કાળજું કંપાવી નાખે તેવી ચીસો નાખતી આગગાડી સ્ટેશનમાં દાખલ થઈ. આગગાડી પણ એ જનરેટર જેમ ન સમજાય તેવી જ જટિલ રચના હતી. રણના સાપ જેમ રેતમાં દોડે એવી ગતિએ આગગાડી અંદર આવી. તેના પર ધુમાડાના વાદળો છવાયેલા હતા. તેનું એંજિન ધુમાડો ઓકતું હતું. લોકો કહેતા કે આગગાડી પ્રલયની દીકરી છે. એ વિરાટને સાચું લાગ્યું. તેણે આગગાડી જેટલી લાંબી વસ્તુ પહેલા કયારેય જોઈ નહોતી. વીજળીના અજવાળામાં તેનો પડછાયો રાક્ષસી સાપ જેમ છેક પ્રમુખગૃહ સુધી પહોચતો હતો.
પ્રમુખગૃહ સ્ટેશન મેદાનની બરાબર વચ્ચે હતું. તેની ડાબી તરફ પાટા હતા અને પાટાની પેલી તરફ હારબંધ લોખંડના થાંભલાઓ પર વીજળીના મોટા ફોકસ ગોઠવેલા હતા. સ્ટેશન બિલ્ડીંગ થાંભલાઓની પેલી તરફ હતી એટલે આગગાડી દાખલ થઈ ત્યારે ફોક્સના અજવાળે દોડતો એનો પડછાયો એ રીતે પ્રમુખગૃહમાં ધસી આવ્યો કે કેટલાકના તો શ્વાસ અધ્ધર થઈ ગયા. જાણે સાચે જ એ આગગાડી અંદર ધૂસી આવી હોય એમ અમુક ફફડી ઉઠ્યા.
આગગાડીના તેમની વિરુધ્ધ એટલે કે સ્ટેશન બિલ્ડીંગ તરફના દરવાજા ખૂલ્યા અને દીવાલની પેલી તરફથી પાછા ફરેલા શૂન્ય લોકો ઉતરીને સીધા જ સ્ટેશન બિલ્ડીંગમાં જવા લાગ્યા. એ બિલ્ડીંગમાંથી પાછળના બીજા દરવાજેથી અર્ધ વેરાન પ્રદેશમાં દાખલ થઈ શકાતું. સ્ટેશન આખું શૂન્યલોકની પૂર્વે હતું. દીવાલ પેલી તરફ વસતી લોક પ્રજા દીવાલની આ તરફના વિસ્તારને શૂન્યલોક તરીકે ઓળખતી. શૂન્યલોક શબ્દ સ્વર્ગલોકના વિરોધી શબ્દ તરીકે ઉપયોગમાં લેવાતો.
વિરાટને એટલા અંતરથી કોઈના ચહેરા ઓળખાતા નહોતા પણ કેટલાક શૂન્યો જ્યારે સફેદ કપડાંમાં વીંટેલી અને લાકડાની માચીઓ પર ગોઠવેલી ચીજો લઈ સ્ટેશન બિલ્ડિંગમાં ગયા ત્યારે તેના ધબકારા વધી ગયા. એ લાશો હતી. દીવાલ પેલી તરફ ગયેલા લોકોની લાશ એ રીતે પાછી આવતી. વિરાટને એક પળ થયું કે ત્યાં દોડી જાય અને જોઈ આવે કે એ લાશો કોની છે. એમાં તેનું કોઈ ઓળખીતું છે કે નહીં?
પણ તેણે એ વિચાર રોકી રાખ્યો કેમકે એમ કરતાં પોતે જે કામે નીકળ્યો હતો એ અધૂરું રહી જાય. એ લાશો હવે લાશો હતી અને આમ પણ કોઈ ઓળખીતા કે અજાણ્યા એનાથી શું ફેર પડે? એ બધી તેના પોતાના લોકોની લાશો હતી. એ શૂન્યની લાશો હતી – વિરાટ તેમને ચહેરાથી જાણતો હોય કે નહીં એ મહત્વનુ નહોતું. મહત્વનુ હતું તેના લોકોને એમ કમોતે મરતા અટકાવવા અને એ માટે તેણે આગગાડીમાં સવાર થવાનું હતું.
વિરાટે આગગાડીમાંથી ઉતરતા લોકોને બદલે આગગાડી પર ધ્યાન આપ્યું. આગગાડી કાટ લાગેલા પાટા પર કાળા સાપ જેમ ઊભી હતી. એ લગભગ એક હરોળમાં વીસેક ઝૂંપડી બાંધી હોય તેટલી લાંબી હતી.
એને હવે સમજાયું કે લોકો કેમ આગગાડીથી ડરતા. એ આગગાડીને શાપિત કહેતા જે લોકોને જીવતા ગળી જતી. અફવાઓ તો એવી પણ હતી કે જ્યારે દીવાલની પેલી પાર આગગાડીનું મશીન શરૂ થાય એ પહેલા ટર્મિનસ પર આગગાડીને માનવબલી ચડાવવામાં આવતી. વિરાટને ખબર નહોતી કે એ વાત સાચી હતી કે ખોટી પણ એક વાત તો પક્કી હતી કે જો માનવબલી ચડાવાતી હશે તો એ જરૂર લોક પ્રજાની હશે કેમકે નિર્ભય સિપાહીની બલી ચડાવવાનું તો કોઈ વિચારી પણ ન શકે.
જોકે શૂન્ય લોકોમાં અફવાઓ ફેલાવવાની આદત હતી એટલે એમની વાતો ઉપર વિરાટને ખાસ ભરોસો નહોતો. શૂન્ય અંધશ્રધ્ધાળું હતા. એ કર્મના નિયમને માનતા. એ કહેતા કે આ જન્મે આપણે માનવ નહીં પણ શૂન્ય છીએ કેમકે આપણે ગયા જન્મે કોઈ ખરાબ કર્મ કર્યા હશે. શૂન્યો અછૂત હતા કેમકે તેમણે પૂર્વજન્મે પાપ કર્યા હતા. વિરાટ કર્મમાં માનતો પણ બીજા લોકો જેમ નહીં. તેના મતે કર્મના નિયમનો જુદો જ અર્થ હતો. જો તમે સારા કર્મ કરો તો તમારું ભવિષ્ય ઊજવળ બને અને ખરાબ કર્મ કરનારનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. ગયા જન્મના કર્મો આ જન્મ પર અસર કરે એ વાતમાં એને સહેજ પણ તર્ક ન દેખાતો. આપણને એ પણ ખબર નથી હોતી કે હવે પછીની પળે શું થશે અને શૂન્ય લોકો કહેતા કે તમે આમ કરો નહિતર તેમ થશે તમે તેમ કરો નહિતર આમ થશે. શૂન્ય લોકો માટે કર્મનો નિયમ એક ભય હતો જ્યારે વિરાટ માટે કર્મનો નિયમ એક નિયમ હતો.
છોકરા છોકરીઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા હતા. આખા પ્રમુખગૃહમાં હળવો ગણગણાટ શરૂ થયો. બધા આગગાડી જોઈ આશ્ચર્યચકિત હતા પણ કોઈનામાં આગળ વધી આગગાડી નજીક જવાની હિંમત નહોતી. વિરાટ પોતે પણ આગગાડીને પહેલીવાર જોઈ રહ્યો હતો અને ભયની ધ્રુજારી અનુભવતો હતો.
એ જ સમયે આગગાડીના આ તરફના દરવાજા ખૂલ્યા. દરેક ખુલ્લા દરવાજાની પેલી તરફ એક નિર્ભય સિપાહી હતો. દરેક સિપાહી જગપતિ જેવો જ ખૂંખાર દેખાતો હતો. બધાના ચહેરા અને શરીર પર લડાઈમાં મળેલા અલગ અલગ લંબાઈના ઘાના નિશાન હતા અને બધાએ એક જ જેવો નિર્ભય સિપાહીનો પરિધાન પહેર્યો હતો. એ જ વાંકી તલવારો અને જગપતિની કમર પર લટકતી હતી તેવી જ કટારો તેમના કમરપટ્ટામાં ભરાવેલી હતી.
“અનુભવી શૂન્યો, તમારી સાથે આવેલા બિનઅનુભવી યુવકોને કારમાં લઈ જાઓ.” જગપતિ પ્રમુહગૃહમાં દાખલ થયો અને લાકડાના ઓટલા જેને અનુભવી શૂન્યો પ્લેટફોર્મ કહતા હતા તેના પર ઊભો રહ્યો. તેના હાથમાં શૂન્યોને સુરંગોનું કામ કરવા માટે મળતી ટોર્ચ જેવું જ કોઈક સાધન હતું. જોકે એ અલગ હતું. એ અવાજને વધારનારી ટોર્ચ હતી. અનુભવી શૂન્યો તેને માઈક કહેતા. જગપતિ મોં પાસે એ સાધન રાખી બોલતો હતો પરિણામે અવાજ અનેક ગણો મોટો સાંભળાતો હતો. “બધાને સમજાઈ ગયું?” તેણે માઇકવાળો હાથ ઊંચો કર્યો.
બધા શૂનયોએ હાથ ઊંચા કરી સહમતી દર્શાવી. દેવતા કે નિર્ભય સિપાહીઓની હાજરીમાં બધાએ એકસાથે બોલીને અવાજ કરવા પર પ્રતિબંધ હતો. તેમની વાત સાથે સહમતી દર્શાવવા માટે ભીડને બંને હાથ ઊંચા કરવા પડતાં. તેમની સાથે અસહમતી દર્શાવવા માટે કોઈ સંકેત નહોતો કેમકે દેવતા કે નિર્ભય સિપાહી જે કહે તેમાં અસહમતી દર્શાવવી એવો વિકલ્પ શૂન્ય માટે હતો જ નહીં. વિરાટને નવાઈ લાગી કે શૂન્ય લોકો એટલા શાંત કઈ રીતે રહી શકતા હશે?
એ શૂન્યોને જંગલી કહેતા પણ વિરાટને શૂન્ય લોકો એકદમ ભીરુ લાગતાં. એ કહેતા કે શૂન્યો શિસ્ત વગરના જંગલી છે. પણ કેમ? કેમકે એ શૂન્યોને નીચા બતાવવા માંગતા હતા. એ શુન્યોને બતાવવા માંગતા હતા કે તમે માનવ નહીં શૂન્ય છો. એ શૂન્યોથી ઊંચા છે અને ભગવાને એમને શૂન્યો પર રાજ કરવા માટે બનાવ્યા છે એ સાબિત કરવા શુન્યોને નીચા સાબિત કરતાં અને અફસોસ શૂન્યોમાંથી મોટાભાગના લોકોએ એ સ્વીકારી લીધું હતું.
નીરદે વિરાટનો હાથ પકડી તેના વિચારોની સાંકળ તોડી નાખી. એ એને કાર તરફ દોરી ગયા. આગગાડીના એક એક ઝૂંપડા જેવો ભાગ કાર કહેવાતો. એને એ કાર કરતાં ડબ્બા વધારે લાગતા હતા પણ જો નિર્ભય સિપાહીઓ એમ કહે કે બે ને બે પાંચ થાય તો શૂન્યોએ તેમાં હા જ કહેવી પડે કેમકે એમને દલીલ કરવાનો હક નહોતો. એ ડબ્બાને કાર કહેતા એટલે શૂન્યો પણ તેને કાર કહેવા લાગ્યા હતા.
એ કારની નજીક પહોંચ્યા એ જ સમયે વિરાટને નિર્ભય સિપાહીઓનો બીજો સેનાનાયક દેખાયો. એનું નામ ભૈરવ હતું પણ તેની હાજરી હવામાં ભય ફેલાવતી હતી. તેની હાજરીમાં કોઈ અવાજ ન કરતું પણ કદાચ શૂન્ય લોકોના હાથમાં હોય તો એ શ્વાસ લેવાનું પણ બંધ કરી દે.
ભૈરવનો ચહેરો ઘાતકી હતો અને તેની આંખોમાં ક્રૂરતા હતી. તેણે દાઢી અને મૂછો વધારી રાખ્યા હતા. શૂન્યમાંથી કોઈએ ઉપર ન જોયું. શૂન્યોને નિર્ભય સિપાહીઓની આંખમાં આંખ પરોવી વાત કરવાનો હક નહોતો પણ અનાયાસે જ વિરાટ તેના ચહેરા સામે તાકી રહ્યો. બંનેની આંખો એક પળ માટે મળી. વિરાટે તરત નજર ફેરવી લીધી પણ એક ક્ષણ તેમની આંખો મળી એ એક ક્ષણમાં એને લાગ્યું કે જાણે એ સીધો જ કોઈ ભયાનક દૈત્યની આંખોમાં જોઈ રહ્યો હોય. તેને થયું તેના પિતા સાચા છે – ભૈરવની હાજરીમાં કાળજી રાખવી જોઈએ.
નીરદ પહેલા કારમાં ચડ્યા અને વિરાટને હાથ આપ્યો. “સાચવીને..” તેણે કહ્યું.
વિરાટ હાથ પકડી કારમાં ચડ્યો. કારના અંદરના ભાગે પણ બહાર જેમ લોખંડ અને ચમકતી ધાતુના પતરા બિડેલા હતા. પ્રમુખગૃહ જેમ જ બેસવા માટે ખુરશીઓ હતી પણ એ ખુરશીઓ બોલ્ટથી કારના તળિયા સાથે જડેલી હતી. વિરાટ અને નીરદ બારી પાસેની ખુરશીઓમાં ગોઠવાયા. ખુરશીમાં બેસતા તેને લાગ્યું જાણે તેણે પાણીમાં કૂદકો લાગાવ્યો હોય કેમકે ખુરશી પર નરમ ગાદી હતી.
એણે આસપાસ નજર ફેરવી. બધા યુવકો નવાઈથી ખુરશીમાં બેઠા હતા. તેમની કારમાં કુલ મળીને ત્રીસ શૂન્ય હતા. એ સિવાય એક નિર્ભય સિપાહી હતો જે તેમના માનવા મુજબ ડબ્બામાં શિસ્ત જાળવવા માટે જરૂરી હતો.
“તમારો સીટબેલ્ટ બાંધી લો..” નિર્ભય સિપાહીએ કહ્યું, “અનુભવી શૂન્યો યુવકોને સીટબેલ્ટ બાંધતા શીખવો.”
નીરદે વિરાટ તરફ જોયું અને કોઈ અજીબ કપડાંનો મજબૂત પટ્ટો લઈ તેની બંને તરફથી તેની છાતી પાસે ભેગા કર્યા. “આમ જો..” તેણે કહ્યું અને બંને પટ્ટાને છેડાના હૂક એકબીજામાં ભરાવ્યા. એક ખટ અવાજ થયો અને વિરાટ સીટબેલ્ટમાં સલામત હતો. નીરદે પોતાનો સીટબેલ્ટ બાંધ્યો. આસપાસના બધાએ પણ એમ જ કર્યું.
“હવે પ્રલય શું છે અને એણે કેટલી તબાહી મચાવી હતી એ જોવા તૈયાર થઈ જાઓ..” નિર્ભય સિપાહીએ કહ્યું, “દયાળુ કારુએ દીવાલ રચીને તમને પેલી તરફ સલામત રાખ્યા છે પણ દીવાલની પેલી તરફ પ્રલયે જે તબાહી મચાવી હતી એ જોઈને તમારે સમજવું જોઈએ કે તમે કારુના કેટલા આભારી છો. તમારી એક જ ફરજ છે : એ દયાળુ ભગવાનની મરજીથી ચાલતા કામમાં પોતાની જાતને અર્પણ કરવી.”
બધા શૂન્યોએ હાથ ઊંચા કરી સહમતી દર્શાવી. વિરાટે પણ બધાની સાથે અનિચ્છાએ હાથ ઊંચા કર્યા. એમને હાથ નીચા કરવા ઈશારો કરી નિર્ભય સિપાહીએ કહ્યું, “અનુભવીઓ...” તેનો અવાજ ગંભીર હતો, “તમારી સાથે પહેલીવાર આવેલા યુવકોને નિયમો સમજાવી દો.”
બધાએ ફરી હાથ ઊંચા કર્યા અને પછી બધા બની શકે તેટલા ધીમા અવાજે પોપોતાની સાથે આવેલા યુવકોને નિયમો સમજાવવા લાગ્યા.
નીરદે વિરાટ તરફ ફર્યા, “ભલે ગમે તેટલું ભયાનક દૃશ્ય દેખાય કોઈને ચીસો પાડવની છૂટ નથી.”
વિરાટ કશું ન બોલ્યો.
નીરદે નિયમો કહેવાનું ચાલુ રાખ્યું, “ગમે તે થાય આંખો બંધ કરીને નહીં બેસવાનું કેમકે પ્રલયે કરેલી તબાહી જોઈ તમારે સબક લેવાનો છે કે ભગવાનની દયા જ તમને એ તબાહીથી બચાવી રહી છે.”
વિરાટને તેના પિતાના આ શબ્દો ન ગમ્યા પણ એ કશું ન બોલ્યો. જોકે નીરદને તેના મનમાં ચાલતા વિચારો સમજાઈ ગયા હોય તેમ તેણે વિરાટના હાથ પર પોતાનો હાથ મૂક્યો. એ હાથ વિરાટને કહેતો હતો - વિરાટ, તારે શાંત રહેવાનું છે.
“ટર્મિનસ પહેલા કોઈએ સીટબેલ્ટ છોડવાનો નથી.”
વિરાટને ખબર હતી કે ટર્મિનસ શું છે. જેમ દીવાલની આ તરફ જ્યાં આગગાડી આવતી એ જગ્યાને શૂન્યો સ્ટેશન કહેતા એમ દીવાલની પેલી તરફ જ્યાં જઈ આગગાડી અટકતી એને ટર્મિનસ કહેતા.
“અને છેલ્લો નિયમ..” નીરદે કહ્યું, “આ નિયમો ફરીથી સમજાવવામાં આવશે નહીં. જો કોઈ પણ નિયમનો ભંગ કરો તો ચાલુ આગગાડીએ તમને બહાર ફેંકી દેવામાં આવશે. દીવાલની પેલી તરફ કોઈને બીજો મોકો આપવામાં નથી આવતો.”
મારા પિતા એક પળ પણ ખચકાયા વગર આવા અન્યાયી નિયમો કઈ રીતે સાંભળાવી શકે? હું કઈ રીતે આવા અન્યાયી નિયમો માની શકું? વિરાટે વિચાર્યું પણ એ ચૂપ રહ્યો.
ક્રમશ: