ADHI VYADHI UPADHI ANE SAMADHI in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૪૯

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૪૯

આધી-વ્યાધી-ઉપાધી ને સમાધી

 

                                  અસ્સલના વડવાઓ (વડવાઓ અસ્સલના જ હોય, ઘોંચું..! એમાં ચાઈનાનો  માલ નહિ આવે કે  ડુપ્લીકેટ નીકળે..!) એ લોકો ‘દલ્લો’ સંતાડીને રાખતા,  પણ જીવતા દિલ ખોલીને. એક્ચ્યુલી મારી દાદીમાની વાત કરું તો, એમણે મને એક વાત કહેલી કે,  ‘તું જન્મ્યો ત્યારે જનમટીપની સજામાંથી નિર્દોષ છૂટીને આવ્યો હોય એમ, હસતા-હસતા જન્મેલો. તારા મામાનાં તો મોતિયા મરી ગયેલા કે, ભાણીયો કૃષણ બનીને મામાનું કાસળ કાઢવા હસતો-હસતો આવ્યો કે શું..? તને રમાડવા લાવેલા ઘૂઘરા પણ તને જોઇને ડોળા ચઢાવી ગયેલા. 


ધ્રુસકે ચઢેલા. ઘૂઘરા વાગવાને બદલે રડેલા વધારે. ફાયદો એ થયેલો કે, કોઈનું છોકરું રડે તો, તેમના છોકરાને હસાવવા માટે તને ભાડે લઇ જવા પડાપડી થયેલી, ને એમાં આવક પણ વધેલી. કહેવાનો મતલબ શ્રી કૃષણ જેમ ગોકુળમાં વાંસળી ભૂલી આવેલા એમ, હું આધી-વ્યાધી ને ઉપાધી હું ઉપર જ મુકીને આવેલો. મને હસાવતા આવડે, પણ કોઈને રડાવતા હજી આવડ્યું નથી, એનું કારણ પણ એ જ. એટલે જ તો મામૂ હું નેતા નથી બની શકતો..! થયું એવું કે, ‘હસે તેનું ઘર વસે’ નાં રવાડે એવો ચઢી ગયો કે, હસવામાંથી ખસવાનું થઇ ગયું. બધાના બધાં જ દિવસો સરખા થોડા જાય..? જાય તો ચોઘડિયાની ઈજ્જત શું રહે..? હસવામાં એવી ઓટ આવી ગઈ કે, કિનારે લંગારેલું વહાણ પાળિયાની માફક નથી આગળ ખસતું કે નથી આગળ વધતું..! ઘોડીયાવાળી જિંદગીને મહાન કહેવડાવે એવી હાલત છે દાદૂ..! મુદ્દાની વાત કરું તો આધી-વ્યાધી ને ઉપાધિ, એ જનમ સાથે આવેલી complimentry નથી, પણ માણસે વસાવેલી મિલકત છે..! માણસનું પોતાનું ઉપાર્જન છે..!
                                શું કરીએ, શિક્ષકે  દ્વિકોણ, ત્રિકોણ.ચતુષ્કોણ, અષ્ટકોણ વગેરે બધું શીખવેલું પણ દ્રષ્ટિકોણ નહિ શીખવેલો..! જે પરિવાર જ શીખવી શકે, બાજી એને શીખવા માટે ટ્યુશન નહિ રખાય..! આસ્થા-શ્રદ્ધા-સબુરી-દયા-કરુણા-પ્રાર્થના-કૃપા-ઉપકારના સ્ત્રોત નિશાળની ચાર દીવાલ કરતાં પરિવારના દિલમાંથી વધારે મળે. પીઝા બર્ગરમાંથી નહિ આવે, દાદીમાના હાથથી  ભડકુફાસ્ટ આવે. પણ એના ટાવર પકડાવા જોઈએ. આજઓ માણસ દિલ ભરીને જીવવા કરતાં, મન અને પેટ  ભરીને વધારે જીવતો હોવાથી, આધી-વ્યાધી અને ઉપાધી સુરક્ષા કવચ તોડીને પ્રવેશી રહ્યો છે. હૈયું હાંસિયામાં ચાલી ગયું, ને હાસ્યનું ઝરણું જ્યાં પ્રગટ થયું ત્યાં જ પોષણ વગર વિલાય ગયું. ધરતી ઉપર પગ પેસારો કર્યા પછી માણસ માણસાઈ ભૂલી ગયો, ભગવાન ભૂલી ગયો ને છેલ્લા સમાચાર પ્રમાણે તો માઉતર અને પરિવારને પણ ભૂલવા માંડ્યો. ભગવત ભાવ પ્રગટ કરવા માટે, ધંધાદારી મશીનના ઉપયોગ થવા માંડ્યા. એમ હસવાના પણ મશીન નીકળ્યા, હસનારે તો માત્ર અભિનય જ કરવાનો. માણસનું કામ મશીન કરવા માંડ્યું, પછી આધી-વ્યાધી ને ઉપાધિને આમંત્રણ આપવા માટે નિમંત્રણ કાર્ડ લખવા પડે..? જે જગન્નાથે માણસને બનાવ્યા, એને બનાવવાવાળા આપણે કોણ..? ભગવાને પણ ઉપકરણ આપ્યા અને શ્વાસ આપવા માટેના વેન્ટીલેટર મોકલ્યા..! કબીર સાહેબે એક સરસ વાત લખી છે કે,

                              કબીર યહ સંસારમે પાંચ તત્વકા હૈ સાર

                              સંત ઔર સાધુ મિલન, દયા દાન ઉપકાર

                આ પાંચ તત્વનો જેમની પાસે ભંડાર છે, એમણે આધી-વ્યાધી અને ઉપાધિને સમાધી સુધીનો રસ્તો બતાવવાની જરૂર નથી. જ્યાં શ્રધ્ધાનો દુકાળ હોય, દાનનો બહિષ્કાર હોય,  ઉપકાર કરવામાં ઉંગટ હોય, એને જ આધી વ્યાધી અને ઉપાધિની નડતર આવે. પછી, “હાથમાં હોય શંકાનો નકશો, ને જવું છે શ્રદ્ધા સુધી, પગમાં લંકા ખદબદે ને જવું છે અવધ સુધી” એનાં માટે તો સવાલ ચિહ્નો રહેવાના જ..!  ભગવાનની કેવી લીલા છે કે, ‘ફર્નીચર સાથેના બંગલામાં રહેવા મોકલ્યા હોય એમ જનમતાની સાથે દરેક સુવિધા પૃથ્વી ઉપર હાજરા હજૂર..! નદી-તળાવ-દરિયો -ડુંગર-પર્વત-સરોવર-વૃક્ષો ભગવાને બનાવ્યા, ને માણસે લખી દીધું Made by me પછી આધી-વ્યાધી ને ઉપાધી નહિ આવે તો નૈરુત્યમાંથી સુગંધી પવન થોડાં આવે..? ભગવાને માત્ર માણસ જાતને હસવાની શક્તિ આપી છે, બીજા કોઈ પ્રાણીને આપી નથી. માણસ જ્ઞાની હોય એ મહત્વનું નથી, પણ જાણકારી ના હોય તો ગમે એટલું ઊંચું જ્ઞાન હોવા છતાં પણ એ અજ્ઞાની કહેવાય. પૈસાને રવાડે માણસ એવો ચઢી ગયો કે, ભગવાનની માફક એ હાસ્યને પણ ભૂલી બેઠો. પૈસો એ હાઈ-વે નથી, ડાઈવર્ઝન છે. ત્યારે હાસ્ય એ હાઈ-વે છે. હાસ્ય વગરનું જીવન એટલે  નિચોવાયેલું  લીંબુ. એમાં રસ પણ ના હોય ને કસ પણ નાં હોય.  હાસ્ય સમ્રાટ જ્યોતીન્દ્રભાઈ દવે સાહેબે પણ કહ્યું છે કે, “જગતમાં એવો એકપણ માણસ નથી, કે જે જીવનમાં ક્યારેય હસ્યો ના હોય..! ત્યારે આજે તો કદાચ એવું કહેવું પડે કે, ‘એવો એકપણ માણસ નહિ હોય કે જેણે બીજાને રડાવ્યો ના હોય..!’ શું કહો છો રતનજી..?

                       જ્યારથી માણસ હસવાનું ભૂલી ગયો ત્યારથી ‘આધી-વ્યાધી ને ઉપાધી’ એ માણસના મગજમાં માળો બાંધી દીધો છે. તડકો અને છાંયડો, સુખ અને દુખ, ક્ષત્રુ અને મિત્રનો લગાવ તો, વિરોધાભાષી ખરા, પણ એકબીજાના પ્રેરકબળ પણ ખરા..! ઘનઘોર વાદળમાંથી નીકળેલું સૂર્યનું કિરણ જેટલું આહલાદક લાગે, એમ આધી-વ્યાધી અને ઉપાધિના ઘેરા વાદળમાંથી ફૂટેલું હાસ્યનું કિરણ તો માનવીમાં ચેતનાનો સંચાર કરી દે. આધી-વ્યાધી-ઉપાધીના ત્રિવિધ તાપમાં ભલે એ શેકાતો હોય, છતાં જેમણે હાસ્ય સાથે  આભડછેટ કરી નથી, એના માટે તો લોકોક્તિ છે કે,  ‘હસે તેનું ઘર વસે..!’  જેમ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશના સ્વરૂપ અલગ, એમ ‘આધી-વ્યાધી ને ઉપાધી’ના સ્વરૂપ પણ અલગ. બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ નિરાકાર છે. પૃથ્વીસ્થોને એમનો સીધો ભેટો થતો નથી. પણ જેમ ડીજીટલ ઉદ્ઘાટનો સ્થળ બહારથી થાય એમ, આ લોકો સ્વર્ગમાં બેઠાં-બેઠાં જ સંચાલન કરીને  ઉઘાડ-બંધ કરે. સ્વર્ગમાં બ્રહ્મા-વિષ્ણુ ને મહેશ હોય, ને આપણા લલાટે આધી-વ્યાધી ને ઉપાધીના ભમરડા ફરતા હોય. આધી-વ્યાધી ને ઉપાધિના ઢગલાઓ નહિ થાય એ માટે સ્વભાવ સુધારવાને બદલે, એને ટાઢા પાડવા પૂજા-પાઠ અને મંત્રોના ઉપચાર કરાવે. નાણા ઢીલ્લા કરીને પૂજા પાઠ કરાવીએ એટલે બધું શાતા થાય એવી આપણી શ્રદ્ધા. વિધિ પતે એટલે પંડિત તરત કહે, તમારું વિધાન સંપન્ન થઇ ગયું. ‘ આજથી તમારી આધી-વ્યાધી ઉપાધી ટળી ગઈ. વડીલોને પગે લાગો ને આર્શીવાદ લઇ લો કે, એ ફરી રીટર્ન નહિ થાય. જાવ  જલશા કરો જયંતીલાલ..!

                    

                                         લાસ્ટ ધ બોલ

 

                              ૧૨૦નો માવો ચૂના સાથે મસેળતા એક મોર્ડન (અ)જ્ઞાનીને પૂછ્યું કે, ‘ આપની સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને હું ખુબ પ્રભાવિત થયો. મારે મારા ઘરે વંચાવવી હોય તો કેટલો ખર્ચ આવે..? મને કહે,’ હું ત્રણ પ્રકારની કથા વાંચું છું. Fiirst claas, second class અને third class..! first class ના ૫૦૦૧ રૂપિયા..! એમાં વાણીયો, કઠિયારો, લીલાવતી ને કલાવતી બધા આવે.  second class ના ૨૦૦૧ રૂપિયા..! એમાં વાણીયો આવે તો કઠિયારો નહિ આવે, ને લીલાવતી આવે તો કલાવતી નહિ આવે..!  ને third classના ૧૦૦૧ રૂપિયા..! એમાં કોણ આવે ને કોણ જાય એનું કંઈ નક્કી નહિ..! બીજું કે, first class વંચાવો તો આધી-વ્યાધી ને ઉપાધી ત્રણેય ગાયબ થઇ જાય. અને second class વંચાવો તો, આધી અને વ્યાધી જ ગાયબ થાય, બાકી  ઉપાધિનું નક્કી નહિ. અને third class વંચાવો તો આધી વ્યાધી ને ઉપાધીમાંથી કઈ રહે ને કઈ જાય એનું કંઈ નક્કી નહિ...! એના કપાળમાં કાંદા ફોડું..! (આ તો એક ગમ્મત..!)

 

--------------------------------------------------------------------------------------------------------------

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )
      
    


 

Reply

Reply all
 or 
Forward