JENA KHISSA KHALI ENA VALTA PANI in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૭૦

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૭૦

જેના ખિસ્સા ખાલી એના વળતા પાણી....!

                કાનમાં કીડી ભરાય ગઈ હોય એમ ખાલી ખિસ્સાએ લુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. જેના ખિસ્સા જ કડકાબાલુસ હોય, એ ખિસ્સામાંથી, શું કબુતર કાઢવાનો..? ધગધગતા રસ્તા ઉપર પગરખાં વગર જ પ્રવાસ કરવા જેવી વાત થઇ ને..? શું ખિસ્સાની તાકાત છે યાર..? કદમાં વામન, પણ ભરેલા ખિસ્સા ભલભલાને વિરાટ બનાવી દે..! ( અંબાણીશેઠનું નામ કોણ બોલ્યું..?) પેટ માટે વેઠ કરીને, આજે આખી દુનિયા ખિસ્સા ભરવા દૌડે છે..! ભરેલા ખિસ્સાવાળો દુનિયાને ખિસ્સામાં રાખી શકે. ને ખાલી ખિસ્સાવાળો પાવડા હલાવી ખિસ્સા જ વેતરતો હોય..! સબ ભગવાનકી માયા હૈ..! ભગવાને ઠાંસી-ઠાંસીને શરીરને બધ્ધું આપ્યું, અમુક તો ડબલ-ડબલ પણ આપ્યું. વગર માંગણીએ બબ્બે મગજ પણ આપ્યાં. હવે, બબ્બે મગજ કેમ આપેલા એ મને શું પૂછો છો યાર..? પણ, શ્રીશ્રી ભગાનું કહેવું છે કે અક્ષયપાત્ર જેવાં ઠસોઠસ, ખિસ્સાં આપ્યાં હોત તો  ખજાનામાં કઈ ખોટ પડવાની હતી?  ખિસ્સા ભરવાના રવાડે ચઢેલાની મજુરી તો અટકી જાત..? જો કે, ફાટેલા દૂધપાક જેવાં તો એમ પણ કહેવાના કે, "બબ્બે મગજને બદલે, ડબલ ‘ હાર્ટ ‘ આપ્યા હોત તો, જલશા પડી જાત..?  જેવું એક બંધ પડે એટલે બીજું  ઓટોમેટીક ‘સ્ટાર્ટ..!'’  બાકી, શું સાલ્લી શરીરની રચના છે?  (એકવાર ‘અફલાતૂન’ તો બોલ્લો..! હારી ગયેલા ઉમેદવારની માફક શું વિલાં મોંઢે માખી ગણો છો..? ) નહિ ખીલી નહિ હથોડી, નહિ નહિ કડિયો નહિ સિમેન્ટ..! નહી કોઈ આર્કિટેક્ચર નહિ કોઈ બિલ્ડર..! એવી મજબુત ને ઠસોઠસ, કે જેને જેમ અંગ કસરતના ખેલ કરવા હોય એમ કરો, નો પ્રોબ્લેમ..! રબ્બરની માફક બધું વળ્યા કરે..! વળી બહારથી સાલું એવું સરસ સેટ કરેલું કે, સેલ્ફીમાં પણ ફક્કડ ને અક્કડ લાગે. ગુજરાતી તો ઠીક, આફ્રિકાનો હબસી પણ ‘હેન્ડસમ’ લાગે..!  ત્યારે અંદરનો મામલો બધો આમતેમ..! બધો મસાલો, જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવેલો.  જઠર ક્યાં, ફેફસાં ક્યાં, કીડની ક્યાં, આંતરડા ક્યાં, હૃદય ક્યાં, કલેજું ક્યાં, જીભ ક્યાં, દાંત ક્યાં..? ખૂબી એ વાતની કે, બધું જ એકબીજા સાથે જોડાયેલું..! બધાં જ એકબીજાના પૂરક ને એકબીજા વગર અધૂરા..! જેમ-જેમ શરીર જુનું થાય, તેમ-તેમ શરીરની પાછી ઓળખ બદલાય. બાલ્યાવસ્થામાં બાળક કહેવાય. પછી વિદ્યાર્થી, યુવાન, પ્રોઢ, ને વૃદ્ધ બની જાય. એમાં જો દુનિયાથી ઉકેલાય ગયો તો, એ બધ્ધું જ કેન્સલ. એ શરીર ‘બોડી’  થી ઓળખાય.  જીવતા હોય ત્યાં સુધી શ્રી-શ્રીમાન ને શ્રીમતી  પછી ‘સ્વર્ગસ્થ’  કહેવાય..!  ભગવદ ગીતામાં ભલે ક્યાંય લખ્યું ના હોય, પણ ‘બોડી’ ઉર્ફે શરીરની બધી જાહોજલાલી આખર તો, સૌ-સૌના ‘ખિસ્સા’ ઉપર જ ટકેલી હોય..! પૈસા હોય તો સ્વીટઝરલેન્ડ પણ જોવાય, ને  ના હોય તો, પાદરે પણ હવા ખાવા નહિ જવાય..!  જેના ખિસ્સા ખાલી એના વળતા પાણી..! માણસ ‘ટાઈટ’ (તંદુરસ્ત) ના હોય તો ગબડી જાય, ને ખિસ્સું ટાઈટ ના હોય તો રખડી જાય.. ખિસ્સાં ટાઈટ હોવાં જોઈએ. ભીંત ઉપર જગ્યા હોય તો ‘ભીંત-લેખ’ લખી રાખજો કે, જે  દિવસે ખિસ્સા ખાલી થયાં, તે દિવસથી કુતરા પણ, માણસ બદલી નાંખે, ને ઓટલા બગાડી જાય તે અલગ..! (સબ ગજવેકી કમાલ હૈ દાદૂ..! )

                               ક્યારેય કોઈએ એવું વિચાર્યું નથી કે, ખિસ્સાનું સ્થાન કાયમ ડાબી બાજુ કેમ હોય છે..? એટલા માટે કે, ખિસ્સું અને હૃદયનો ગુણધર્મ જ એક..! માલ હોય તો ચાલે, નહિ તો જયશ્રી રામ..! શરીર ભલે ૭ મણના બોજાવાળું હોય, (ભેંસના શીંગડા ભેંસને ભારી)  પણ ‘કમ્માલ’ તો ખિસ્સાની કહેવાય. પૈસાદાર ઉકલી ગયો તો, યમરાજ પણ ઈજ્જત કરે કે, શેઠ, તમે ચાલો ને હું બે બદામનો નોકર પાડા ઉપર બેસું તો મારી ખાનદાની લાજે. લો તમે પાડા ઉપર બેસી જાવ, તમારા બદલે હું મારા પગ ઘસી નાખું..! ખિસ્સાં ભરેલા હોય તો, 'કલદાર' નહિ તો, પછી બેલદાર..!  ખિસ્સાંની કીમત ત્રણ જગ્યાએ મુદ્દલે નથી. ઝભલામાં, કફનમાં ને લુંગીમાં.! ઝભ્ભાવાળાના તો પેટ જ એવાં મોટાં કે, પેટ અને ખિસ્સા બંને ટ્રેનમાં લટકેલા મુસાફરની માફક લટકતાં હોય..! ત્યારે આજકાળના લેંઘામાં તો ખિસ્સા જ એટલા જથ્થાબંધ હોય કે, આપણને શંકા જાય કે, ભાઈ જીવવા આવ્યો છે કે, ખિસ્સાં ભરવા..? ભાઈએ, પાટલુન પહેરી છે, કે પાટલુને ‘ખિસ્સા’ પહેર્યા છે..?  કબૂતરખાના જેવાં ખિસ્સા જોઇને, ખિસ્સા કાતરુને તમ્મર પણ આવી જાય કે, કયું ખિસ્સું કાપું તો, મારી બોણી થાય..! આજકાલ તો લેંઘા જ એવાં પહેરે કે, પાટલુન એક જ હોય, પણ ખિસ્સાની વસ્તી વધારે..! ખિસ્સા તો જાણે ઉજ્જડ ગામના ખંડેર મકાનો જેવાં ખિસ્સા લાગે.,! અસ્સલ તો એક ‘ચોર ખીસ્સી’ પણ રહેતી. એવી  ખીસ્સી કે ગુગલમાં શોધો તો પણ નહિ જડે. વાઈફનાં હાથમાં જો આવી ભરેલી ‘ચોર-ખીસ્સી’ આવે તો, એ પણ થાપ ખાય જાય કે, ‘નક્કી મારો કાનુડો ‘માખણચોરી’ ને બદલે, કોઈ બીજી જ લાઈન સાથે જોડાયેલો છે..! પહેલાં તો ખિસ્સા ખાલી ને હૃદય ભરેલા રહેતાં. આજે ખિસ્સાં ભરેલા, ને હૃદય ખાલી..! એક વાત છે, ખાલી મગજવાળાને નિભાવી લેવાય, પણ જેના ખિસ્સા ખાલી હોય તો, ઉંદરડા પણ ઘરમાં આવીને આપઘાત કરે દાદૂ..!

                                   લાસ્ટ ધ બોલ

                                 સાસુએ વહુને કહ્યું, “ રોજ થાય ને, મારા દીકરાના ગજવા શું તપાસે છે..?  એ બિલકુલ મારા ઉપર જ પડેલો છે. જ્યારે એ મારા પેટમાં હતો, ત્યારે જે વસ્તુ મને ભાવતી, એ જ વસ્તુ એ ખાય છે. ને તેવી જ વસ્તુ એને ભાવે છે.” ત્યારે વહુએ કહ્યું, “ સાચી વાત છે સાસુમા..! પણ તમારે ગુટખા કે પડીકી નહિ ખાવી જોઈતી હતી. જુઓ એના ખિસ્સામાંથી આ સિગારેટ ને ચોરખીસ્સી માંથી આ એક પોટલી પણ નીકળી..!”

--------------------------------------------------------------------------------------------------------------------- 

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )