પાયાનું ઘડતર
પ્રાથમિક શાળામાં ભણતા બાળકો નાના હોય એટલે રમતીયાળ ઉંમર જ એવી હોય જ્યારે રમવાનો સમય મળે એટલે દોડાદોડી તેમની ચાલું જ હોય. નાના ગામડાની શાળાની વાત છે. કારણ મોટા શહેરોમાં તો બાળકોને માટે રમતગમતના મેદાનો ખોવાઇ ગયા છે. શાળામાં હવે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ થવા લાગી છે. આ સમયની રાહ જોતાં બેઠેલા બાળકો જેવો બેલ પડ્યો નથી કે દોડાદોડ કરીને જે તે નકકી કરવામાં આવેલ જગ્યાએ પહોંચવા જઇ રહ્યાં હતાં. જતીનસર, જેઓ સમાજવિદ્યા-વિજ્ઞાનના શિક્ષક જે થોડા સમય પહેલા શાળામાં નવા નવા હાજર થયેલ હતાં, શાળાનું આ પ્રમાણેનું વાતાવરણ તેમને અનુકૂળ આવતું ન હતું.
આજે તેમણે બાળકો માટેનું જે ભોજન હતું કે જોઇને ચકિત થઇ ગયા હતાં. જમવામાં જે દાળ હતી જે બીલકુલ પીળા રંગનું પાણી જાણે, શાકની જગ્યાએ બાફેલા ચણા અને ભાત હતાં તે પણ બીલકુલ ઢીલા. બાળકો કેવી રીતે ખાઇ શકે તેમના ગળે ઉતરી કેવી રીતે શકે ?
બાળકના જીવન ઘડતરમાં પાયાના શિક્ષણનું મહત્વ રહેલું છે. શિક્ષણમાં જ્ઞાન અને વિદ્યા રહેલી છે. જીવનનું ઘડતર બાળક પોતાના ઘરમાંથી, મહોલ્લામાંથી, સમાજમાંથી અને શાળામાંથી મેળવે છે. પરંતુ બધું જ મેળવ્યા પછી પણ પોતાનામાં પાંચ ‘વ’ એક ‘ચ’ અને એક ‘શ’ ના હોય તો જીવન ઘડતર શૂન્ય છે અને નકામું છે. પાંચ ‘વ’ એટલે વાણી, વિવેક, વર્તન, વિનય અને વિદ્યા, આ પાંચ હોય તો ‘ચ’ હોય, ‘ચ’ એટલે ચારિત્ર્ય. જો આ બધું જ હોય પણ ‘શ’ ન હોય તો? પછી શું? ‘શ’ એટલે શિસ્ત. કહેવત છે કે ‘વિદ્યા વિનયથી શોભે છે.’ વિવેક સાથે હશે તો વિનય હશે. વિનય હશે તો વર્તન સારું હશે. આ બધું હશે તો વિદ્યા હશે. માણસમાં આ પાંચ વસ્તુનું જ્ઞાન આવી જાય તો ચારિત્ર્ય શ્રેષ્ઠ હશે. આ બધું હોવા છતાં જીવનમાં શિસ્તની પણ જરૂર છે. કારણ કે શિસ્ત વગરનું જીવન નર્કસમાન બની જાય છે. બાળકે શિક્ષણની સાથે શિસ્ત શીખવી જરૂરી છે અને તે મા-બાપ, વડીલો, સમાજ અને શાળામાં ગુરુજનો શીખવે છે. વાણી મીઠી, મધુર અને વિવેકપૂર્ણ રાખવી જોઇએ. વર્તન પણ સારું હોવું જોઇએ. વર્તન સારું હશે તો તેના મિત્રો અનેક હશે. વિનયપૂર્વક વર્તન કરશે તો તેનું માન સમાજમાં હશે. તેનામાં શિસ્ત હશે તો તેને બધા માન આપશે ને બોલાવશે. ઘરમાં કોઇ વડીલ કે માતા ન હોય અને મહેમાન આવે તો તેમને આવકાર આપવો જોઇએ. તેમની સાથે વાણી, વિવેક અને વિનયથી વર્તવું જોઇએ. તો જ મહેમાન તમારી કદર કરશે. બાળકના જીવન ઘડતરમાં પાંચ ‘વ’ એક ‘ચ’ અને ‘શ’ હોવું ખૂબ જરૂરી છે, જે જીવન ઘડતરની પાયાની ઇંટો છે.’ આજ સાચું પાયાનું ઘડતર છે.
શાળાના સ્ટાફ રૂમમાં શિક્ષકો ભેગા થઇ તેમના ઘરેથી લાવેલ લંચ બોક્ષ ખોલી નાસ્તો કરવા બેસી ગયા હતાં. જતીન સરે પોતનો લાવેલ નાસ્તાનો ડબ્બો ખોલ્યો, મહેતા સાહેબ, જે હિંદી-ગુજરાતીના શિક્ષક હતા, કહેવા લાગ્યા, ‘‘જતીન સર, શું છે આજે તો તમારા નાસ્તાના ડબ્બામાંથી સરસ સુગંધ આવી રહેલ છે ?”
‘‘એમ,” હસતાં હસતાં જતીન સરે કહ્યું અને પોતાનો નાસ્તાનો ડબ્બો તેમની તરફ ધર્યો.
થોડા સમય પછી સ્ટાફરૂમમાં બેઠેલ બીજા શિક્ષકોને પુછ્યું, ‘‘ચાલો, હું તો જાઉં છું, હવે પછીનો પીરીયડ લેવા. તમારે બધાને પણ આવવાનું હશે ને ?”
‘‘અરે ભાઇ, શું ઉતાવળ છે એટલી બધી ? બેસો થોડી વાર, બાળકો ક્યાં નાસી જવાના છે” સંસ્કૃતનો વિષય ભણાવતા મહેસાણીયા સરે તાપસી પુરી.
આર્ટ શિક્ષક વૈદહી બોલ્યા, ‘‘બાળકો કદાચ એકાદ બે વિષયના તાસ નહીં ભણે, તો તે ક્યાં વળી કે મોટો અધિકારી બનવાનો છે, કે નહીં બની શકે ?”
‘‘વૈદહી મેડમ, બાળકોને ભણાવવા એ આપણી સૌની ફરજ અને કર્તવ્ય છે, જો આપણે સૌએ ઇમાનદારી પૂર્વક આ ફરજને બજાવવી જોઇએ. આપણે બાળકોને ઇમાનદારી અને ઉત્સાહથી ભણાવીશું તો કોને ખબર આપણા આ બાળકોમાંથી કોઇ બાળક મોટો અધિકારી બની તેનું પોતાનું, શાળાનું અને છેલ્લે આપણું પણ નામ રોશન કરી શકે છે. આપણે બધાને એ પણ ખ્યાલ હોવો જોઇએ કે આ બાળકોના કુમળા મનમાં શિક્ષણનું ભાથું પીરસવાનો સરકાર આપણને પગાર પણ આપે છે ને, જતીન સરે કહ્યું.”
‘‘મેં તો વધારે જમી લીધું છે. હવે શું કરું ? મારી પત્નિ જમવાનું વધુ ભરી આપે છે. જમુ છું ને ઘેન આવી જાય છે,” કહીને દવે સાહેબ તો ત્યાને ત્યાં ખુરશી પર લાંબા પગ કરી તાણી દીધાં.
જતીન સરે, જ્યારે મહેસાણીયા સર તરફ નજર કરી, તેઓ પણ મોંઢામાં તંબાકુની પડીકી ખાતા બોલ્યા, ‘‘જુઓ જતીનજી, તમે આ શાળામાં નવા આવેલ છે, તો તમને આ શાળાના નિયમોની ખબર ન હોય.”
‘‘કેવા નિયમો છે સર ?” જતીન સરે અચંબિત થતાં પુછ્યું.
મહેસાણીયા સર પણ તેમની બાજુમાં પડેલ ખુરશી તેમની નજીક ખેંચી લાંબા પગ કરતાં કહેવા લાગ્યા, ‘‘જતીનજી, હું શહેરમાં કોચીંગ ક્લાસ પણ ચલાવું છું. હવે આખો દિવસ શાળામાં કામ કરતો રહું તો ત્યાં ક્લાસમાં શું ભણાવીશ ?”
‘‘હવે આમ મારી સામે તાકી તાકીને ન જુઓ જતીનજી. જુઓ હું કોચીંગ ક્લાસ ચલાવી વધારાની આવક ઉભી ન કરી શકું તો, ડાળ-ભાત-રોટલી મળશે પરંતુ તેની ઉપર માખણ માટે વધારાની આવકની જરુર છે.”
‘‘મહેસાણીયા સર, એ બધી વાત તો બરાબર, પણ જ્યારે આચાર્યા મેડમને આ બધી વાત ખબર પડશે તો…..?
ક્રમશ: