ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
માછીમારની વસ્તીમાં થી ગુરુ અન્ના અને એના સાથીઓ નીકળ્યા ત્યારે 5 વાગ્યા હતા. એકમેકના મોં પણ ન દેખાય એવું અંધારું હતું. ધીરે ધીરે કંઈક વિચાર વિમર્સ કરતા એ લોકો મુખ્ય રસ્તા તરફ આગળ ચાલતા રહ્યા. શેરીમાં ઝપેલા કુતરાઓને આ ડિસ્ટબન્સ ગમ્યું ન હતું અને એણે ભસવાનું ચાલુ કરી દીધું. પણ ગુરુ અન્નની ટોળી આવા સામાન્ય કૂતરાઓથી ગભરાય એવી ન હતી. એમને ખૂનના પ્યાસા દુશ્મનોનો સામનો કરવાનો હતો. એક ચમચાએ એક પથ્થર ઉઠાવીને નજીકના કૂતરા પર ઘા કર્યો. અને અચૂક નિશાન બેઠું. કૂતરું સાવ નાનો પથ્થર હોવા છતાં. સામે થયેલા હુમલાથી ગભરાઈને જોશભેર ભસતા ભસતા બીજી ગલીમાં નાસી ગયું અને અન્ના ટોળી એ પોતાની ઝડપ વધારી 5-7 મિનિટમાં એ લોકો મુખ્ય રસ્તા પર આવ્યા. ત્યાં 2 મોટર એમની રાહ જોઈને ઉભી હતી. ગુરુ અન્નાએ એમની ટોળી સાથે છેલ્લો વિચારવિમર્શ કરીને એક કારમાં ગોઠવાયો એના 2-3 સાથીઓ પણ એમાં ઘુસ્યા. અને એ લોકો મરીના બીચ જવાના મુખ્ય માર્ગ પર રવાના થયા. એમની પાછળ પાછળ જ બીજી કાર પણ ઉપડી પણ એમણે લાંબો રૂટ પસંદ કર્યો અને મરીના બીચના બીજે છેડે મળતી સડક તરફ આગળ વધ્યા. બીચ લગભગ 250 ડગલાં દૂર રહ્યો ત્યાં પહેલી મોટર માંથી ગુરુ અન્ના ઉતર્યો. અને પોતાના સાથીઓને અંતિમ સૂચના આપી. મોટરમાં પહેલેથી જ રાખેલી 10 કરોડની ભારી ભરખમ ટ્રોલી બેગને ઘસડતાં આગળ વધ્યો. પછી એના સાથીઓ પણ ઉતર્યા અને નજીકની ગલીઓમાં ગાયબ થઇ ગયા. જયારે કાર ડ્રાઈવરે થોડે દૂર રહેલી એક ગલીમાં કાર ઘુસાવી દીધી અને પછી એ પણ પોતાના સાથીઓને મદદ કરવા બહાર નીકળ્યો એક પછી એક ગલી પસાર કરતા એ લોકો ધીરે ધીરે બીચ તરફ જઈ રહ્યા હતા. એ લોકો થી થોડા પહેલા નીકળેલ ગુરુ અન્ના બીચ પર પહોંચવા આવ્યો હતો.
xxx
"સર, ગુરુ અન્ના અને એના સાથીઓ અહીંથી નીકળી ગયા છે." કોઈએ કમિશનરને ફોનમાં જણાવ્યું.
"ઓ કે તું હજી ત્યાં 15 મિનિટ ઉભો રહે. કદાચ કોઈ છુપાયું હોય અને હવે નીકળવાનું હોય તો મારે એ મુજબ ગોઠવણ કરવી પડશે." કમિશનરે જવાબ આપ્યો.
"ભલે સર, જેમ તમે કહો એમ પણ ગઈ કાલે આખા દી માં અન્ના માંડ 5 જણાને પોતાની સાથે રાખી શક્યો હતો કેમ કે બાકીના સાથીઓ અમ્માથી ગભરાઈને ભાગી ગયા. હું એમની નજીકમાં જ હતો છેવટે સાથીઓ ઓછા પડશે એવું લગતા. 2-3 નશેડી માછીઓને એણે રૂપિયાની લાલચે ભેગા લીધા છે."
xxx
ક્રિષ્નને પોતાના સાથીઓને એલર્ટ કર્યા. અને એ લોકો સોસાયટી માંથી બહાર આવ્યા. એ મનોમન ધૂંધવાતો. હતો કેમ કે, એણે પોતાના સાથીઓને આગલી રાત્રે કહ્યું હતું કે મહેરબાની કરીને આજની રાત નશો ના કરતા. કાલે હું તમને શરાબમાં નવડાવીશ. પણ એનો કોઈ એક વફાદાર ચોરી છીપે ક્યાંકથી 2 બોટલ એરેન્જ કરી લાવ્યો અને પછી બધાએ પીવાનું શરૂ કર્યું. ક્રિષ્નને રોકવાની કોશિશ કરી પણ, તનતોડ મહેનત કરનારા અને રોજની નશાની આદત ધરાવનારા મજૂરોને રોકવાનું એનું ગજું ન હતું. છેવટે બધું ઈશ્વરના માથે છોડીને ક્રિષ્નને 2 કલાક સુવા ની કોશિશ કરી પણ નશેડીઓના બબડાટ અને ફાલતુ માં એકમેક પર ચીસાચીસે એને નિરાંતે સુવા ન દીધો. જેમ તેમ સાડા ચાર વાગ્યે બધાને નવેસરથી ઝાઝા રૂપિયાની લાલચ આપીને એણે પોતાની સાથે લીધા અને એ બધાને લઈને બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યો ત્યારે સવા પાંચ વાગ્યા હતા.
xxx
"ચન્દ્રેશન સર, ક્યાં પહોંચ્યા?" કમિશનરે પૂછ્યું.
"બસ મદ્રાસ 8 કિમી બતાવે છે તમારી માહિતી તો પાક્કી છેને?"
"હા તમે જ સાંસદ હતા. અને ભવિષ્યમાં તમે જ સાંસદ રહેશો. પણ આપણો સોદો ન ભૂલતા. 50 રોકડા સાંજે. અને ડી આઇજી રિટાયર્ડ થાય એટલે..."
"હા હવે બધું યાદ છે. સાંજ પહેલા તમે કહેશો એ ખાતામાં 50 ટ્રાન્સફર કરાવી દઈશ. પણ ક્રિષ્નન. સબુતો વળી બેગ અને અન્ના મને મળવા જોઈએ."
"માત્ર 20 મિનિટમાં તમને બધું મળી જશે. હવે તમને અને તમારા માણસોને મારા ડ્રાઈવરો મરીના બીચ થી થોડે દુર ઉતારી દેશે ત્યાં પહોંચી જાવ. બધું ત્યાં તમને મળી જશે. મને ભૂલતા નહિ" કહી કમિશનરે ફોન કટ કર્યો. ત્યાં એના એક સહાયકે આવીને કહ્યું કે ક્રિષ્નન મરીના બીચ જવા નીકળી ગયો છે."
xxx
ગુરુ અન્ના મરીના બીચ પહોંચ્યો ત્યારે 5-40 વાગ્યા હતા. જનરલી ત્યાં વહેલી સવારે નજીક ના રહેવાસીઓ જોગિંગ કરવા કે ચાલવા માટે આવતા હોય છે પણ ગઈ કાલે સ્થાનિક ઓથોરિટીએ બંધ કરેલ રસ્તાઓની વિશે જાણકારી મળતા મોટા ભાગના લોકો આજે આવ્યા ન હતા. અને જે 10-15 લોકો ત્યાં પહોંચ્યા હતા. એમાંથી અમુકને છુપાઈને બેઠેલા પોલીસે ભગાડી મુક્યા હતા. પણ 4-5 અકડુ અને પોતાને કાયદાના જાણકાર સમજતા લોકો ધરાર ત્યાં ચાલવા પહોંચ્યા હતા. કમિશનરને જયારે આ વાત જણાવવામાં આવી ત્યારે એમણે એક કઠોર નિર્ણય લીધો હતો. કે આપણે તો એમને રોકવાની કોશિશ કરી પણ માન્ય નહીં. છતાં એણે છુપાયેલા શાર્પ શુટરોને ફરીથી તાકીદ કરી કે 'જેમના હાથમાં હથિયાર જુઓ એમને જ ઉડાવવાના છે.'
બેગ ઘસડતો ગુરુ અન્ના બીચ પર પહોંચ્યો. રેતીમાં ઘસડાતી બેગના વહીલ કંઈક વિચિત્ર અવાજ ઉત્પન્ન કરતા હતા. એ સિવાય નીરવ શાંતિ હતી. અન્ના એ જોયું તો બીચ લગભગ ખાલી જ હતો. એને જરા આગળ વધતા નાળિયેર વાળા ને શોધવા માંડ્યો બીચ પર 5-7 લોકો ટહેલી રહ્યા હતા, પણ ખાણીપીણીના સ્ટોલ કે જે કિનારા થી થોડે દૂર હતા એ બધા અત્યારે બંધ હતા. આગળ વધતા અન્નાને દૂર એક નાળિયેર વાળો દેખાયો 40-50 નાળિયેર એણે એક ઠેલામાં લગાવ્યા હતા. અને એક જાણે તાજુંજ પેઇન્ટ થયેલું હોય એવું પતરા નું બોર્ડ પણ એણે ઠેલામાં લટકાવ્યું હતું. ‘ક્રિષ્નન અય્યર, નારિયેલ પાણી વાલા' દૂરથી એ બોર્ડ જોઈને ગુરુ અન્નાને ગણપત માંથી ડગમગી ગયેલી શ્રદ્ધા પછી આવી કે ગણપતે સાચુ જ કહ્યું છે. એણે નાળિયેર વાળા તરફ ઝડપથી પગલાં ઉપાડ્યા.
xxx
નાળિયેર પીતા પીતા એણે નાળિયેરવાળાનું નિરીક્ષણ કર્યું. એને સહેજ વહેમ આવ્યો કે 'મેં આને ક્યાંક જોયો છે. પણ ક્યાં?' કઈ યાદ આવતું ન હતું. છેવટે એણે નાળિયેર પૂરું કર્યું અને બાજુમાં રાખેલ કોથળામાં ફેંકતા પૂછ્યું"કઈ બાજુ?" નાળિયેર વાળો જાણે કઈ સમજ્યો ન હોય એમ એની સામે તાકી રહ્યો. "કઈ બાજુ?" ગુરુ અન્નાએ પોતાની બેગ થપથપાવી ફરી પૂછ્યું. અને પછી જાણે એ શું પુછે છે એ સમજ્યો હોય એમ નાળિયેરવાળાએ દૂર ઉભેલા 1 માણસ તરફ આગળી ચીંધી. ગુરુ અન્નાએ જોયું તો ત્યાં શિંગચણાનો ટોકરો ગળામાં ભરાવી ને માથે ફળિયું બાંધીને કોઈ ઉભું હતું. અને એના હાથમાં એક પિંક કલરની સ્કૂલબેગ હતી.
xxx
"મનોજ, બધી તૈયારી બરાબર છે ને? કોઈ સગાવહાલા માં કોઈને કહેવાનું રહી તો નથી જતું ને કામિની વહુ?" કરોડોપતિ કિષ્નચંદજી આજે વહેલી સવારમાં ઉઠીને તૈયારીમાં લાગ્યા હતા. ગઈ કાલે વેવાઈને જ્યાં ઉતારો આપવાનો હતો એ હોટેલ બુક થઈ ગઈ હતી. અને એનાથી થોડે જ દૂર ગ્રેટ ઇન્ડિયા હોટેલના મોટા હોલમાં પોતાની લાડકી દીકરી ની સગાઇ રાખી હતી જીગ્નાની માં ને ઘણી હોંશ હતી પોતાની દીકરીને સાસરે વળાવવાની. પણ કમનસીબે 7-8 મહિના પહેલા માંડ 2-3 દિવસ આવેલા ઝેરી તાવે એમનો જીવ હરિ લીધો હતો. અને જીગ્ના માં વગરની થઇ હતી. પોતાની અત્યંત લાડકી દીકરી પર પણ અમુક જુનવાણી રીતરિવાજો પાળવા માટે કડપ રાખતો એનો બાપ પછી તૂટી ગયો હતો. અને માં વગરની દીકરી માટે જ નહિ ઘરની વહુ માટે પણ. જે ડ્રેસ પહેલા પહેરવાની મનાઈ હતી એ આવતા થયા હતા. અને રૂપિયા વાપરવાની તો પહેલેથી જ છૂટ હતી. કિષ્નચંદજીએ મનોમન નોંધ્યું હતું કે સાસુના ગયા પછી કામિની વહુએ ઘરનો કારભાર બરાબર સાંભળી લીધો છે. ત્યારે એ મનોમન રાજી થઇ ઉઠતા.
