પ્રકરણ ૮
એ જોતાં જ એકક્ષણનાં ય વિલંબ વિનાં અચલે કારનો ડોર ખોલ્યો અને બહાર તરફ છલાંગ મારી દોડ્યો. પણ એનાંથી યે વધુ ત્વરાથી તેણે અચલનો હાથ પકડી લીધો. ખેંચાતાણ થઈ જતાં અચલ હાથ તો છોડાવી શક્યો પણ તેનાં શર્ટની સ્લીવ પરિધિનાં હાથમાં આવી ગઈ. તેણે એ જોરથી ખેંચવાનો પ્રયાસ કર્યોં પણ હવે અચલ વધુ ત્વરાથી ભાગ્યો. અને ખાલી શર્ટની સ્લીવનો ફાટેલો ટુકડો તેનાં હાથમાં રહી ગયો! તે ધૂંધવાઈ ઊઠી. તેની અંદરની પિશાચીવૃતિએ એક તીણી ચીચીયારી નાંખી. અચલ ત્યાં સુધીમાં તો મકાનનાં વરંડાને પસાર કરતો ખુલ્લાં બારણાંમાંથી ઘરમાં પેસી ગયો. હાંફતાંહાંફતાં તેને રૂમની વચોવચ મોટા સીંગલચેર સોફામાં એક પચીસેક વર્ષનો પડછંદ ઘઉંવર્ણો યુવાન એકદમ શાંત ચિત્તે બેઠેલો દેખાયો, અચલની દોટ, હાંફ, ગભરામણ કશાંયેથી વિચલિત થયાં વિનાં! તે અચલની પાછળ જ તીક્ષ્ણ દ્રષ્ટિ નાંખતી, હમણાં જ ફાડી ખાશે તેવાં આવેશ સાથે અંદર ધસી આવી ત્યારે તેના બંને સાઈડનાં બંને દાંત બહાર આવવાં માંડેલાં.
અચલ દોડતોંક છેક પેલાં યુવાનની નજીક પહોંચી ગયો હતો. એની હાંફ હજુ ચાલું હતી. તે તેની લાલ લાલ ચમકતી આંખો પોતાનાં હાથમાંથી ફરી છટકી ગયેલ શિકાર એવાં અચલ પર સ્થિર કરી. પણ પછી તરત જ તેનું ધ્યાન બાજુમાં શાંત બેઠેલાં યુવાન પર ગયું. પેલા યુવાનની શાંત, તદ્દન શાંત પણ તેજથી ભરપૂર નજર સાથે તેની નજર મળી. એક ક્ષણ પહેલાં તો અચલને થયું હતું કે પરિધિ એની સાથે અહીં બેઠેલાં યુવાનને પણ આજે ફાડી ખાશે! હવે આ તેનાં છેલ્લાં શ્વાસ જ રહ્યાં છે. અનાયાસ તેની આંખ સામે માબાપ, ભાઈબહેન બધાંનાં ચહેરાં આવી ગયાં. તેનાં આંતરમને તે બધાંની મનોમન માફી માંગી અંતિમ વિદાય લીધી. તેણે પરિધિનાં પપ્પા અને રિધીમાની અંતિમ ક્ષણો નજરોનજર જોઈ હતી. પોતાનો પણ તે જ અંત છે તેની તેને ખાત્રી થઈ ચુકી હતી. જીવનની અંતિમ ક્ષણો નજીક જોતાં તેને થયું કે પોતે માબાપનું સાંભળ્યું નહીં અને આમાં ક્યાં ફસાયો?! બસ, અચલને એ ખબર નહોતી કે તેનો વારો પહેલો હશે કે પેલાં યુવાનનો?
અચલ તો તેનાં નામથી વિપરીત આખેઆખો વિચલિત થઈ ગયેલો હતો! જ્યારે પેલો યુવાન અચળ બેસી રહ્યો હતો, પાંપણ પણ હલાવ્યાં સિવાય.
