Runanubandh - 7 in Gujarati Fiction Stories by M. Soni books and stories PDF | ઋણાનુબંધ - ભાગ-7

The Author
Featured Books
Categories
Share

ઋણાનુબંધ - ભાગ-7

ઋણાનુબંધ ભાગ ૭

સામેનું દ્રશ્ય જોઈને મારુ દિમાગ સૂન્ન થઈ ગયું હતું. હાથપગ પાણી પાણી થઇ રહ્યાં હતાં. હૃદયના ધબકારા વધી ગયાં હતાં. એક પત્રકાર તરીકે આવા દ્રશ્યો જોવા અમારા માટે સામાન્ય હોય છે. ફરક એ હોય છે કે એ દ્રશ્યો કે ઘટનાઓ અમારા સાથે સીધી રીતે સંકળાયેલી નથી હોતી. અમારે ફક્ત રિપોર્ટિંગ કરવાનુ હોય છે. બની ગયેલી ઘટનાની જાણકારી અમને પહેલેથી હોય છે એટલે અમે માનસિક રીતે તૈયાર હોઇએ. જ્યારે અહીં ઉલટું હતું. આ ઘટનાનો સીધો સંબંધ મારી સાથે હતો.

મેં પોતાની જાતને સંભાળી પોલીસને ફોન કર્યો. પોલીસ આવતાં સ્ટેટમેન્ટ લખાવી હું અને વિરાટ ત્યાંથી નીકળ્યા.

હજુ એ દ્રશ્ય મારા દિમાગમાંથી હટતું નહોતું. એ માણસને બહુ ઘાતકી રીતે મારવામાં આવ્યો હતો.

અત્યાર સુધીનું મારુ જીવન એક શાંત સરોવર જેવું હતું. પણ કહેવાય છેને કે ખળખળ વહેતી નદી કદાચ છીછરી હોય પણ શાંત પાણીના સરોવરનાં ઉંડાણનો અંદાજ ન આવે. પ્રિયાએ આવીને શાંત પાણીમાં વમળો સર્જયા હતાં. ખબર નહીં આ વમળો હવે મને કેટલે ઉંડે ખેંચી જશે?

મને ફરી ફરીને વિચાર આવતા હતા:

એ માણસનો આ પ્રકરણ સાથે શું સંબંધ હશે?

શું એણે જ મને ચીઠ્ઠી લખી હશે? કે એ ફક્ત એક મહોરું હશે? એ વ્યક્તિ પ્રિયા વિષે મને શું જાણકારી આપવાનો હતો?

આજે જ એની હત્યા થવી એ કોઇ યોગાનુયોગ હશે કે પછી એ અમને મળવાનો છે એ વાત બીજુ પણ કોઇ જાણતું હશે? મને આ પ્રિયાની તપાસથી દૂર રહેવાનો મેસેજ આપવા માટે જ એ વ્યક્તિનો ભોગ લેવાયો હશે? શું હેમંત રાજવંશનો આમાં હાથ હશે? મારા પ્રશ્નોના કોઈ ઉત્તર મળતાં નહોતાં.

વિરાટ મને ઘર સુધી છોડી ગયો. શાવર લઇને હું ફ્રેશ થઈ પણ માથું હજુ ભારે હતું. થોડી વાર પથારીમાં આડી પડી પણ ઉંઘ ન આવી.

જેની સાથે આટ આટલા વર્ષો સુધી કોઈ સંપર્ક નહોતો એ પ્રિયા મને અચાનક શું કામ મળી? પ્રિયા સાથે મારે કોઈ ઋણાનુબંધ હશે એટલે જ આ આખી ઘટમાળ સર્જાઈ હશે? કે આની પાછળ કોઈ ઇશ્વરીય સંકેત હશે? પ્રિયાની ભાળ ન મળે ત્યાં સુધી મનમાં વિચારોનુ જે ચક્રવાત ઊઠ્યું હતું એ શમવાનું નહોતું. એટલે સાચા ખોટા તર્ક લગાવવા કરતાં કંઈ નક્કર પગલુ ભરવુ પડશે.

ઉભી થઇને મેં લેપટોપ ખોલ્યું. પલ્લવી માંકડને શોધવાનુ કાલે અધુરું રહી ગયેલું કામ આગળ વધાર્યું.

પલ્લવી માંકડને મળતાં આવતાં નામ, ગામ ચહેરા મેં ખંગાળી નાખ્યા. લગભગ બેએક કલાક પછી મને એક પ્રોફાઈલ મળી જેની વિગતો હું જેને શોધતી હતી એ પલ્લવી માંકડ સાથે મેચ થતી હતી. એના જુના પ્રોફાઈલ પિક્ચર જોઈને ખાતરી થઈ ગઈ કે આ એજ પલ્લવી છે. મેં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી સાથે ઓળખાણ અને મોબાઈલ નંબર લખી મેસેજ પણ નાખ્યો.

એક કલાકમાં એનો ફોન આવ્યો. થોડી ઔપચારિક વાતચીત પછી મેં અજાણી થઈને પૂછ્યું.પ્રિયા વિષે પુછ્યું “અરે આજકાલ પ્રિયા શું કરે છે? ક્યાં રહે છે? કંઈ ખબર છે એની?”

“ના... રે હમણાં તો કંઈ ખબર નથી એની... છેલ્લે એટલા સમાચાર સાંભળેલા કે કોઈ કરોડપતિ સાથે પરણી ગઈ છે” મને જેટલી ખબર હતી એ જ વાત પલ્લવીએ કરી. પણ અમને પત્રકારોને એક આદત હોય છે લોકો પાસેથી આગળ પાછળની વાતો કઢાવવાની, ક્યારેક અમને એમાંથી જોઈતી માહિતી મળી જતી હોય છે. મેં પલ્લવી નાનપણમાં સુરત રોકાવા આવતી ત્યારની થોડી જુની વાતો યાદ કરાવી.

એણે માંડીને વાત શરૂ કરી “મારી મમ્મીને પ્રિયાના પપ્પાએ બહેન માની હતી એ હિસાબે એ મારા મામા થાય... નાનપણમાં હું ક્યારેક વેકેશન ગાળવા એમને ત્યાં જતી. તને તો ખબર છે કે મામાની પરિસ્થિતિ સારી નહોતી.... “

“હાં એમને પાનનો ગલ્લો હતો” મેં કહ્યું.

“હાં એટલે જ બારમાં ધોરણ પછી પ્રિયા નોકરી કરવા પુના ગઈ....” આ માહિતી મારા માટે નવી હતી પણ હજુ વધુ કંઈક જાણવા મળશે એમ વિચારીને મે એને બોલવા દીધી.

“.......એક વાર મામા પ્રિયાને મળવા પુના ગયા હતા. ત્યાં કર્વે રોડ પર એનુ એક્સિડન્ટ થયું. એક ટેમ્પોએ મામાને ઉડાવી દિધા. જેણે એક્સિડન્ટ કર્યો હતો એ ટેમ્પો ડ્રાઈવરને પબ્લિકે પકડીને પોલીસને સોંપી દીધો. એક્સિડન્ટ ખૂબ ખતરનાક થયું હતું. પબ્લિકમાંથી જ કોઈક મામાને સરકારી હોસ્પિટલમાં લઇ ગયું. મામા ઘણાં દિવસો હોસ્પિટલમાં રહ્યા પણ એને સારુ ન થયું એ હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યા. પછી પ્રિયાએ મામીને પણ પુના લઈ ગઈ. મામાના ગયા પછી અમારો સંપર્ક ઓછો થઇ ગયો અને ધીરે ધીરે કરીને સાવ કપાઈ ગયો. છેલ્લે પ્રિયાના લગ્ન વિશે બારોબારથી સમાચાર મળ્યા હતા.” એણે આખી વાત કરી.

“એક્સિડન્ટ કેટલા વર્ષ પહેલાં થયો હતો?” મેં પુછ્યું.

“અંદાજે નવ-દશ વર્ષ પહેલાં” પલ્લવીએ કહ્યુ.

થોડી આડી અવળી વાતો કરીને ફોન મુક્યો. પલ્લવી પાસેથી મળેલી માહિતી કંઇ ખાસ તો નહોતી છતાં પ્રિયા સુરત છોડીને પુના ગઈ હતી અને પ્રિયાના પપ્પાનો પુનાના કર્વે રોડ પર એક્સિડન્ટ થયો હતો એ વધારાની વાત મને જાણવા મળી હતી.

મેં વિચાર કર્યો કે અકસ્માત થયો હતો એટલે પોલીસ ફરિયાદ જરુર થઈ હશે. અકસ્માતની ઘટના કર્વે રોડ પર બની હોવાથી કર્વે નગર પોલીસ સ્ટેશનમાં તપાસ કરવાથી કમસેકમ પ્રિયાના પુના વાળા ઘરનું એડ્રેસ તો મળી જશે. એમાંથી કોઈ આગળની કડી મળશે.

મે વિરાટને ફોન લગાવ્યો અકસ્માત વાળી વાત કરી અને એના સોર્સ વાપરીને, સૂત્રોને કહીને કર્વે નગર પોલીસ સ્ટેશનમાંથી માહિતી કઢાવવાનું કહ્યુ.

વિરાટ મારા પર ભડકી ગયો. “તારુ દિમાગ ઠેકાણે તો છે ને? આટલી ઉપાધિ થઈ છે એ ઓછુ છે કે હજુ તારે એ લફરાંમાં પડવું છે? આજે જે બન્યું એના પરથી તને ખ્યાલ નથી આવતો કે એ લોકો કેટલા ખતરનાક છે? અને એ પ્રિયા છે કોણ રે... ? આમ અચાનક એ તારા માટે એટલી મહત્વની ક્યાંથી થઇ ગઇ કે તું આવા ખતરનાક લોકો સાથે પંગો લેવા તૈયાર થઈ ગઈ?”

“ઠીક છે! હું મારુ ફોડી લઇશ.... તને તકલીફ નહીં આપું” ખીજાઇને મે ફોન કાપી નાખ્યો.

ફોન મુક્યા પછી મને પછતાવો થયો. વિરાટ મારો હિતેચ્છુ હતો. એની સગી બહેન જેવી માનતો મને. હું કોઈ તકલીફમાં મુકાઈ ન જાઉ એટલા ખાતર એણે મારા પર ગુસ્સો કર્યો હતો. મને ખીજાવાનો હક્ક હતો એને.

પણ મને વિરાટ હજુ નાની કીકલી સમજતો હતો એ વાતનો મનેય એના પર ગુસ્સો આવ્યો હતો. વિરાટની વાતેય જો કે સાચી જ હતીને?

ખરેખર! કોણ હતી એ મારી? એટલું બધુ પોતીકાપણું કેમ લાગી રહ્યું હતું? એવી કઇ વસ્તુ મને પ્રિયા તરફ ખેંચી રહી હતી? એના લીધે મને મારી મમ્મીની સચ્ચાઈ જાણવા મળી બસ એટલું જ કે હજુ કોઈ ઋણાનુબંધ હતું અમારા વચ્ચે?

બીજી જ મિનિટે વિરાટનો ફોન આવ્યો “ બહું હોશિયાર થઈ ગઈ છે ને તું? હું મારુ ફોડી લઇશ વાળી....” હું ચૂપચાપ સાંભળી રહી. એકાદ સેકંડ રોકાઇને એ બોલ્યો કહુ છું મારા સૂત્રને માહિતી કાઢવા માટે... તારે જે જોઇએ છે એ માહિતી એક બે દિવસમાં મળી જશે.”

“થેંક્સ વિરાટ... “ મેં વિરાટનો આભાર માન્યો.

“જા ને હવે બહું મોટી થેંક્સ વાળી... “ કહીને વિરાટે ફોન મુક્યો.

કપડાં ચેંજ કરી નાઈટડ્રેસ પહેરી હું બેડરૂમમાં ગઈ. આકાશ બૂક વાંચતો હતો, મને જોઇને એણે બૂક બંધ કરી. આકાશને મેં સવાર વાળી એક પણ વાત કરી નહોતી. એ કારણ વગર ફિકર કરવા લાગે. વિરાટને પણ કહી દીધું હતું કે હમણાં આકાશને કંઈ કહેતો નહીં.

હું બેડ પર આડી પડી, આકાશે મને પોતાની તરફ ફેરવી, આગોશમાં લઈને કિસ કરી. આકાશનાં સ્પર્શે મને શિતળતા આપી છતાં પ્રિયાનાં વિચારો મારા મનમાંથી ખસતાં નહોતા.

એ રાત્રે હું ફક્ત શરીરથી આકાશ સાથે હતી. મન તો મારુ બીજી ઉલઝનોમાં ખોવાયેલું હતું.

બીજા દિવસે બપોરે વિરાટે મને ઓફિસની બહાર બોલાવી.

“તારે જોઈતી હતી એ માહિતી મળી ગઈ છે, ૨૦૧૩નો કેસ છે. રમેશ પટેલ મતલબ કે પ્રિયા પટેલના પપ્પા રસ્તાની એક તરફ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે એક ટેમ્પોએ એને ઉડાવી દિધા. મારી નાંખવાના ઈરાદે જ એમનો અકસ્માત કરવામાં આવ્યો હતો એવું નજરે જોનાર સાક્ષીનું કહેવું છે. ડ્રાઈવર પકડાયો હતો પણ એને હેમંત રાજવંશના માણસોએ છોડાવી લીધો”

મતલબ અહીં પણ શંકાની સોય હેમંત રાજવંશ તરફ જ ઇશારો કરી રહી હતી. મારા મનમાં એક પ્રશ્ન સળવળ્યો.... પોતાના સગા બાપનું એક્સિડન્ટ કરાવીને એને મારી નાખનાર માણસ સાથે કોઈ શું કામ પરણે?

“કંઈ એડ્રેસ વગેરે મળ્યું” મારા મનમાં ઉઠેલા પ્રશ્નને દાબીને મેં વિરાટને સવાલ કર્યો.

“ના... એક્ચ્યુલી આ કેસમાં FIR જ નોંધાવવામાં નહોતી આવી. એટલે ઓફિસિયલી રેકોર્ડ પર કંઈ જ નથી. ડ્રાઈવરને તો પબ્લિકે પકડીને પોલીસને સોંપ્યો હતો. આ તો મારા સૂત્રે એ વખતે જે ફરજ પર હતાં એ ઓફિસરનો કોન્ટેક્ટ કરીને માંડ એટલી માહિતી કઢાવી.” આકાશે ચોખવટ કરી.

**

પછી મેં ખૂબ કોશિશ કરી. રાજવંશ ઈંડસ્ટ્રીઝના જનસંપર્ક અધિકારીને મળી. હેમંત રાજવંશની ઓફિસનાં કેટલાયે ચક્કર કાપ્યા. કેટકેટલા મેસેજ કર્યા, ઈમેઈલ કર્યા. અરે ગાયત્રી દેવી ચેરીટેબલ ટ્રસ્ટમાંથી કોઈ માહિતી મળી જાય તો એની પણ ઘણી ટ્રાઇ કરી. પણ કોઇ સફળતા ના મળી. જેની હત્યા કરવામાં આવી હતી એની પોલીસ તપાસ પણ આગળ વધતી નહોતી. એ માણસ તો બિચારો એને ત્યાં નોકરી કરતો હતો એને પણ મરાવી નાખ્યો.

એવા તો કેટલાયના બલી લીધા હશે આ માણસે... કેટલાના જીવન ઉજાડી નાખ્યા હશે?

બે મહિના વીતી ગયા. ક્યાં હશે પ્રિયા? સુખમાં હશે કે દુઃખમાં હશે? કોઇ તકલીફમાં ફસાઈ હશે? જીવતી હશે કે નહીં? પ્રિયાનું શું થયું એની કંઈ ખબર જ નહોતી પડતી. આ બાબતની અસર હવે મારા અને આકાશનાં સંબંધો પર પણ પડવા લાગી હતી.

આશાનો દીપ હવે બુઝાવા લાગ્યો હતો. પ્રિયા નામનું પાત્ર મારી લાઈફનું એક રહસ્ય બનીને રહી જશે એવું લાગવા માંડ્યું હતું. તેવામાં એક દિવસ મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો. મેસેજમાં એક ઓડિયો ક્લિપ હતી.

એ ઓડિયો ક્લિપમાં ફક્ત મુંબઈ કે મહારાષ્ટ્ર જ નહી પરંતુ આખો દેશ હલી જાય એવી સ્ફોટક માહિતી હતી.

ક્રમશઃ

**

મિત્રો આપ આ સ્ટોરી વાંચીને આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આયશો. આપના પ્રતિભાવો મારો ઉત્સાહ વધારશે અને મારૂ લેખન પણ સુધારશે.


**


શું હશે એ ઓડિયો ક્લિપમાં?

પ્રિયાનું શું થયું હશે?

આકાશ અને અવનીનાં સંબંધોમાં ફરીથી ગરમાવો આવશે કે એના જીવન પર હજુ વધુ ગંભીર અસર પડશે?

પ્રિયાના પપ્પાના એક્સિડન્ટમાં સાચે જ હેમંત રાજવંશનો હાથ હશે?

આ સવાલોના જવાબો જાણવાં માટે વાંચો આગામી ભાગ