હનીમુનનો હવન
તાજાં પરણેલાઓની તો વાત જ નોખી, એમની દુનિયા પણ અનોખી. એમની પૃથ્વી એમની ધરી ઉપર જ ફરે. એટલે તો લગન પછી, પ્ણીરકૃતિની ગોદમાં ઢંકાવાને બદલે, પ્રાણી સંગ્રહલાયની સફરે ગયાં. થયું એવું કે, પ્રાણીઓ એમને જોવા બહાર નીકળ્યા. એ તો સારું છે કે, તેઓને એકદમ બહાર આવતાં પાંજરાના સળિયા નડ્યા..! પ્રાણીઓ પણ ગેલમાં તો આવે જ ને..? જેમ પ્રેમ કરવા માટે આ લોકોને દુનિયા આડી આવે, ને પ્રાણીઓને પાંજરા આડા આવે, ..! બંને જણા એકબીજાને ધારી-ધારીને જુએ. આ લોકો તો પ્રાણીઓની વસ્તી ગણતરી કરવા નીકળ્યા હોય એમ એક પછી એકની મુલાકાત લેવા લાગ્યા. પાંજરાની સિંહણને શું અદેખાય ઉપડી કે, પેલીને જોઇને ત્રાડ પણ નાંખી. દરિયો ઘૂઘવાટા મારતો હોય ત્યારે રિસોર્ટની રેતી સુંઘવા જ જવાય, એવું કોઈએ કહેલું નહિ એટલે, બિચારા પ્રાણી-દર્શન કરવા જ આવે ને..? પૈસા ખર્ચીને ગેંડા જોવાં નીકળવું પડે એને પણ ગ્રહણ જ કહેવાય, પણ ધરતી ઉપરનું..! કદાચ એવું સમજાવવા લાવ્યો હોય કે, 'ફરવું હોય એટલું હમણાં ફરી લે, પછી તારે પણ પ્રાણીઓની માફક જ ઘરમાં પુરાવાનું છે..! ' કોડીલા વરઘોડિયા માટે પણ સરકારે કંઈક વિચારવું જોઈએ. તાજાં-તરોજા જોડાને પ્રકૃતિની ગોદમાં પલળવાનો ઉભરો તો આવતો જ હશે ને..? સ્વીટઝરલેન્ડ જઈને હનીમુનની બાધા છોડવાની ઈચ્છા એમને પણ થતી હોય, પણ કરે શું..? સરકારે આ માટે સબસીડી આપવી જોઈએ. સબસીડી એટલાં માટે કે, લોન હોય તો ભરવી પડે, સબસીડીમાં તો FBS જ કરવાનું..! (ફૂવાના બાપનું શ્રાદ્ધ..! ) લગનની લોનના હપ્તા પણ ભરવાના કે નહિ..? લગનના હપ્તા ઊભાં હોય ત્યાં, હનીમૂનના ' આઉટડોર ' બોજા થોડાં નંખાય..? એટલે તો પેરિસને બદલે, પ્રાણી સંગ્રહાલયમાં વિહાર કરવો પડે.! બિચારાઓ હનીમુનને બદલે ચંડીપાઠ કરવા જતાં હોય એમ જાય, અને પ્રસાદમાં થેપલાં બાંધી જાય..! આપણને દયા આવે, પણ કરીએ શું..? આપણાથી થોડું કહેવાય કે, તમે ઘરે આરામ કરો, હું હનીમુન ઉપર જઈ આવું..! બોલવા જાય તો રતનજી ખીજાય. છતાં, પેરિસમાં ફરતાં હોય એમ, પ્રાણી સંગ્રહાલયમાં પણ મૌજ તો શોધી કાઢે. ભલે વાંદરાઓ સાથે સેલ્ફી લેતાં હોય, પણ સદીના મહાનાયક સાથે ફોટા ખેંચાવતા હોય તેવો આનંદ લૂંટે..? જાય ઝાંપા સુધી, પણ ' વર્લ્ડ ટુર ' પર નીકળ્યાં હોય એવો ઠાઠ બતાવે. ગેરીલા વાંદરા સાથે ગેલ કરતાં હોય ત્યારે તો , દુનિયાની કોઈપણ કોમેડી સિરીયલ એની સામે ફિક્કી લાગે. બે ઘડી તો એવું જ લાગે કે, આ બંને પણ પાંજરામાંથી છૂટાં પડી ગયેલા પ્છૂરાણીના સેટ જેવાં છે. વાંદરાઓ પણ સળિયા પકડીને કિકિયારી મારતાં થઇ જાય કે, ' તમારા બાપ આગળ તો સખણા રહો..! જરાક તો શરમ કરો, અમે તમારા પરદાદા છીએ..! પેલી પાછી પ્રાણી સંગ્રહાલયમાં પણ હખણી નહિ રહે. પેલાને ચીંટીયો ભરીને કહે, ' હબુ..! આપણે લગન પહેલાં આવેલા, ત્યારે હિપોપોટેમસ કેટલો મરકટ હતો નહિ..? અત્યારે તો તમારી જેમ કેવો 'હબધો 'થઇ ગયો.....? છેલ્લે બાજુવાળાએ ચોખવટ કરવી પડે કે, ' એ હિપોપોટેમસ નથી, જંગલી ગધેડો છે.! ' આવું સાંભળીને પ્રાણીઓનું હૃદય પણ ઉભરાય આવે કે, પાંજરામાં છે, એ સારૂ છે. એ તો આપણને એવું લાગે, કે માત્ર આપણે જ જંગલી છે. બાકી આપણા જેવી વસ્તી તો પાંજરાની બહાર પણ છે..! જો કે એમાં બિચારીનો દોષ પણ શું કાઢવો..? એના 'હબી' સિવાય બીજું કોઈ પ્રાણી જોયું જ ના હોય, એ જથ્થાબંધ પ્રાણીઓ જોઈને ડઘાય તો જાય ને..? સ્વાભાવિક છે.! આપણે તો એટલો જ સંતોષ લેવાનો કે, ઘણાને તો જવાબો આપતાં પણ આવડતાં નથી, અને આ તો સામા સવાલો પણ કરે છે..! સવાલો ઉપર સવાલ કાઢીને પેલાનું ભેજું ફ્રાઈ કરી દે. એવું પણ પૂછી નાંખે કે, " ડાર્લિંગ, આ પ્રાણીઓ પણ પરણતા હશે ખરાં કે..? ' પેલો કહે, ' હા.! પ્રાણીઓ હોય એ જ પરણે.! બીજું કંઈ પૂછવું છે. ? " ત્યાં પેલી બીજું મિસાઈલ છોડે. ' આ રાજા જેવો રાજા થઈને, સિંહ ' નાગોપૂગો ' કેમ છે..? ' તારી ભલી થાય તારી ચમની.! પેલો બિચારો માંડ પાંચ ચોપડી ભણેલો હોય. એટલે ગૂંચવાય તો ખરો ને..? છતાં કહે, " જે રાજા હોય ને, એ બધાંએ નાગા જ રહેવું પડે, ડાર્લિંગ..! તારા કપાળમાં કાંદા ફોડું, હવે એક પણ પ્રશ્ન ના પૂછતી. તારા સવાલો સાંભળીને પેલો પાંજરામાં પાછળ ઉભેલો ગેંડો પણ મારી જેમ બગડવાની તૈયારીમાં છે..!
આ તો એક વાત. બાકી, લગન પછીની મસ્તી એટલે મસ્તી..! પ્રાણી સંગ્રહાલયમાં આવ્યાં તો શું થયું..? મસ્તી તો ફ્લોરિડામાં ફરતાં હોય તેવી જ રાખવાની. ભલે ને આકાશમાંથી બરફને બદલે અગનગોળા પડે, છતાં હિંમત બ્નાહી હારવાની બકા..! અમુક તો એવાં ફૂલાવેલા બાવડાં લઈને નીકળે કે, આપણને શંકા જાય, આ લોકો હનીમુન માટે નીકળયા કે, શિકાર કરવા..? એકબીજાના આંગળામા આંગળા પરોવીને નીકળે તો જોનારને પણ રાજી થાય, કે આને કોઈ વાવાઝોડું નહિ અડે. એમાં પેલો હબુ. ' હાસ્ય કલાકાર ' હોય ત્યારે તો ખાસ ઝાલી જ રાખવાનો. એ એનાં ફાંકામાં જ હોય કે, , વાઘ-સિંહ-ચિત્તાને આજે હું હસાવી હસાવીને ચત્તાપાટ પાડી દઈશ..! ભલે વઘારેલા અને વઘારવા વગરના ખમણ જેવાં જોક્સ ફેંકતો હોય.
કલાકારે ભલે પ્રાણીઓના અવાજની ઢગલેબંધ મિમિક્રી કરી હોય, પણ ઓરીજીનલ અવાજ સાંભળીને તો એ સવાલ ચિહ્ન થઇ જ જાય. પેલી પડખે ચાલતી પણ નાગ કન્યા લાગવા માંડે..! રમૂજીમાંથી સાવ મૂજી થઇ જાય....! એ જોઈને પછી તો પેલાં પ્રાણીઓ પણ હાહાહીહી કરવાં માંડે. અને થાય એવું કે, જોવાલાયક પ્રાણીમાં પછી ખુદ જ આવી જાય..! તાજાં પરણેલાઓએ, આવું સાહસ કરવું જ નહિ. માંડવામાંથી તે વળી સીધાં પ્રાણી સંગ્રહાલયમાં લવાય..? હસ્તમેળાપ પછી, જંગલી પ્રાણીઓ પાસેથી આર્શીવાદ થોડાં લેવાના હોય..? બહાદુરી બતાવવી જ હોય તો, રેસલિંગના શો મા લઈ જવાય. જેથી પરણ્યા પછી બાવડાં કેટલાં ફુલાવવા એના માપનો અંદાજ મપાય. પણ મળે. સંસારની પહેલી બોણીમાં, તે કંઈ ગેંડા ને ગધેડા બતાવાય....? રતનજી બાપા પછી લાકડી ના કાઢે તો શું, લાડવા વહેંચે..?
જો કે, આમાં પેલાં મીંઢળબંધાનો કોઈ ખરાબ ઈરાદો તો હોય નહિ. ઈરાદો હોય તો એકજ કે, શરૂઆતમાં ભયંકર પ્રાણીઓ બતાવી દીધાં હોય તો, પેલીને માપ મળે કે, મારે મારાં હબુ સાથે ક્યાં સુધી પલાખાં બોલવાના છે..? જીંદગી પણ કાઢવાની ને યાર.! આપણે તો જાણીએ કે, આવા બધાં મામલા, ક્ષણભંગુર જ હોય. બે ત્રણ મહિના જ ચાલે. ખરી સુનામી તો પાછળથી આવે, ને તે પણ અચાનક.! ભલે પેલો હબી. પેલી પાછળ ઉલ્લ્લા..ઉલલ્લા કરીને બેવડ વળી ગયો હોય, પણ જેવો લગનનો વેધ પૂરો થાય એટલે, ખલ્લાસ...! પેલું ઉલ્લલા પણ કામ ના લાગે, અને પ્રાણી સંગ્રહાલયનો પ્રવાસ પણ માથે પડે..!
--------------------------------------------------------------------------------------------------------------------------