કેન્સર એટલે કેન્સલ નહિ
પ્રિય સખી ડાયરી,
આજે હું તને મારા જ પરિવારના એક સદસ્યની વાત કરવા ઈચ્છું છું. આ વાત જ એવી છે કે, હું બીજા કોઈ વ્યક્તિને કહી શકતી નથી અને તું તો મારી જન્મોજનમની સખી છો એટલે હું તને આ વાત કહું છું અને આ વાત તું જેટલી ગુપ્ત રાખી શકીશ એટલી બીજું કોઈ થોડી રાખી શકવાના છે. તારાં પર મને પૂરેપૂરો ભરોસો છે માટે તને કહું છું.
મારા લગ્નને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. હું મારી સાસરીમાં સારી રીતે સેટ થઈ ગઈ હતી. મે પણ એ લોકોને મનથી અપનાવી લીધા હતાં અને હવે એ લોકોએ પણ મને ખરા હ્રદયથી અપનાવી લીધી હતી અને હવે અમારા પરિવારમાં મારી નણંદના લગ્નની વાતો ચાલી રહી હતી.
લગભગ ત્રણેક છોકરાઓ જોયા પછી એણે એક ડૉક્ટર છોકરો કે જેનું પોતાનું ક્લિનિક હતું એનાં પર પોતાની પસંદગી ઉતારી. બંનેના લગ્ન રંગેચંગે લેવાયા. બધાં ખૂબ જ ખુશ હતા. મારી નણંદની વિદાય થઈ. લગ્ન પછી મારા નણંદ અને નણદોઈ બંને હનીમૂન માટે દુબઈ ગયા હતા અને ત્યાંથી પાછા આવીને પછી એ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. મારી નણંદ પણ હોમિયોપેથીક ડૉક્ટર હતી એટલે એ પણ એના પતિને એમનું ક્લિનિક સંભાળવામાં મદદ કરતી.
એવામાં એક દિવસ એ રોજની જેમ જ અરીસામાં માથું ઓળવી રહી હતી અને એની નજર પોતાના ગળા પર પડી. એને ત્યાં સહેજ ગાંઠ જેવું કંઈ ઉપસી આવ્યું હોય એવું લાગ્યું. પોતે ડૉક્ટર હોવાના લીધે એને આ વાતની ગંભીરતા તરત જ સમજાઈ ગઈ હતી. એણે પોતાના પતિને પોતાની સ્થિતિ વિષે કહ્યું. એની આ વાત સાંભળીને એ પણ થોડા ચિંતિત થઈ ગયા. પણ બંને જણાં ડૉક્ટર હતા એટલે રોગની ગંભીરતા જાણતાં હતા એટલે બંને જણા તપાસ કરાવવા કેન્સર હોસ્પિટલમાં ગયા અને રીપોર્ટ આવતાં ખબર પડી કે, એને પ્રાયમરી સ્ટેજનું હોચકીન્સ લીમ્ફોમાં છે. કે જે લસિકાકણનું કેન્સર છે. અને ડૉક્ટરે એને એમ પણ કહ્યું કે, પહેલાં સ્ટેજનું કેન્સર છે એટલે કીમોથેરાપીથી સારવાર થઈ શકશે. એના સાસરામાં બધાંએ એને ખૂબ હિંમત આપી અને પતિનો સાથ મલતાં એને કેન્સર સામે લડવાની શક્તિ પણ આપી. એણે અમને બધાંને પણ જાણ કરી. અમારા ઘરમાં તો બધા જ સાવ તૂટી પડ્યા હતાં. એમાંય મારા પતિ તો ખાસ. એમને આમ પણ પોતાની બહેન પ્રત્યે સવિશેષ લગાવ હતો. એટલે મારે જ બધાંને હિંમત આપવાની હતી. મેં મારા સાસુ સસરાને સમજાવતાં કહ્યું કે, તમે લોકો ચિંતા ન કરો. આ કંઈ માણસ મરી જાય એવું કેન્સર નથી. અને હવે આજના જમાનામાં આટલી બધી ટેકનોલોજી વિકસિત થઈ ગઈ છે તો કીમોથેરાપીથી એની સારવાર બિલકુલ શક્ય છે અને એ પૂરી રીતે સાજી પણ થઈ જશે. જેમ બાટલા ચડાવતા હોઈએ છીએ એવી જ ટ્રીટમેન્ટ કીમોથેરાપીની હોય છે. કીમોથેરાપી એટલે બીજું કંઈ નહીં પણ એક પ્રકારના બાટલા જ હોય છે જેમાં દવા હોય છે.
અને પછી એની કીમોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલુ થઈ. એની ટ્રીટમેન્ટ દરમિયાન અમારો આખો પરિવાર એના મોરલ સપોર્ટ માટે ત્યાં હાજર રહેતો. એણે પોતાની ટ્રીટમેન્ટ દરમિયાન ખૂબ જ હિંમત રાખી. એને દર્દ તો ઘણું થતું હતું પણ એ હંમેશા પોતાનો ચહેરો હસતો જ રાખતી. બધા જોડે મજાક મસ્તી કરતી. અને એમ કરતા હસતાં હસતાં જ એની ટ્રીટમેન્ટ પુરી થઈ. એના હસતાં ચેહરા એ જ અમને બધાને ખરા અર્થમાં સમજાવ્યું કે, કેન્સર એટલે કેન્સલ નહીં. કેન્સર સામે એણે પોતે જીતીને દેખાડ્યું.