GANPATI BAPAANE PREMAALPATRA in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૬૮

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૬૮

 

ગણપતિબાપાને પ્રેમપત્ર..!

પ્રિય બાપા....!

                                    વ્હાલ વ્યકત કરવાની આ અમારી લેટેસ્ટ સ્ટાઈલ કહેવાય. જો કે એ પણ જૂની થઇ ગઈ. હવે તો અમે પણ અલોપ રહીએ, ને મોઢું બતાવ્યા વગર ‘ફેસબુક’ થી કારોબાર કરીએ..!  આપશ્રી ‘માઉસ’  રાખો, પણ ‘કોમ્પ્યુટર’ નહિ રાખો, એટલે આપને ખબર નહિ પડે. હવે તો ભાથામાં તીરને બદલે વ્હોટશેપ, ઈન્સ્ટાગ્રામ, વિડીયોકોલ, ટ્વીટ, સ્ટેટસ, ફેઈસ-ટાઈમ આવું બધું ફરી વળ્યું. જે નિશાળમાં લાઈનમાં (સખણા) નહિ રહેતાં, એ બધાં ઓન-લાઈનમાં આવી ગયાં..! અમારું મોઢું જોવા માટે અમારા મંદિર હવે અમારે જ બનાવવા પડશે. કોઈ અમારું મોઢું જોવા રાજી જ નહિ. ટોલનાકા જેવાં અળખામણા બની ગયા છે, બાપા..!  આ શસ્ત્રોનો સમય છે, શાસ્ત્રોનો નથી. શાસ્ત્રોક્ત રીતે મને પાકી બાતમી છે કે, આપ તો વિઘ્નહર્તા છો. આપનું સ્થાપન એટલે કરીએ કે, આપ આવીને અશુભનો નાશ કરો. આપને વિદાય કરીએ ત્યારે અમારી બધી નકારાત્મકતા ઉઠાવીને જાવ. આપના આગમનથી સફળતા, શાંતિ સુખ અને પ્રસન્નતા છવાય જાય છે, એટલે તો તમે ગમો છો બહુ..! ઓનલાઈન શિક્ષણની પ્રોડક્ટ છું એટલે, ખરું ખોટું કે વધારે પડતું લખાય તો વિશાળ પેટે ક્ષમ્ય કરજો. અમે સુરતી રહ્યા એટલે. માણસને તો અમે થાય તે કરી લેજો પણ કહી દઈએ, આપ રહ્યા દેવાધિદેવ એટલે ‘સંભાળી લેજો’ એમ જ કહેવાય..! આપ રહ્યા સંસ્કૃતવિદ અને અમે રહ્યા પામર ગુજરાતી ને તેમાય સુરતી..!  મારી વાત ગુજરાતીમાં છે, એટલે ભાષાનો પ્રોબ્લેમ તો રહેશે. આપણું આદાન-પ્રદાન રોજિંદુ અને ‘હોલસેલ’ રહ્યું એટલે, સંસ્કૃત ભાષા અંગીકાર કરવા એક સંસ્કૃત-ડિચને ભાડે પણ રાખેલો. થયું એવું કે, સંસ્કૃત શીખવાનું ભાડું મેં ખર્ચ્યું, સંસ્કૃત તો આવડ્યું નહિ, પણ એ મારી પાસેથી ગુજરાતી શીખી ગયો..! થયેલું એવું કે, એક દિવસ એમણે મને પૂછેલું કે, ‘તમસો મા જ્યોતિર્ગમય‘ નું ગુજરાતી શું થાય ? મેં ગુજરાતી એવું કર્યું કે, ‘ તમે મા સુઈ જાવ, હું જ્યોતિના ઘરે જાઉં છું ‘  બસ..! ત્યારથી એ શિક્ષક પણ ગયો, ને સંસ્કૃત શીખવાનું પણ ગયું..! આજે પણ હું સંસ્કૃતનાં મામલે છોલેલા બટાકા જેવો છું....!

                                     બાપા, વ્હાલમાં વ્હાલી વ્યક્તિને જ અમે પ્રેમ-પત્ર લખીએ. એટલે ‘પ્રેમ-પત્ર‘ નું મથાળું વાંચીને કોપાયમાન થશો નહિ. હું ક્યાં નથી જાણતો કે, આપના પરિવારને તો પ્રેમપત્ર કરતાં બીલીપત્ર સાથે જ વધારે ટચમાં આવવાનું હોય. પણ‘પ્રેમપત્ર’ વાળી પેઢીને હવે બીલીપત્રમાં સમજ ઓછી પડે. હવે તો વ્હોટશેપ ને વિડીયો-કોલનું હવામાન જ વધારે. અમારાં મૃત્યુલોકની આ લેટેસ્ટ સ્ટાઈલ છે. કેટલાંક એને  લગન પહેલાનો મોન્ટેસરી કોર્ષ પણ કહે..! જેને ખુબ વ્હાલ કરતાં હોઈએ, એને અમે આવી જ બોલિંગ કરીએ. તો જ ગલગલિયાં થાય..! જો કે, પ્રેમ-પત્ર લખવામાં આમારા અક્ષરો સુધરી જતાં એ સાચ્ચું..! ને, પ્રેમ-પત્ર લખનાર સાક્ષર છે કે, રાક્ષસ, એની ખબર પણ પડી જતી. વળતો જવાબ મળે એટલે ખાત્રી થઇ જતી કે, આપણો ખેલ લગન સુધી ચાલવાનો..!  ટાઢક વળી જતી  દાદા..! આજે તો બધું ‘ડીલીટ’ થઇ ગયું..!  

                            આખું વર્ષ ભલે ‘લોચા’ ને વ્હાલ કરીએ, પણ ભાદ્રપદમાં શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી આવે એટલે આપને પ્રચંડ યાદ કરીએ. ભલે આપના પાંચ નામ નહિ જાણતા હોઈએ, પણ આપને ઠાઠ-માઠથી લાવી પધરામણી કરીએ, આવડે તેવી આરતી ગાઈએ,  આપની હાજરીમાં ઉધમી જાગરણ કરીએ..! આવો ભરપુર પ્રેમ કરતા હોઈએ પછી, પ્રેમપત્ર લખવાનો ઉભરો તો આવે જ ને..?  પ્રેમપત્ર જ લખીએ છીએ ને..? આપની ઉજવણી માટે કરેલા ખર્ચના બીલ થોડાં મોકલીએ છીએ..? આ તો કોરોનાની લહેરમાં અમારી લહેર અને આપની મહેર કહેવાય..! ભજનમાં બહુ ફાવટ આવે નહિ એટલે બીજેથી લાવીને ડીજે વગાડીએ એ અલગ વાત છે. બાપા આપ તો રહ્યા, ચારેય યુગના દેવાધિદેવ, ને અમે રહ્યાં દેવના દીધેલ જેવાં કળીયુગના ખેલ..! ભૂલચૂક થાય તો માફ કરી દેવાનું. છોરું કછોરું થાય, પણ માઉતરથી કમાઉતર નહિ થવાય. આ બહાને અમે અમારો નાચવાનો ક્વોટા પુરો કરી લઈએ બીજું શું....?  આપ તો દરિયાવ દિલના છો બાપા..! અમે તો માત્ર ભક્તિભાવથી આનંદ-પ્રમોદ જ કરીએ. બાકી, પેટ છૂટી વાત કરું તો ગણેશ બીડી, ગજાનન પાન-હાઉસ, ગણેશ ખમણ, લંબોદર ભેળપુરી, ગણેશ બેકરીની માફક આપનું નામ વટાવી ધીકતો ધંધો કરતા નથી. આપના ઉત્સવ માટે જો એમની પાસે ફાળો લેવા જઈએ, તો  દોઢિયું પણ નહિ પકડાવે....! એકાદવાર તો બાપા આ લોકો તરફ આપની સુંઢ ફેરવજો બાપા, હંઅઅઅ કે..?..!  

                             ઘૃષ્ટતા માફ કરજો બાપા, આપના વાહન માટે ‘ ઉંદરડા ‘ જેવો શબ્દ તો નહિ વાપરવો જોઈએ.. પણ અકળાયેલો માણસ તો વિવેક ભૂલી જ જાય. સાહેબના નામે પટાવાળા ચરી જાય, એમ આપના આ મુશકો હવે બેફામ બનતા જાય છે. ક્યારેક તો તાલીબાની  ને પણ સારા કહેવાડાવે, એવો આતંક કરે...! જેમ અયોધ્યામા રહેવા છતાં, મંથરા ને કૈકયીમા કોઈ ફરક નહિ પડેલો, તેવા આપનાં આ ઉંદરડા....! શું ખવાય, શું નહિ ખવાય, એનું તો એમને નોલેજ જ નથી. એક દિવસ મારા પગના તળિયાં કાતરી ગયાં..! ફરિયાદ એટલે કરું છું કે, ક્યારેક મારા ઘરે આવીને ભૂખે પેટે ફાંસો ખાશે તો, નાહકનું ઉંદર હત્યાનું પાપ અમને લાગશે.....! અમે રહ્યા ગરીબી રેખાની તળિયાના માણસ, માંડ કોઈના બારમાં-તેરમાએ લાડવા ખાવા મળતા હોય, ત્યાં એમને લાડવો ક્યાંથી ખવડાવીએ..? ચાલો, બહુ ખપાવી નાંખી..! તમને ડીસ્ટર્બ કરી નાંખ્યા. એક તો ગણેશ ઉત્સવમાં ઠેર ઠેર આપને પધરામણી કરવાની હશે. જે ઉંદરડાઓએ આખું વર્ષ એસીમાં બેસીને જલશા જ કર્યા હોય, એમને હવે સરકારી જીપના ડ્રાઈવરની માફક દોડવાનું આવશે. મારે ઉંદરનો મુદ્દો પણ નહિ છેડવો જોઈએ. નાહકના હડતાળ ઉપર ઉતરી ગયાં તો, વિઘ્નહર્તાને પણ વિઘન આવી પડે....!  ઠેર ઠેર એક સરખા જ ગણપતિ દેખાતા હોવાથી, ઉંદરડા પણ થાપ ખાય જતાં હશે કે,  હું કયા ગણપતિનો ડ્રાઈવર છું.?  મૃત્યુલોકમાં તો મોટા પેટવાળા ઢગલેબંધ ઉભરાતા હોય. અમારો ગણપત પણ એને દુરથી ગણપતિ જ લાગે. નાહકની અવ્યવસ્થા ઉભી થઇ જાય..! ને અમારી તો આદત છે કે, ગમે એટલા ગણપતિ હોય, પણ અમે તો અમારા ગણપતિની જ જય બોલાવીએ, બાજુવાળાની નહિ..!

                                     લાસ્ટ ધ બોલ

                                    ઓન લાઈન શિક્ષણ...

                                  ‘માયક્રોસોફટ’  નું ગુજરાતી શું થાય..?

                                   મારો નરમ કાગડો..!

                                   એના કપાળમાં કાંદા ફોડું...!

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------