Atut Bandhan - 5 in Gujarati Fiction Stories by Snehal Patel books and stories PDF | અતૂટ બંધન - 5

Featured Books
Categories
Share

અતૂટ બંધન - 5







(વૈદેહી શિખાને જણાવે છે કે એણે કઈ રીતે વિક્રમની જગ્યાએ એસીપી ને થપ્પડ મારી દીધી અને એનાં કારણે એને ડર પણ લાગે છે. ઘરે જઈ એ એનું હોમવર્ક કરતી હોય છે ત્યારે જાણવા મળે છે કે પારસભાઈનાં ઘરે ચોરી થઈ ગઈ છે. પોલીસ ત્યાં આવે છે. વૈદેહી બુલેટ સવાર એસીપીને જોઈ ચોંકી જાય છે. પોતાના ભૂતકાળમાં થી બહાર આવી વૈદેહી વિચારે છે કે એ અને સાર્થક ક્યારેય મળ્યાં જ ન હોત તો સારું થાત. હવે આગળ)

છેક પાંચ વાગ્યે વૈદેહીને ઊંઘ આવી. હજુ તો ઊંઘ્યાને અડધો કલાક પણ નહતો થયો કે દયાબેનનો કર્કશ અવાજ વૈદેહીનાં કાને પડ્યો. વૈદેહીને ઊઠવાનું મન તો નહતું પણ એ જાણતી હતી કે જો એ નહીં ઉઠી તો એની મામી ફક્ત ઘર જ નહીં પણ આખી સોસાયટી માથે લઈ લેશે. આમપણ એમનાં કંકાસથી આસ પડોશના લોકો પણ કંટાળ્યા હતાં. એમનું નામ દયા હતું પણ દયાનો એક છાંટો પણ નહતો એમનામાં. એમને તો ક્યાંથી વધુ રૂપિયા મળે એનાથી મતલબ હતો. લાલચુમાં લાલચુ માણસને પણ સારા કહેડાવે એવા હતાં એ.

વૈદેહી કમને ઊઠીને એનો નિત્યક્રમ પતાવી બહાર ગઈ. જ્યારે એ ગઈ ત્યારે દયાબેન આરામથી બેસીને ચા નાસ્તો કરી રહ્યાં હતાં. વૈદેહીને જોતાં જ જાણે કંઈ અપશુકન થયું હોય એમ એમણે ચાનો કપ જોરથી ટીપોય પર પટક્યો.

"સવાર સવારમાં ક્યાં આ શકરીનું મોં જોઈ લીધું ? આખો દિવસ બેકાર જશે." તેઓ બોલ્યાં અને વૈદેહીને ગાળો ભાંડતા ભાંડતા એમનાં રૂમમાં જતાં રહ્યાં.

વૈદેહી મુક બની ત્યાં ને ત્યાં જ ઉભી રહી. એકપળ માટે તો એને થઈ આવ્યું કે અહીંથી ક્યાંક ભાગી જાય પણ એનાં પગ નહીં ઉપાડ્યા અને એક ઊંડો નિઃસાસો નાંખી એણે ટીપોય પરથી ચાનો કપ અને નાસ્તાની પ્લેટ લઈ રસોડામાં મૂકી. ટીપોય પર ઢોળાયેલી ચા સાફ કરી અને લાગી ગઈ કામ કરવા. ઘરનું બધું જ કામ વૈદેહીએ કરવું પડતું હતું. ઘરની સાફસફાઈ, કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ અને એમાં જો અંજલી જમવામાં નખરાં કરે તો એનાં માટે ફરીથી કંઈ બીજું બનાવવાનું. આટલું કર્યા પછી પણ દયાબેન આપે એટલું જ એને જમવાનું.

ઘણીવાર વૈદેહી વિચારતી કે પોતે કેવી કિસ્મત લઈને જન્મી છે ? પણ આ અફસોસ વચ્ચે એક વાત માટે એ પોતાની જાતને ખુશનસીબ માનતી હતી અને એ હતો સાર્થકનો પ્રેમ. ટુંકા સમયમાં પણ એણે સાર્થક સાથે પોતાનું આખે આખું જીવન જીવી લીધું હતું. લગ્નનાં અમુક જ સમયમાં સાર્થકે એને જે પ્રેમ આપ્યો હતો એનાં આગળ વૈદેહી એનાં બધાં દુઃખ ભૂલી ગઈ હતી. પણ સાર્થકનાં જતાં જ વૈદેહી ફરી ત્યાં જ આવીને ઊભી હતી જ્યાં વર્ષો પહેલાં એનાં પિતાનાં મૃત્યુ પછી ઉભી હતી. કદાચ એના કરતાં વધુ તૂટેલી હાલતમાં.

વૈદેહી ઘરનું કામ આટોપી એનાં રૂમમાં જઈ એક ફોટો હાથમાં લઈ બેઠી. એ ફોટો એનો અને સાર્થકનો હતો. સાર્થકનું એનાં જીવનમાં આવવું એક સ્વપ્ન સમાન હતું વૈદેહી માટે.

એ દિવસે જ્યારે એણે એસીપીને બુલેટ પરથી ઉતરીને પારસભાઈનાં ઘર તરફ જતાં જોયા ત્યારે એની બુદ્ધિ જાણે બહેર મારી ગઈ. એને એની આંખો પર વિશ્વાસ નહતો થઈ રહ્યો. એ ધીમે રહી એક કોન્સ્ટેબલ પાસે ગઈ અને પૂછ્યું,

"આ બુલેટ લઈને આવ્યા એ સાહેબ કોણ છે ?"

"આ જ તો છે અમારાં એસીપી સાહેબ. એસીપી વિનાયક પાંડે સાહેબ." એ કોન્સ્ટેબલે કહ્યું.

"વિનાયક પાંડે ! તો મિસ્ટર સાર્થક કોણ છે ? મતલબ એ અન પોલીસખાતામાં જ છે ને તો કઈ પોસ્ટ પર છે ?" વૈદેહીએ પૂછ્યું.

"સાર્થક ! મેડમ આ નામનું તો આખા શહેરનાં પોલીસ સ્ટેશનમાં કોઈ નથી." કોન્સ્ટેબલે ઘટસ્ફોટ કર્યો.

આ સાંભળી વૈદેહીનું મોં ખુલ્લું રહી ગયું.

'જો પેલો છોકરો એસીપી નહતો તો પછી કોણ હતો ? અને એણે એમ કેમ કહ્યું કે તે આ શહેરનો નવો એસીપી છે ? અને જો એ એસીપી નથી તો કોણ હતું ? મારે શું ? એ જે હોય તે ? એટલીસ્ટ એક વાતનું ટેન્શન દૂર થયું. હવે મને કોઈ જેલમાં નહીં પુરે.' વૈદેહી વિચારવા લાગી.

વિચારોના વમળમાં ફસાયેલી વૈદેહી પાછી ઘરે આવી. એને શિખા સાથે વાત કરવી હતી પણ એની પાસે પોતાનો મોબાઈલ નહતો અને ઘરમાં રહેલો ફોન એ એની મામીની ગેરહાજરીમાં વાપરી નહતી શકતી. કારણ કે જો એની મામીને જાણ થાય કે વૈદેહીએ એમની ગેરહાજરીમાં કોઈને ફોન કર્યો હતો તો તો એ વૈદેહીનાં ચરિત્રનાં ચિંથરે ચિંથરા ઉડાવી દે.

આવતીકાલે શિખા સાથે વાત કરશે. એવું વિચારી સાંજની રસોઈમાં એ વળગી ગઈ.

********

બીજા દિવસે વૈદેહી જ્યારે કોલેજ ગઈ ત્યારે શિખા એને કોલેજ ગેટ પર જ મળી.

"શિખા, મારે તને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત જણાવવી છે. કાલે પેલો....."

"પહેલાં ગાડીમાં બેસ પછી બીજી વાત." શિખાએ વૈદેહીની વાત વચ્ચેથી કાપી કહ્યું

"ગાડીમાં ! પણ કેમ ? તું લેક્ચર બંક કરવાની છે ?" વૈદેહીએ કહ્યું.

"હા. અને એકલી હું નહીં, તું પણ લેક્ચર બંક કરી રહી છે, સમજી !" શિખાએ કહ્યું અને વૈદેહીની વાત સાંભળતા વિના એનો હાથ પકડી એની કાર પાસે લઈ ગઈ.

"શિખા, આપણી એક્ઝામ નજીક છે અને તું લેક્ચર...."

"એક્ઝામને હજી મહિનો ઉપર બાકી છે. તું ચલ મારી સાથે." શિખાએ બળજબરી વૈદેહીને કારમાં બેસાડી અને પોતે પણ એની સાથે બેસી ગઈ અને ડ્રાઈવરને ગાડી જવાહર મોલમાં લઈ લેવા કહ્યું.

"મોલમાં ? તારે કંઈ ખરીદવું છે ?"

"હા, આવતીકાલે ભાઈનાં આવવાની ખુશીમાં પપ્પાએ નાનકડી પાર્ટી રાખી છે. તો મારે થોડી શોપિંગ કરવી છે તો વિચાર્યું કે તને પણ થોડી શોપિંગ કરાવી લઉં." શિખાએ કહ્યું.

"મને ? ના ના મારે કોઈ શોપિંગ નથી કરવી. તને તો ખબર જ છે કે જો હું કોઈ વસ્તુ લઈને જઈશ તો મામી કેવું કેવું બોલશે." વૈદેહીએ કહ્યું.

"આખી દુનિયાનાં લફંગાઓને તું સીધા કરી દે છે. ભલભલાની બોલતી બંધ કરી દે છે તો તું તારા મામા મામીને કંઈ કહેતી કેમ નથી ? તું એમનાથી આટલી ડરે કેમ છે ?" શિખાએ પૂછ્યું.

"એવું નથી શિખા. મારાં જેવી અનાથ છોકરીને એમણે ઘરમાં સ્થાન આપ્યું છે. હું એમની સામે કંઈ કેવી રીતે બોલી શકું."

"એમણે તને મફતમાં તો નથી રાખીને ? તારા પપ્પાનું પેન્શન, એમનાં પીએફનાં પૈસા, તારી જમીન બધું જ તો પડાવી લીધું છે એમણે."

"શિખા, છોડ ને એ બધું. ચાલ તું મને એ તો જણાવ કે તું પાર્ટીમાં શું પહેરવાની છે ?" વૈદેહીએ વાત બદલવાનાં ઈરાદે કહ્યું.

"એ તો મને પણ નથી ખબર. પહેલાં જઈએ તો ખરા. પછી તને જે યોગ્ય લાગે તે હું લઈ લઈશ. એમ પણ મને આ દુકાનદારો સાથે ડીલ કરતાં નથી આવડતું."

આમને આમ વાતો કરતાં કરતાં તેઓ જવાહર મોલ પહોંચ્યા. મોલમાં કેટલીય શોપમાં ફર્યા પછી શિખા અને વૈદેહી બંનેને એક પાર્ટીવેર ડ્રેસ પસંદ આવ્યો. શિખાએ ડ્રેસનું બિલ પે કર્યું અને બંને સખીઓ પેટપૂજા કરવા એક કેફેમાં ગઈ. ત્યાં જઈ શિખાને યાદ આવ્યું કે એ એના ડ્રેસની બેગ શોપમાં જ ભૂલી આવી છે. તેથી વૈદેહીને ત્યાં જ બેસવાનું કહી શિખા શોપ તરફ ગઈ. વૈદેહી વોશરૂમ જવા માટે ગઈ. ત્યાંથી ફરતાં એ કોઈની સાથે અથડાઈ ગઈ.

"સોરી...સોરી..." વૈદેહીએ બોલતાં બોલતાં સામે જોયું તો એ બીજું કોઈ નહીં પણ સાર્થક જ હતો. વૈદેહીનાં અથડાવાનાં કારણે સાર્થકનાં હાથમાં રહેલી કોફી એનાં શર્ટ પર ઢોળાઇ ગઈ હતી અને એનાં કારણે એનું શર્ટ બગડી ગયું હતું.

"અં...મેં તમારાં ઘરે ચોરી કરી છે ?" સાર્થકે પૂછ્યું.

"શું ? ચોરી ?" વૈદેહીએ આશ્ચર્ય સાથે કહ્યું.

"જો ચોરી નથી કરી તો મેં તમારું કોઈ નુકશાન કર્યું છે ?" સાર્થકે ફરીથી પૂછ્યું.

"કોઈની હિંમત છે મારું નુકશાન કરવાની ?" વૈદેહીએ બે હાથ એની કમર પર મૂકીને કહ્યું.

"તો પછી તમે મારી પાછળ કેમ પડ્યાં છો ?"

"What ? હું...હું તમારી પાછળ શા માટે પડું ?"

"તો કાલે જોરદાર તમાચો અને આજે મારો ફેવરીટ શર્ટ કોફીવાળો ! એનાં વિશે શું કહેશો તમે ?" સાર્થકે પૂછ્યું.

"હા....તો...મેં કશુંય જાણીજોઈને નથી કર્યું. તો પણ સોરી."

"અરે વાહ ! થપ્પડ આખી કોલેજ સામે અને સોરી આમ એકલામાં ! પચ્યું નહીં મને." સાર્થકે કહ્યું.

"પચ્યું તો મને પણ નથી તમારું જુઠ્ઠાણું. આવ્યા બહુ મોટા આ શહેરનાં નવા એસીપી..." વૈદેહીએ એનો અવાજ થોડો ઘેરો કરીને એક્ટિંગ કરી કહ્યું.

"મેં તમને ક્યારે કહ્યું કે હું એસીપી છું ? મેં તો પેલાં મજનુને ડરાવવા માટે કહ્યું હતું. હવે તમે એને સાચું માની લીધું તો હું શું કરું ?" સાર્થકે કહ્યું.

વૈદેહી મોં બગાડી કેફેમાંથી બહાર નીકળી ગઈ. શિખા પણ ત્યાં આવી. એણે એને આમ બહાર નીકળવાનું કારણ પૂછ્યું તો એણે કહ્યું કે એને કંઈ ખાવું નથી. અને બંને ત્યાંથી જતી રહી.

એ જ દિવસે સાંજે વૈદેહી રસોડાનો સામાન ખરીદવા બજારમાં ગઈ. ત્યાં પણ એ સાર્થકને ભટકાઈ ગઈ.

"લાગે છે આપણી કિસ્મત આપણને મળાવવા માંગે છે. એટલે જ તો વારંવાર આમ આપણો ભેટો થાય છે." સાર્થકે વૈદેહીને કહ્યું.

"કહેવા શું માંગો છો તમે ?" વૈદેહીએ સાર્થકની આંખમાં જોઈ પૂછ્યું.

"એ જ કે આપણે મિત્રતા કરી લેવી જોઈએ. મારું નામ તો તમને ખબર જ છે. તમારું શુભ નામ..."

"કિસ્મત....જો કિસ્મત આપણને મળાવવા માંગતી હશે તો મારું નામ પણ તમને કિસ્મત જ જણાવી દેશે. રાઈટ ?" વૈદેહીએ કહ્યું અને મોં મચકોડીને નીકળી ગઈ, પણ સાર્થકનાં દિલના તાર તાર કરીને.....

વધુ આવતાં ભાગમાં....