Cricket ball in Gujarati Short Stories by પરમાર રોનક books and stories PDF | ક્રિકેટ બોલ

Featured Books
Categories
Share

ક્રિકેટ બોલ

◆ ક્રિકેટ બોલ ◆


દરેક વ્યક્તિ પાસે બે વિકલ્પો હોય છે. તેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો એ તે વ્યક્તિ ઉપર આધાર રાખે છે.


1600 ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કમ્પ, જેને ભારતીયો સરળતા ખાતર અંગ્રેજો કહે છે, તેઓ દરિયાઈ માર્ગ દ્વારા ભારત આવ્યા હતા. અંગ્રેજો આવ્યા તો હતા મરી-મસાલા માટે પણ જતી વખતે તેઓ હીરા-જવાહરાત લેતા ગયા. જેના માટે ભારતીયો આજે પણ અંગ્રેજોને ગાળો આપે છે. પણ એવું જ નથી કે તેઓ બધું લેતા જ ગયા અને કઈ પણ દેતા નથી ગયા. નહિ, તેઓ મહાદાની પણ હતા. તેઓ જતી વખતે ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ મફત દેતા ગયા. તેઓ ભારતને રેલવે દેતા ગયા, જેના દ્વારા આપઘાત કરવું સરળ બન્યું. તેઓ ભારતના યુવાનોને નોકર બનાવવા માટેની શિક્ષણ પદ્ધતિ દેતા ગયા અને સાથો સાથ ભણવા માટે તેઓ ભારતને પોતાના અમૂલ્ય બસો વર્ષેનું ઇતિહાસ પણ દેતા ગયા. આ કારણે પહેલા જે લોકો અંગ્રેજોને ગાળો નહોતા આપતા તેઓ પણ આપવા લાગ્યા. ખરું ને ? પણ એક વસ્તુ જે આવી તો હતી ભારતમાં અંગ્રેજોને કારણે અને તે લોકપ્રિય પણ બની, પરંતુ તેને જોતા વર્તમાનમાં માત્ર ભારત જ નહિ, વિશ્વનું કોઈ પણ દેશ અંગ્રેજોને યાદ કરતું નથી અને તે વસ્તુ છે ક્રિકેટ. જો અંગ્રેજો ભારત ન આવ્યા હોત તો ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ ભારત ન આવી હોત. સમય જતા અને જોત જોતામાં ભારતના લોકોને ક્રિકેટ એટલું પસંદ આવ્યું કે આજે ભારત ક્રિકેટની રમતમાં 'નંબર વન' બની ગયું છે અને એક દેશ જેએ ભારત ઉપર લગભગ બે સદીઓ સુધી રાજ કર્યું, આજે એ જ દેશ ક્રિકેટમાં ભારતથી પાછળ છે. આજે ભારતમાં ક્રિકેટ ગલી-ગલીમાં લોકપ્રિય છે. આજના યુવાનો માટે ક્રિકેટ એક રમતથી વધુ એક ઇમોશન બની ગયું છે.


માધવના ઘરમાં પણ ક્રિકેટની લોકપ્રિયતા કઈ ઓછી ન હતી. તેનો જ્યારે જન્મ થયો ત્યારે તેના પપ્પા અને તેના દાદા હોસ્પિટલમાં ન હતા. કારણ કે ત્યારે ભારતનો ક્રિકેટ મેચ ચાલી રહ્યો હતો અને તેને જોવા માટે બન્ને વડીલો હોસ્પિટલની નજીક રહેતા પોતાના મિત્રના ઘરે ગયા હતા.


2011નો એ આખરી વલ્ડકપ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે હતો. જ્યારે મેચનો છેલ્લો બોલ હતો અને ભારતની હાર લગભગ પાકી જ હતી. ત્યારે બોલર બોલ નાખવા માટે તૈયાર હતો. સામે ધોની પણ પોતાની બધી શક્તિને એકઠી કરીને તૈયાર હતો. બોલર બોલ ફેંકવા માટે પોતાની બધી તાકત લગાવીને ભાગ્યો. ત્યારે જ હોસ્પિટલથી માધવના પપ્પાને ફોન આવ્યો. ફોન પર વાત કરતા કરતા પણ તેની નજર tv પર જ હતી. ફોન પરની વાત પુરી થવાની પહેલા જ માધવના પપ્પાએ ખુશીની ચીસ પાડી, તે ચીસ ધોનીના છકાની હતી. ત્યાર બાદ જ્યારે ફોનની સામે વાળી વ્યક્તિને માધવના જન્મના સમાચાર આપ્યા ત્યારે તેએ પહેલા કરતા પણ વધુ મોટી ખુશીની ચીસ પાડી.


માધવના જીવનમાં નાનપણથી જ ક્રિકેટે પ્રવેશ લઈ લીધો હતો. માધવના વડીલોમાંથી પપ્પા, કાકા, કાકી, મામા, મામી, નાના, દાદા બધા ક્રિકેટને પસંદ કરતા હતા. હા, માધવને એવા વડીલોનો પણ પરિચય હતો જેને ક્રિકેટથી નફરત હતી, જેમ કે માધવની દાદી, નાની અને તેની મમ્મી. પરંતુ તે લોકોનો પ્રભાવ માધવ ઉપર પડતો નહિ.


સમય જતાં, પોતાના વડીલોથી પ્રેરણા લઈને ધીરે ધીરે માધવને પણ ક્રિકેટનો ચસ્કો ચડવા લાગ્યો. આ ચસ્કાની સાથે સાથે તેને તેના પૂજ્ય વડીલો પાસેથી ક્રિકેટનું અમૂલ્ય જ્ઞાન પણ મળવા લાગ્યું અને જોતાને જોતા માધવ પણ વડીલોના 'ક્રિકેટ ફેન ક્લબ'નો સભ્ય બની ગયો. આ પરિવર્તન તરત નહોતું આવ્યું પરંતુ જ્યારે આ પરિવર્તન પૂર્ણ થયું ત્યારે માધવનું ચરિત્ર બદલાઈ ગયું. હવે તે એટલો સક્ષમ બની ગયો હતો કે, તેને ક્રિકેટને લગતી બધી માહિતીઓની જાણ રહેવા લાગી અને હવે તે પોતાનું ક્રિકેટનું જ્ઞાન તેના પૂજ્ય વડીલોને આપવા લાગ્યો હતો.


માધવની ઉંમર હવે 12 વર્ષની થઈ ગઈ હતી અને આ વચ્ચે તેની નાની બહેને પણ જન્મ લીધો હતો.


ગુજરાતના રાજકોટના મેદાનમાં ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટ મેચ થવાનો હતો. એટલે માધવે તેના પપ્પાને ત્યાં જઈને મેચ જોવાની વાત કરી. માધવના પપ્પાને જે જોઈતું હતું તે મળી ગયું. આવી રીતે માધવની જીદને કારણે તેની મમ્મી પણ વિરોધ નહિ કરે અને બન્ને જણા ક્રિકેટ મેચ પણ જોઈ આવશે.


બધું નક્કી કરવામાં આવ્યું અને ટીકીટ પણ બુક કરી લેવામાં આવી. માધવે પણ પોતાના મનપસંદ કપડાં પહેર્યા અને કોઈ રાજકુમારનું રાજ્યાભિષેક થવાનું હોય તે પ્રકારે તે તૈયાર થયો. તેના પપ્પા પણ, કોઈ રાજા જે પોતાના બાળકનું રાજ્યાભિષેક કરવા જઈ રહ્યા હોય તે રીતે તૈયાર થયા. પોતાને મન રાજકુમાર તેવા દીકરા અને રાજા તેવા પતિને જોઈને રાણી તેવી માધવની માતા ચિંતિત થવા લાગી. માધવના પપ્પાએ તેમણે અને માધવની બહેનને આવવા કહ્યું હતું પણ તે બન્નેએ ના પાડી દીધી હતી.


રાત્રે ટ્રેનમાં બેસીને પોરબંદરથી રાજકોટનો પ્રવાસ પૂરો કર્યા બાદ ઉત્સાહી પિતા અને તેનાથી પણ વધુ ઉત્સાહી માધવ રાજકોટની ભૂમિમાં ઉતર્યા.


~~~


માધવના કાકા જામનગર રહેતા હતા. ક્રિકેટ મેચ પૂરો થયા બાદ માધવના પપ્પાએ જામનગર જવાનો નિર્ણય લીધો હતો. જામનગરમાં એક દિવસ રોકાયા બાદ તેઓ પોરબંદર જવાના હતા. રોજકોટથી જામનગરનો પ્રવાસ માધવ અને તેના પપ્પા બસ દ્વારા કરતા હતા. માધવના પપ્પા બસની બારી માંથી રાજકોટની ઉંચી ઉંચી ઇમારતોને જોઈ રહ્યા હતા, જ્યારે માધવ તો બીજી જ દુનિયામાં ખોવાયેલો હતો. તેની આંખો હાથમાં પકડેલા ક્રિકેટના બોલને જ જોઈ રહી હતી.


ટોસ દક્ષિણ આફ્રિકાએ જોત્યો હતો અને તેએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓનો વાળો પૂરો થતાં ભારતનો બેટિંગ કરવાનો વાળો આવ્યો હતો. મહત્વની ચાર વિકેટ વઈ ગઈ હતી. ત્યારે માધવનો ફેવરેટ બેટ્સમેન 'આર. કે.ધોની' બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. માધવ તેના એક એક બોલને ધ્યાનથી જોઈ રહ્યો હતો. જ્યારે ધોનીએ પોતાનો વલ્ડ ફેમસ 'ડ્રેગન શોટ' માર્યો ત્યારે બોલ ઊડતા ઊડતા માધવની નજીક આવ્યો અને અવચેતન મન દ્વારા, માધવને ધ્યાન ન રહે એ રીતે તે ઉભો થયો અને એ બોલ કેચ કરી લીધો. જ્યારે બોલની સપાટી માધવના હાથમાં અથડાઈ ત્યારે તેને ધ્યાન આવ્યું કે તેએ ધોનીનો શોટ કેચ કર્યો હતો. ભારતની જીત બાદ મેચ પૂરો થયો. મેચ પૂરો થતાં ધોનીએ માધવના કેચ કરેલા બોલ ઉપર સિગ્નેચર કરી આપ્યું. આ સાથે તેએ માધવ અને માધવના પપ્પા સાથે ફોટો પણ પડાવ્યો હતો.


બસમાં બેઠેલા માધવને ધોનીના સિગ્નેચર કરેલા બોલને જોતા જોતા ખબર નહિ કેટલો સમય વીતી ગયો હશે. અચાનક તેને કઈ યાદ આવ્યું હોય તે રીતે તેએ પોતાના બેગમાંથી માર્કર કઢી અને ધોનીની સિગ્નેચરની નીચે પોતાની પણ સિગ્નેચર કરી નાખી - 'Madhav'.


'હું પણ ભવિષ્યમાં ધોની જેવો જ એક મોટો ક્રિકેટર બનીશ !' કોઈ પણ જાણ વગર માધવના મનમાં આ વિચાર આવી ગયો અને માધવના ચહેરા પર હલકું સ્મિત છવાઈ ગયું.


~~~


પોતાના કાકા પાસે એક દિવસ રોકાઈને માધવ અને તેના પિતાએ બીજે દિવસે ટ્રેન દ્વારા પોરબંદર જવાનું પસંદ કર્યું હતું.


એ ટ્રેનમાં માધવના હાથમાં તે બોલ જોતા સામે બેઠેલા એક વ્યક્તિએ તેને ઓળખી કાઢ્યો, "તું તો એ જ છોકરો છોને જેએ ધોનીનો ડ્રેગન શોટ કેચ કર્યો હતો. મેં તને tv માં જોયો હતો."


આ સાંભળતા જ માધવની આંખોમાં એક ચમક આવી ગઈ.


"હું પણ ધોનીનો મોટો ફેન છું." એ જ વ્યક્તિએ ઉમેર્યું, "તારી કિસ્મત કેટલી સારી છે કે તું ધોનીથી મળ્યો અને…"


આ બધી વાતો સાંભળતા જ માધવ ભૂતકાળના એ મેચની યાદોમાં ખોવાઈ ગયો.


"માધવ...માધવ…" માધવના પપ્પાએ માધવને વર્તમાનમાં ખેંચતા કહ્યું, "ક્યાં ખોવાઈ ગયો ? બોલ તેમને બતાવ !"


માધવે સામે વાળા વ્યક્તિને બોલ આપ્યો. એ વ્યક્તિએ તે બોલને ધ્યાનથી જોયો અને ધોનીના સિગ્નેચરને સ્પર્શ કર્યો. ત્યાર બાદ અચકાતા મનથી તે વ્યક્તિએ એ બોલ માધવને આપ્યો.


પોરબંદર સ્ટેશને પહોંચતા ટ્રેન ધીરી પડી.


"દાદા ?" જ્યારે માધવ બોલ બેગમાં નાખતો હતો ત્યારે તેએ ટ્રેનની બારીની બહાર તેના દાદાને જોયો, ત્યાર બાદ તેના પિતાથી આગળ કહ્યું, "શું તેઓ આપણા માટે આવ્યા હશે ?"


માધવે તરત બેગની ચેન બંધ કરી અને તે અને તેના પિતા તેના દાદાને મળવા માટે તરત જ ટ્રેનમાંથી બહાર નીકળ્યા.


~~~


માધવના દાદા માધવને અને તેના પિતાને લેવા માટે આવ્યા હતા. જ્યારે દાદાએ માધવને જોયો ત્યારે તેને ગળે લગાવી લીધો. દાદાએ પોતાના પૌત્રને tvમાં જોઈને ઘણી ખુશી અનુભવી હતી. દાદાના મતમુજબ ધોનીનો ડ્રેગન શોટ કેચ કરવો અને ધોનીની સિગ્નેચર મેળવવી કઈ નાની બાબત ન હતી.


"દાદા, હું તમને ધોનીના સિગ્નેચર કરેલો બોલ બતાવું !" માધવે કહ્યું.


"અહીંયા નહિ, માધવ. ઘરે જઈને હું આરામથી એ બોલને જોઇશ." માધવના દાદાએ કહ્યું.


ત્યાર બાદ માધવ, તેના પિતા અને તેના દાદા ક્રિકેટ મેચની જ વાતો કરતા કરતા ઘરે પહોંચ્યા. રસ્તામાં જે કોઈ જાણીતું મળતું તો માધવના દાદા તેને રોકીને એ વાત જણાવતા કે, તેના પૌત્રએ ધોનીનો કેચ પકડ્યો અને બદલામાં ધોનીએ તેને એ બોલ પર પોતાની સિગ્નેચર કરી આપી છે.


આનંદિત દાદાએ ઘરે પહોંચીને જ્યારે માધવને એ બોલ દેખાડવાનું કહ્યું ત્યારે માધવે પોતાના બેગ પર નજર નાખી. તેના બેગની ચેન અડધી ખુલી હતી. એ વાતને અવગણતા જ્યારે તેએ બેગમાં બોલ શોધવાનો પ્રયત્ન કર્યો તો તેને બોલ મળ્યો જ નહીં. માધવે બેગની અંદરનો બધો સામાન બહાર નિકળ્યો પણ બોલ ન મળ્યો.


"શું તે તારા બેગમાં જ બોલ મોકલ્યો હતો ?" દાદાએ પ્રશ્ન કર્યો.


"હા, મને બરોબર યાદ છે. જ્યારે હું મારા બેગમાં બોલ મુકતો હતો ત્યારે જ મારું ધ્યાન બારીની બહાર તમારી ઉપર ગયું હતું." માધવે ચિંતિત ભાવે કહ્યું.


"શું થયું ?" માધવના પિતાએ રૂમમાં પ્રવેશતા પૂછ્યું.


"માધવને તેનો...ધોનીની સિગ્નેચર વાળો બોલ નથી મળતો !" દાદાએ કહ્યું.


આ સાંભળતા માધવના પપ્પા પણ પોતાનું બેગ ખોંલીને જોવા લાગ્યા કે કદાચ તેમાં તો બોલ નથી ને ! ઘણી શોધખોળ કર્યા બાદ પણ બોલ ન મળ્યો. માધવ દુઃખી થઈ ગયો.


રાત પડી ગઈ. જમવાનું બન્યું. પણ માધવે જમવાની મનાઈ કરી દીધી. તે પોતાના જ રૂમમાં બેઠો રહ્યો અને પોતાના જ વિચારોમાં ખોવાયો રહ્યો. તેના કારણે તેના ઘરના અન્ય સભ્યોએ પણ જમ્યુ નહિ.


એકએક કરીને બધા માધવને સમજાવવા ગયા. પહેલા દાદી અને મમ્મીએ જમી લેવાનું કહ્યું. પણ માધવ માન્યો નહિ. ત્યાર બાદ માધવના દાદા અને તેની બહેન પણ માધવને જમવા માટે મનાવવા ગયા, પણ કઈ ફાયદો ન થયો. માધવના પપ્પાએ માધવને મનાવવાની ના પાડી દીધી હતી. આખરે માધવના સિવાય ઘરના બીજા સભ્યોએ જમી લીધું અને સમય થતા સુઈ ગયા. ઘરમાં બધાના રૂમની લાઈટ બંધ હતી, માધવના રૂમને બાદ કરતાં. માધવ પોતાના જ રૂમમાં બેઠો હતો અને કઈ પણ પ્રવૃત્તિ વિના પોતાના જ વિચારોમાં ખોવાયેલો હતો.


અચાનક પ્રકાશમાં માધવના સિવાય કોઈનો પડછાયો દેખાણો, તે માધવના પપ્પા હતા. તેમના હાથમાં જમવા માટેની થાળી હતી જે બિજી થાળી દ્વારા ઢંકાયેલી હતી. માધવના પિતાએ તે થાળીને બાજુના ટેબલ પર મૂકી અને માધવની બાજુમાં બેસી ગયા.


"શું થયું હશે ? કઈ રીતે બોલ તારા બેગમાંથી નિકળી ગયો હશે ?" માધવના પિતાએ પૂછ્યું.


"મને એવું લાગે છે કે…"અચાનક નિર્જીવ વસ્તુમાં પ્રાણ જાગી આવ્યા હોય તેવી રીતે માધવ બોલ્યો, "એ પેલી વ્યક્તિ જેએ ટ્રેનમાં આપણી સાથે મુસાફરી કરી હતી, જેએ મારી પાસેથી બોલ માગ્યો હતો કદાચ તેણે જ બેગમાંથી બોલ કાઢી લીધો હશે."


"અને તને એમ શા માટે લાગે છે ?"


"કારણ કે, ઘરે પહોંચીને મેં જ્યારે બેગને જોયું ત્યારે તેની ચેન ખુલી હતી. મને એવું લાગે છે કે, જ્યારે આપણે ટ્રેનની બારે નિકળતા હતા ત્યારે જ પોતાની ચતુરાઈ દ્વારા તેને મારા બેગની ચેન ખોલી નાખી અને બોલ કાઢી લીધો. જતી વખતે આપણે જલ્દીમાં હતા એટલે કદાચ એ વ્યક્તિ પાસે એટલો સમય ન હતો કે એ મારા બેગની ચેન બંધ કરી શકે."


"હમ્મ…આવું હોઈ શકે છે અને નહિ પણ ! પણ એ બોલને કારણે, તું શા માટે દુઃખી છો ?"


"તમે જાણો જ છો કે," સમય બગડ્યા વગર, પોતાના વિચારોને સ્પષ્ટ રીતે દર્શાવતા માધવે કહ્યું, "મને એક ક્રિકેટર બનવું છે ! ધોનીના જેવો જ ક્રિકેટર ! તમે પણ મને ક્રિકેટર બનવાની પરમિશન આપી દીધી હતી. જ્યારે ધોનીએ તે બોલ ઉપર પોતાના સિગ્નેચર કર્યા ત્યારે મને એવો પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે હું પણ તેના જ જેવો મોટો ક્રિકેટર બનીશ. પણ હવે બોલની સાથે મારો એ વિશ્વાસ પણ એ વ્યક્તિ લઈ ગયો છે."


"શું એ બોલને કારણે જ તારો વિશ્વાસ તારી પર હતો ?" પોતા પિતાની વાતો ન સમજવાને કારણે માધવે મૌન ધર્યું. માધવના પિતાએ આગળ ઉમેર્યું, "મને એ જણાવ કે તે એ બોલને જીત્યો હતો કે એ બોલે તને જીત્યો હતો ?"


માધવે પોતાના પિતાની સામે જોતા કહ્યું, "મેં...મેં એ બોલને જીત્યો હતો !"


"શું તેની પહેલા એ બોલ તારી પાસે હતો ?"


"નહિ !"


"તેમ છતાં તને પોતાના પર વિશ્વાસ હતો. શું પોતાના પરના વિશ્વાસ વગર તું એ ધોનીનો કેચ પકડી શક્યો હોત ?"


"નહિ ! જો મને પોતાની પર વિશ્વાસ જ ન હોત તો હું એ કેચ પકડવા માટે ઉભો પણ ન થઈ શક્યો હોત."


"એટલે કે ત્યારે તારો આત્મવિશ્વાસ તારી અંદર હતો."


"હા !"


"પણ પછી ધોનીના સિગ્નેચર કર્યા બાદ એ આત્મવિશ્વાસ કે તું એક ક્રિકેટર બનીશ, તે એ બોલમાં તે નાખી દીધો."


માધવ આશ્વયને કારણે મૌન રહ્યો.


"આજે બોલ નથી એટલે શું તારો આત્મવિશ્વાસ પણ નથી ? માણસોના વિચારો અને તેની ભાવનાઓ શું કોઈ વસ્તુમાં હોય છે કે પોતાની અંદર હોય છે ?"


"પોતાની અંદર હોય છે."


"તો બસ હવે તો વાત સરળ છે. તારો આત્મવિશ્વાસ ક્યાંય ગયો નથી એ તારી અંદર જ છુપાઈને બેઠો છે, એને જગાડ અને તેને જણાવ કે કોઈ બોલ તારા આત્મવિશ્વાસથી મોટું નથી. એ બોલ હોત તો પણ તું એક મોટો ક્રિકેટર બનતો અને હવે નથી તો પણ તું એક મોટો ક્રિકેટર જ બનીશ. એ વાતનો આધાર તારા આત્મવિશ્વાસ અને તારી મહેનત ઉપર છે ન કે એક સામાન્ય ક્રિકેટ બોલ ઉપર !"


"માધવે તેના પિતા સામે જોતા એક સ્માઈલ કરી.


"જો માધવ, દરેક વ્યક્તિ પાસે બે વિકલ્પો હોય છે. એ વિકલ્પોની પસંદગી દ્વારા જ ભવિષ્ય નક્કી થાય છે. આ બે વિકલ્પો સિવાય આપના હાથમાં કઈ પણ હોતું નથી. જેમ કે, મારા હાથમાં હતું કે, તું તારી મમ્મીથી પ્રેમ કરું અને તેની જ સાથે લગ્ન કરું. જે મેં કર્યું. ત્યાર બાદ તને કે તારી બહેનને જન્મ દેવાનું કામ મારા હાથમાં નહતું, એ તો ડોકટરના હાથમાં હતું. આથી હું ત્યારે આરામથી મારા કામ કરતો હતો. અને આ વિચાર ઉપર માત્ર હું જ ચાલતો નથી, તારા દાદા પણ આ જ વિચારને માને છે. જે તમારા હાથમાં છે તેને સર્વશ્રેષ્ઠ કરો અને જે તમારા હાથમાં નથી તેની ચિંતા ન કરો. અત્યારે બોલ તારી પાસે નથી, તો માની લે કે તે ભગવાન પાસે છે. જ્યારે તેમની ઈચ્છા થશે ત્યારે બોલ પાછો તારી પાસે આવી જશે. એટલે યાદ રાખ જે કે, દરેખ વ્યક્તિ પાસે બે વિકલ્પો હોય જ છે. તારી પાસે પણ છે. કાં તો તે બોલને કારણે તારા બાળપણના સ્વપ્નને ભૂલી જા કે કાં તો બોલને ભૂલીને તારા સ્વપ્ન તરફ પગલાં વધાર."


પોતા પિતાની વાતો સાંભળીને માધવ ઉભો થયો. તેએ ટેબલ પર રાખેલી જમવાની થાળી લીધી અને જમવાનું શરૂ કર્યું.


~~~


આજે એ બધી વાતોને 14 વર્ષ વીતી ગયા છે. માધવની ઉંમર 26 વર્ષની થઈ ગઈ છે. ઘણું બધું બદલાઈ ગયું છે. માધવે પોતાના મનમાં બનાવેલું ભવિષ્યનું ચિત્ર આજે વિખરાઈ ગયું છે.


આજથી 6 વર્ષ પહેલાં, જ્યારે માધવની ઉંમર 20 વર્ષની હતી અને તેનું પૂરું ધ્યાન ક્રિકેટ પર જ હતું ત્યારે એક રોડ એક્સિડન્ટમાં તેના પિતાનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ માધવની માતા અને તેની બહેનની જવાબદારી માધવ ઉપર આવી ગઈ હતી. તે સમયે માધવના દાદા માધવ પાસે આવ્યા હતા.


"ધોનીનો સિગ્નેચર કરેલો બોલ જ્યારે ખોવાઈ ગયો હતો તે સમયે બધાના સુઈ ગયા બાદ તને ફરીથી સમજાવવા માટે હું આવી રહ્યો હતો પણ ત્યારે મેં તારા પપ્પાને આવતા જોયો હતો અને એટલે જ મેં તને સમજાવવાનું ટાળ્યું પણ છુપાઈને મેં તારા અને તારા પપ્પાની વાતો સાંભળી લીધી હતી."


દાદાની આ વાતો સાંભળતા માધવને આશ્વર્ય થયું હતું.


દાદાએ આગળ ઉમેર્યું, "તે દિવસની જેમ જ આજે પણ તારી પાસે બે વિકલ્પો છે. પણ આ વિકલ્પો કઈ નાના નથી. આ બે વિકલ્પોમાંથી તું જે પસંદ કરીશ તેને જ તારે અંત સુધી વળગી રહેવું પડશે. એમાંથી એક વિકલ્પ છે કે તું તારા ક્રિકેટર બનવાના સ્વપ્નને વાસ્તવિકતામાં પૂરું કરવા માટે તારી મમ્મી અને બહેનને ભુલી જા અને સખત મહેનત કરીને ભવિષ્ય બનાવ. કે પછી તારા બાળપણના સ્વપ્નને ભૂલી જઈને વર્તમાનમાં તારા મમ્મી અને બહેનને તારા પપ્પાની યાદ ન આવે તેવું કઈક કર. યાદ રાખ જે કે, તું જે પણ વિકલ્પ પસંદ કરીશ તેમાં મારી સાથે આખું ઘર તારો સાથ આપશે. કાં તો ભવિષ્યને બનાવવા માટે વર્તમાનને હોમી દે કે પછી વર્તમાનને સુંદર બનાવવા માટે ભવિષ્યને હોમી દે. પસંદગી તારી છે !"


ઘણા માનસિક સંઘર્ષો બાદ માધવે વર્તમાનને સુંદર બનાવવા માટે અને મમ્મી-બહેનની ઈચ્છાઓને પુરી કરવા માટે પોતાના ભવિષ્યને હોમી દીધું.


લગભગ 5 વર્ષ અલગ અલગ કામ કર્યા બાદ પણ માધવ ક્યાંય ટકી ન શક્યો. કોઈને કોઈ કારણોને લીધે કાં તો કંપનીવાળા માધવને કાઢી બેઠતા કે પોતે જ કંપનીમાંથી નીકળી જતો. ઘરમાં ખાવા માટેના પૈસા પણ ઘણી મુશ્કેલીથી આવતા હતા. આથી માધવના કાકાએ માધવને જામનગર આવીને કામ કરવાની સલાહ આપી હતી. સલાહને માનીને આજની સવારની ટ્રેનમાંથી માધવ પોરબંદરથી જામનગર જતો હતો. પોરબંદર અને જામનગર વચ્ચેના એક જંગસન (Junction) પર ટ્રેન ઉભી રહી. અચાનક માધવની પાછળથી ક્રિકેટ શીખનાર-વિદ્યાર્થી-ખિલાડીઓ આગળ જવા લાગ્યા. તેઓએ સફેદ રંગના કપડાં પહેર્યા હતા અને ટીશર્ટની પાછળની બાજુએ દરેક ખેલાડીનું નામ લખેલું હતું. તે ખિલાડીઓ માધવની નજીક આવેલા દરવાજાથી બહાર નીકળી રહ્યા હતા. અચાનક એક ખિલાડીના બેગમાંથી બોલ પડ્યો અને તે માધવના પગ પાસે આવીને ઉભો રહી ગયો. આ વાતથી અંજાણ તે ખિલાડી આગળ ચાલતો રહ્યો.


"માનવ !" એ ખિલાડીના ટીશર્ટ પાછળનું નામ વાંચીને માધવે એ ખેલાડીને પોતાની પાસે બોલાવ્યો, "તારો બોલ અહીંયા પડી ગયો છે."


