13
નિયાલમની સડક માંડ બે કિલોમીટર લાંબી હતી. આગળની સવારે એને પાર કરીને ગામની બહાર પહોંચ્યા તો સડક નામની વસ્તુ ગાયબ હતી.
હવે અમારે આગળના ત્રણ દિવસ તિબેટની માટી ઉપર અમારો રસ્તો બનાવવાનો હતો. રોજ અઢીસો – ત્રણસો કિલોમીટરની મુસાફરી કરીને જ અમે માનસરોવર પહોંચવાના હતાં.
નિયાલમની બહાર નીકળતાં જ ટ્રાફિક જામ મળ્યો. આગળ લ્હાસા જતી સડક બની રહી હતી. ક્રેનની ફેરી પૂરી થાય પછી જ ગાડી જઈ શકે તેમ હતું. અમે એક નાનકડાં પહાડને આમથી તેમ લઈ જવાનું દૃશ્ય જોઈ રહ્યાં હતાં.
- આ સડક બની જશે પછી ભારે સગવડ થઈ જશે.
અમારી ગાડીમાં બેઠેલાં એજન્ટે કહ્યું.
નિયાલમ લ્હાસા-નેપાળના મુખ્ય રસ્તા પર હતું.
-અહીંથી લ્હાસા કેટલું દૂર છે ?
-વધારે નહીં, લગભગ છસ્સો કિલોમીટર.
-બસ?
-પરંતુ જઈ શકાતું નથી. ત્યાં જવા માટે અલગ પરમિટ જોઈએ. અત્યારે તમારી પરમિટ ઓગણીસ દિવસ માટે છે, માત્ર કૈલાસ-માનસરોવરના રસ્તા માટે. તમને અહીંથી બહાર લઈ જવાની જવાબદારી અમારી છે.
મારી વાત સમજીને એ બોલ્યો.
એ માણસ મને પહેલેથી જ સારો લાગતો નહોતો. વિચિત્ર કડવા - જેવો હતો. બીજું કોઈ હોત તો કહેત કે તપાસ કરીએ.
હું કાંઈ બોલી નહીં.
સુંદર વાત એ હતી કે હું આગળની સીટ ઉપર બેઠી હતી. ચાલતી ગાડીમાં ત્યાંથી દૃશ્ય કૈક અલગ જ દેખાતાં હતાં. વારંવાર લાગતું હતું કે અમે એક પેઈંટિંગમાંથી નીકળીને બીજાં પેઈંટિંગમાં પ્રવેશી રહ્યાં હોઈએ. રામકુમારની પેઈંટિંગ અને સાલ્વાડોર ડાલીના કેનવાસની બહાર પગ મૂકવાનો અનુભવ મળી ગયો હતો.
અમે પશ્ચિમ તરફ જતાં હતાં. અમારી ડાબી બાજુ હિમાલયની શૃંખલાઓ હતી. નંદાદેવી, ધૌલાગિરિ....ભારત ક્યાંક એની પાછળ હતું. અમે આ તરફ હતાં. તિબેટની તરફ.
ભારતમાં હિમાલયના પર્વતોને જુઓ તો કેવા દૂરદમ્ય લાગે છે...વિશ્વાસ થઈ શકતો નહોતો, એટલા ઉંચા પહાડોની બરાબર પાછળ આ પહાડી મેદાન હશે. દૂર દૂર સુધી રણ જેવું વિસ્તરેલું.
હવે હિમાલયની પાછળ આ દૃશ્ય હતું અને આ દૃશ્યમાં અમે !
ચારે બાજુ આકરો તડકો હતો. વૃક્ષ કે વનસ્પતિનું નામોનિશાન ન હતું. ચીકણી જમીન, આછું ભૂરું આકાશ. કે ત્યારે જ જમણી બાજુ આંખના ખૂણામાં પીરોજી રંગ ઉભરવાનો શરૂ થયો. ન વાદળી, ન લીલો, પીરોજી. ટર્કોઇઝ !
કોઈ નદી છે શું ? કઈ નદી ?
કોઈ સેંકડો માઈલ લાંબી એ સુંદર વળાંકોવાળી ધારા અમારી ગાડીની સાથે સાથે આખો દિવસ ચાલતી રહી. એવી મોહક. હૃદય કાઢી લેનારી. આ શું છે ?
તિબેટનો નક્શો કાઢ્યો તો ખબર પડી કે એનું નામ છે પીકો-ત્સો. ત્સો એટલે સરોવર. આટલું લાંબુ સરોવર ? નદી જેવડું ! આવું સરોવર મેં કદી જોયું નહોતું. ....
તિબેટના નકશા પર જાણે આવા કેટલાય સુંદર પીરોજી, મહાન સરોવર વિખેરાયેલાં પડ્યાં હતાં. અમે તો હજી એક જ જોયું હતું. ....
આ પુણ્યભૂમિ છે, દેવલોક કે કોઈ આશ્ચર્યલોક ?
જે કૈ હતું, હું એના સંપૂર્ણ મોહપાશમાં હતી.
બરફથી લદાયેલા પર્વતોની દીવાલો, ભુરું આકાશ અમારો તંબું, જ્યાં અમે બપોરના ભોજન માટે રોકાયા.
ગાડીઓ કાફલામાં હોવાં છતાં કાફલામાં નહોતી. ગાડી ચાલે ત્યારે એટલી બારીક માટી ઊડતી હતી કે દરેક ગાડીની ગતિ પોતાનું એકાંત શોધી લેતી હતી. ન એકબીજાથી ઓઝલ, ન એક-બીજાની પાસે.
ન જાણે કેટલીય છીછરી જલધારાઓમાંથી અમારી લેન્ડક્રુઝર પસાર થઈ હશે. વિચિત્ર વાત એ હતી કે આ ભૂદૃશ્યમાં અહીં નદીઓ છીછરી અને સરોવર ઉંડા હતાં.... સરોવરનું પાણી વહી શકતું નથી એટલે ?
બ્રહ્મપુત્રની ધારા ક્યારે નીકળી ગઈ, અમને ખબર જ ન પડી.
આવી નિર્જન જગ્યાએ ડ્રાઈવર અને શેરપા કેવી રીતે નક્કી કરતાં હશે કે એમને ક્યાં મળવાનું છે ?હું ડ્રાઈવ કરતી હોઉં તો આ દૃશ્યમાં દિશા કદી સમજી શકું નહીં....
બે-એક ગાડીઓ પહેલા પહોંચી ગઈ હતી. ભોજનનો ટ્રક પણ આવી ગયો હતો. અમે પહોંચ્યા ત્યાં પિકનિકની સંપૂર્ણ વ્યવસ્થા હતી.
ત્યારે કોઈએ કહ્યું, એ જુઓ, ગણપતિ !
સામેના પહાડની ટોચ પર ગણેશજી સ્પષ્ટ બનેલા હતા !
હાથીના કાન, સૂંઢ, લાંબી અધખૂલી આંખો...જાણે કાજળની રેખાથી દોરેલી. બિલકુલ જાણે મુંબઈના ગણેશ ઉત્સવ વાળી મૂર્તિઓમાંથી ઊઠીને ગણપતિ આવી ગયા હોય.....
ગણેશજીની ડાબે અને જમણેના પહાડો પર બરફમાં બે બીજી મૂર્તિઓ હતી. યોગી લગતા હતા.
- તેઓ એક હજાર વર્ષથી અહીં તપ કરી રહ્યા છે.
અમારા એક તિબેટી શેરપાએ કહ્યું.
એટલે કે અમે જે જોઈ રહ્યાં હતાં તે ભ્રમ નહોતો. બધાંને એ દેખાતું હતું. ગણેશજી અને બે યોગી. બરફના પહાડમાં.
ભગવાન શિવને ઘેર જઈ રહ્યાં છીએ અને એમના વિઘ્ન-વિનાશક પુત્રે દર્શન આપ્યાં......
એક ફર્ફોલાની જેમ વહી આવ્યું મન.....
એક ફોટો તો લઈ લઉં, અચાનક ધ્યાન ગયું.
નહીં તો કોઈ માનશે નહીં કે આમ ખરેખર બન્યું હતું !
*
14
ખબર નહીં ક્યારે અમે ત્રણ હજાર ફૂટની ઊંચાઈ પર ચડી ગયાં હતા.
રસ્તામાં ન કોઈ ખાઈ આવી, ન ક્યાંય વધુ ઊંચાઈ આવી. વળાંકો વાળી સડકો જરૂર આવી હતી, સામાન્ય. પરંતુ ગાડી સાગા પહોંચી, ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર, તો અચાનક શ્વાસ લેવામાં થોડી તકલીફ પડવા લાગી. થાક હશે, એ વખતે તો એમ જ લાગ્યું હતું. જો ક્યાંક બાથરૂમ મળી જાય, નહાઈ લઈએ.
દિલ્હીમાં આ જ ટેવ હતી, દરેક બીમારીનો ઈલાજ – સ્નાન. ઊંઘ બહુ આવે છે, ઊંઘ નથી આવતી, મન ઉદાસ છે, માથું દુખે છે, પગ થાક્યા છે, ક્યાંક જવું છે, જવાનું મન નથી, ક્યાંકથી પાછી આવી છું – સ્નાન !
એક ભયંકર ગંદી અને તુચ્છ ધર્મશાળામાં અમને લાવવામાં આવ્યાં. આંગણાની એક બાજુ ચાર પથારી વાળા રદ્દી રમ હતા. બીજા છેડે ટોઇલેટ હતા, કાચા. ભારતીય સંડાસ જેવી બેઠકો બનેલી હતી. મે જોયું અને ભાગી...
ટોયલેટના આઘાત પછી નહાવાની તડપ બહુ વધી ગઈ. કેલસાંગ, લ્હાસાથી આવેલા અમારા તિબેટી ગાઈડે કહ્યું,
- દીદી, તમે ચિંતા ન કરો. બહાર મુખ્ય બજાર છે ત્યાં સ્નાનઘર છે. શાવરની કેબિન બનેલી છે. બધી વ્યવસ્થા થઈ જશે.....
મને આશ્ચર્ય થયું, એ આટલી ચોખ્ખી હિન્દી બોલી રહ્યો હતો !
- હિન્દી ક્યાં શીખ્યા ?
- ત્યાં જ લ્હાસામાં.
ઘણો પરિપક્વ ગાઈડ હતો. ઉમર બહુ નહોતી, પાંત્રીસની આસપાસ. પરંતુ ચહેરો એવો કે ઘણી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ ચૂક્યો હતો. એ સારો માણસ હશે કે ખરાબ, કૈ ખબર પડતી નહોતી, પરંતુ ‘બચી જનારી પ્રજાતિ’નો છે એ ચોખ્ખું દેખાતું હતું.
મને આખી યાત્રામાં એણે મને ‘દીદી’ જ કહ્યું એ સંબંધે એની સાથે મારી મમતા પણ જળવાઈ રહી. ‘તમે લ્હાસા આવશો તો હું જાતે તમને એરપોર્ટ પર લેવા આવીશ.’ એણે યાત્રા દરમ્યાન એકવાર કહ્યું હતું.
એક આવારા જેવી લાગતી, ધર્મશાળામાં નોકર તિબેટી છોકરીને મારી સાથે મોકલી દીધી, સ્નાનઘર સુધી મૂકવા માટે. આવારા છે કે ધંધો કરે છે એવી શંકા એટલે થઈ કે દોઢ ફર્લાંગના એ નાનકડાં અંતરમાં ઘણા આવતા-જતા પુરૂષોએ એણે સ્પર્શ કર્યો, પોતાની તરફ ખેંચી.....
એ સાંજે એવી ઘણી છોકરીઓ દેખાઈ, ભદ્દા હોઠો વાળી, કહેવા માટે દુકાનોમાં સેલ્સગર્લ, પરંતુ હકીકતમાં પોતાને જ પ્રસ્તુત કરતી....
એક જગ્યાએ મારે પ્રાર્થના ધ્વજ લેવા હતા, કૈલાસ મનસરોવરની પુજા માટે. છોકરીનો ચહેરો જોયો, તો બહાર આવી ગઈ, નહીં, અહીં થી નહીં....
આ એવી વેશયાઓ નહોતી જે મજબૂર હોય. આ પાકી ગઈ હતી, ચૂડેલ બની ગઈ હતી....બીભત્સ.....
તે એટલી ખરાબ એટલે પણ લાગી કે એ જ દુકાનોની પાછળ ક્યારેક – ક્યારેક કોઈ સુંદર સૌમ્ય ચહેરા વાળી તિબેટી મહિલા, પોતાના નાના બાળકને પકડતી-પકડતી બહાર આવી જતી હતી....પટ્ટીવાળું એપ્રન પહેરીને....ખોવાયેલી, કોઈ બીજી દુનિયાનો ચહેરો લઈ.....
દલાઈ લામાની પ્રજાના આ હાલ ! કોને દોષ દઈએ ?
સંતવાના એ જોઈને મળી કે ભલે સાગામાં ચીની સૈનિકોની છાવણી હતી, સૈનિકો સડકો પર ફરી પણ રહ્યા હતા, કોઈ કોઈ દુકાન આગળ અત્યારે પણ એકલા તિબેટી બેઠા હતા. સાંજના સંધિકાળે પ્રાર્થનાના મંત્રનો ઘૂઘરો ઘુમાવતા. આ વિકટ સમયથી પર, કોઈ બીજા સમયમાં, કોઈ બીજી શક્તિની સામે પોતાને સમર્પિત કરતાં......