મારી કેટલા વખતથી ભૂતિયા કિલ્લો પર વાર્તા લખવાની ઈચ્છા હતી. અને આજે હું તમારી સામે તે પ્રકારના કિલ્લા પર વાર્તા પ્રસ્તુત કરવા જઈ રહી છું. આશા છે તમને રચના પસંદ આવશે.
રાજસ્થાન ની ધરતી તેના ઇતિહાસ અને તેની કલાકૃતી માટે ખુબ જ જાણીતી છે. ત્યાં જુદા જુદા કિલ્લા, વાવ, મંદિર જેવા ઘણા જાણીતા અજાણ્યા સ્થળો આવેલા છે. આવા એક અજાણ્યા સ્થળ પર પ્રસ્તુત કથા આધારિત છે. તો ચાલો અજાણ્યા, અવાવરું અને ભૂતિયા સ્થળ પર ફરવા માટે અને તેનો ઈતિહાસ જાણવા માટે તૈયાર થઈ જાય....🚅🚅
ભૂતોનો ગઢ
" ઓ આશુ, જલ્દી કરને. કેટલી વાર લગાડીશ તૈયાર થવામાં. " છવ્વીસ વર્ષની છોકરી દરવાજા પાસે ઉભી બૂમાબૂમ કરી રહી હતી.
" હા, મારી રુહી માતા આવી. થોડી વાર તો લાગે ને. મેન્ટલી અને ફિઝીકલી તૈયાર થતા. ડોક્ટર છું, આર્કીયોલોજિસ્ટ નથી. " ગુસ્સામાં રૂમની બહાર નીકળતી આશી બોલી. વલસાડ જેવા સામાન્ય જિલ્લામાં આશી અને રુહાની તિથલ રોડ પર આલીશાન બંગલામાં રહેતા હતા. બંને ભણીગણીને ડૉક્ટર બન્યા હતા. સાથે મોટી હૉસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરતા હતા. રુહાનીને નાનપણથી ફરવાનો અને સાહસનો ભારે શોખ, એટલે ચોમાસું આવે નહી કે ક્યાંકને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી જ દેતી અને હૉસ્પિટલમાંથી એક અઠવાડિયાની રજા લઈ બંને ફરવા નીકળી પડતાં.
એમપણ ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. સૂર્ય પણ ઘણી વખત લુકાછુપીનો ખેલ રમતો હોય છે. પંખીઓ પણ પોતાનો કલરવ કરતા વરસાદમાં ભીંજાતા હોય છે. અને માટીની સુગંધની તો વાત શું પૂછવી..!!! મન અને આત્મા બંનેને ખુશખુશાલ બનાવી દે છે.
આલીશાન બંગલાની આસપાસ સરસ મજાનું નાનકડું ગાર્ડન હતું. જેમાં ભાત ભાતના ફૂલ ઝૂલી રહ્યા હતા. બહાર થોડો ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હતો. બંને ઘર બંધ કરી બહાર નીકળ્યા. જ્યાં પહેલેથી એક ગાડી આવીને ઊભી હતી.
" યાર તને જરા ડર નથી લાગતો? મને તો એટલો બધો ડર લાગે છે કે એમ થઈ છે કે હમણાં આ ટ્રીપ કેન્સલ થઈ જાય તો કેટલું સારું. " ગાડીમાં બેસી આશી બોલી.
" ડર? અમે મને? આશુ... તને ખબર છે ને ડરને હરાવવો મારો શોખ છે અને ટ્રીપ કેન્સલ થવાની વાત તો દૂર રહી." મુસ્કુરાતી રુહાની પોતાના શર્ટનો કોલર ઊંચો કરી બોલી.
" અરે પણ તને ખબર છે ભાનગઢ ફોર્ટને 'ભૂતોના ગઢ' તરીકે ઓળખવામાં આવે છે. અને તારે આવી જગ્યાએ કેમ જવું છે?જ્યાં ભૂતોનો વાસ છે. મને તો એ જ નથી સમજાતું." અકળાતી આશી બોલતા બોલતા ગભરાટને લીધે ધ્રુજી રહી હતી.
" સિરિયસલી? ભૂત? તને ખબર છે આપણે 21st centuryમાં જીવીએ છીએ. મારે એ જ જોવું છે કે ભૂત કેવું હોય? હું નથી માનતી કે ત્યાં કોઈ ભૂત વુત હશે. ભૂતનું નામ લઈ ડાકુઓ લોકોને ડરાવતા હશે બાકી ભૂત જેવું કંઈ નથી હોતું." માથું કુટી રુહાની બોલી. " એક મિનિટ તું આટલી ધ્રૂજે કેમ છે???" આશીને ધ્રુજતા જોઈ રુહાની બોલી.
" અરે યાર ધ્રુજુ નહી તો શું કરું? તારી આરતી ઉતારું? એક તો મને અહીં અંધારાની બીક લાગે છે અને મેડમને તો ભૂતિયા મહેલ જોવા જવું છે." ગુસ્સામાં આશી મોઢું મચકોડી બોલી.
" હે ભગવાન !! ઉઠાલે... ઉઠાલે... મેરે કો નહી ઇસ આશી કો ઉઠાલે....?" આશી તરફ હાથ બતાવી ઉપર જોતી રુહાની બોલી અને પછી હસી પાડી.
" યાર આટલી શું ગભરાઇ છે? યે રુહુ હૈ તો ક્યા ડર હૈ.હું સાથે હોઉં તો ડરની હિંમત નથી કે આપણી નજીક ફરકી શકે." ફિલ્મી અંદાજમાં રુહાની બોલી. પછી આશીને ભેટી પડી.
હા, તેઓ 'ભૂતોના ગઢ'ના નામથી જાણીતો ભાનગઢ મહેલ જોવા જઈ રહ્યા હતા. વાતો વાતોમાં ક્યારે તેઓ રેલ્વે સ્ટેશન પહોંચી ગયા તે ખબર જ ના પડી. ટ્રેનનું રિઝર્વેશન પહેલેથી થઈ ગયું હતું. થોડી વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી એટલે બંને પોતાની સીટ પર ગોઠવાઈ ગયા. થોડી વારમાં ટ્રેન શરૂ થઈ. એક કલાકમાં તો ટ્રેન સુરત સ્ટેશન પર પહોંચી ગઈ. સુરત સ્ટેશનથી તેઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા. ત્યાં ચેકઈન કરી બંને અંદર પ્રવેશ્યા. બંને waiting areaમાં બેસી જયપુરની ફ્લાઇટની રાહ જોવા લાગ્યા. બંનેને કડકડતી ભૂખ લાગી હતી એટલે એરપોર્ટ પરથી જ થોડું ખાવાનું લઈ બંને ખાઈ રહ્યા હતા. ત્યાં જયપુરની ફ્લાઇટના આગમનની જાહેરાત થઈ. બંને ખાઈને પ્લેનમાં ગોઠવાઈ ગયા. બધા પેસેન્જરના આવી જવાથી પ્લેને જયપુર તરફ પ્રયાણ કર્યું. બે કલાકમાં પ્લેને જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું અને થોડી વારમાં તો બંને ચેક આઉટ કરી બહાર નીકળ્યા જ્યાં પહેલેથી એક ડ્રાઇવર રુહાનીના નામની પ્લેટ પકડી ઊભો હતો. બંને તે ગાડીમાં ગોઠવાયા. આજે રાત ઘણી થઈ ગઈ હતી એટલે બંને પહેલાં આરામ કરવાના વિચારથી હોટલ પર પહોંચ્યા. હોટેલના આલીશાન રૂમમાંથી એક રૂમ આશી અને રુહાની માટે બુક કરેલો હતો. બંને જણ ખુબ થાકી ગયા હોવાથી તરત બેડ પર પડ્યા ને ઘસઘસાટ સૂઈ જ ગયા.