માધવે તે બોલ ઉપાડ્યો અને સ્થબ્ધ રહી ગયો. તે બોલ પર ધોનીની સિગ્નેચર હતી અને તેની નીચે પોતે કરેલી માધવની સિગ્નેચર હતી - 'Madhav'.


માનવ માધવની નજીક આવ્યો અને બોલ લેવા માટે હાથ લાબાવ્યો.


"શું આ બોલ તારો છે ?" માધવે કઈ ઔપચારિકતા કર્યા વગર પોતાના મનનો પ્રશ્ન પૂછી લીધો.


"અં…" માધવના અચાનક આ પ્રશ્નથી માનવને આશ્ચર્ય થયું. પોતાના વિચારોને એકત્ર કરીને માનવે જવાબ આપ્યો, "નહિ ! આ બોલ મારી પહેલા મારા પપ્પાની પાસે હતો. પણ આ બોલ તેમનો પણ નથી. ધોનીની સિગ્નેચરની નીચે જે માધવની સિગ્નેચર છે આ બોલ ખરેખરમાં તેનો જ છે. એક વાર પપ્પાએ મને આખી વાત કહી હતી, જયારે મારા પપ્પા જામનગરથી પોરબંદર જતા હતા ત્યારે તેમની મુલાકાત માધવ સાથે થઈ હતી. પોરબંદર પહોંચ્યા બાદ માધવના બેગમાંથી એ બોલ કદાચ આવી જ રીતે ચેન ખુલી હોવાથી પડી ગયો હશે. મારા પપ્પાએ તે પડી ગયેલો બોલ ઉપાડ્યો અને માધવને આપવા માટે પાછળ ગયા પણ ત્યાં સુધીમાં તો માધવ અદ્રશ્ય થઈ ગયો હતો. મારા પપ્પા એ માધવની જેમ જ ધોનીના મોટા ફેન છે. તેથી તેમને એ માની લીધું કે એ માધવ ભગવાનનો માણસ હતો જેથી ધોનીનો સિગ્નેચર કરેલો બોલ તેમને મળ્યો. ત્યાર બાદ પપ્પાએ આ બોલ મને આપ્યો. મારી માટે આ બોલ 'લકી બોલ' છે. કારણ કે જ્યારે આ બોલ મારી પાસે હોય છે, ત્યારે મારા 100 રન પણ પાક હોય છે. શું તમે આ બોલને પહેલાથી જ ઓળખો છો ?"


"હં…" માનવના પ્રશ્નથી માધવ વિચારમાં પડી ગયો.


ત્યારે જ બહારથી ટ્રેનના હોરનનો અવાજ અંદર આવ્યો.


"મને બોલ આપી દો, મારુ સ્ટેશન છૂટી જશે." માનવે હોરનની અવાજ સાંભળતા તરત જ કહ્યું.


ખચકાતા મન દ્વારા માધવે પોતાનો બોલ માનવની તરફ આગળ વધાર્યો. તેને લેવા માટે માનવે પણ પોતાનો હાથ આગળ વધાર્યો. ઉપર માનવનો હાથ અને નીચે માધવનો હાથ હતો, વચ્ચે ધોનીનો સિગ્નેચર કરેલો બોલ હતો.


અચાનક માધવને ઘડિયાળની ટિક...ટિક…મોટેથી સંભળાવવા લાગી. માનો સમય ધીરો લડી ગયો હોય અને કાળ ચક્રએ પોતાની ગતિ ધીરી પાડી લીધી હોય એવું લાગતું હતું.


પહેલાની જેમ આજે પણ માધવ પાસે બે વિકલ્પો હતા. પહેલો વિકલ્પ એ હતો કે, તે માનવને વાસ્તવિકતા કહ્યા વગર તે બોલ આલી દે. કે પછી બીજો વિકલ્પ પસંદ કરીને માનવને બધી વાતો કહી દે અને બોલ પોતાની પાસે જ રાખી લે. માધવ પોતાના જ વિચારોમાં ખોવાયેલો હતો. કદાચ આ બોલ આવવાથી તેનું જીવન ફરીથી જેવું હતું તેવું થઈ જાય...જો એ બોલ માનવ માટે ખરેખરમાં લકી હોય તો…માધવને કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ ?


■■■