Atut Bandhan - 6 in Gujarati Fiction Stories by Snehal Patel books and stories PDF | અતૂટ બંધન - 6

Featured Books
Categories
Share

અતૂટ બંધન - 6



(વૈદેહી પોતાની કિસ્મતને કોસતી એનાં ભૂતકાળમાં ખોવાઈ જાય છે જ્યાં સાર્થક સાથે વારંવાર એની મુલાકાત થાય છે. સાર્થક આ મુલાકાતને કિસ્મતનું નામ આપે છે અને એની સામે મિત્રતાનો હાથ લંબાવે છે પણ વૈદેહી આટલું જલ્દી એની સાથે મિત્રતા કરવા નથી માંગતી. હવે આગળ)

સાર્થક તો વૈદેહીની દરેક અદા પર દિવાનો થઈ ગયો હતો. એની વાત કરવાની રીત, એની નીડર આંખો, એની સ્માઈલ સાર્થકને વધુ ને વધુ ઘાયલ કરી રહી હતી. સાર્થક તો વૈદેહી સાથેની ત્રણ જ મુલાકાતમાં એને એનું દિલ દઈ બેઠો હતો. પણ એની વ્યથા એ હતી કે જેણે એનાં દિલને છંછેડ્યું હતું એનું નામ સુધ્ધા એને ખબર નહતી.

એ બસ ભગવાનને પ્રાર્થના કરતો કે એના દિલની મલ્લિકા એને ફરી મળે. તો બીજી તરફ વહેલી રિક્ષા ન મળવાથી ઘરે પહોંચતા વૈદેહીને મોડું થઈ ગયું અને એનાં કારણે દયાબેન ગુસ્સાથી ધુઆપુઆ દરવાજા પાસે જ ઉભા હતાં. વૈદેહી જેવી પહોંચી દયાબેને એનો હાથ પકડી અંદર ખેંચી લીધી અને દરવાજો બંધ કરી દીધો.

"મ...મામી...મામી મને...મને રિક્ષા..." વૈદેહી કંઈ બોલે એ પહેલાં દયાબેને વૈદેહીનાં ગાલ પર એક તમાચો જડી દીધો.

"ક્યાં મોઢું કાળું કરવા ગયેલી ?"

"મામી, આ શું બોલો છો તમે ?" વૈદેહી આઘાત પામી.

"મારી સામે મોં ચલાવે છે ? ઉભી રહે તને તો હું આજે છોડીશ નહીં. તારો બાપ તો પહોંચી ગયો ઉપર ને બોજ મારા માથે નાંખતો ગયો." દયાબેને વૈદેહીનાં વાળ ખેંચી નીચે પાડી દીધી.

વૈદેહીએ ગોવિંદભાઈ તરફ જોયું પણ તેઓ મુક પ્રેક્ષક બની જોઈ રહ્યાં હતાં.

"મામા, હું સાચું કહું છું. હું કોઈને મળવા નથી ગઈ. મને રિક્ષા વહેલી નહતી મળી એટલે મોડું થયું." વૈદેહીએ રડતાં રડતાં કહ્યું.

"ઓહ રિયલી વૈદુ દીદી ! તો પછી તમે બજારમાં જેની સાથે વાત કરતાં હતાં એને પણ તમે નહીં ઓળખતાં હોય ને ?" અંજલીએ કહ્યું.

વૈદેહી આ સાંભળી કંઈ બોલી શકી નહીં. એ નીચું જોઈ ગઈ કારણ કે એ જાણતી હતી કે એનું કંઈ પણ બોલવું આ લોકોને બહાના જ લાગશે. એ બસ આંસુ સારતી બેસી રહી.

"ભર બજારમાં મારી ઈજ્જતનાં ધજાગરા ઉડાવતી હતી તું ?" ગોવિંદભાઈ બોલ્યાં.

હકીકતમાં જ્યારે સાર્થક વૈદેહી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અંજલી એનાં મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ અને એણે વૈદેહી અને સાર્થકને સાથે જોઈ લીધા અને ઘરે આવીને કહ્યું કે વૈદેહી બજારમાં એનાં કોઈ બોયફ્રેન્ડ સાથે ઉભી હતી.

"કેટલાં સમયથી તારું આ બધું ચાલે છે ?" ગોવિંદભાઈએ પૂછ્યું.

"અરે એમ પૂછવાથી એ કંઈ બોલવાની નથી." આટલું કહી દયાબેન રસોડામાં જઈને તવેઠો ગરમ કરીને લાવ્યાં અને વૈદેહીનાં હાથ પર મૂકી દીધો. ડર અને દર્દની મારી વૈદેહી ચીખ પણ ન પાડી શકી. એની ખામોશીને એની ગુસ્તાખી સમજી દયાબેને હતું એટલું જોર લગાવી એને મારી અને એને ત્યાં જ રડતી મૂકી ત્રણેય હોટલમાં ડિનર કરવા જતાં રહ્યાં.

અડધી રાતે વૈદેહી ધીમે રહીને ઉભી થઈ અને લંગડાતા પગે એનાં રૂમમાં જઈને ટૂંટિયું વળીને સુઈ ગઈ. કાલ સુધી ફક્ત મહેણાં મારતાં એનાં મામા મામીએ આજે એનાં પર હાથ પણ ઉપાડ્યો. એ લોકોએ એનાં પર હાથ ઉપાડ્યો એનું એટલું દુઃખ નહતું જેટલું દુઃખ એને એનાં ચરિત્ર પર ઉઠેલ સવાલોનું હતું. રડતાં રડતાં ક્યારે એની આંખ લાગી ગઈ એની એને ખબર ન પડી.

સવારે જ્યારે એ ઉઠી ત્યારે એનું શરીર કળતર થતું હતું. એને ઊઠવાનું મન તો નહતું પણ એ ઉભી થઈ અને બધું કામ પૂરું કર્યું. આજે એણે લાંબી બાંયનો ડ્રેસ પહેર્યો હતો જેનાથી એ એનાં હાથ પર પડેલ દાઝેલાનાં દાગ છુપાવી શકે અને વાળને ખુલ્લાં રાખ્યાં જેથી એનાં બેક પરનાં દગ કોઈ જોઈ ન લે.

બીજું કોઈ સમજે કે ન સમજે પણ એનો મુરઝાયેલો ચહેરો જોઈ શિખા તરત જ સમજી ગઈ કે જરૂર વૈદેહીનાં ઘરે કંઇક થયું છે તેથી એણે વૈદેહી પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો પણ વૈદેહીએ એને કંઈ જણાવ્યું નહીં.

"હા, એમ પણ હું તારી લાગુ જ કોણ છું જે તું મને કંઈ જણાવે." શિખા મોં ફુલાવી બીજી તરફ ફરીને બેસી ગઈ.

"તું એવું શા માટે કહે છે ? તારાં સિવાય મારાં જીવનમાં એવું કોણ છે જેને હું હકથી પોતાનું કહી શકું ?" વૈદેહીએ આંખમાં આવેલાં આંસુ લૂછી કહ્યું.

"તો બોલ શું થયું છે ? તારી મામીએ પાછું તને કંઈ....."

"આહ !" વૈદેહીએ આહ ભરી. શિખાએ બોલતાં બોલતાં વૈદેહીનો હાથ પકડ્યો જેના કારણે વૈદેહીને પીડા થઈ અને વૈદેહીથી બોલાય ગયું.

"વૈદુ, શું થયું ?" શિખાએ પૂછ્યું જેનાં જવાબમાં વૈદેહી રડી પડી.

"Vaidu, don't tell me કે એમણે તારા પર હાથ ઉપાડ્યો !"

વૈદેહીએ હકારમાં ડોકું હલાવ્યું અને ગઈકાલે જે કંઈ થયું એ બધું શિખાને કહ્યું. આ સાંભળી શિખાને ગુસ્સો તો બહુ જ આવ્યો પણ એ પણ નિઃસહાય હતી. એ પણ કંઈ કરી શકે એમ નહતી. વૈદેહીને ગળે લગાડી એ પણ ખૂબ રડી. એણે વૈદેહીનાં વાળ હટાવી એની બેક પર જોયું તો એની આંખો ફરીથી ઉભરાઈ ગઈ.

"હવે પછી એ છોકરો તારી સામે આવે તો તું એની સાથે વાત કરવાની તો દૂર એની તરફ જોતી પણ નહીં. અને હું આજે મારા પપ્પા સાથે વાત કરીશ. તું હવે પછી મારી સાથે મારા ઘરે રહેવા આવી જજે. તારે એ હેવાનો સાથે રહેવાની કોઈ જરૂર નથી." શિખાએ કહ્યું.

"નહીં શિખા, હું એવું નહીં કરી શકું."

"કેમ નહીં કરી શકે ? એ લોકો જે ઈચ્છે તે કરી શકે અને તું તારી ઈચ્છા મુજબ શ્વાસ પણ નહીં લઈ શકે ? એટલીસ્ટ થોડાં દિવસ તો તું આવી શકે ને ?" શિખાએ કહ્યું.

"નહીં શિખા. જો હું એક દિવસ પણ તારા ઘરે આવીશ તો એમને વાત કરવાની તક મળી જશે. એ લોકો મારાં પર કીચડ ઉછાળે તો એ તો હું સહન કરી શકું છું પણ મારાં માબાપ...હું નથી ઈચ્છતી કે તેઓ મારાં મૃત માતાપિતા વિશે કંઈ પણ બોલે." વૈદેહીએ કહ્યું.

શિખા એને આજે રાતે પાર્ટીમાં ઇન્વાઇટ કરવા માંગતી હતી પણ હવે તો વૈદેહી કોઈ કાળે નહીં આવે એવું એ જાણતી હતી તેથી એણે કંઈ કહ્યું નહીં.

લેક્ચર પૂરાં થતાં બંને કોલેજની બહાર નીકળ્યાં. શિખા અને વૈદેહી ગેટ પાસે પહોંચ્યા ત્યાં જ એમનાં કાને એક અતિ ઉત્સાહિત અવાજ પડ્યો.

"Hey you ? This is destiny !"

વૈદેહી અને શિખાએ અવાજ તરફ જોયું. ત્યાં સાર્થક ઊભો હતો. વૈદેહી કંઈ બોલે એ પહેલાં શિખા એની પાસે ગઈ અને કમર પર હાથ મૂકીને કહ્યું,

"ભાઈ, તમે અહીંયા શું કરો છો ? અને આ ડેસ્ટીની વિશે શું કહી રહ્યાં હતાં તમે ?"

શિખાનાં મોંઢે સાર્થક માટે ભાઈ શબ્દ સાંભળી વૈદેહી આઘાત પામી.

"વૈદુ, અહીંયા આવ ને. આ છે મારા ભાઈ સાર્થક. જે ઈટલીમાં હતાં. અને ભાઈ આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ વૈદેહી." શિખાએ કહ્યું.

"વૈદેહી, ખૂબ સુંદર નામ છે." સાર્થકે કહ્યું અને વૈદેહી તરફ હાથ લંબાવ્યો પણ વૈદેહી કંઈપણ બોલ્યાં વિના ત્યાંથી દોડીને એક રિક્ષા ઊભી રાખી એ રિક્ષામાં બેસી જતી રહી. સાર્થકને એનું આવું વર્તન અજીબ લાગ્યું. એનાં ચહેરાનાં હાવભાવ પરથી શિખા એનાં મનની વાત સમજી ગઈ અને કહ્યું,

"ભાઈ, એ હાલ થોડી ડરેલી છે. ચાલો ઘરે જઈએ." શિખાએ કહ્યું.

સાર્થક ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો અને એની સાથે બાજુની સીટ પર શિખા બેઠી. સાર્થકે ગાડી એનાં ઘર તરફ લીધી. જેટલી સ્પીડમાં ગાડી દોડી રહી હતી એનાથી પણ ડબલ સ્પીડમાં સાર્થકનાં વિચારો દોડી રહ્યાં હતાં.

'ડર ! એને શાનો ડર ? પહેલી ત્રણ મુલાકાતમાં તો એ એકદમ બિન્દાસ અને બહાદુર દેખાઈ રહી હતી. અને આજે એની એ નીડર આંખોમાં ડર શા માટે હતો ? એનાં હસતાં હોઠ ધ્રુજી કેમ રહ્યાં હતાં ?' સાર્થક વિચારવા લાગ્યો. એણે શિખાને આ વિશે પૂછવાનું વિચાર્યું અને એની તરફ જોયું.

વધુ આવતાં ભાગમાં....