બીજા દિવસે સવારે સાત વાગ્યાની આસપાસ રુહાનીની આંખ ખુલી. બાજુમાં નજર કરી તો આશી હજી સૂઈ રહી હતી. બંને આગલા દિવસે એટલા થાકી ગયા હતા કે તેમણે રૂમની શોભા જોઈ જ ન હતી. ડબલ બેડની કોર્નર પર કરેલ કોતરણી સાથે ગોઠવેલ સાઈડ ટેબલ પરની કોતરણી પણ અફલાતૂન હતી. બંને સાઈડ ટેબલ પર નાઈટ લેમ્પ મૂકેલા હતા. જેની પર પણ હલકી કોતરણી કરેલી હતી. બેડની એકદમ સામે લાર્જ સાઇઝનું ટીવી હતું. ઉપર છત પર નાનકડું ઝુમ્મર રૂમની શોભા વધારી રહ્યું હતુ. બેડની એક તરફ કોતરણીવાળા કબાટ હતા જ્યારે બીજી બાજુ ગેલેરી અને બાથરૂમમાં જવા માટેના ડોર હતા. ગેલેરીનો ડોર આખો કાચનો બનેલો હતો. બહારનું રળિયામણું દૃશ્ય જોઈ રુહાની ગેલેરીનો ડોર ખોલી બહાર નીકળી. ગેલેરી પણ ખાસ્સી મોટી હતી. જ્યાં એક સરસ મજાનું ટેબલ ગોઠવેલું હતું અને તેની આસપાસ કોતરણી વાળી બે ચેર પણ ગોઠવેલી હતી. થોડી વાર પહેલા જ વરસાદ ઝાપટું મારી ગયું હતું એટલે વાતાવરણમાં પણ ઠંડી પ્રસરી ગઈ હતી. આખો રૂમ જોઈ રુહાની ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતી રહી. તૈયાર થઈને જ્યારે રુહાની બહાર નીકળી ત્યારે આશી ઉઠી ગઈ હતી. આશી રૂમમાં ન દેખાતા રુહાની ગેલેરીમાં ગઈ જ્યાં આશી બહારનું નયનરમ્ય દ્રશ્ય માણી રહી હતી. બંનેએ થોડી ઔપચારિક વાતો કરીએ પછી આશી ફ્રેશ થવા જતી રહી.
આશી તૈયાર થઈને આવી ત્યાં સુધીમાં નાસ્તો પણ આવી ગયો હતો. બંનેએ સાથે બેસીને નાસ્તો કર્યો પછી તેઓ જયપુર ફરવા નીકળી ગયાં. પિંક સિટીમાં હવામહલ, જંતર મંતર, સિટી પેલેસ, જલમહલ જેવી જાણીતી જગ્યાએ ફરી આવ્યા. બીજી રાત જયપુરમાં ગાળી બંને સવારે મોટી ડુંગરીમાં ગણપતિ બાપાના દ્વારે દર્શન કરવા પહોંચ્યા. ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ લઈ બંને પોતાની સાહસિક સફર પર નીકળી પડ્યા. બાપ્પાના દર્શન કરી બંને બહાર ઉભી ગાડીમાં ગોઠવાયા. ગાડી હવે ધીમે ધીમે અજબગઢ તરફ આગળ વધવા લાગી. આખરે રસ્તામાં જમવા માટેનો બ્રેક લઈ ત્રણ કલાકની મુસાફરી બાદ બંને અજબગઢના દુર્ગ પાસે પહોંચ્યા.
