History of the Divine Statue of Lord Shankeshwar Parshvanatha Prabhu in Gujarati Spiritual Stories by shreyansh books and stories PDF | શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસ

Featured Books
Categories
Share

શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસ

શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસ

શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો દિવ્ય પ્રભાવ છે. એમની કૃપા જે પામે છે તે ધન્ય બની જાય છે.

જૈનોના અત્યંત પ્રિય પ્રભુજીનું નામ છે 'શ્રી પાર્શ્વનાથ' આ એક એવા પ્રભુજી છે જે ગત ચોવીશીના સમયથી પૂજાય છે.ગત ઉત્સર્પિણી કાળમાં પણ ચોવીસ તીર્થકર ભગવાન થયા, તેમના નવમાં તીર્થકર ભગવાન એટલે શ્રી દામોદર સ્વામી. દેવો અને મનુષ્યો અને પશુઓ સૌ એમને નમે.મધુર અને મહિમાવંતી એમની વાણી. જ્યાં પધારે ત્યાં સૌનું કલ્યાણ કરે. એમનું મુખ નિહાળે તેનું દુ:ખ ટળે, સુખ અને શાંતિ પામે.એકદા, શ્રી દામોદર સ્વામી પાસે એક શ્રાવક આવ્યો, આષાઢી એનું નામ.

એ સમયે આષાઢી ખૂબ ધનાઢય હતો અને ખૂબ ધાર્મિક પણ હતો. તે શ્રી દેવ, ગુરુ ધર્મની ઉપાસના કરતો, માનવતાનાં કાર્યો કરતો, જીવન ઉત્તમ બને તેવું જીવતો હતો. એને હંમેશાં ચિંતા થતી કે 'મારો આત્મા મોક્ષમાં ક્યારે જશે ?' આ ચિંતમાં તે બેચેન રહેતો હતો.

આષાઢી શ્રાવકે જાણ્યું કે શ્રી દામોદરસ્વામી ભગવાન પોતાના નગરમાં પધાર્યા છે ત્યારે તે રાજી થયો. એણે પ્રભુજી પાસે જઈ વંદના કર્યા અને પૂછયું કે,'પ્રભુ ! મારો આત્મા મોક્ષમાં ક્યારે જશે ?' શ્રી દામોદર સ્વામી બોલ્યા,' હે ભાગ્યશાળી, આવતી ચોવીસીમાં શ્રી ઋષભદેવથી માંડીને શ્રી મહાવીરસ્વામી સુધીના તીર્થકર ભગવાન થશે, તેમાંના ૨૩માં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન થશે, તેમના મતે 'આર્યઘોષ'નામે ગણધર બનીને મોક્ષમાં જશો !

આષાઢી શ્રાવકે આ જાણ્યું ને તેની પ્રસન્નતાનો પાર ન રહ્યો.

તેણે પોતાની ભવ્ય હવેલીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બનાવીને પધરાવી. તે દિન-રાત તેનું પૂજન, અર્ચન, આરાધન કરવા માંડયો. હવે તેનું કાર્ય માત્ર ભગવાન પાર્શ્વનાથની આરાધના અને ઉપાસના કરવાનું જ હતું. કહે છે કે આષાઢી શ્રાવક મરીને દેવલોકમાં ગયો. ત્યાં તેને આગલા ભવની સ્મૃતિ થઈ એટલે તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પોતે બનાવેલી પ્રતિમા દેવલોકમાં લઈ ગયો ને તેની ભક્તિભાવથી પૂજા કરવા લાગ્યો. મહાભારત કાળના સમયની વાત છે.

શ્રી કૃષ્ણનું પ્રતાપી શાસન હતું. આ ચોવીશીના ૨૨માં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ યુવાવસ્થામાં હતા. શ્રી કૃષ્ણને થયું કે હવે જરાસંઘ સાથે યુદ્ધ કરવું પડશે. તેમણે બલરામ, અરિષ્ટનેમિને સાથે રાખીને યુદ્ધ છેડયું.

જરાસંઘ તે સમયનો બળિયો અને ક્રૂર રાજા હતો. તે પણ વિશ્વવિજેતા હતો.

