પ્રકરણ ૭
તે સ્ત્રી અત્યાર સુધી બહુ સફળ રહી હતી. તે આત્મા અને માણસોનો સંપર્ક કરાવી માણસોના પ્રશ્નોનાં ઉત્તર આપતી કે જે તે આત્માની મુક્તિમાં મદદ કરતી. પણ, આ આત્માની વાત નહોતી. આમાં તો વેમ્પાયર સંકળાયેલાં હતાં. વેમ્પાયર એ એક આખું અલગ જ અસ્તિત્વ હતું, એક અલગ જ એવું વિશ્વ હતું કે જેનો તોડ તેની પાસે નહોતાો. તેને લાગ્યું કે જાણે તેની એકની એક આશાનો દોરો તૂટી ગયો. અને એ આભમાંથી જમીન પર પછડાઈ પડી છે! હતાશાથી તેની આંખમાંથી આંસુ સરવાં લાગ્યાં. ઊભાં થઈને ઘેર પાછાં જવાની હિંમત તેનાંમાં બચી નહોતી. તે ઘૂંટણમાં માથું સંતાડી ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી. અચલ તેની પીઠ પર હાથ પસવારતો આશ્વાસન આપવાં માંડ્યો, પણ તે પોતે જાણતો હતો કે તેનું આશ્વાસન સાવ પોલું છે. ‘હવે શું’ પ્રશ્ન તો તેનાં મનમાં પણ સાપનાં ફણાંની જેમ ઊભો થઈ ગયો હતો. ત્તેમને રૂમમાં દોરી આવનાર સ્ત્રી તેને માટે પાણી લઈ આવી. અચલે તેનાં હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ પરિધિને આપ્યો.
પાણી પી ધ્રુસકાં શાંત થતાં તે સ્વસ્થ થઈ. પેલી સ્ત્રી પાસેથી આવી બાબતોમાં મદદ કરતી બીજી વ્યક્તિની માહિતી લઈ તે અને અચલ ઘરે જવાં નીકળ્યાં. રસ્તામાં જ ગાડી એક બાજુ ઊભી રાખી તેમણે પેલી સ્ત્રીએ આપેલ નંબર પર ફોન જોડ્યો. સદ્નસીબે એ સાંજે જ તરત મળવા જવાનું નક્કી થઈ ગયું. ફરી એકવાર બંનેને થોડી શાતા વળી. એ ઢળતી સાંજે આશાનું એક કિરણ ડૂબી જવાને બદલે પાછું ઊગી નીકળ્યું.
આ વ્યક્તિ જેને મળવાનું હતું તેનું ઘર શહેરથી થોડે દૂર હતું. તેથી બંને જણે રાત્રે ઘરે પાછાં ફરવાનાં મોડું થઈ જશે તેમ પોતપોતાને ઘરે જણાવી દીધું. અચલ હમણાં જ એની સાથે ખૂન કેસમાં ફસાયો હતો એટલે મોડી રાત સુધી એની સાથે બહાર રહે તેવું તેનાં ઘરનાં કોઈને ગમ્યું નહીં. તો તેના પોતાનાં ઘરે પણ તેની મમ્મી અકળાઈ ઊઠી. એક તો પપ્પાનું હમણાં જ મૃત્યુ થયું હતું અને તે પણ ખૂન. તેની ખાસ બહેનપણીનું પણ તો ખૂન થયું હતું! તે માટે તે અને અચલ સામે કેસ નોંધાયો હતો. વળી, ઘરમાં પપ્પાનાં મૃત્યુ માટે શોક પ્રદર્શિત કરવાં આવનારાં મહેમાનોની અવરજવર ચાલુ હતી. પરિધિની ઘરમાં ગેરહાજરી લોકો તરત નોંધતાં હતાં. સતત અણબનાવ બનવાની આશંકા તેમને સતાવ્યાં કરતી. એવે વખતે તેનું મોડી રાત સુધી બહાર રહેવું… તેમને જરાપણ ગમ્યું નહોતું. આટલાં પ્રોબ્લેમ ઓછાં છે કે હજુ તેમાં બીજાં વધારે પ્રોબ્લેમ ઉમેરવાં છે! બંનેનાં ઘરનાંઓનું એકસરખું રીએક્શન હતું. ‘આગળ શું કરીશું’ની ચિંતા, પતિ ગયાંનું દઃખ અને ઉપરથી પરિધિનું ન સમજાય તેવું વર્તન!
તેની મમ્મીને થતું કે પરિધિનાં પપ્પા શું ગયાં, તેમનાં પર આફતોનું આભ તૂટી પડ્યું છે! ઘણીવાર તેમનું અકળાયેલું મન પરિધિને જ બધી મુશ્કેલીઓનું મૂળ માનતું. તે પણ આ વાત અનુભવી શકતી હતી. પોતે પણ તો આવી પડેલી મુશ્કેલીઓ માટે પોતાની જાતને જ જવાબદાર ગણતી હતી ને! વિચારોનાં ઘૂઘવતાં સમુદ્રમાં અટવાતાં તે બંને કેટલે દૂર આવી ગયાં તેનું ધ્યાન ના રહ્યું. રસ્તામાં એક કુતરા જેવું પ્રાણી એક તરફથી બીજી તરફ દોડી જતાં અચલને જોરથી બ્રેક મારી ગાડી ઊભી રાખવી પડી એટલે તે તંદ્રામાંથી સફાળી જાગી ગઈ. આજુબાજુ ચોતરફ ખેતરો અને ઝાડીઓ હતી. રસ્તો પણ બહુ ખરાબ હતો. જ્યાંત્યાંથી તૂટી ગયેલો હતો. બીજા કોઈ વાહનોનું નામનિશાન દૂરદૂર સુધી દેખાતું નહોતું. અંધારાંએ ચોતરફ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું. આવા રસ્તે સ્ટ્રીટ લાઈટ ના હોય તે બહુ સ્વાભાવિક હતું.
‘આ ક્યાં આવી ગયાં’ની આંખમાં પૃછા સાથે તેણે અચલ સામે જોયું. અચલનાં મોં સામે જોતાં તેને સમજાઈ ગયું કે અચલ પોતે પણ જાણતો નથી કે તે લોકો ક્યાં આવી ગયાં છે. બેત્રણ ક્ષણોમાં અચલે જાત સંભાળી લીધી. તેને થયું કે ‘પોતાને સૂઝ નથી પડતી કે ક્યાં આવી ગયાં છીએ’ તે ખબર પડતાં પરિધિ વધારે ગભરાશે. અને એનાથી યે વધારે તો બીક તેને પોતાને પરિધિની લાગતી હતી. આવી અંધારી રાત્રે એકાંતમાં તેનામાં રહેલી પિશાચી વૃત્તિ જાગી જશે અને તેના પર એટેક કરશે તો?! તો તે પોતાની જાતને કેવીરીતે બચાવશે?! સમસ્યાનો હલ શોધવાં જતાં, અથવાં શોધે તે પહેલાં તો તે પોતે જ તેનો ભોગ બની જશે! અને જાતે એક નવી સમસ્યા બની જશે! વળી તેને થયું કે કદાચ તેને બી ગયેલો જોઈ પરિધિની અંદરનો પિશાચ એકદમ જ બેઠો થઈ જશે. તેણે સાંભળેલું કે આવાં તત્ત્વોથી ગભરાઈએ તો એ તત્વો વધારે બિવડાવતાં હોય છે. માટે તેમનાંથી જરાપણ બીવું નહીં. તેમનો હિંમતથી સામનો કરવો. તેને એસી કારમાં પણ પસીનો નીતરી આવ્યો!
અચલે પોતાની જાતને સંભાળી લેતાં તેને કહ્યું કે તે લોકો ગુગલ મેપ પ્રમાણે બરાબર જ આવ્યાં છે. રોડ તો આ જ છે. હવે આટલાંમાં જ ક્યાંક ઘર છે, ખેતરની વચ્ચે. જોઈએ કાંઈ આગળપાછળ ઘરની લાઈટો સળગતી હશે તો દેખાઈ જશે! બંનેએ ગાડીમાં બેઠાંબેઠાં જ ચારેબાજુ દૂરદૂર ધ્યાનથી જોવાં માંડ્યું. દૂર એક ખેતરની વચ્ચે લાઈટો હોય તેવું દેખાયું. અચલે એ લાઈટો સુધી પહોંચવાં ગાડી ચાલુ કરી પણ ત્યારે તેને જાણે એવો ભાસ થયો કે પરિધિની આંખોની કથ્થાઈ કીકીઓની આજુબાજુનાં સફેદ ભાગમાં લાલ લાલ ટશરો ઊપસી આવવાં લાગી છે. અંદરખાનેથી તે વધુ ગભરાયો. ઘડીભર તો તેને થયું કે તે ગાડી છોડીને બહાર દોડવાં માંડે. પણ પાછું તેણે મનને હિંમત રાખવાં ઠપકાર્યું. મનમાં ને મનમાં તે ભગવાનનું નામ લેવાં માંડ્યો. ખાડાટેકરાંવાળો કાચો રસ્તો લઈ તેઓ પેલી દેખાતી લાઈટો પાસે આવી પહોંચ્યાં. ત્યાં બરાબર ઘર તો હતું જ. બહુ નાનું નહીં ને બહુ મોટું નહીં. અંદરબહાર સળગતી લાઈટોનાં અજવાળે રંગરોગાનવાળું સુંદર, નાનકડાં મકાનની અંદર તેની ખુલ્લી ડેલીમાંથી બરોબર જોઈ શકાતું હતું.
ડેલીની અંદરની બાજુએ મકાનનાં ખુલ્લાં બારણાં પાસે અચલે ગાડી ઊભી રાખી પરિધિ સામે જોયું. વરંડાની લાઈટનું અજવાળું સીધું તેના મોં પર પડતું હતું. અને તે અજવાળાંમાં તેની લાલ થઈ ગયેલી આંખો વધુ સ્પષ્ટ દેખાઈ આવી…