અજબગઢનો દુર્ગ થોડો ઊંચાઈ પર આવેલો છે. જ્યાં જવા માટેનો રસ્તો પથરાડ રસ્તામાંથી થઈને જાય છે. બંને નાની પગદંડી પાસે આવી ઉભા રહ્યા જે અજબગઢના મહેલ સુધી લઈ જતી હતી. બપોરનો સમય હોવા છતાં ત્યાં ફકત પંખીઓનો કલરવ અને પવનમાં ઝૂલતા છોડોનો અવાજ જ સંભળાતો હતો. ગભરાતી આશીએ રુહાનીનો હાથ એકદમ મજબૂત રીતે પકડી લીધો.
" અરે યાર તને આવા અવાવરું કિલ્લા સિવાય બીજું કંઈ ફરવાં માટે ના દેખાયું? " મોઢું બગાડી આશી બોલી. " ઓ મમ્મી મને બચાવી લે. અહી જો ભૂત આવી ગયું તો?" આંખ મીંચી આશી બબડી રહી હતી.
" આશુ , તને કઈ નહિ થાય. અને તમે તો ખબર છે ને? અવાવરું જગ્યાઓ પર જવું મારો શોખ છે. ચાલ હું છું ને તને કઈ નહિ થવા દઉં!!. " રુહાની આશીના હાથ પર હાથ મૂકી પકડ મજબૂત કરી બોલી.
બંનેએ ધીમે ધીમે અજબગઢના મહેલ તરફ પોતાના પગલાં માંડ્યાં. ઝાડી ઝાંખરા અને પથ્થરો પર સાચવીને ચાલીને બંને અજબગઢના કિલ્લા પાસે પહોંચ્યા. લીસ્સા પથ્થર પરથી ચાલતા બંને એક બે વાર સ્લીપ થતાં બચી ગયા હતા અને મહામહેનતે તેઓ અજબગઢના મુખ્ય દરવાજા સુધી પહોંચ્યા. આજુબાજુ દેખાતા ઝરૂખા જેવી રચના પર સુંદર નકશીકામ કરેલું હતું.
📖📖📖
નોંધ: કહેવાય છે કે રાજા માધોસિંહના ત્રણ પુત્રો હતા. સુજાનસિંહ, છત્તર સિંહ, તેજ સિંહ. જેમાંથી છત્તર સિંહના પુત્ર અજબ સિંહ હતા. જેમના દ્વારા આ મહેલનું નિર્માણ ઇસ. 1589 થી ઇસ. 1594 દરમ્યાન કરવામાં આવ્યું હતું.
📖📖📖
આશી અને રુહાની બંને અંદર પહોંચ્યા. એક તરફ હારબંધ કક્ષ હોય તેવું લાગતું હતું. તેની પર સુંદર નકશીકામ કરેલું હતું. આશીનું ધ્યાન બીજી તરફ ગયું.
અનાયાસે તેનાથી " વાહ...!" નો ઉદ્દગાર નીકળી ગયો. આશીનો અવાજ સાંભળી રુહાનીનું ધ્યાન પણ તે તરફ ગયું. તે તરફ પીળા રંગના પથ્થર પર બારીક કોતરણી કરેલી હતી જે તેની શોભામાં વધારો કરતું હતું. અવાવરું બનેલો કિલ્લો આટલા વર્ષો પછી પણ મજબૂતીથી ઉભો હતો સાથે સાથે પ્રાચીન ઇતિહાસની ઝાંખી પણ કરાવતો હતો. બંને તે પીળા પથ્થરો પર કરેલ કોતરણી વાળા રૂમમાં ગયા. વર્ષોથી મહેલ બંધ હોવાને કારણે છત પર ચામાચીડિયાં લટકી રહ્યા હતા. અચાનક ચામાચીડિયાંને જોઈ પહેલા આશી ગભરાઇ ગઇ પણ પછી વધુ ડર ના લાગ્યો. અંદરના ભાગે આજુબાજુની દીવાલો પર સુંદર ઝીણી ઝીણી કોતરણી કરેલી હતી. આશી અને રુહાની બંને મહેલનું નકશીકામ જોઈ છક જ થઈ ગયા. બંને થોડી વારમાં આખા મહેલમાં ફરી વળ્યા. પવન પણ ખુબ ઠંડો વાઈ રહ્યો હતો. જાણે પોતાની હાજરી પણ તે આ મહેલમાં દર્શાવવા માટે મથી રહ્યો હતો.
આખરે સાંજ પડતા બંને નજીકના ગામે ગયા. જે 'ગોલા-કા-બાસ'ના નામથી જાણીતું છે. 'ગોલા-કા-બાસ' એક ગામડું હોવા છતાં ત્યાં ઘણું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. ત્યાં પણ તેમણે એક હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો. બંને તે રૂમ પર પહોંચ્યા. બંને થાકી ગયેલા હોવાથી જમીને થોડી અલપઝલપની વાતો કરી સૂઈ ગયા.
બીજા દિવસની ખુશનૂમા સવાર સાથે આશી અને રુહાનીની આંખ ખુલી. આજે તેમની સાહસિક સફરનો ચોથો દિવસ હતો. આજની રાત તેઓ ભાનગઢ મહેલમાં કાઢવા તૈયાર થયા.
ભાનગઢ જતા પહેલા તેઓ ચાંદ આભાનેરી વાવ જોવા જવાના હતા. એક કલાક ત્રીસ મીનીટની મુસાફરી બાદ તેઓ ચાંદ આભાનેરી વાવ પર પહોંચ્યા. 9મીં શતાબ્દીમાં બનેલી ચાંદ બાવડી આભાનેરી વાવ હજી પણ તેના ઈતિહાસની ઝાંખી કરાવતું હતું. પાણીના સંગ્રહ માટે બનાવેલ આ વાવ કલાકૃતિનો અદ્ભુત નમૂનો પ્રદાન કરતી હતી.
📖📖📖
નોંધ: 9મીં શતાબ્દીમાં બનેલ આ વાવનું નિર્માણ રાજા મિહિર ભોજે કરાવ્યું હતું. જેમને ચાંદના નામથી પણ ઓળખવામાં આવતા હતા. જેથી તેમના નામ પરથી જ આ વાવનું નામ ચાંદ આભાનેરી પડ્યું હતું. જેની ગણના દુનિયાની સૌથી ઊંડી વાવમાં થાય છે. આ વાવ લગભગ 35 મીટર પહોળી છે. અને નીચે સુધી જવા માટે લગભગ 3500 જેટલી સીડીઓ બનાવેલી હતી. 13 માળની આ વાવ લગભગ 100 મીટર જેટલી ઊંડી હતી.
કહેવાય છેકે આ વાવનું નિર્માણ ભૂતો દ્વારા થયેલ છે. છતાં આ વોટર હાર્વેસ્ટિંગનો અદ્ભૂત નમૂનો છે. હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ આ વાવનું પાણી સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે સીમા બનાવે છે.
📖📖📖
" અરે યાર, આ વાવ તો જો ? કેટલી સરસ છે!! અને તેનું નકશીકામ પણ કેટલું સરસ કરવામાં આવ્યું છે!!" આશ્ર્ચર્ય પમાડે તેવી વાવની ઝીણી ડિઝાઇન જોતી આશી બોલી.
" હા, એ વાત તો છે. તને ખબર છે, આ વાવ વાસ્તુશાસ્ત્રનો સૌથી અદ્ભૂત અને ઉત્તમ નમૂનો છે. " એની સાથે સહમત થતી રુહાની બોલી. ઝીણું ઝીણું નકશીકામ અને કલાકૃતિથી મંત્રમુગ્ધ થઇ બંને ક્યાં સુધી વાવમાં ફર્યા.
ત્યાર બાદ સફરનું અંતિમ સ્થળ જોવા માટે નીકળી પડ્યા. છેક દોઢ કલાકની મુસાફરી બાદ તેમની ગાડી ભાનગઢ કિલ્લા સામે ઉભી હતી. બપોરનો સમય હતો. બંનેએ ગાડીમાંથી ઉતરી ભાનગઢ કિલ્લો તરફ પોતાના ડગ માંડ્યા. ભાનગઢ ફોર્ટ સુધી પહોંચવા માટે લગભગ 700 - 800 મીટરનો રસ્તો કાપવાનો હોય છે. રસ્તામાં વચ્ચે ઘણી ખંડેર ઇમારતો હતી જે તે સમયના ઇતિહાસની ઝાંખી કરાવતું હતું. અરવલ્લી પર્વતમાળાની વચ્ચે ઘેરાયેલા ભાનગઢનો કિલ્લો ઘણો દૂર દેખાતો હતો.
" રુહી હજુ કેટલું ચાલવાનું છે? " ચાલતી આશીએ કંટાળીને પૂછ્યું.
" આશી,, જો ત્યાં પેલો ભાનગઢ કિલ્લો દેખાઈ ને આપણે ત્યાં જવાનું છે. " દૂર દેખાતા ભાનગઢના કિલ્લા તરફ આંગળી ચીંધી રુહાની બોલી.
📖📖📖
નોંધ: ઇસ. 1573માં આમેરના રાજા ભગવાનદાસ દ્વારા ભાનગઢ મહેલનું નિર્માણ તેમના નાના દીકરા માધોસિંહ માટે થયું હતું. આ મહેલ અને તેના રાજાઓ 300 વર્ષો સુધી આબાદ રહ્યા હતા. આ મહેલના ભૂતિયા હોવાની પાછળ જુદી જુદી બે લોકકથા પ્રચલિત છે.
📖📖📖
જમણી બાજુએ જૂના મકાનોના ખંડેર અને બીજી બાજુ એક સરખી દુકાનોના ખંડેર પરથી જાણી શકાતું હતું કે વર્ષો પહેલા આ રાજ્ય ખુબ જ મહત્વપૂર્ણ રહ્યું હશે. ચાલતાં ચાલતાં બંને એક વિશાળ વટવૃક્ષ પાસે આવી ઉભા રહ્યા. વર્ષોથી તે ત્યાંજ સ્થિત હોય તેવું તેના મૂળ અને વડવાઈઓ પરથી જણાતું હતું.
" ઓઇઇ રુહી રિસર્ચ સેન્ટર, તે આ ભાનગઢ વિશે કઈ તો જાણકારી લીધી જ હશે ને? તો એના વિશે કઈ જણાવ?" ચાલતી ચાલતી આશી રુહાની તરફ જોઈને બોલી.
" હા , લીધી છે ને. આ મહેલનું ભૂતિયા થવા પાછળ બે લોકકથા પ્રચલિત છે. એક એવી કથા છે કે જ્યારે રાજા મહેલ બનાવતા હતા ત્યારે અહીથી થોડે દૂર બાબા બલુનાથનું પ્રાર્થના સ્થળ હતું. તેના પર મહેલનો પડછાયો ના પડવો જોઇએ તેવું બાબાએ વચન માંગ્યું હતું. પણ કહેવાય છે કે જ્યારે ભાનગઢનો કિલ્લો તૈયાર થયો તો મહેલનો પડછાયો બાબા બલુનાથના પ્રાર્થના સ્થળ પર પડ્યો અને ગુસ્સે ભરાઈ બાબા બાલુનાથે રાજાને શ્રાપ આપ્યો કે આ રાજ્ય નાશ થશે." લોકકથા જણાવતી રુહાની બોલી. ત્યાં સુધીમાં તેઓ કિલ્લાના મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયા હતા. બંને અંદર પ્રવેશ્યા. અંદર થોડું ખુલ્લું મેદાન જેવું હતું. જેની આસપાસ ચાર જુદા જુદા પ્રાચીન સમયના મંદિરો હતા.
" અરે યાર, આ મંદિરો પર કેટલું સુંદર નક્શીકામ કરેલું છે. " આશી પોતાનાથી થોડે દૂર સ્થિત મંદિર તરફ આંગળી ચીંધી બોલી.
" એમાંથી એક મંદિરનું નામ સોમેશ્વર, બીજું ગોપીનાથ, ત્રીજું મંગલાદેવી અને ચોથું કેશવરાયનું મંદિર છે. " રુહાની આશી તરફ જોઈને બોલી. બંને ત્યાંથી આગળ વધ્યા.
" અરે હા, હવે બીજી વાર્તા શું છે એ તો કહે? " ચાલતાં ચાલતાં ઉત્સાહી થતી આશીએ પૂછ્યું.
" હા મારી મા, કહું છું. બીજી વાર્તા એવી છે કે અહીં એક રાજકુમારી રત્નાવતી રહેતી હતી. જે ખુબ રૂપવાન હતી. જુદા જુદા રાજ્યોથી જુદા જુદા રાજકુમારના તેના માટે માંગા આવતા હતા. તે સમયે સિંધુ સેવડા નામના એક તાંત્રિકને તેની સાથે વિવાહ કરવાનું મન થયું. એટલે તેણે પોતાના તંત્ર મંત્રના પ્રયોગ દ્વારા ઇત્તરની બોટલ પર વશીકરણનું જાદુ કરી રાજકુમારી પાસે મોકલાવ્યું. આ ષડયંત્રની રાજકુમારીને ખબર પડી જતાં તેમણે તે બોટલ ફેંકી દીધી. પણ તે બોટલ એક મોટા પથ્થર પર જઈને ફૂટી ગઈ અને એની અંદર રહેલું ઈત્તર તે પથ્થર પર ઢોળાઇ ગયું. જાદુની અસરને કારણે તે પથ્થર સિંધુ સેવડાં તરફ ખેંચાયો અને તે પથ્થરની નીચે કચડાઇ જવાને કારણે તેનું મૃત્યુ થયું. પણ મારતાં પહેલા તેમણે ભાનગઢને શ્રાપ આપ્યો કે ભાનગઢનો નાશ થશે અને તેઓની આત્મા રાતના સમયે આ મહેલમાં ભટકશે. ત્યાર પછી થોડા વખત બાદ ભાનગઢ પર હુમલો થયો અને આખું ભાનગઢ તેમાં નાશ પામ્યું અને ત્યારથી આ મહેલ ' ભૂતોના ગઢ ' ના નામથી જાણીતો બન્યો. " રુહાની ભાનગઢનો ઈતિહાસ જણાવતા બોલી. આશી તેને ધ્યાનથી સાંભળી રહી હતી.
બંને વાતો કરતા કરતા આગળ વધી રહ્યા હતા. વચ્ચે એક ઢાળવાળો રસ્તો આવ્યો જેના પરથી જાણી શકાતું હતું કે ભાનગઢનો કિલ્લો પહાડ પર બનેલો હશે. બંને લોખંડના મુખ્ય ગેટથી અંદર દાખલ થયા. અંદરથી મહેલ ખુબ જ મોટો હતો. સામે જુદા જુદા એવા ઘણા રૂમ દેખાતા હતા. એક તરફ ખંડેર થયેલ ઇમારતના ટુકડાનો ઢગલો કરેલો હતો. બંને ઉપરના ભાગે ગયા જ્યાં બધા રૂમ બનાવેલા હતા. દરેક રૂમમાં સાવ અંધારું હતું. એ બધું જોઈ બંને હજી ઉપર ગયા. ઉપરના ભાગે સફેદ આરસપહાણનાં પથ્થરો પર ઝીણું ઝીણું સુંદર નકશીકામ કરેલું હતું. થોડા આગળ જઈ તેમને મહારાણી રત્નાવતીનું મંદિર દેખાયું જેની બહાર માતાજીની નારંગી રંગની ધજા લહેરાઈ રહી હતી. તે મંદિરમાં પણ ખુબ જ સુંદર કોતરણી કરેલી હતી. બંને ક્યાં સુધી ભાનગઢ કિલ્લામાં ફર્યા. સાંજ પણ પડી ગઈ હતી. બધા ટુરિસ્ટ પણ ધીમે ધીમે બહાર નીકળી રહ્યા હતા.
" રુહી મને ખૂબ બીક લાગે છે. યાર રાતના રોકવાની જિદ્દ ના કર, પ્લીઝ..." ગભરાતી આશીએ રુહાનીને કહ્યું. રુહાની હજી કઈ જવાબ આપે તે પહેલાં એક રૂમમાંથી ઝાંઝરનો અવાજ સંભળાયો. આશી તો તે સાંભળી સૂકા પાંદડાની જેમ ધ્રુજી રહી હતી. અત્યાર સુધીમાં લગભગ આખો ભાનગઢ કિલ્લો ખાલી થઈ ગયો હતો. ઝાંઝરનો અવાજ સાંભળી રુહાનીના શરીરમાંથી પણ ભયનું લખલખું પસાર થઈ ગયું. બંને બહાર નીકળી ગયા. ત્યાં એક વખત રુહાનીએ પાછળ ફરીને જોયું તો આછા પ્રકાશમાં કોઈ કિલ્લામાં દોડતું દેખાયું. બંને ફટાફટ ત્યાંથી નીકળી ગયા અને ગાડીમાં ગોઠવાઈ ગયા. બંને થોડી વારમાં હોટેલ પહોંચ્યા. બીજા દિવસે ઘરે પાછા જવાનું હોવાથી બંનેએ પોતપોતાની બેગ પેક કરી અને પછી સૂઈ ગયા. બીજા દિવસે નિયત સમયે બંને ઉઠી ગયાં. રુહાનીને સતત કોઈનો સાથે હોવાનો અહેસાસ થતો હતો, પણ પછી ભ્રમ હશે એમ વિચારી તેની અવગણના કરી. થોડી વાર બાદ બંને તૈયાર થઈ જયપુર જવા નીકળી પડ્યા. ભાનગઢ જેવો ભૂતિયા કિલ્લો ધરાવતી અલવરની ધરતીને તેમણે સહર્ષ અલવિદા કહ્યું.
બે કલાકને અંતે તેઓ જયપુર પહોંચ્યા. થોડો ડરામણો અને થોડો સુંદર અનુભવ બાદ બંનેના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી. મહાદેવના મંદિરે દર્શન કરી બંને જયપુર એરપોર્ટ પર પહોંચ્યા. ત્યાંથી ફ્લાઇટમાં સુરત અને સુરતથી બાય ટ્રેન વલસાડ પહોંચ્યા. એક દિવસમાં પાંચ દિવસનો થાક ઉતરી બંને બીજા દિવસથી ફરી હૉસ્પિટલમાં કામે લાગી ગયા. આમ તેઓનું સાહસિક વિકેન્ડ પૂરું થયું અને ફરી પાછા બંને પોતાના જીવનમાં જોડાઈ ગયા.
( સમાપ્ત )
📖📖📖
પ્રસ્તુત કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે.તે વાસ્તવિક જીવન, વ્યક્તિ, સમાજ કે સ્થળ સાથે કોઈ સંબંધ નથી.
આશા છે તમને મારી રચના પસંદ આવશે. તમારા અભિપ્રાય જરૂરથી જણાવજો અને રેટિંગ આપવાનું ભૂલતા નહિ. તમારા અમૂલ્ય અભિપ્રાયથી મને આગળ લખવાની પ્રેરણા મળે છે.