કાંતારા : ફિલ્મ રીવ્યૂ
એક કિલો જુઓ, બે કિલો માણો અને રસ પડે તો પાછું દસ કિલો અનુભવો. આ છે આ ટેકનિકલી મજબૂત ફિલ્મનો ટૂંકો રીવ્યૂ.
માત્ર ભારત નહીં પણ આખી દુનિયાની માનવ સભ્યતાઓમાં અગમ્ય છતાં શક્તિશાળી કે સર્વશક્તિમાન મનાયેલા તત્ત્વને પૂજવાની કે વિનવવાની ક્રિયાઓની ભરમાર છે. જે જેતે પ્રદેશની સંસ્કૃતિનો ભાગ ગણાય છે.
ભારતમાં ભગવાન, દેવ, દેવી વગેરેના વિવિધ સ્વરૂપો ધારવા, માનવા કે પૂજવાની નવાઈ નથી. ઢગલો માનવસમૂહો અને વિશાળ ભૂભાગના કારણે ભારતમાં તો આવી સંસ્કૃતિ કે માનવક્રિયાઓની ભરમાર છે.
આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય જંગલપ્રદેશના એક સમૂહમાં પૂજાતા એક દેવ વિશેની વાત વણી લેવાઈ છે. કે જેઓ તે વિસ્તાર અને લોકોના રક્ષક છે. નામ છે "પંજુરલી દેવ". જેમની સાથે પાછું તેમનું જ ઉગ્ર સ્વરૂપ "ગુલીગા દેવ" પણ અસ્તિત્વ ધરાવે છે અને સમય આવે ત્યારે ઉગ્ર પરચાં પણ બતાવે છે. આ દેવ સાથે વિષ્ણુ ભગવાનના વરાહ અવતાર સાથેનું જોડાણ પણ દર્શાવાયું છે.
વધુ જણાવતા પહેલાં એક પ્રસ્તાવના સમાન જરૂરી ચિંતન: શ્રદ્ધા મોટી કે તર્ક? આ સવાલનો જવાબ કદાચ ક્યારેય નથી મળવાનો. મળે કે ન મળે, ગમે તેટલી માથાકૂટ કરો, ગમે તેટલું વિચારો - છેલ્લે સર્વસ્વીકૃત જવાબ કદાચ એક જ રહેશે. સૌને પોતપોતાની શ્રદ્ધા મુબારક. જ્યાં સુધી અન્યોને બિનજરૂરી નડ્યા વિના પોતાની આસ્થાના વમળમાં ગમે તેટલાં ધૂબાકા મારો, કશું ખોટું નથી. વધુમાં ગમે તેટલા વિવિધ રંગના તર્ક કે આસ્થા કેન્દ્રોના અસ્તિત્વો કે આભાસ - જે ગણો તે, આસપાસ નૃત્ય કરતાં રહે તેને છેવટે સહઅસ્તિત્વના રંગ સમજવા રહ્યાં. જેમાંથી જેને જે રંગ ગમે તે, અને જેટલો ગમે તેટલો પોતાને રંગવા માટે ઉપયોગમાં લઈ શકાય. ઇચ્છા થાય તો ઢગલો કરીને તેમાં આળોટી શકાય કે પછી આખા સ્વિમિંગપૂલમાં નાંખીને પાણી રંગીન બનાવીને તેમાં ધૂબાકા પણ મારી શકાય. બસ, અન્યો પર મંજૂરી વિના છાંટી ન શકાય.
શા માટે આટલી લાંબી અને અટપટી પ્રસ્તાવના? કારણ કે આ ફિલ્મના થતાં વખાણની સામે અમુક સહજ હકીકતો સાથે મનમાં ઉદ્ભવતા તર્કોથી થતી અવઢવની સરળ સમજ માટે ઉપયોગી થાય તેમ છે.
જંગલના વિસ્તારમાં જ ગામ વસાવીને રહેતા સ્થાનિકવાસીઓને તે પ્રદેશના રાજાએ સો એકર જમીન સ્થાનિક દેવની કૃપાથી થયેલ વ્યક્તિગત સુખની અનુભૂતિના બદલામાં દેવ દ્વારા જ સૂચવ્યા મુજબ દાનમાં આપી હતી. આ જમીનના મૂળ મુદ્દાની આજુબાજુ વાર્તા આકાર લે છે. જેમાં રાજાને બદલે જમીનદાર, રાજકારણી, પોલીસ વગેરેની ભૂમિકા આવતી રહે છે. તો બીજીબાજુ સ્થાનિક લોકોની રોજગાર તથા અસ્તિત્વલક્ષી જરુરિયાત મુખ્ય છે. ત્રીજું તત્ત્વ એટલે સ્થાનિક લોકોની આસ્થાનું કેન્દ્ર એવા પંજુરલી દેવ. જે દર વર્ષે "ભૂત કોલા" નામની ખાસ ઉજવણી કે રિવાજમાં કરાતા નૃત્ય વખતે માનવદેહમાં પ્રવેશીને સંદેશ આપતા રહે છે.
ફિલ્મ પ્રથમ દૃષ્ટીએ ગ્રામ્યવિસ્તારની સામાન્ય સમસ્યા સમાન જણાય તેમ છે. શરૂઆતની દસેક મિનિટ બાદ કરો તો તે પછીનો લગભગ અડધા કલાકની વાર્તા પણ સરળ લાગશે, પરંતુ અહીં અમુક દૃશ્યોની ગુણવત્તાથી રસ જળવાઈ રહે છે. જેમાં ફોરેસ્ટ ઓફિસરની એન્ટ્રિ બાદ રસપ્રદ ઘટનાક્રમો બનવા લાગે છે. જેમાં હીરો ધીરેધીરે પ્રેક્ષકો સમક્ષ એક છાપ ઊભી કરતો જાય છે, છતાં સંપૂર્ણ પ્રભાવ તેનો એકલાનો નથી. અડધી ફિલ્મમાં તો ફોરેસ્ટ ઓફિસર તરીકે
ફિલ્મના બીજા ભાગમાં હીરોના ભાગે ઘણી ચાલાકી, દોડધામ, એક્શન વગેરે આવે છે કે જે ફિલ્મને ગતિમાં રાખે છે. ફિલ્મમાં હીરોઇન છે અને તદૃન વાર્તાના પરિવેશ મુજબની. જરાય મસાલા વિનાની. હીરો તથા હીરોઇન વચ્ચેનો સંબંધ પણ જરા રમૂજી રીતે આગળ વધે છે. જેમાં સઘળું સહજ રીતે જ દર્શાવ્યું છે. જોકે હીરોઇનને ચોક્કસથી જરા વધુ પ્રભાવી દર્શાવી શકાઈ હોત.
ફિલ્મની ખાસ બાબત છે કલાઇમેક્સ અને ક્લાઇમેક્સની તીવ્રતાની રાહ જોવા માટે પ્રેક્ષકના મનને જે રીતે આખી ફિલ્મમાં ધીરેધીરે કેળવવામાં આવ્યું છે તે. દેવની દિવ્યતા કહો કે અગોચર ચેતના કહો, તે સતત હીરોના મનને પણ જાણે ખાસ દિવસ માટે મજબૂત બનાવવાનું કામ કરે છે.
દોસ્તી, મનમરજીથી જીવાતું જીવન, બેફિકરાઈ, સહજ પ્રેમ, પ્રેમિકાથી નફરત, પસ્તાવો, ફરીથી મિલન, માલિક સાથે વફાદારી, દેવ તરફથી મળતા અગમ્ય સંદેશના ચમકારા, મિત્રનું મૃત્યુ, કાનભંભેરણી, દગો, બદલાની તૈયારી, રહસ્ય જાણવું, ગુસ્સો, એલાન એ જંગ વગેરે કેટકેટલાં ઘટનાક્રમો બાદ છેવટે હીરોને ક્લાઇમેક્સમાં દિવ્યચેતના સાથે રજૂ કરવામાં આવ્યો છે. એ પણ પાછો બે સ્વરૂપમાં. એક એક્શનરૂપમાં છે તો બીજું અત્યંત ભાવવાહી અને કલાત્મક રૂપ છે. બંને રૂપમાં પ્રેક્ષકો પૂર્ણ રીતે જકડાઈ રહે છે. બસ, આ અનુભવ જ આ ફિલ્મનું ખાસ જમા પાસું છે. જે કલાત્મક રૂપની વાત છે તેમાં પણ એકપણ શબ્દ બોલ્યા વિના માત્ર ઘણાંના હાથ પોતાની છાતી પર મૂકીને હીરોએ દિવ્યચેતનાનો દિવ્ય અને શાંતિનો સકારાત્મક સંદેશ સરસ રીતે આપ્યો છે.
ફિલ્મના જેટલા વખાણ થઈ રહ્યાં છે એટલી જોરદાર, જટિલ કે વળાંકો ધરાવતી વાર્તા નથી. હા, ત્રણેક પાત્રોનો સરસ અભિનય, જંગલ સાથે ઓતપ્રોત ગ્રામ્ય પરિવેશ દર્શાવતાં સુંદર દૃશ્યો, દેવ સંદર્ભે દૈવનર્તકની પરંપરાગત વેશભૂષા, મેકઅપ, નૃત્ય તથા "વો ઓ ઓ ઓ..." મુજબનો રૂંવાડા ધ્રુજાવતો ધ્વનિ, સરળ છતાં મૂળ કથાનકને વળગી રહીને આગળ વધતી સ્ક્રિપ્ટના કારણે પ્રેક્ષક એક જોડાણ જરૂરથી અનુભવે છે. ફિલ્મમાં વચ્ચે વચ્ચે ક્યારેક અલ્પ સમય માટે થોડો કંટાળો પણ આવશે, પરંતુ પેલું દૈવિતત્ત્વ સમયેસમયે કંટાળો ખંખેરતું જ રહેશે.
સરસ કથા, સરસ અભિનય અને ઉત્તમ દૃશ્યોની સાથેસાથે સરસ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક, સચોટ સાઉન્ડ ડિઝાઇન વગેરેમાં કરેલી મહેનતથી ફિલ્મ ટેકનિકલી ઘણી જ મજબૂત બની છે.
આ ફિલ્મથી વધુ એક પ્રતિભાશાળી વ્યક્તિ દેશ આખામાં છવાઈ ગઈ છે. રીશભ શેટ્ટી. તેઓ ફિલ્મના રાઇટર, ડિરેક્ટર અને મુખ્ય અભિનેતા પણ છે. ત્રણેય કામ સુપેરે પાર પાડીને પોતાની પ્રતિભાનો સઘન પરચો આપ્યો છે. આ તેની પ્રથમ ફિલ્મ નથી પરંતુ અત્યારસુધીની સૌથી વધુ સફળ ફિલ્મ છે.
શીર્ષક વિશે: કન્નડમાં કાંતારા શબ્દનો અર્થ રહસ્યમયી જંગલ થાય છે. સાર્થ જોડણીકોશ મુજબ મળતા આવતા "કાંતાર" શબ્દનો અર્થ નિર્જન જંગલ કે દુર્ગમ માર્ગ થાય છે.
હીટ કે પછી...?
સુપરહીટ. મૂળ કન્નડ ભાષામાં માત્ર રૂ. ૧૮ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ રૂ. ૧૮૮ કરોડથી વધુનો વકરો કરી ચૂકી છે અને હજુ આગળ વધી રહી છે.
જોવાય કે પછી...?
ટેકનિકલી સરસ ફિલ્મ જોવાની ઇચ્છા હોય તો હા. એક વ્યક્તિની ત્રણેક કલા માણવી હોય તો હા. ભારતીય લોકકથાઓ કે લોકસંસ્કૃતિનો એક રંગ સરસ ફિલ્મના સ્વરૂપે માણવો હોય તો હા. દિવ્યચેતનાવાળા કન્સેપ્ટ ગમતાં હોય તો હા. ના ગમતા હોય તો એવું વિચારો કે મજબૂત હોરર ફિલ્મ જોવામાં મજા આવે તેમ હોય તો શું તમે ભૂતપ્રેતમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હોવ તો જ જોવી એવું ફરજિયાત થોડું હોય! જેમ હોરર, કોમેડી, રોમાન્સ, થ્રિલર, એક્શન વગેરે ફિલ્મોના પ્રકારો છે તેમ આ પણ એક સ્થાનિક સંસ્કૃતિ દર્શાવતો પ્રકાર સમજવો. જોકે ફિલ્મ આમ તો એક્શન થ્રિલર છે, પણ કથાનો સંદેશ અલગ છે એટલે જરા વિચારતા કરી દેશે. જેમકે, કર્ણાટક સરકારને વિચારતી કરી દીધી અને છેવટે રાજ્યમાં સંસ્કૃતિ સંવર્ધનની દિશામાં વિચારણા કરીને "ભૂત કોલા" રિવાજ કે વિધિમાં ખાસ વેશભૂષા સાથે ભાગ લેતાં ૬૦ વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓ એટલે કે "દૈવનર્તક"ને માસિક રૂ.૨૦૦૦ જેટલું વેતન કે ભથ્થું જાહેર કર્યું છે. ટૂંકમાં ફિલ્મ ચોક્કસ જોવા જેવી છે. સંપૂર્ણ આનંદ માટે થિયેટરમાં.
- © ✍️ હિતેષ પાટડીયા,
તા.૨૫/૧૦/૨૦૨૨.