"પપ્પાજી, બધું પરફેક્ટ છે. કોઈ ટેન્શન ન લો. હું અને મનોજ જી બધી તૈયારી બરાબર કરી લેશું. આપણા ઘરનું નીચાજોણું થાય એવું જરાય નહિ થવા દઉં." કામિનીએ ચુડીદારની ઓઢણી સહેજ માથે ખેંચતા કહ્યું.
"આજે જીગ્નાની માં જીવતી હોત તો..." બોલતા બોલતા કિષ્નચંદજીની આખો ભરાઈ આવી અને એ સાથે જ મનોજ કામિની અને જીગ્નાની આખો પણ ભીની થઈ ગઈ.
"પપ્પા, એટલે જ કહું છું મારે લગ્ન નથી કરવા." જીગ્ના એ કહ્યું.
"અરે ગાંડી એવું તે કંઈ હોતું હશે, હું ઉપર જઈશ તો તારી માં મારો ટાંટિયો ભાંગી નાખશે. અને એક ખાનગી વાત કરું. કહી કિષ્નચંદજીએ એ સહેજ મરકતા કામિની તરફ જોયું અને ઉમેર્યું. "આ કામિની વહુ પણ કેટલાય દિવસથી મારી અને મનોજની પાછળ પડી છે તને જલ્દીથી અહીંથી વળાવવા. એને ભય છે કે તું જિંદગીભર એની માથે બેસીસ નણંદ બનીને તો?"
"પપ્પાજી તમે અંચઈ કરો છો હો. મને કે દી જીગ્નાબેન કે તમે ભારરૂપ લાગ્યા?' સહેજ રીસાતા અવાજે કામિનીએ કહ્યું.
"ભાભી પપ્પા તો મજાકમાં કહે છે. પણ શું છે કે આખી જિંદગી ઘરમાં મમ્મીથી ડરીને સિરિયસ રહ્યા છે ને. એટલે આજે તમને હડફેટે ચડાવ્યા. ખરાબ ન લગાડતા. તમે તો મારા માર્ગદર્શક છો." હસતા હસતા જીજ્ઞાએ કહ્યું અને બધા એ હાસ્ય માં જોડાયા કિષ્નચંદજીએ પોતાના બંને હાથ લાંબા કરીને જીગ્ના અને કામિનીના માથા પર મુક્યા આવા સમજદાર અને જવાબદાર સંતાનો અને વહુ આપવા બદલ પ્રભુનો આભાર માન્યો.
xxx
ચન્દ્રેશન અને એના માણસો ને લઈને આવેલી કાર મરીના બીચ થી લગભગ 300 મીટર દૂર ઉભી રહી. ત્યાં ચન્દ્રેશને પહેલેથી બોલાવી રાખેલા એના 4 ખાસ માણસો હથિયાર લઈને ઉભા હતા કમિશનરની ગાડી વાળાને વિદાય કરીને ચન્દ્રેશને પોતાના માણસો ને ફરી એક વખત બધી સૂચનાઓ આપી. અને મરીના બીચ પર જવા પોતે આગળ થયો આજુ બાજુની 3-4ગલીમાંથી બીચ પર જવાતું હતું. એને બધી ગલીમાં પોતાના 2-2 માણસોને મોકલ્યા અને મરીના બીચ પહોંચવાનું કહ્યું. પણ એને ખબર ન હતી કે એના પહેલા ગુરુ અન્ના અને ક્રિશ્નનના માણસો પણ એ ગલીઓમાં જ ક્યાંક છુપાયેલા હતા. વળી એને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા ડ્રાઈવરે કમિશનરને ફોનમાં કહ્યું કે "ઓલ ઓકે."
"ડી આઇ જી સર, વી આર રેડી ફોર ઓપરેશન 'ક્લીન મદ્રાસ '" કમિશનરે ડીઆઈજીની રૂમ માં ઘુસતા કહ્યું એજ વખતે એની પાછળ અમ્માએ પણ ડીઆઇજીની રૂમમાં પ્રવેશ કર્યો. એ લોકો સામે સ્મિત કરતા ડીઆઈજી એ કોઈને ફોન પર કહ્યું. “લેટ’સ સ્ટાર્ટ ઓપરેશન ક્લીન મદ્રાસ."
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.