KORONA PAN EK VIDYAAPITH CHHE in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૬૫

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

Categories
Share

હાસ્ય લહરી - ૬૫

કોરોના પણ એક વિદ્યાપીઠ છે..!

                                     જ્યાંથી પણ કંઈ શીખવા મળે એ વિદ્યાપીઠ જ કહેવાય. બાકી કસ્સમથી કહું તો,  ‘ડાકણ-ભૂત-પિશાચ-જીન-આતંકવાદી કે તાલીબાની ઉપર કહો એટલાં પાનાં ભરી આપું. પણ ‘કોરોના’ વિષે લખવા બેસું, ને ગળાને બદલે નાક ખાંસતું થઇ જાય..! કોઈ ફાટેલ જમાદાર તતડાવી ગયો હોય એમ, ઢીલ્લોઢસ થઇ જાઉં. તતડી જવાય યાર..? ડર લાગ્યા કરે કે, હમણાં એકાદ ખૂણેથી ‘હાઊઊઊ’  કરતો કોરોના હુમલો કરશે. સાપ સૂતેલો હોય ત્યારે ‘આઈ લવ યુ’ કહેવા નહિ જવાનું..! બુઝર્ગોને કહા થા કી, સુતેલા સાપને છંછેડવો નહિ..! જંપીને જલશા કરોને યાર..! જંગલના સિંહ પણ જાણતા થઇ ગયાં કે, માણસ અને કોરોના વચ્ચે હાલ સાંઠગાંઠ ચાલે છે. થયું એવું કે, એકવાર સામેથી સિંહને આવતો જોઇને શ્રીશ્રી ભગો જીવ બચાવવા શ્વાસ રોકીને રસ્સુતા ઉપર આડો પડી ગયો.  સિંહે નજીક આવીને  ભગાના કાનમાં કહ્યું, ‘બોચૂં...! નાટક કરવાનું છોડ, મને ખબર છે કે તું જીવતો છે. પણ આ તો મને કોરોનાનો ડર લાગે એટલે તારું કચુંબર કરતો નથી..! 

                                  દુનિયા સાક્ષી છે કે, માસ્ક વગરનાને પકડવા માટે પોલીસે કંઈ ઓછાં વ્યાયામ કર્યા નથી.  પણ એ ની માને, લોક એવું ફાટેલું કે, માસ્ક પહેરવાની વાત આવે ને મસો ઉભરે..! દશ-બાર આઈસ્ક્રીમ ઠોકી નાંખે, પણ મફતની બે વેક્સીન લેવાની વાત આવે તો ડાયેરિયા થઇ જાય..! એની દાઢીમાં હાથ નાંખવા પડે..! યાર...! મસ્ત મઝાની જિંદગી મળી છે તો, વાજતે-ગાજતે કિલ્લોલ કરતા જાવ, મારતા-મારતા ઠોઠ નિશાળીયાને નિશાળમાં લઇ જવું પડે એવું તકલાદી શું જીવવું..? કોરોનાએ આપણને ઘણું બધું શીખવ્યું છે. જે પતિ-પત્ની માત્ર રેશનકાર્ડમાં જ ધબકતાં હતાં, એ લોકડાઉનમાં એકબીજાને ઓળખતા થઇ ગયા. અમુકના દીકરાઓને તો લોકડાઉનમાં ખબર પડી કે મારા ફાધર કોણ છે..? બાપા બિચારાં છોકરાં ઊંઘતા હોય ત્યારે નોકરીએ જાય, ને ઊંઘતા હોય ત્યારે રાતે આવે, એમાં બાપ-દીકરાને ઓળખાણ ક્યાંથી થાય..? ક્યારેક તો પાડોશના છોકરાને પોતાના જાણીને ચોકલેટ અપાય જાય..!  વાયરસ બડી બુરી ચીજ હૈ મામૂ..! પ્રેમરસ ઢીંચી-ઢીંચીને પીવાય, પણ કોરોના જેવો ભેદી વાયરસ તો ભારે ખતરનાક..! સીધું ફેફસું જ પકડે. ફેફસાંમાં ગયા પછી, આપણા ઘરે ઉતરેલો મહેમાન જેમ પાડોશમાં જઈને આપણા વિષે હળી કરે, એમ ધીરે રહીને હ્રદયને પકડે..! પ્રેમરસનો કારોબાર તો સીધો હૃદય સાથે હોય, એ ફેફસાં સાથે માથાકૂટ કરતો નથી. બાકી, આક્રમણ, ગભરામણ ને સંક્રમણના લક્ષણો તો પ્રેમરસમાં પણ આવે, ને કોરોનાના વાયરસમાં પણ..! પ્રેમરસમાં હાથ ધોવાનું આવ્યું તો આવ્યું, બાકી કોરોનામાં તો જિંદગીથી હાથ ધોઈ નાંખવાના બનાવ પણ બને. માણસ ગભરાય જાય યાર? એક દિવસ ચમનીયાના ઘરમાં કોઈને ખાવાનો સ્વાદ જ નહિ આવ્યો. પત્નીએ તાત્કાલિક ૧૦૮ બોલાવી, ને આખા પરિવારને ૧૪ દિવસ માટે તાબડતોબ કવોરોન્ટાઇન કરી દીધાં. એના કપાળમાં કાંદા ફોડું, પછી ખબર પડી કે, તે દિવસે કામવાળી  રસોઈમાં મીઠું જ નાંખવાનું ભૂલી ગયેલી..! ઐસા ભી હોતા હૈ..! બને તો ભૂલેચૂકે પણ વાઈફને કહેવું નહિ કે, આજે તારી રસોઈમાં સ્વાદ નથી આવતો. ચમનીયો એકવાર વાઈફને આવું કહેવા ગયેલો, તો ૧૪ દિવસની કવોરોન્ટાઈન લાગી ગયેલી. ડોકટરે પૂછ્યું કે, ‘તમે કોના કોના સંક્રમણમાં આવ્યાં હતાં..? ને ચમનીયો પછી છોડે..? ચમનીયાને તો ચાન્સ મળી ગયો. સાસુ-સસરા-સાળો-સાળી-વાઈફ બધાના નામ લખાવી દીધાં, ને  બધાંને ૧૪ દિવસની ક્વોરોન્ટાઈન લાગી ગઈ..! એકવાર તો એવું બનેલું કે, શ્રીશ્રી ભગો વેક્સીન મુકાવીને ઘરે આવ્યો તો, ઝાંખું-ઝાંખું દેખાવા લાગ્યું, વેક્સીન સેન્ટર પર તરત ફોન કર્યો. તો સામેથી કહ્યું કે, તમે તાત્કાલિક પાછા સેન્ટર ઉપર આવો. તમને વેક્સીન આપ્યા પછી, વેક્સીન મુકનાર  સિસ્ટરને પણ ઝાંખું દેખાવા લાગ્યું છે, નક્કી કોઈ સંક્રમણ થયું છે..! પણ વેક્સીન સેન્ટર ઉપર ગયા પછી ખરો ફટાકો ફૂટ્યો કે, શ્રીશ્રી ભગો પોતાના ચશ્મા પહેરવાને બદલે, નર્સના ચશ્માં પહેરીને ઘરે ચાલી ગયેલો. એમાં નર્સને પણ ઝાંખું દેખાય ને ભગાને પણ દેખાય...! એના કપાળમાં કાંદા ફોડે..!
                            દોસ્તો...! જિંદગીની દોર ઉપરવાળાના હાથમાં છે. પણ એકવાર એવું થયેલું કે, એક હોસ્પિટલમાં ૧૧ નંબરની રૂમમાં, ૧૧ નંબરના ખાટલા ઉપર  રોજ સવારે ૧૧ વાગે ને વેન્ટીલેટર પણ ચઢાવેલો સારામાં સારો દર્દી રોજ ઉકલી જાય. ડોકટરો વિચારમાં પડી ગયા કે હોસ્પીટલમાં ભૂત આવે છે કે શું..? પણ સઘન તપાસ કર્યા પછી ખબર પડી કે, રોજ ૧૧ વાગે  કામવાળી એ રૂમમાં આવે ને, વેન્ટીલેટરનો પ્લાગ કાઢીને પોતાનો મોબાઈલ ચાર્જમાં મુકતી હતી..!  બાકી કોરોનાથી સચેત રહેવા માટે આપણે ત્યાં ઓછો પ્રચાર થયો નથી...? લગનમાં ‘કન્યા પધરાવો સાવધાન’ બોલતા પહેલાં, ‘કોરોના ભગાવો સાવધાન’ નું રણશિંગું ફૂંકવાનું જ બાકી રાખેલું. એક ગામમાં તો, લગ્નની વિધિ, કરાવનાર ભૂદેવ તાજાતરોજા કોરોનાના પોઝીટીવ લેવલમાંથી નેગેરીવમાં આવેલા. પણ પોતે શાસ્ત્રી કરતાં હાસ્ય-શાસ્ત્રી વધારે. કોરોનાથી એવાં ચોંકી ગયેલા કે, લગન ટાણે વર-કન્યા વચ્ચે અંતરપટમાં પિછોડી કે શોલને બદલે, ‘બીગ-માસ્ક’ નો જ  અંતરપટ પણ રાખેલો. હાથમાં પાણી લેવાની કે પાણી મુકવાની વિધિ આવે તો, પાણીને બદલે  સેનિટાઈઝર પકડાવે. કન્યાનું નામ, કોકીલાબેન રોહિતભાઈ નાગર..!  પણ ભુદેવે આખાં નામનું શોર્ટફોર્મ (કો.રો.ના ) કરીને, ‘કન્યા પધરાવો સાવધાન’ ને બદલે ‘કો.રો.ના. ભગાવો સાવધાન’ જ બોલે. જાનૈયા વિચારમાં પડી ગયાં કે, આ બ્રહ્મ-પુત્ર ‘કન્યા પધરાવો સાવધાન’ ને બદલે ‘કોરોના ભગાવો સાવધાન’  કેમ બોલે..? પછી કોઈએ સમજાવ્યું કે, કન્યાનું નામ કોકીલાબેન રોહિતભાઈ નાગર, એટલે શોર્ટમાં ‘કોરોના’ કહીને બોલાવે છે..!

                         એમાં વળી હસ્તમેળાપની સીસ્ટમ તો સાવ નોખી. વરકન્યાએ હસ્તમેળાપ નહિ કરવાનો પણ, બંને છેડેથી બને જણાએ એક લાકડી જ પકડી રાખવાની. જેથી એકબીજાના હાથ ટચ નહિ થાય. તેમાં મંગળફેરાનું મહાત્મય સમજાવવાને બદલે, કોરોના મુક્ત રહેવા કયા પ્રકારના ઉકાળા કેટલા ટાઈમ પીવાના એની પણ સુચના આપતા જાય.  બ્રહ્મપુત્ર આટલેથી અટકી ગયાં હોત, તો તો બધું સ્વસ્તિક જ હતું. પરંતુ મંગળફેરા પુરા થયાં પછી નવદંપતીને છુટ્ટાં ફૂલથી વધાવવાને બદલે. ફૂલના કુંડા મારતા હોય એમ સમજાવે કે, ‘હસ્ત મેળાપથી લગન પાકું થાય, ને હાથ મિલાવવાથી કોરોના પાક્કો થાય..! જાન બંનેમાં જાય, એકમાં વાજતે-ગાજતે જાય, ને બીજામાં રડવા ફૂટવાથી જાય..! બંને દર્દ આપે. બેમાંથી એકેયનો અકસીર ઈલાજ હજી શોધાયો નથી. એકમાં હનીમુન હોય, ને બીજામાં ક્વોરોન્ટાઈન ..! લગનમાં ચાર ફેરા આવે, ને કોરોનામાં લોક્ડાઉનના ચાર ચરણ આવે. બનેમાં સમય જાય તેમ આડઅસર વધતી જાય..! બંનેમાં ‘હોમ કોરોન્ટાઇન થવાનું. ફેર એટલો કે, કોરોનામાં ૧૪ દિવસનો ગાળો હોય, ત્યારે લગનમાં સાત જનમ સુધીનો મહાગાળો હોય. કોરોનામા નાકમાંથી જ પાણી વહે, પણ લગન પછી આંખમાંથી પાણી ઝરે, તો બોલવાનું નહિ..!’ જો કે, આ તો બધી હસવા હસાવવાની વાત છે દોસ્તો..! બાકી, જો જીતા વો સિકંદર જેવું છે.! કોરોના થાય તો કરીનાકપૂરના જેવી હુંફ પણ વાઈફ જ આપે..! બાકી બીજા તો દુર બેસીને નસકોરાં જ ફૂલાવતાં હોય..!

                                      લાસ્ટ ધ બોલ                       

                      એક કોરોનાના દર્દીએ ડોકટર સાહેબને ફોન કર્યો કે, કોરોનાથી બચવા મેં યોગ ચાલુ કર્યા, વોકિંગ ચાલુ કર્યું, ઉકાળા પણ' પીધાં, ફણગાવેલા મગ ખાધાં, લસણ, આદુ, ફૂદનો, મીથેલીન બ્લ્યુ, ઉપરાંત પેલી આરતી કપૂરની પોટલી પણ  દિવસમાં દશ-બાર વાર સુંઘવાની ચાલુ કરી. એલોપથી, હોમિયોપથી દવા સાથે પેલા માસ્ક તો મોંઢા ઉપર ખરાં જ. સેનિટાઈઝરનો ધોધમાર ઉપયોગ પણ ખરો, દિવસમાં પચાસ વખત હાથ ધોઈને હાથની રેખા પણ ઘસી નાંખી..! રોજ થાળી વાડકા પણ વગાડું. કોઈના લગનમાં હું જતો નથી ને કોઈને ઘરમાં આવવા દેતો નથી. વેકસીનના બને ડોઝ પણ લીધાં ને ઓકસીજનના બાટલા ને ઇન્જેક્શનનો સ્ટોક પણ કરી રાખ્યો છે. મારે એટલું જ પૂછવાનું કે, આટલી કાળજી લીધાં પછી, મારે કોરોનાથી બચવા બીજું શું કરવાનું..?  ડોકટર કહે, ‘ તારે હવે કંઈ કરવાની જરૂર નથી. તારી તૈયારી એટલી અદભૂત છે કે, તને કોઈ ડુટીમાં પણ તીર મારે, તો પણ તને કંઈ નહિ થાય..! તું અમર થઇ ગયો એમ માની લે .!
 

------------------------------------------------------------------------------------------------------------------------

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )
      
    


 


 
 
 

 
24
Settings