વાર્તા:- આ તો એનાં હરવા ફરવાના દિવસો છે
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
સંવાદ 1:-
"મૉન્ટુ, જલદી તૈયાર થઈ જા દિકરા, સ્વિમિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો!"
"પણ મમ્મી, મારે નથી શીખવું સ્વિમિંગ! મારા બધાં ફ્રેન્ડ્સ અત્યારે રમતા હોય. ખાલી હું જ નહીં હોઉં. જવા દે ને મને રમવા!"
સંવાદ 2:-
"વિકી, ફટાફટ નાસ્તો કરી લે, પછી તારે ક્રિકેટ કોચિંગમાં જવાનું છે. વેકેશન માટેનો સ્પેશ્યલ બેચ છે બે મહિનાનો."
સંવાદ 3:-
"પ્રીતિ, આજથી તારા ડ્રોઈંગ ક્લાસ શરુ થાય છે. વેકેશન છે તો થોડું શીખી લે. કામ લાગશે ક્યારેક."
સંવાદ 4:-
"મારી દિકરીને તો સવારે સ્વિમિંગમાં, બપોરે ડ્રોઈંગ ક્લાસમાં, સાંજે સ્કેટિંગમાં મૂકી છે. વેકેશન છે તો શીખી લેવાય. આમેય ઘરમાં બેઠાં બેઠાં એ કરવાની પણ શું?"
સંવાદ 5:-
"મારો દિકરો બહાર તાપમાં જતો ન રહે એટલે અમે તો એને વેકેશન માટે પ્લે સ્ટેશન લાવી આપ્યું છે. આખો દિવસ એનાં પર ગેમ્સ રમ્યા કરે."
સંવાદ 6:-
"જુઓ બહેન, તમારી દીકરીની ભાષા પર પકડ સારી છે. તમે એને ભાષામાં આગળ વધારો. એને કોઈ પણ એક ભાષાની શિક્ષિકા બનાવો." આ એક વાક્યએ જાણે બળતામાં ઘી હોમ્યુ. ઓપન હાઉસના દિવસે શિક્ષિકાએ વિદ્યાર્થીનીની મમ્મીને કહ્યું. મમ્મી ગુસ્સે થઈ ગઈ. "અમે એને ડૉક્ટર બનાવવા માંગીએ છીએ. એને અમારે અમેરિકા મોકલવી છે અને તમે એને મામુલી શિક્ષક બનાવવા કહો છો?" શિક્ષિકા સમજી ગયા અને ત્યાંથી જ ચર્ચા બંધ કરી દીધી.
ઉપરનાં સંવાદો લગભગ બધાં માટે જાણીતાં અને સાંભળેલા હશે. વેકેશન આવતાં જ માતા પિતાને જાણે શું ધુન સવાર થઈ જાય છે કે બાળકને આ ક્લાસ ને તે ક્લાસ ને ખબર નહીં કેટલું બધું કરાવવા મૂકી આવે છે. આખું વર્ષ બાળક ભણતું હોય, ટયુશન હોય, ઉપરાંત શાળાકીય વધારાની પ્રવૃત્તિઓ તો ખરી જ!
ઉપરાંત કેટલાંક વાલીઓ તો એવાં પણ હોય કે જે હંમેશા એવી અપેક્ષા રાખતાં હોય છે કે એમનું બાળક શાળામાં થતી તમામ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લે. આટલું જ નહીં, એ પ્રવૃત્તિને લગતી સ્પર્ધાઓમાં જીતીને જ આવે આવો પણ આગ્રહ રાખતાં હોય છે. શું વાલીઓની આ બધી અપેક્ષાઓ બાળક માટે માનસિક ત્રાસ નથી?
જે ઉંમર બાળકની હરવા ફરવાની છે તે ઉંમરે એની પાસે અપેક્ષાઓનાં ડુંગર ખડકી દેવાય છે. માતા પિતાની અધૂરી અપેક્ષાઓ બાળક પૂરી કરે એવી અપેક્ષા રખાય છે. બાળકને પસંદ હોય કે ન હોય, માતા પિતાએ નક્કી કર્યું એટલે એણે ફરજીયાત કોઈ પ્રવૃત્તિમાં જોડાવવું જ પડે! વેકેશન દરમિયાન ભલે એની ઈચ્છા પોતાનાં મિત્રો કે સખીઓ સાથે રમવાની હોય, પણ માતા પિતાએ તો એને સર્વગુણ સંપન્ન બનાવવું છે. આથી આખુંય વેકેશન બાળકને સવારથી સાંજ એક પ્રવૃત્તિથી બીજી અને બીજીથી ત્રીજીમાં મૂકી દેશે.
બાળકને પસંદ હોય અને બાળકને જવું હોય એવી પ્રવૃત્તિમાં મૂકીએ કોઈ વાંધો નથી. પણ શા માટે એને જબરદસ્તી જે નથી કરવું એ કરાવવું? એક બાજુ બાળક પાસે સારા અભ્યાસની અપેક્ષા રખાય અને બીજી બાજુ એની પાસે વધારાની પ્રવૃત્તિઓ કરાવવી છે. ઉપરાંત ટયુશન તો ખરું જ! બાળક જાય તો ક્યાં જાય? બિચારું એટલી હદે ગૂંગળામણ અનુભવે કે ક્યારેક આત્મહત્યા જેવું હીન પગલું ભરી દે છે. આવા સમયે માતા પિતા પાસે માત્ર પસ્તાવો જ બાકી રહે છે! રડવા માટે આંસું પણ નથી રહેતાં.
આ વિષય પર તો ઘણી લાંબી ચર્ચા થઈ શકે એમ છે. મારાં 2002થી સતત શિક્ષણ સાથેનાં જોડાણ દરમિયાન જે અનુભવ્યું છે એનાં આધારે આ લેખ લખું છું. કોઈકની લાગણીને ઠેસ પહોચી હોય તો ક્ષમા માંગી લઉં છું. 🙏
આ લેખના બંને ભાગમાં રજુ થનાર વિચારો માત્ર મારાં પોતાનાં છે અને સ્વ નિરીક્ષણને આધારે રજુ કરું છું.
વધુ બીજા અંકમાં જોઈશું......
વાંચવા બદલ આભાર
સ્નેહલ જાની