Memories of the Guest Parona Past in Gujarati Comedy stories by Dr. Bhairavsinh Raol books and stories PDF | મહેમાન પરોણા અતીતની યાદો

Featured Books
Categories
Share

મહેમાન પરોણા અતીતની યાદો


ઘરે મહેમાન આવે એટલે ' બા ' કબાટ માંથી સારાં માયલું ગાદલું કાઢે અને તેના ઉપર નવીનક્કોર ચાદર પાથરે. બા આવી તરખડ કેમ કરે છે ! અમે આવું પૂછીએ એટલે મારી અભણ બા કહેતી કે આંગણે મહેમાન ક્યાંથી ! અતિથિ તો ભણેલો ગણેલો શબ્દ હતો. પણ, અમારા પંથકમાં મહેમાન માટે પરોણા કે મે'માન શબ્દનો મોટાભાગે ઉપયોગ થતો.

મોટાભાગે ગામડું નાનું હોય એટલે એકબીજાના મહેમાન ને ગામ ઓળખતું હોય એટલે ગામ ઝાંપેથી જ ગામમાં સામા મળતા લોકો દ્વારા રામ- રામ કરીને આવકારવા નું શરૂ થઈ જાય. કોઈ ન ઓળખતું હોય તો રામ - રામ કરીને મહેમાનની ઓળખ પણ પૂછે. બધું સાવ સહજ ભાવથી.

મોટાભાગે ઓસરી કે ડેલીમાં મહેમાનને ખાટલો ઢાળી આપવામાં આવે. ગામડાઓ ખેતી પ્રધાન હોવાથી જ્યારે પણ ખેતીની ઓફ સીઝન (Off season of agriculture) હોય ત્યારેજ મોટાભાગે ગામતરા કરવામાં આવતા. કદાચ ઘરના લોકો મહેમાન ને મોકળાશથી પૂરતો સમય આપી શકે તેવો આશય હશે. મહેમાન આવે એટલે સહેજે બે દિવસ રોકાય. રાત્રે અડખે પડખે થી પાડોશીઓ મહેમાન પાસે બેસવા આવે. અને અલક- મલક ની વાતો નો દોર જામે. ક્યારેક રાત્રે બે ત્રણ વખત ચા - પાણી પણ થાય. મહિલા વર્ગ પણ ઓસરી ના એક ખૂણે બેસી બધું સાંભળે. વાત - વાતમાં કોના દીકરા દીકરી સગપણ કરે એવડા થયા તેની જાણકારી લેવાય. સારું ઠેકાણું હોય તેની ભલામણ પણ થાય. દિવસનો સમય તો મહેમાન નો ગામમાં બીજાને ત્યાં ચા - પાણી પીવા જવામાં પસાર થઈ જાય.

મહેમાન માટે મોટાભાગે કંસાર બનાવવામાં આવે. દેશી ઘીની રેલમછેલ અને જુવારના પાપડ અને એકાદ તીખું શાક હોય. ત્યારે કશુંય બજારમાંથી તૈયાર લાવવાનો રિવાજ નહોતો શરૂ થયો. મહેમાનને સમ દઈ ને ભાવથી જમાડવામાં આવતા. મારા સમ અને તમારા સમ હવે બીજીવાર તાણ નહિ કરું એવું કહીને પણ આગ્રહ પૂર્વક મહેમાનને જમાડવામાં આવતા.

ત્યારે ગેસ્ટ(Guest) શબ્દ પ્રચલિત નહોતો થયો. સાવ સરળ ભાવ સાથે મહેમાન નવાજી કરવામાં આવતી. કુટુંબીઓ મહેમાનને સાંજનું કે બપોરનું જમવાનું કહેવા આવતા. આમ મહેમાન નું જમવાના ટંક પણ કુટુંબમાં વહેચાઈ જતા. મહેમાન આવ્યાનો હરખ સહુના ચહેરા ઉપર વરતાઈ આવતો. મહેમાન સાથે એ દિવસો ક્યારે વીતી જતાં એ ખબર પણ ન રહેતી. ને એક દિવસ મહેમાન રજા માંગતા અને થેલી હાથમાં લેતાં ત્યારે આગ્રહ પૂર્વક થેલી પાછી લઈને ખીંટીએ ભરાવી દેવામાં આવતી કેટલીયે વખત જોઈ છે. એકાદ દિવસ વધારે રોકાઈ જવાનો તેમાં આગ્રહ રહેતો.

આજે એપોઈન્ટમેન્ટ કલ્ચર(Appointment culture) વિકસ્યું છે ત્યારે વગર જાણ કરે ઓચિંતા આવતા મહેમાન અને તેમનું બે - ચાર દિવસનું રોકાણ અત્યારની પેઢી ને અજુગતું લાગતું હશે ! પણ, એ સંબંધો અને માનવીય સંસ્કૃતિના તાણાવાણા નો એક ભાગ હતી મહેમાનગતિ.

અને એક દિવસ મહેમાન વિદાય લેતા ત્યારે ઝાંપા સુધી સહુ વળોટાવા જતાં. આજે તો પગમાં પૈડાં લાગી ગયા હોય તેમ માણસને દોડવું પડે છે. પહેલા જેટલી હવે નિરાંત પણ નથી રહી. એ જમાનામાં વાહન વ્યવહાર નહિવત હતો. અને મોટાભાગે પગપાળા મુસાફરીનો સંજોગ વધુ રહેતો. એટલે વરસે દહાડે એકાદ વખત મહેમાનગતિ એ નીકળવાનું બનતું.

આજે ફાસ્ટ જમાનામાં વાહન વ્યવહાર ઝડપી થતાં ગામડાઓ વચ્ચેના અંતર ઘટ્યાં છે. એટલે પહોંચવું સરળ બન્યું છે. પરંતુ, ખરબચડી ભીંત ઉપર વાદળી રંગની ગળી થી 'ભલે પધાર્યા ' ગામડાઓના ખોરડાં ઉપર લખેલું આજે પણ જ્યારે વાંચવા મળે છે ત્યારે, અંતરમાં હરખનું અજવાળું પથરાય છે. એ અજવાળા ને ક્યારેય અમાસ નથી આવવાની.
લેખક:અજ્ઞાત

નોંધ: અગાઉના સમયમાં ગામડામાં દિવાળી પછી એક મહીનો મહેમાન ની રમઝટ વાગતી એનું આબેહૂબ વર્ણન લેખકે કર્યું છે.પહેલા ના અભણ મહેનતકશ‌ ખેડૂત વર્ગ ના માનવી કેટલા હેતાળ હતા! મહેમાન ની કેટલા હરખ થી આગતાસ્વાગતા કરવામાં આવતી હતી.
કવિ દુલા ભાયા" કાગ" ની રચના અહીં યાદ કરવી રહી.
કાવ્ય :-

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું... કાપજે રે જી...

માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…. આપજે રે….જી….

કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨)
એને માથું એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

કવિ શ્રી: દુલા ભાયા ‘કાગ’