પણ સંજનાનું ધ્યાન ગયું કે, આ બંને ક્યારના શું ગુસપુસ ગુસપુસ કરી રહ્યા છે એટલે તેણે હસતાં હસતાં બંનેને પ્રેમથી ટોક્યા કે, "હજુ તમારી પાસે ઘણોબધો સમય છે પછી શાંતિથી ગુસપુસ ગુસપુસ કરજો અત્યારે શાંતિથી જમી લો.."
અને અશ્વલ તેમજ આન્યા બંને એકબીજાની સામે જોઇને હસી પડ્યા....
નમસ્તે 🙏 મારા વ્હાલા વાચક મિત્રો મારી આ વાર્તા હું થોડા સમય માટે અહીં આટલેથી અટકાવું છું પરંતુ આપણો સાથ આમજ બન્યો રહેશે. થોડાક જ સમયમાં આવી મારી એક નવી વાર્તા લઈને હું આપ સૌની સમક્ષ હાજર થઈ રહી છું. તો મારી આ વાર્તા આપ સૌને કેવી લાગી તે માટે આપના અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી તેમજ આ વાર્તામાં આપ સૌએ મને જેવો સાથ અને સહકાર આપ્યો તેવો આગળ મારી નવી વાર્તામાં પણ આપવા વિનંતી 🙏.
આપના અમુલ્ય પ્રતિભાવ મને વધુ ને વધુ સારું લખવાની પ્રેરણા આપતા રહે છે માટે આપના અમુલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી આભાર.
આપની જસ્મીના શાહ 'જસ્મીન'દહેગામ
6/11/22.