EKAD HAASYNU DAVAKHANU KHOLU in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૪૭

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

હાસ્ય લહરી - ૪૭

એકાદ હાસ્યનું દવાખાનું ખોલું..!                              

                                       કેટલાંક દુઃખ ભગવાન આપતો જ નથી, માણસ જ હવાતિયા મારીને એનું ઉપાર્જન કરે. કદાચ ૪૦% થી વધારે દુઃખ એવાં હોય તો કહેવાય નહિ. કહેવાય છે કે, ઈચ્છા અધુરી રહે અને શ્વાસ પુરા થાય, એને મૃત્યુ કહેવાય. અને ઈચ્છા પૂરી થાય ને શ્વાસ પુરા થાય એને મોક્ષ કહેવાય..! મને મોક્ષ નથી મળવાનો એની ખાતરી છે. એટલા માટે કે, ચડ્ડીનું નાળું બાંધતા નહિ આવડતું ત્યારથી, ત્યારથી મારી બે ઈચ્છા હતી કે,  ૪૦ વર્ષનો થઈશ ત્યારે હું ડોકટર હોઈશ..!  એના કપાળમાં કાંદા ફોડું, એમાંથી એક જ ઈચ્છા પૂરી થઈ, હું ૪૦ વર્ષનો તો થયો, ડોક્ટર નહિ બની શક્યો..! ઠેટેસ્કોપને કાનમાં ભેરવીને મ્હાલવાનો શોખ હતો, આજે ગાયન સાંભળવાના ભૂંગળા ભેરવીને ફરું છું..!  જેવી ભગવાનની માયા..! એટલી તો ખબર પડી કે, સંસારમાં જ ધાર્યું ધણીયાણીનું થાય, બાકી ધાર્યું તો ધણીનું જ થાય..! મારું થોબડું જ એવું કે, એકેય કોર્નરથી ડોકટર જેવો લાગવાને બદલે, પંક્ચર સાંધવાવાળો વધારે લાગું. પાણી-પૂરીવાળો પણ નોકરીએ નહિ રાખે. મારાં કરતાં તો એમના થોબડાં 'હેન્ડસમ' લાગે..! માત્ર ડીગ્રી નહિ, થોબડાં પણ અફલાતુન હોવા જોઈએ, એનું પહેલીવાર બ્રહ્મજ્ઞાન થયું. મારો તો  ચહેરો જ એવો ભયાવહ કે, છોકરાંઓ ઊંઘાડવા લોકો મારો ફોટો માંગી જાય. દર્દીની સારવાર કરવાની તો દૂરની વાત, ચહેરો જોઇને જ દર્દી ઉકલી જાય એવો ભયાનક..! સ્મશાનમાં લાકડા ગોઠવવા પણ નહિ રાખે, એવો ડેન્જર..! મનની મનમાં રહી ગઈ સાલી..! બાળકો સાથે રમતો ત્યારે, બીજાં બાળકો દર્દી બનતા, ને હું જ ડોકટર બનતો. ડોકટર થવું મારી લાલસા હતી. એ લાલસાનો ચઢાવો મારા મિત્ર રતનજીએ કરેલો. મને ખાસ કહેતો કે, જીવનમાં સુખી થવું હોય તો ડોકટર જ બનજે. સેવાની સેવા ને મેવાના મેવા..! માટે જે શબ્દની પાછળ ‘ટર’ આવે તેવો જ ધંધો કરવાનો. ને મેં ડોકટર થવાનું સ્વીકારેલું..! સંજોગો એવાં સુક્તાન નીકળ્યા કે, માણસનો તો ઠીક, ઢોરનો પણ ડોક્ટર નહિ થઇ શક્યો..! બાકી ચહેરો મેચિંગ પણ થઇ ગયો હોત. હરિ ઈચ્છા બળવાન છે. નસીબને ક્યાં વાઈ-ફાઈ લગાવાય..? નહિ ડોક-ટર થઇ શક્યો, નહિ એક-ટર થઇ શક્યો, નહિ કલેક-ટર થઇ શક્યો, નહિ બેરિસ્ટર થઇ શક્યો કે નહિ કંડક-ટર થઇ શક્યો, હાલ ટ્રેક્ટર ચલાવું છું..!  છતાં, ભેજામાં ભેરવાયેલા ભમરાએ મને ડોક્ટર તરીકે જોવાની જીદ મૂકી નથી. ભેજામાં બેઠો- બેઠો ઘૂઉઉઉઘૂઉઉ. ઘૂઉઉઉઘૂઉઉ કરીને પીન મારે છે કે, એલોપેથી, નેચરોપેથી એમ હાસ્યપેથી પણ તબીબી શિક્ષણનો જ ભાગ છે. પલાંઠીવાળીને બેસ નહિ. તારી પાસે હાસ્યનો ખજાનો છે. ડોકટર દવાખાનું કાઢે તો તું  'હાસ્ય-ખાનું' કાઢ..!  