નેશનલ હાઇવે નં.૧ ભાગ-૨
આગળના ભાગમાં આપણે જોયું તેમ, ગ્રીષ્મા હાઇવે પર ફસાઇ જાય છે. બસમાં ઉતરતા તો એ ઉતરી જાય છે પણ તેને મનમાં એમ કે, વડોદરા અહીથી નજીક જ છે. પણ જયારે તે હાઇવે પર બીમ્બ જોવે છે એની નીચે બરોડા ૨૩ કિ.મી. લખ્યું હોય છે. ત્યારે તેને ખ્યાલ આવે છે કે, તે હાઇવે પર વચ્ચોવચ્ચ ઉભી છે. તે ડરી જાય છે મનમાં ઘણા વિચારો આવવા લાગે છે. પછી તે વડોદરા સ્થિત તેના ભાઇને ફોન કરીને બોલાવે છે. હવે આગળ...............
જયારે ગ્રીષ્માને ખબર પડે છે કે, તે વડોદરાથી ૨૩ કિ.મી. દૂર છે. ત્યારે તે બહુ જ ડરી ગઇ હતી. તે ચાલતા-ચાલતા હાઇવેની રોંગ સાઇડમાં ચાર કિ.મી. જેટલું ચાલી જાય છે અને આ બાજુ તેનો ફોન તો ચાલુ ને ચાલુ જ હતો. વારંવાર કયાં પહોંચીની સુચના તે આપી રહી હતી. આજુબાજુમાં બધા પોતાના સાધનોમાંથી બહાર નીકળીને બેઠા હોય છે. તેમાં ઘણા સહ પરીવાર હોય છે ઘણા એકલા હોય છે. અલગ-અલગ માણસો વચ્ચે તે વધારેને વધારે ડરતી હતી. વિચારતી હતી કે કોઇ ઓળખીતું નથી? કેવી રીતે કોઇ ઉપર ભરોસો કરાય?
તેનો ભાઇ ઘરેથી નીકળી જાય છે, પરંતુ તેની પાસે બાઇક હોય છે. તે બાઇક લઇને ટોલટેક્ષ તો પહોંચી જાય છે. પણ ટોલટેક્ષથી હાઇવે પર તેને કોઇ જવા દેતું નથી. તે ટેન્શનમાં આવી જાય છે કે હવે શું કરવું? તે ગ્રીષ્માને ફોન લગાવે છે કે, હું અહી હાઇવે પર ટોલટેક્ષ પર આવી ગયો છે પણ હાઇવે પણ અંદર આવવા નથી દેતા. એટલે તુ ચિંતા ના કર. હું થોડી વારમાં જ ત્યાં આવી જઇશ. હવે શાંતિથી બેસી જા તુ. ચાલીશ નહિ.’’ ‘‘સારું તું જલદી આવ.’’ ગ્રીષ્મા રડતાં-રડતાં જવાબ આપે છે. પછી તેના પપ્પાને અને તેના પતિને ફોન કરીને દરેક મિનિટની માહિતી આપવા માંડે છે. બંને તેને આશ્વાસન આપે છે.
ગ્રીષ્મા પછી તે બીમ્બની નીચે રોડની પાળી પર બેસી જાય છે અને આજુબાજુ ડરની નજરથી જુવે છે. તે હાઇવે પર આવેલ બીમ્બને જોવે છે અને રડી પડે છે. વડોદરાથી ૨૩ કિ.મી. દૂર અહી એકલી, લાચાર કોઇ પોતાનું એની સાથે નહિ. બસ........ભાઇ આવે એની એ રાહ જોતી હતી. મનમાં માતાજીને સ્મરણ કરતી હતી કે, મા જલદીથી ઘરે પહોંચાડ. મને અહી ડર લાગે છે. ત્યાં તો ગ્રીષ્માના ખભા પર કોઇ હાથ મૂકે છે. તે સફાળી બેઠી થઇ જાય છે અને પાછળ જુએ છે તો એક સફેદ કપડામાં બહેને તેના ખભા પર હાથ મૂકયો હતો. તે તેની પાસે બેઠા ને પૂછવા લાગ્યા કે, ‘બેટા, અહી કેમ એકલી બેઠી છે? કઇ બસમાં છે તું?’’ ગ્રીષ્માએ રડતા-રડતા કહ્યું કે,‘ તેની નોકરી વડોદરા હોવાથી તે રોજ બસમાં અપડાઉન કરે છે. મારો માસીનો દીકરો અહી વડોદરા રહે છે તે મને લેવા આવે છે એટલે અહી બેઠી છું.’’ પેલી બહેને તેના માથે હાથ ફેરવ્યો ને કહ્યુ,‘‘ ચિંતા ના કર, બેટા. તુ જલદી ઘરે પહોંચી જઇશ. હિંમત નહી હારવાની. તું બહુ જ બહાદુર છે. જો તારો ભાઇ આવી ગયો લાગે છે.’’ ગ્રીષ્મા એ બાજુ નજર કરે છે તો સાચે જ તેનો ભાઇ આવી ગયો હોય છે. તે ભાઇની સામું જોતાં પેલી બહેનને કહે છે કે, ‘‘હા મારો ભાઇ આવી ગયો. તમને કઇ રીતે ખબર પડી?’’ ત્યાં તો ગ્રીષ્મા બાજુમાં જોવે છે તો કોઇ હોતું નથી. આસપાસ નજર કરે છે તો પણ કોઇ હોતું નથી. ગ્રીષ્મા વિચારે છે કે આટલી જલદી પેલા બહેન કયા જતા રહ્યા.
ત્યાં જ તેનો ભાઇ તેને બૂમ પાડે છે અને તે ત્યાં જતી રહે છે. તેનો ભાઇ તેને ગાડીમાં બેસાડે છે અને કહે છે કે, હું તો કોઇ ગાડી આવે એની રાહ જોઇને ઉભો હતો. ને ત્યાં જ આ ગાડી આવી. આ મોટા અધિકારી છે એમણે મને લીફ્ટ આપી. એટલે જ હું તારી જોડે પહોંચી શકયો.’’ ગ્રીષ્મા નોટીસ કરે છે કે બાજુમાં જે અધિકારી બેઠેલો છે તેણે એક વાર પણ તેઓની સામે પણ ના જોયું ને કાંઇ બોલ્યો પણ નહી. તેનો ડ્રાઇવર ખાલી વાત કરતો હતો. ગ્રીષ્મા અને તેના ભાઇને તેઓએ ટોલટેક્ષ ઉતારી દીધા અને પછી તેઓ બંને ઘરે ગયા. ઘરે માસીએ પણ તેની ચિંતામાં કાંઇ જ જમ્યા ન હતા. પછી બધા સાથે બેસીને જમ્યા અને થાકના કારણે ગ્રીષ્મા રાત્રે સૂઇ ગઇ.
સવારે ઉઠતા જ એ તૈયાર થઇ અને તેનો ભાઇ તેને બસ સ્ટેશન મૂકી ગયો. ઘરે જવાનો તેનો ઉત્સાહ હતો અને સાથે-સાથે એ પણ વિચારતી હતી કે, પેલા બહેન કોણ હતા? જે મારી સાથે વાત કરીને એક જ પલકારામાં ગાયબ થઇ ગયા? ને પેલા અધિકારી કોણ હતા જે અમારી મદદમાં આવ્યા.’’ પછી તો તેના અંતર-આત્માએ જ જવાબ આપી દીધો કે, આ બીજુ કોઇ નહી પણ સ્વયં માતાજી તેની મદદ માટે આવ્યા હતા. જે તેને મુશ્કેલીમાં સહાય કરવા પડખે આવ્યા હતા. ગ્રીષ્મા માતાજીનો પાર માનવા લાગી. ને પછી નિરાંતે પોતાના ઘરે પહોંચી ગઇ. તેણીએ ઘરે પહોંચીને પછી વિસ્તારપૂર્વક તેના પતિને હાઇવેની વાત કરી. તેમણે પણ એ જ કહ્યુંકે, હા માતાજી સાક્ષાત તારી મદદ માટે આવ્યા.
એક ડરાવનો અનુભવ હતો પણ ખુશી એ હતી કે આવી પરિસ્થિતિમાં પણ માતાજી તેની પડખે ઉભા રહ્યા.
સમાપ્ત
- પાયલ ચાવડા પાલોદરા