તેની અને પેલાં યુવાનની નજર એક થતાં ક્ષણોમાં જ તે જાણે શાંત પડવાં માંડી. તેની અંદર ઊઠેલી પિશાચી ઈચ્છાઓ શાંત થવાં લાગી. આસપાસની દુનિયાનું ભાન પાછું આવવાં માંડ્યું. તે એકીટશે પેલાં યુવાનને જોતી રહી. ધીમેધીમે તેનાં લાંબાં થઈ બહાર નીકળેલાં સાઈડનાં દાંત પાછાં અંદર જતાં રહેવાં માંડ્યાં. તેની આંખોની લાલાશ અને પિશાચી ક્રૂરતાં જતાં રહેતાં તેનાં ચહેરાંની માસુમીયત પાછી આવી ગઈ. તે એક બાજુની ખુરશીમાં ફસડાઈ પડી. આ જોઈ, અચલનાં તો જીવમાં જીવ પાછો આવ્યો જાણે! તે પણ બાજુમાં મુકેલી બીજી એક ખુરશીમાં બેસી ગયો. જો કે, હજુયે અચલનાં હ્રદયનાં ધબકારાં તો નિયમિત થયાં નહોતાં. એ સિવાય રૂમમાં નિરવ શાંતિ હતી.
હવે તેણે ધ્યાનથી રૂમનું નિરીક્ષણ કરવાં માંડ્યું. પેલો યુવાન બેઠો હતો તે સોફા પર ઓમ લખેલી ચાદર પાથરેલી હતી. તેની પાછળ પ્રાચીન સમયનાં કોઈ ઋષિ મુનિનું સમાધિમુદ્રામાં તૈલી ચિત્ર હતું. તેની પાસે અખંડદીપ અને ધૂપ પ્રગટાવેલાં હતાં. તેની અરોમાથી આખાં રૂમનું વાતાવરણ એકદમ મંત્રમુગ્ધ અને સુગંધીદાર હતું, એવું લાગે જાણે કે એક તેજોમય શાંતિનું સામ્રાજ્ય છે! સહેજવારે અચલે ઊભાં થઈ પેલાં યુવાનને બે હાથ જોડ્યાં. અચલને તેમ કરતાં જોઈ તેણે પણ યંત્રવત્ ઊભી થઈ અને બે હાથ જોડ્યાં.
“પ્રણામ મારાં ગુરુને! પ્રણામ ઈશ્વરને!” કહેતાં તે યુવાને બંનેનું બે હાથ જોડી અભિવાદન કરતાં વિગતે વાત કરવાં કહ્યું. તેની પિશાચીવૃતિ જે રીતે અંદર આવતાં જ શાંત થઈ ગઈ અને જે રીતે તેને એક અનોખી શાતાની અનુભૂતિ આ થોડી મીનીટોમાં જ થવાં માંડી તે વિચારતાં તેની બધી આશાઓ જાગી ઊઠી. અચલની વાત ધ્યાનથી સાંભળી તે યુવાને બંનેને ચિંતા ના કરવાં જણાવ્યું.
તે યુવાનનું નામ યોગી ઈશ્વરચંદ હતું. નીતિનિયમથી બધ્ધ એવાં પ્રામાણિક અને સાદગીથી જીવતાં પિતાને કુદરતી રીતે જ આ વિદ્યા અને શક્તિ મળ્યાં હતાં. અને તેમની પાસેથી તેને. આખી જિંદગી તેમણે આ વિદ્યા અને શક્તિથી લોકોની સેવા કરી હતી. ક્યારેય કોઈ પાસે બદલામાં કશું લીધું નહોતું. ખેતી કરી તેઓ પોતાની આજીવિકા રળતાં. માતા થોડાં સમય પહેલાં જ મૃત્યુ પામી અને તરત જ પાછળ થોડાં સમય પછી પિતા સ્વર્ગે સિધાવી ગયાં. બંનેનાં ગયાં પછી યોગી ઈશ્વરચંદે પિતાનું સેવા કાર્ય અને ખેતીનું કામકાજ એ જ પ્રમાણે ચાલુ રાખેલાં. માતાપિતાનાં આશીર્વાદ અને નીતિનિયમોવાળુ પ્રામાણિક જીવન સાથે ઈશ્વરની ભક્તિ, એ બધું તેને લોકોને પિશાચપીડામાંથી મુક્તિ અપાવવામાં સહાયરૂપ થતાં.