દ્વારિકાનગરીના ઇશાન ખૂણામાં યુદ્ધ મંડાયું. વાઢિયાર પ્રદેશની સરસ્વતી નદીનો વિશાળ કિનારો યુદ્ધક્ષેત્ર બની ગયો. આ એક નિર્ણાયક યુદ્ધ હતું. ઘોર સંગ્રામ હતો. જરાસંઘ પાછો પડે તેમ નહોતો. એણે વિદ્યાપ્રયોગ કર્યો. શ્રીકૃષ્ણના સૈન્ય પર 'જરા' નામની વિદ્યા વહેતી મૂકી. આખું સૈન્ય બેહોશ થઈ ગયું.

શ્રીકૃષ્ણ ચિંતામાં ડૂબ્યા. એ સમયે શ્રી અરિષ્ટનેમિએ શ્રીકૃષ્ણે કહ્યું કે,' હે બાંધવ ! આપ ચિંતા ન કરો. જરાસંઘે વિદ્યાપ્રયોગ કર્યો છે. તેણે 'જરા'નામની વિધાર્થી આપણું સૈન્ય બેહોશ કર્યું છે. આ એક કાતિલ વિધા છે. પણ તેનો પણ એક ઉપાય છે. આપ શ્રી પદ્માવતીદેવીની ઉપાસના કરો. અઠ્ઠમ તપની સાધના કરીને શ્રી પદ્માવતી દેવીની આરાધના કરશો એટલે જરૂર પ્રસન્ન થશે. એ સમયે તમે તેમની પાસે રહેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્રીઆષાડી શ્રાવકે ભરાવેરલી પ્રતિમા માંગજો. તેઓ તે તમને આપશે. આ પ્રતિમાની પૂજા આજકાલ શ્રી પદ્મવતીદેવી કરે છે અને આ પ્રતિમા ખૂબ પ્રભાવશાળી છે. આ પ્રતિમાને પ્રક્ષાલ કરશો ને તે જળ સૈન્ય પર છાંટશો એટલે જરા વિદ્યા ભાગી જશે અને સૈન્ય સ્ફૂર્તિ સાથે બેઠું થશે.'

'પણ ત્યાં સુધી યુદ્ધક્ષેત્રનું સંચાલન કોણ કરશે ?'

એ હું કરીશ.' અરિષ્ટનેમિએ કહ્યું, એક પણ જીવની હિંસા કર્યા વિના હું બધું સંભાળી લઈશ. તમે ગુપ્તસ્થાનમાં સાધનામાં બેસી જાઓ.' એમ જ થયું. શ્રીકૃષ્ણ ગુપ્તસ્થાનમાં સાધનામાં બેસી ગયા. શ્રી અરિષ્ટનેમિકુમારે પૂરા કૌશલ્ય સાથે યુદ્ધક્ષેત્રનો મોરચો સંભાળ્યો અને જરાસંગને સહેજ પણ મચક ન આપી. જરાસંઘ પણ આ યુવક પર ખુશ થઈ ગયો. ત્રણ દિવસ પસાર થઈ ગયા.

શ્રીકૃષ્ણની સાધના ફળીભૂત થઈ. શ્રી પદ્માવતીદેવી પ્રસન્ન થયાં અને શ્રીકૃષ્ણની ઇચ્છા મુજબ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અર્પિત કરી.

પ્રાત:કાળ થયો. શ્રીકૃષ્ણે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને અભિષેક કરીને એ પ્રક્ષાલજળ સૈન્ય પર છાંટયું. આખું સૈન્ય આળસ મરડીને બેઠું થઈ ગયું. ફરી ભીષણ યુદ્ધ મંડાયું. જરાસંઘ હણાયો. શ્રીકૃષ્ણનો વિજ્ય થયો.

વિજ્યની એ ક્ષણે શ્રીકૃષ્ણે શંખનાદ કર્યો ત્યાં પછી એક ગામ વસ્યું. તેનું નામ શંખેશ્વર. શ્રીકૃષ્ણે ત્યાં એક ભવ્ય જિનમંદિરનું નિર્માણ કર્યું, અને તેમાં શ્રી પદ્માવતીદેવીએ આપેલી ચમત્કારિક જિનપ્રતિમા સ્થાપી, અને જિનપ્રતિમા તે આજના શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન.