આગગાડી એક રાક્ષસી ઇમારત સામે વિશાળ મેદાનમાં ઊભી રહી. એ ઇમારતનું બાંધકામ અલગ શૈલીનું હતું. તેની દીવાલો પથ્થરના મોટા મોટા ચોસલા ચણીને તૈયાર કરેલી હતી. તેની બારીઓ અને દરવાજા કમાન આકારના હતા. કમાન આકારના વક્રભાગ પર પથ્થરમાં કોતરણી કરી તોરણ બનાવેલા હતા. ઇમારત બહુમાળી નહોતી. તેનો ઉપરનો ભાગ ઘૂમ્મટ આકારે ચણેલો હતો. ઘૂમ્મટનો ટોચનો ભાગ અણીદાર હતો અને તેના પર ત્રિકોણાકાર વાવટો ફરકતો હતો. ગુરૂ જગમાલે વિરાટને દીવાલ પારના ઘણા કાયદા સમજાવ્યા હતા એ મુજબ જ વાવટો લાલ રંગનો હતો અને તેના પર કાળા રંગે ઘુવડ ચીતરેલું હતું.
દીવાલના પથ્થરો સમય અને ઘસારાને લીધે પીળા પડી ગયા હતા. અમુક અમુક પથ્થરો પર તીરાડો હતી. વિરાટે આજ સુધીમાં જોયેલી એ સૌથી જૂની ઇમારત હતી. એ પ્રલય પહેલા બની હશે એમ તેને લાગ્યું.
“અનુભવીઓ.” કારનો દરવાજો ખોલી પેલો યુવાન નિર્ભય સિપાહી અંદર દાખલ થયો જેણે વિરાટને પાણીની મશક આપી હતી, “બિનઅનુભવી યુવકોની દોરવણી કરો.”
બધાએ હાથ ઊંચા કરી સહમતી દર્શાવી એટલે યુવાન સિપાહીએ કારના ટર્મિનસ ઇમારત તરફના બધા દરવાજા ખોલ્યા. નીરદે તેનો સીટપટ્ટો ખોલ્યો અને ઓજારોનો નાનકડો થેલો હાથમાં લીધો. વિરાટ ઊભો થયો અને તેનો ભારે થેલો લઈ તેના પિતા સાથે દરવાજા બહાર નીકળ્યો.
કાર ખાલી થતાં પાંચેક મિનિટ જેટલો સમય થયો કેમકે બધાએ નિયમસર એક પછી એક ઉતરવાનું હતું. એ પણ વ્યવસ્થાનો એક ભાગ હતો. વિરાટે બધા શૂન્યો બહાર આવ્યા ત્યાં સુધી જોયું કે બાકીના કાર પણ એ જ રીતે નિયમસર ખાલી થયા. એકવાર શૂન્યો કાર બહાર નીકળી ગયા એટલે નિર્ભય સિપાહીઓએ પોત પોતાની કારના દરવાજા બંધ કરી દીધા.
બસો જેટલા શૂન્યનો કાફલો ટર્મિનસ ઇમારત સામે વિશાળ મેદાનના મધ્યમાં ઊભો રહ્યો. આ મેદાન દીવાલ પારના મેદાન જેમ રેતીને બદલે પથ્થરના બ્લોક ગોઠવીને બનાવાયું હતું. યુવક-યુવતીઓ નવાઈથી ટર્મિનસ ઇમારતને જોતાં હતા. તેમના ચાલવાને લીધે તેમના જોડાનો એ તળિયાના પથ્થર પર વિચિત્ર અવાજ થતો હતો.
નિર્ભય સિપાહીઓ કારના દરવાજા બંધ કરી મેદાનમાં તેમની નજીક એક નાના ટોળામાં વર્તુળાકારે ગોઠવાઈ ઊભા રહ્યા. ટર્મિનસ ઇમારત કરતાં પણ તેમનું ધ્યાન એમના ટોળાં પર વધુ હતું.
તેમના ટોળામાં લગભગ પંદરેક નિર્ભય સિપાહીઓ હતા. નિર્ભય સેનાનાયક આગળ આવ્યો અને કહ્યું, “ટર્મિનસમાં જાઓ અને આગળની સૂચનાની રાહ જુઓ.”
નીરદ વિરાટનો હાથ પકડી તેને દક્ષિણ તરફ ટર્મિનસ ઇમારત તરફ દોરી ગયા. બધા અનુભવી શૂન્યો પોતાની સાથે પહેલીવાર દીવાલ પાર આવેલા યુવક-યુવતીઓને એ તરફ દોરવા લાગ્યા.
વિરાટ આસપાસનું અવલોકન કરી બધું સમજવા લાગ્યો. એ એક મોટા દરવાજા માર્ગે ઇમારતમાં દાખલ થયા. દરવાજો કમાન આકારનો હતો. દરવાજા પાર એક વિશાળ ગૃહ હતું. લગભગ વેપારીઓના ખેતર જેટલુ વિશાળ ગૃહ વિરાટ પહેલીવાર જોઈ રહ્યો હતો. ગૃહની દીવાલોમાં સો જેટલા અલગ અલગ દરવાજા હતા. તેને નવાઈ લાગી કે એટલા દરવાજા ત્યાં કેમ હશે. ગૃહની ઊંચાઈ પણ ગજબ હતી. એ લગભગ બે માળના બાંધકામ જેટલુ ઊંચુ હતું અને છત પર કોઈ વિચિત્ર ભાષામાં કોતરણી કરેલી હતી. મોટી ફોકસ લાઇટો આખા ગૃહમાં દિવસ જેવુ અજવાળું પાથરતી હતી.
બધા શૂન્યો ગૃહમાં દાખલ થયા એ પછી નિર્ભય સિપાહીઓનું ટોળું અંદર આવ્યું. કદાચ કોઈ બહાર નથી રહી ગયું તેની ખાતરી કરવા એ સૌથી છેલ્લે આવ્યા એમ વિરાટને લાગ્યું. ગૃહ હવે મેદનીથી ઊંભરાતું હતું. અદબથી સૂચનાઓ સાંભળતા શૂન્ય સ્ત્રી, પુરુષો અને યુવક યુવતીઓ, તેમને શું કરવું અને શું ન કરવુંની સૂચનાઓ આપતા નિર્ભય સિપાહીઓ અને તેનો સેનાનાયક ભૈરવ બધા જ એ ગૃહની વિશાળતા સામે મોટા ઓરડામાં ચાલતી કીડીઓ બરાબર હતા. જોકે ગૃહને પણ વિરાટની જેમ જ એ બધી સૂચનાઓ સાંભળવામાં કોઈ રસ ન હતો. વિરાટ અને એ જગ્યા જાણે એકબીજાને જાણવા અને સમજવા મથતા હતા. દીવાલોના પથ્થર પરની કોતરણી અને છત પર વિચિત્ર લખાણ... શું એ પ્રલય પહેલાની કોઈ ભાષા હશે?
વિરાટ એ લખાણ અને કોતરણીમાં એટલો ખોવાઈ ગયો કે તેને માત્ર ભૈરવના છેલ્લા શબ્દો જ ધ્યાનમાં આવ્યા. “અનુભવી શૂન્યો...” તેના અવાજમાં અધિકાર અને કડકાઈ હતી, “બિનઅનુભવી શૂન્યોને કમરામાં લઈ જાઓ. યાદ રહે જરા પણ અવાજ નહીં, બિનજરૂરી કોલાહલ કે અફડાતફડીની આકરી સજા મળશે.”
બધાએ હા કહેવા હાથ ઊંચા કર્યા. નિર્ભય સેનાનાયકે હાથ નીચો કરવા આંખથી ઈશારો કર્યો એટલે બધાએ હાથ નીચા કર્યા અને પોતાની સાથે આવેલા શૂન્યોને લઈને દીવાલમાં જે સો જેટલા દરવાજા હતા એ તરફ ગયા.
વિરાટને હવે સમજાયું. એ બધા દરવાજા અલગ અલગ કમરા હતા. કમરાના બધા દરવાજા મુખ્ય હોલમાં ખૂલતાં એટલે નિર્ભય સિપાહીઓએ એટલા બધા દરવાજાઓ પર નજર રાખવાને બદલે હોલના એક જ દરવાજા પર નજર રાખવાની જરૂર રહેતી. એક વાત તો ચોક્કસ હતી એ લોકો વ્યવસ્થા જાળવવામાં કાબેલ માણસો હતા.
નીરદ વિરાટને મુખ્ય દરવાજાથી બહુ દૂરના કમરામાં લઈ ગયો. એને સમજાયું નહીં કે તેના પિતાએ વચ્ચે આવતા કેટલાય દરવાજાને ધ્યાનમાં ન લેતા કેમ એટલા દૂરનો દરવાજો પસંદ કર્યો. પહેલીવાર વિરાટે તેના પિતાને વિચિત્ર વર્તન કરતાં જોયા. એ કમરા તરફ જતાં હતા ત્યારે નીરદ વારંવાર પાછળ જોતા હતા. જાણે એ ચકાસવા માંગતા હોય કે કોઈ એમને જોઈ તો નથી રહ્યું ને? જાણે કોઈ તેમનો પીછો તો નથી કરી રહ્યું ને? નીરદ વારંવાર પાછળ નજર કરતા હતા. વિરાટ માટે આજે નવાઈનો દિવસ હતો.
બંને એક કમરામાં દાખલ થયા કે તરત જ નીરદે દરવાજો બંધ કરી દીધો. કમરો બહારના ગૃહ જોયા પછી મોટો ન લાગ્યો પણ ખરેખર એ મોટો હતો. એ શૂન્યોની ઝૂંપડીના બે વિભાગ જેટલા કદનો હતો. દીવાલો એકદમ સફેદ રંગે રંગેલી હતી અને જમણી તરફના ખૂણામાં લોખંડનું એક ટેબલ હતું. ડાબી તરફ લોખંડની ઇંગલોનો બનેલો ખાટલો હતો જેના પર ખાસ્સું એવું જાડુ ગાદલું હતું. રૂમને બે બારીઓ હતી. બંને બારીઓ બહારના મેદાનમાં પડતી હતી પણ બંને બારીઓ પર લોખંડના સળિયા લગાવેલા હતા એટલે કોઈ બારી વાટે કમરો છોડી જઈ શકે તેમ નહોતું. કમરામાં છત પર એક દોરડા જેવા વાયર જોડીને બલ્બ લગાવેલો હતો જેનું અજવાળું એ કમરા માટે વધારે પડતું હતું.
એક બારીનો પડદો બંધ હતો પણ બીજી બારીનો પડદો ખુલ્લો હતો અને એક ફડકિયું પણ ખુલ્લુ હતું. બહારનું દૃશ્ય ભલભલાની છાતી બેસાડી નાખે તેવું હતું. બહારના ભાગે ચોમેર ઉજાસ ફેલાયેલો હતો. શૂન્ય લોકો સાચા હતા કે પ્રલય સમયે બાર બાર સૂરજ આકાશમાં એક સાથે દેખાયા હતા. અહીં બહારનું મેદાન ઉજાળવા માટે લગાવેલા ફોક્સ લાઇટો જાણે નાનકડા સૂરજ હોય તેવું અજવાળું કરતાં હતા. જો એ લોકો અજવાળા માટે નાનકડા સૂરજ રાખી શકતા હોય તો લડાઈમાં સાચા સૂરજને બોલાવી શકે એ માની શકાય તેવું હતું.
ટર્મિનસમાં ક્યાય જાણે રાત હતી જ નહીં. બધે દિવસના જેવો ઉજાસ ફેલાયેલો હતો પણ એ ઉજાસમાં જોવા માટે કશું નહોતું. ચારે તરફ એકલતા હતી. લોખંડ, સિમેન્ટ, ક્રોકિટ અને પથ્થર જાણે હવે દુનિયા પર રાજ કરતાં હતા. જ્યાં નજર જાય ત્યાં લોખંડ અને પથ્થરના બાંધકામ હતા. ક્યાક ક્યાક કાચનો ઉપયોગ થયેલો હતો અને એટલે જ બહારનું અજવાળું અનેકગણું વધારે ફેલાતું હતું. કાચ ફોક્સ લાઇટના ઉજાસના અનેક પ્રતિબિંબ રચી તેમના ઉજાસમાં અનેક ગણો વધારો કરતાં હતા.
એ આંખ આંજી નાખે તેવા ઉજાસની પેલે પાર પ્રલયે સદીઓ પહેલા કરેલો વિનાશ નજરે પડતો હતો. ખંડેર ઇમારતો ભૂતિયા અને બિહામણી દેખાતી હતી. એ ઇમારતોમાં હજારો લાખો ભૂત ફરતા હશે અને કદાચ શૂન્યો જે ઇમારતમાં રોકાયા ત્યાં નાનકડા સૂર્ય જેવા ફોકસ લાઇટ ન હોય તો એ ભૂતાવળ છેક ત્યાં પણ આવી પહોચે એવું વિરાટને લાગ્યું. વર્ષો પહેલા એ બધા ખંડેરોમાં તેમના જેવા જીવતા જાગતા માણસો રહેતા હતા. વિરાટે લોકોને તેમના પલંગ પર ઊંઘતા અને ઘરમાં કામ કરતાં હોય તેવું કલ્પનાચિત્ર જોયું પણ એ કલ્પનામા પણ વગર બોલાવેલો મહેમાન બની પ્રલય ઘૂસી આવ્યો. લોકોને એ ઊંઘતા જ ભરખી ગયો હશે. ઘણાને તો ખબર પણ નહીં પડી હોય કે એ પ્રલય નામના કાળનો કોળિયો બની ગયા છે. કે પછી તેમને ખબર પડી હશે? લોકોએ મરતા પહેલા કેવું અનુભવ્યું હશે? કદાચ તેમણે કશું જ ન અનુભવ્યું હોય. આગગાડીમાં નિર્ભય સિપાહીએ નિર્દોષ છોકરીનું ગળું કાપી નાખ્યું ત્યારે છોકરીને ખબર પણ ક્યાં પડી હતી.
એ બંધ કમરો, તેનો ખાટલો અને લોખંડના જૂના ટેબલને જોઈ વિરાટને તેની ઝૂંપડી યાદ આવી. મા શું કરતી હશે? માએ સાંજે ખાધું હશે? ના, માએ નહીં ખાધું હોય. પણ દક્ષા છે ને. દક્ષાએ માને ખવડાવ્યું હશે. દક્ષા નહીં તો કૃપાએ. એ છોકરીઓ માને મારી જેમ જ ચાહે છે. એ માને ભૂખી ન સુવા દે. તેને વિશ્વાસ હતો. દક્ષા લગભગ તો તેની માને તેની ઝૂંપડીએ જ લઈ ગઈ હશે. માએ ત્યાં જ રાત વિતાવી હશે. નીરદ સાથે હતા છતાં તેને મા યાદ આવતા એકલું લાગવા માંડ્યુ. તેની ઝૂંપડીના બંધ દરવાજાની કલ્પના તેના મનને ઉદાસ કરવા લાગી.
દીવાલની પેલે પાર આજે કેટલાય ઝૂંપડાંઓમાં માતાઓ ભૂખી જ સૂઈ રહી હશે. કેટલાય ઝૂંપડાં બહાર ફાનસો નહીં સળગી હોય. કેમ? શૂન્ય લોકોએ ત્યાં હોવું જોઈએ. તેમને દીવાલની એ તરફ હોવું જોઈએ. એ ત્યાનાં હતા. કોઈની પાસે તેમને બળજબરીપૂર્વક કામે લઈ જવાનો હક્ક કઈ રીતે હોઈ શકે? એણે આંખો બંધ કરી. કદાચ આ એક ખરાબ સપનું હોય પણ ફરી આંખો ખોલી ત્યારે એ તે જ પથ્થરના કમરામાં હતો. આસપાસ ક્યાય તેની ઝૂંપડીનું નામોનિશાન નહોતું. એ સપનું નહોતું. એ હકીકત હતી. વિરાટ એ હકીકતને સપનું ન કહી શકયો કેમકે ગુરુ જગમાલ કહેતા કે હકીકતને ન સ્વીકારવી એ તમારા હાથની વાત છે પણ એ ન સ્વીકારવાના પરિણામો તો તમારે સ્વીકારવા જ પડે છે. એ જ સાચો કર્મનો નિયમ છે.
વિરાટ એ જ બંધિયાર કમરામાં હતો. નીરદ તેની બાજુમાં હતા. આસુ હવે રોકી શકાય તેમ નહોતા. વિરાટ છેક આગગાડીમાં એ છોકરીના અપમૃત્યુ સમયે રડવા માંગતો હતો પણ બધા વચ્ચે નહીં. હવે રડવામાં કોઈ વાંધો નહોતો. નીરદે તેને ઘણીવાર રડતો જોયો હતો. તેને આમ પણ તેના લોકો સામે રડવામાં વાંધો નહોતો. આગગાડીમાં એ કોઈ નિર્ભય સિપાહી સામે કમજોરી બતાવવા માંગતો નહોતો. તેણે આંસુને વહેવાની છૂટ આપી.
“તારે રડવું ન જોઈએ.” નીરદે કહ્યું. તેના અવાજ પરથી વિરાટને લાગ્યું જાણે એ છોકરીના અપમૃત્યુની તેના પર કોઈ અસર નહોતી.
“એમણે એને કેમ મારી નાખી?” તેણે આંખો લુછી.
“ખાટલા પર બેસ.” નીરદે કહ્યું. “તારે શાંત રહેવું જોઈએ.”
“મારે નથી બેસવું.” તેણે ગુસ્સાથી કહ્યું. તેનો અવાજ ઉંચો હતો. એ આંખમાં ધસી આવતા આંસુ અને અવાજમાં ભળતા ગુસ્સાને રોકવા અસમર્થ હતો.
“તું આમ ઉતાવળે રાડો પાડીશ તો એ આપણને પણ મારી નાખશે.” નીરદે ધીમા અવાજે તેને સમજાવ્યો.
“નિર્ભય સિપાહીએ એ નિર્દોષ છોકરીને કેમ મારી નાખી?” વિરાટ ખાટલા પર બેઠો. એ ખટલો તેમના વાંસના ખાટલા કરતાં આરામદાયક હતો. તેના પર નરમ ગાદલું હતું. જોકે વિરાટ એ નરમાશ અનુભવી શકે તેમ નહોતો. ગુસ્સાથી તેની છાતીમાં ડૂમો ભરાયો હતો.
તેણે પગ ખાટલા પર લીધા અને હથેળીઓ પાટલુન પર ઘસી કેમકે એ આંસુ લૂછયા ત્યારે ભીની થઈ હતી. એ વિવશ થઈને માથું નમાવીને બેઠો કેમકે જો એણે જરાક વહેલી હિંમત કરી હોત હોત એ છોકરીના અપમૃત્યુને અટકાવી શક્યો હોત.
“નિરાશ ન થા..” નીરદે કહ્યું, “બસ ત્રણ મહિનાની વાત છે એ પછી આપણે ફરી દીવાલની પેલી તરફ આપણા ઝૂંપડમાં જઈશું.”
“હું આ બધુ અટકાવવા માંગુ છું.”
“મને ખબર છે.” નીરદ પાણીનો પ્યાલો લઈ આવ્યા. એ પ્યાલો તેમના વાસણો જેમ માટી, વાંસ કે લાકડાને બદલે લોખંડ જેવી કોઈ ચમકતી ધાતુનો હતો. વિરાટ પ્યાલો હાથમાં લઈ તેને તાકી રહ્યો.
“પાણી પી લે...” નીરદે કહ્યું, “આ બધાનો અંત લાવવા તારે આ બધામાંથી પસાર થવું પડશે. આ બધા દુખ તકલીફો દરેક શૂન્યએ સહન કરવા પડે છે. એ આપણું નસીબ છે. હવે પાણી પી લે તને રાહત થશે...”
“મારે નથી પીવું.” તેનું ગળું જાણે અંદરને અંદર વિલાપ કરવાથી સૂજી ગયું હતું. બોલતી વખતે જાણે ગળાના કાકડા ફૂલી ગયા હોય તેમ બળતરા થતી હતી.
“નિર્ભય સિપાહી માટે કોઈ શૂન્યને મારવું એ હત્યા નથી. એ તેના માટે નિયમોનું પાલન છે.” નીરદે કહ્યું, “હવે પાણી પી લે નહિતર તારું ગળું ફૂલીને દેડકા જેવુ થઈ જશે.”
વિરાટે થૂંક ગટયું. નીરદની વાત બરાબર હતી. એનું ગળું બળતું હતું. બહાર દેખાય એટલો સોજો આવ્યો હતો.
“મને શું થઈ રહ્યું છે?” તેણે પુછ્યું.
ક્રમશ: