AVAK - 15 - 16 in Gujarati Travel stories by Dipak Raval books and stories PDF | ‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 15-16

Featured Books
Categories
Share

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 15-16

15

-અમે અહીં શું કરવા આવ્યા છીએ ?

શું દિલ્હીમાં અમે ફેંકવા માગતાં હતાં કે જુઓ માનસરોવર જઈ આવ્યા છીએ ? અમે ક્યાંય રોકાતાં જ નથી. રોજ સવારથી સાંજ સુધી ગાડીમાં બેસી રહો, જેવો કંઈ જોવા-વિચારવાનો સમય આવે કે પાછા નીકળી પડો. એટલી ગંદકી છે અહીંયા કે પહાડ યાદ રહેતાં નથી. ગંદકી આંખોની સામે ફેલાયેલી રહે છે. ચક્કર આવી રહ્યા છે. ઉલટી થતી નથી.....શું અમે અહીં આવીને ઠીક કર્યું ?

સવારે સવારે પંકુલ કહે છે.

આ સાચું તો છે કે આખી રાત હું પણ આ જ વિચારતી રહી છું. મને પણ અજબ ચક્કર આવી રહ્યા છે. સમય પસાર કરવા અમે પાછા બજારની સડક ઉપર આવ્યા છીએ. હજી દુકાનો ખૂલી નથી.

શું કરવું ?

શ્વાસની તકલીફ નથી, વિચિત્ર બેચેની છે. ન બેસવાથી આરામ છે, ન ફરવાથી. પાંજરામાં બંધ જાનવર જેવી સ્થિતિ છે અમારી.

-પાછા જઈએ ?ઘરના શું કહેશે ?

-મારા ઘરમાં તો કોઈ નથી બેઠું.....

તરત મને ધિકકારું છું. કશું યાદ છે, અહીં શું કામ આવી છું ? અત્યારે પણ નિર્મલનું સ્વેટર પહેરી રાખ્યું છે....

-     જુઓ ભાઈ, હવે જેવું છે તેવું, જઈશું તો ખરા.

એકબીજા પાસેથી અમે આ જ સાંભળવા માંગીએ છીએ. મારગમાં અધવચાળે આટલો સંશય ? એક-બીજાને ન કહીએ તો કોને કહીએ ?

રૂપાને કહું છું તો કહે છે, મને તો સવારથી જ આવું જ થઈ રહ્યું છે....

-શું ?

-શંકા થાય છે કે આવીને શું યોગ્ય કર્યું ?

-કમ ઓન રૂપા, એ લોકો તો ભગવાનને માનતા નથી, તું.....

-ખબર છે, મને લાગે છે, ભગવાન જ આપણને સંશયમાં નાખી રહ્યા છે ! એ જ આવી પરીક્ષાઓ લે છે.

બરાબર તો કહી રહી છે.

રણમાં જિસસને શેતાને ઘેર્યા હતા કે નહીં ? જિસસે લાકડી મારી તો સાપ બનીને ભાગ્યો...ટી.એસ.એલિયટની કવિતામાં આવે પણ છે, વર્ડ ઇન ધ ડેઝર્ટ ઇઝ મોસ્ટ એટેક્ડ બાય ટેંપ્ટેશન.....

અમારાં ગૌતમ સિધ્ધાર્થને જ લ્યો. કેવી ભયાનક હતી યુધ્ધની રાત, મારની સાથે. પૃથ્વીને સ્પર્શીને એમણે આ યુધ્ધની સાક્ષી બનાવી તો ધરતી એક તરફ ઝૂકી ગઈ. બીજીવાર સાક્ષી બનાવી તો બીજ બાજુ ઝૂકી ગઈ......

-ઈશ્વર અમારાં મનની પરીક્ષા લઈ લેજો, તનની નહીં. કહું છું.

આમ તો અત્યારે પરીક્ષા અમારાં મનની થઈ રહી છે.

-     અરે આમને શું થયું ?

જોયું, સામેથી રૂપાના બેંગલોરના સાથીઓ આવી રહ્યા છે. ફિલ્મ પ્રોડ્યુસર મોહન અને એક્ટર કોમલ. એ કૈલાસ યાત્રી ઓછા, અંતરિક્ષયાત્રી વધારે લાગી રહ્યા છે. મોટા-મોટા એક ઉપર બીજું પહેરેલા પેન્ટ, વોટરપ્રૂફ ડાઉન જેકેટ, ટોપ, માસ્ક, કાળા ચશ્મા....

પછી ખબર પડી, થોડી ટાઢ તો હતી, થોડી પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી; આટલાં વસ્ત્રો પહેરીને ચાલવાની.....

ઓગણત્રીસ લોકોના ગ્રૂપમાં બેંગલોરવાળાઓની તૈયારી સૌથી જોરદાર છે ! નેપાળમાં પૂરા ત્રીસ હજારની ખરીદી કરી હતી એમણે, આ યાત્રા માટે. રૂપાએ કહ્યું હતું.

મારું શું થશે ? હૃદય અત્યારથી જ બેસી જઈ રહ્યું છે. એક-બીજાની દેખાદેખીથી અમે ગાડીમાં બેસી ગયાં છીએ.

બાકીના ગ્રૂપની શું સ્થિતિ છે ? શું એમને પણ શંકા થઈ હતી ?  

કંઈ ખબર નથી.

16

શું માટીને દળી શકાય ?

ઘંટીમાં નહીં, પવનચક્કીમાં ?

જે રસ્તે અમે જઈ રહ્યાં છીએ, ત્યાંથી પસાર થતી હવા શું વિનાશ કરે છે તે જોઈ શકાય છે. એક તરફ ભૂખરા પહાડ છે, બીજી તરફ રેતીના ઢગલે ઢગલા. માઈલો સુધી ફેલાયેલા. જાણે અમે તિબેટમાં નહીં, રાજસ્થાનમાંથી પસાર થઈ રહ્યાં છીએ.

પહાડથી શક્તિશાળી કોણ ? પવન ! બાળપણમાં વાર્તા વાંચી હતી, પછી ઉંદરડીની ઉંદરડી....

તિબેટીઓ માને છે કે જ્યારે રેતીનો વંટોળ ઉઠે છે, ખરાબ આત્માઓ રમત કરી રહ્યાં હોય છે....ત્રણ બાજુથી રસ્તો બંધ, માત્ર એક બાજુથી તમે નીકળી શકો. રેતી એટલી બારીક છે અને વચ્ચે વચ્ચે રેતીના ઢગ જે જીવતા-જાગતા માણસને ગળી જઈ શકે છે, માટીના કળણની જેમ. ક્યારેક ક્યારેક પગ ધરતી પર પડવાને બદલે પોતાના કર્મ ઉપર પડી જતો હોય છે....

જે ગળી જાય છે તે રેતીનો ઢગ નહીં, તમારું પાપ હોય છે....શું એટલા માટે તેઓ આકાશને, પવનને પ્રાર્થનાઓ મોકલતા રહે છે ? પ્રાર્થના-ચક્રો દ્વારા....

સુન્ના, અમારા ડ્રાઈવર સાથે આગળની સીટ પર મોટેભાગે હું જ બેસું છું. ત્યાં જ મને જાપ માટેનું એકાંત મળે છે. હું માળા લઈ ચૂપચાપ ગણગણતી રહું છું. એ ત્રાંસી આંખે જોતો રહે છે. અત્યાર સુધી અમે એને ‘ચીની જાસૂસ’ માનતા હતાં. એક દિવસ ખબર નહીં કેવી રીતે ભેદ ખૂલે છે, એ ચીની નથી, તિબેટી છે. કદાચ કેલસાંગે કહ્યું છે. હવે એ નિસંકોચ પોતાનો મંત્ર બોલતો રહે છે. એક મૂક પ્રસંશાનો ભાવ એક-બીજા માટે થઈ ગયો છે.

-દીદી, તમે તમારી માળા કાઢોને. જરા મહાદેવજીને કહી દો, આપણને સારું વાતાવરણ આપી દે.

એક સવારે પંકુલ પાછળથી કહે છે,

આને માળાની ખબર કેવી રીતે પડી ?

આજે આકાશમાં ખરેખર વાદળ છે. વચ્ચે વચ્ચે વરસાદ પણ થાય છે. જે દિશામાં અમે જઈ રહ્યાં છીએ ત્યાં એથી ય વધુ વાદળ ઘેરાયેલાં છે. જો રસ્તામાં વરસાદ છે તો કૈલાસમાં બરફ પડ્યો હોય એનું આશ્ચર્ય ન થવું જોઈએ.

-હે મહાદેવજી...

હું મનોમન પ્રાર્થના કરી રહી છું. માળા કાઢવી એ પોતાની મજાક કરાવવા જેવુ છે.

મજાક જ થઈ ગઈ છે. પાંચ કિલોમીટર સુધી વાદળ દેખાય તો એ જ રટણ. તમે માળા કાઢોને !

એક દિવસ હતાશ થઈને કહું છું,

સાંભળો, ઋતુ માટે પ્રાર્થના કરી શકું નહીં. હું જપ એટલા માટે કરું છું કે એના વિના મને ખાલી-ખાલી લાગે છે....આઈ હોપ યુ વિલ અંડરસ્ટેન્ડ. સો નો જોક્સ પ્લીઝ.

એ પછી એના પર કદી મજાક ન થઈ.

નાના નાના ગામ વચ્ચેથી અમે પસાર થઈએ છીએ. વીસ – પચ્ચીસ ઘરોના ગામ.

વચ્ચે વચ્ચે પહાડોમાં બનેલી ગુફાઓ દેખાય છે. ઉપર પ્રાર્થના-ધ્વજ. અહીં કોઈ સાધક રહેતો હશે, એનો સંકેત છે. આસપાસ દૂર-દૂર સુધી કોઈ વસ્તી નથી. કોઈ તો ભોજન લાવતું હશે ? કદાચ આવતાં-જતાં ભરવાડ ?

તિબેટમાં સાધકને સમાજની જરૂર નથી, સમાજને તો એની જરૂર છે !

ઘેટાંના ટોળાં, ક્યારેક યાકના ઝુંડ રસ્તામાં આવી જાય છે. વચ્ચે-વચ્ચે ઘાસ દેખાય છે, છૂટુંછવાયું ઊગેલું, ગૌચર નહીં, કટકે કટકે ઘાસ. એને ચરતાં ઢોર ફરી રહ્યાં છે.  

કોઈ કોઈ પહાડ પર હરણ જોવા મળે છે. ભૂખરા પહાડ પર ભૂખરા હરણ છે. શરૂઆતમાં તો ખબર જ ન પડે. બહુ શરમાળ જાનવર છે. શ્વાસ રોકીને અમારી ગાડીઓનું આવવું જોતાં રહે છે. પછી અચાનક કોઈ એક છલાંગ લગાવે છે અને એની પાછળ-પાછળ બધ્ધાં. ક્યાં ગયા ?

અમે પહોંચીએ ત્યાં તો બધાં ગાયબ.....

અચાનક એ નાનું હરણ યાદ આવે છે. જાપાનમાં નારા શહેરમાં એક બૌધ્ધ મંદિરમાં અમે ગયાં હતાં, હું અને નિર્મલ. (જાપાન ફાઉન્ડેશનની પ્રસિધ્ધ એશિયા લેકચર સિરીઝ માટે એમને બોલાવ્યા હતાં, સન 2000ના ડિસેમ્બરમાં....)

બહાર દુકાનોની વચ્ચે હરણ સ્વછંદફરી રહ્યાં હતાં. એમનું અભયારણ્ય હતું એ. મહાત્મા બુધ્ધના વચનોને શિષ્યો સિવાય હરણોએ જ પહેલીવાર સાંભળ્યા હતાં. તેથી.....

ન જાણે ક્યાંથી મૃગબાળ આવ્યું અને મારી છાતીમાં મોં નાખી દીધું....

સુંદર ભોળું મુખ, લાળ ટપકાવતું, વારંવાર શરીર ઘસીને મારો પ્રેમ માંગતુ....અને હું પણ, ન જાણે કેમ એને મારી છાતી સાથે લગાવી દીધું. પહેલા કદી કુતરા-બિલાડાને પણ સ્પર્શ કર્યો નહોતો, બીક લગતી હતી. પહેલીવાર આ મૃગબાળને સ્પર્શ કર્યો, એ જ આગ્રહથી જેમ એણે મને સ્પર્શ કર્યો હતો...

અને હવે એ મારાથી દૂર જતું નહોતું. મંદિરમાં અંદર સુધી મારી સાથે રહ્યું, મારી બાજુમાં મોં નાખીને....

મારું બાળક...મારું હરણ બચ્ચું....ખબર નહીં અત્યારે કયાઁ હશે ? કેટલું મોટું થઈ ગયું હશે ?

મનમાં એને માટે વૈરાગ આવી ગયો.

ન જાણે કેટલી વસ્તુઓનો વિયોગ લઈને આપણે ચાલીયે છીએ, આપણને પોતાને પણ ખબર હોતી નથી.

આજે બપોરનો પડાવ એક ગામના ઢાબામાં છે.

એક સુંદર તિબેટીયન એની માલિક છે. એક લાંબા હોલમાં પાટ મૂકેલી છે. એની આગળ મેજ પર થર્મોસ-ગ્લાસ. અમારી સાથે આવેલા તિબેટી શેરપા પહોંચતા જ માખણ વાળી ચા પર તૂટી પડે છે.

-તમે લેશો ?

-ના.

હજી મને એની ટેવ પડી નથી.

ભોજનનો ટ્રક હજી આવ્યો નથી.

અમે બેઠા બેઠા આરામ કરીએ છીએ.

એક નટખટ બકરીનું બચ્ચું આમ-તેમ કૂદી રહ્યું છે. કદાચ અજાણ્યાઓને જોઈને ગભરાઈ ગયું છે. બાળક, માણસનું હોય કે જાનવરનું, બધાં એને ગોદમાં લેવા ઇચ્છે છે ! કેટલાય ખોળામાં થઈને મારા ખોળામાં આવી પડ્યું છે. હું ચીસ પાડીને ઊભી થઈ જાઉં છું. બચ્ચું પહેલેથી જ ગભરાયેલું છે...મેં....મેં......-

-એને છોડી દો ને !

પરંતુ મારી વાત કોણ સાંભળે છે. બચ્ચું મેજ-ખુરસીઓની નીચેથી સંતાતું ગભરાતું ફરી રહ્યું છે. વ્હાલા બાળક, તું પણ અમારી સાથે રમી લે થોડીવાર, બહુ દૂર હિંદુસ્તાનથી આવ્યા છીએ.....

બકરીના બચ્ચા સાથે ફોટો પડી રહ્યાં છે. એની ચીસોની કોઈને પરવા નથી.