ખાનામાં દવા-ઇન્જેક્શન રાખવાને બદલે જોક્સ રાખવાના. છાપાઓને  ભાડે કરીને પેલાં  પેમ્પલેટ આવે છે ને, કે,  “ ફલાણી માતાજીના ઉપાસક જુના અને જાણીતા દેવીચંદ આપના શહેરમાં આવી ગયા છે..!  પ્રેમમાં નિષ્ફળ ગયેલા કે મેલી મૂઠમાં ભેરવાયેલાનું સચોટ નિદાન કરી આપશે.  તમામ હઠીલા રોગોનું નિદાન કરીને તેનો જડમૂળથી નાશ કરશે..!”  બસ..! આપણે પણ એક આવું જ બોર્ડ લગાવી દેવાનું કે, ‘ હિમાલયની ટાઈઢથી કંટાળીને જુના અને જાણીતા હાસ્યવીદ રમેશ ચાંપાનેરી શહેરમાં ‘રીટર્ન’ થઇ ગયાં છે. જેઓ ‘હાસ્યની થેરીપી દ્વારા હઠીલા રોગોને શરીરમાંથી ખેંચી કાઢી, હસી-હસાવીને ચપટીમાં નિદાન કરશે..!’ પછી જુઓ હાસ્યના દવાખાનામાં ધંધાનો કેવો  તડાકો પડે છે.!  ઢગલેબંધ લોકો આવીને પડાપડી કરશે કે, ‘સાહેબ, મારો ચહેરો જરા હસાવી આપો ને..? જાતે તો રોજ ગીલીગોટા કરું છું, પણ ‘ઈફેક્ટ’ જ આવતી નથી. એક્સ્ટ્રા ચાર્જ થાય તો ભલે થાય, માંત્રિક કે તાંત્રિક ગીલીગોટા કરીને થોબડું હસતું કરી આપો ને..?  પગનું તળિયું પણ ખણી આપજો..! આપણે તો ટીકડી-ગોળાને બદલે, માત્ર હસાવવાના જોક્સના ડબલાં જ રાખવાના ને..? બહુ બહુ તો એકાદ જુનીયર હાસ્ય કલાકાર રાખવાનો. જેથી દવાખાનામાં કમ્પાઉન્ડર જેવો માણસ પણ છે, એવું લાગે..! કોઈ એમ કહે કે, સાહેબ બે દિવસથી મગજ કામ કરતુ નથી, એટલે તરત પેલાને કહેવાનું કે, ભાઈને ૧૩ નંબરના ડબલાંમાંથી એક જોક સંભળાવી દે..! કોઈ એમ કહે કે, હસવા માટે મારાં હોઠ જ ખૂલતાં  નથી, તો ૨૭ નંબરના ડબલાંમાંથી ત્રણ જોક કાઢીને સંભળાવી દેવાના. અને સવાર-બપોર અને સાંજના ડોઝ લેવા માટે,  હાસ્યની એક પેન-ડ્રાઈવ આપી દેવાની.  થોડાક દિવસમાં તો ઝામો પડી જાય યાર..! ધારો કે, તેમાં પણ મેળ નહિ પડે તો, ધીકતી પ્રેકટીશ ચાલતી હોય એ દવાખાના કેસ રીફર કરવાનો, અને એટલું જ કહેવાનું કે, ત્યાં જઈને દવા લેવાની જરૂર નથી, માત્ર બીજાં દર્દીઓને જોઇને મુલ્યાંકન કરવાનું કે, તેમની સામે મારું દુખ તો કંઈ જ નથી. 
                                     પાયાની વાત એ છે કે, માત્ર હસતા રહેવાની જરૂર છે..! વાઈફો બધું સહન કરે, પણ પોતાનો બેબી ( બેબી..એટલે ઝભલા-ટોપીવાળું નહિ, એનો હસબંદો..!) માંદો પડે એટલે વાઈફના ઢગલાબંધ ચેતના તંત્રો  ઢીલાં પડી જાય. બેબી ઉપર કોઈની મેલી નજર લાગી કે શું, એવી શંકા જાગૃત થાય. બાકી યમરાજની છાયા પડી હોય એવું તો એ ક્યારેય નહિ સ્વીકારે. કારણ કે, એમને એક અધિકાર મળેલો છે કે, એ જીવવા પણ નહિ દે, અને કડવા ચોથ કરીને મરવા પણ નહિ દે..! કેદી જ માંદો પડ્યો હોય તો જેલર જોર પણ કોના ઉપર કરે..?  એને ખબર કે,  સજનવામાં ‘હેમોગ્લોબિન’ જ ના હોય તો લોહી પીવામાં ટેસ્ટ નહિ આવે. 
                                     સ્વભાવ હમેશા રમુજી રાખવાનો. રમૂજ બોજને હળવો કરે, લોકો સાથે જોડેલા રાખે, રમૂજીને લોકો કેન્દ્રમાં પણ રાખે. વ્યક્તિના મન અને શરીરને ચેતના આપવા તથા સાજા કરવાની ઘણી શક્તિ હાસ્યમાં છે. હમેશ હસતા રહેવાની ક્ષમતા, એ સમસ્યાઓનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ભાવનાત્મક તેમજ શારીરિક સ્વાસ્થ્યને ટેકો આપવાની તાકાત હાસ્યમાં છે. 45 મિનિટના સારા હાસ્ય પછી સ્નાયુઓ પણ હળવા ફૂલ થાય. શરીરમાં રોગપ્રતિકારક કોષોને વધારે..!  પણ અમુકને તો માંદા દેખાવાની એવી ફાવટ આવી ગયેલી કે, હસવાની એક્ટિંગ કરતાં પણ નહિ આવડે. જેને એક્ટિંગ ના આવડતી હોય તો, જેઠાલાલના બે-ચાર એપિસોડ જોઈ નાંખવાના. પતિઓને સુખી જોવાના એ ‘શોર્ટકટ’ છે. 
                   કહેવાય છે કે, દરેકને એક-એક પળ સવાલાખની કરવાના હોંશલા હવે વધતા જાય છે. ભાગાદોડી અને તાણ સિવાય બીજું એને ખપે જ નહિ. ખેંચાતાણી એ જ એની જિંદગી. એટલે તો વિચાર આવ્વાયો કે, એકાદ હાસ્ળીયનું દવાખાનું હોય તો આવાં દર્દીને ઠેકાણે પડાય.  એનો અકસીર ઈલાજ એટલે હાસ્યની જડીબુટ્ટી..!  ડીપ્રેશનના દર્દીને  ઇમ્પ્રેશનમાં લાવવાનો કીમિયો એટલે હાસ્યનું દવાખાનું..! હા, એક વાત છે..! જેનાં હાડકામાં જ ભાંગ આવી હોય, તો હાડવૈદની જ મુલાકાત લેવાય. એમાં પછી હાસ્યવિદ રમેશ ચાંપાનેરીનો હાસ્યનો બેરહમી ઈલાજ નહિ ચાલે. માનવી ખુશ રહેવો જોઈએ, મનહુસ નહિ. મન સ્વસ્થ ના હોય તો હાસ્યની પણ આડઅસર થાય. માણસ ચીડિયો બનીને ચામાંચીડિયો જેવો થઇ જાય..! ખુદ હાસ્ય સમ્રાટ જ્યોતીન્દ્ર દવે સાહેબ આવે તો પણ એની ગાગર હાસ્યથી નહિ ભરાય. શ્રેષ્ઠ લાગણીઓમાંની એક લાગણી જે જીવનમાં ઉત્સાહ લાવે છે તે હાસ્ય છે. વિશ્વની શ્રેષ્ઠ દવાઓમાંની તે અકસીર દવા છે. માત્ર આત્મ ચિંતન કરવું પડે..!  
                                     શ્રીશ્રી ભગાની વાત કરું તો, એના નખમાં રોગ નહિ, પણ ઉઘરાણીવાળા હેરાન નહિ કરે એ માટે જે ડોકટરની ધીકતી પ્રેક્ટીસ ચાલતી હોય, અને જેના ઓટલે દર્દીઓની ભારે ભીડ હોય, ત્યાં જઈને બેસી જાય. એમાં ફાયદો એ વાતનો થાય કે, એને બીમાર જોઇને ઉઘરાણીવાળાને પણ હીબકું આવે કે, માંદા પાસે ઉઘરાણી કરવાનો આ સમય નથી. વાઇફોથી કંટાળેલા હસબંદો પણ આ નુસખો અપનાવે તો ફાયદામાં જ છે. વાઈફ માં પણ સંવેદના આવે કે, મારો ખાખરો માંદો છે, તો હમણાં છેડવા જેવો નથી..! આવાં લુખ્ખા બેસણા વધવાથી ભીડ થાય તે અલગ. અને દવાખાનાની ભીડ જોઇને પબ્લીકને પણ ‘ઇમ્પ્રેશન’ બેસે કે, ડોક્ટરની સારવાર સારી હોય તો જ આટલી ભીડ થાય ને..? ભીડ એ લોકપ્રિયતાની ફૂટપટ્ટી છે. શું કહો છો મામૂ..?

--------------------------------------------------------------------------------------------------------------------------                                                      

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )