વારસદાર પ્રકરણ 45
મંથન જુનાગઢ ગયા છે એ સમાચાર સાંભળ્યા પછી અદિતિ પોતાના ઘરે બોરીવલીમાં વધુ રોકાઈ નહીં અને એક કલાકમાં જ તૈયાર થઈને મલાડ જવા માટે નીકળી ગઈ. આવતી વખતે એ મંથનની ગાડીમાં આવી હતી એટલે એની પોતાની ગાડી મલાડ પડી હતી. ટ્રેનમાં જવાના બદલે એણે રિક્ષા જ પકડી લીધી.
" મને તો કંઈ ખબર જ નથી કે તમારા બંને વચ્ચે કોઈ અણબનાવ થયો છે ! મંથને પણ મને કોઈ વાત નથી કરી. મેં તારા વિશે એને પૂછ્યું હતું તો એણે કહ્યું કે અદિતિ હમણાં થોડા દિવસ મમ્મી પપ્પાના ઘરે રહેવા માંગે છે. એટલે હું કંઈ બોલી નહીં. " અદિતિ ઘરે આવ્યા પછી વીણામાસીએ વાત ચાલુ કરી.
" ના માસી. અમારી વચ્ચે જે પણ ગેરસમજ થઈ છે એના માટે હું પોતે જ દોષિત છું. મંથનનો કોઈ જ વાંક નથી. મને બોરીવલી છોડ્યા પછી એ મારી સાથે વાત પણ નથી કરતા. મારો ફોન પણ ઉપાડતા નથી. કાલે જુનાગઢ ગયા એ સમાચાર પણ મને તમારી પાસેથી મળ્યા. " અદિતિ બોલી.
" જો કહી શકાય એવું હોય તો મને માંડીને બધી વાત કર કે એવી તે કેવી ગેરસમજ થઈ કે એણે બોલવાનું બંધ કર્યું ? કારણ કે હું એને વર્ષોથી ઓળખું છું. મારા ઘરમાં જ એ મોટો થયો છે. ક્યારે પણ એને કોઈ વાતનું ખોટું લાગતું નથી અને કોઈ બે શબ્દો કહી જાય તો પણ એ સહન કરી લે છે. વાત કોઈક મોટી હોવી જોઈએ. " વીણામાસી બોલ્યાં.
અદિતિએ વીણામાસીને બધી જ વાત વિગતવાર કહી. એટલું જ નહીં પણ કેતા પોતે મંથનની સાથે ઘરે આવીને બધો ખુલાસો કરી ગઈ એ બધી જ ચર્ચા એણે માસી સાથે કરી.
" ડોક્ટરની વાત સાંભળીને મેં એકદમ જ ખોટું રિએક્શન આપ્યું એ મારી સૌથી મોટી ભૂલ. મારે એમને સાંભળવા જોઈતા હતા. મારાથી બહુ ઉતાવળ થઈ ગઈ અને એમના ચારિત્ર ઉપર મેં શંકા કરી નાખી. ખબર નથી પડતી કે મેં કેમ એમના વિશે આટલું ખરાબ વિચારી લીધું ?" અદિતિ બોલતી હતી.
" મારી બીજી ભૂલ એ હતી કે એ પાછળ ને પાછળ મને સમજાવવા માટે મારા ઘરે આવ્યા. પરંતુ મેં બેડરૂમનો દરવાજો ખોલ્યો જ નહીં. મને એમની ઉપર વિશ્વાસ હોવો જ જોઈએ. મારે એમની માફી માગવી છે. પરંતુ એ તો વાત જ નથી કરતા. " અદિતિ બોલી. એની આંખમાં આંસુ આવી ગયાં.
" હમ્... મંથનને દુઃખ થાય એવી જ ઘટના બની છે બેટા. નિર્દોષ માણસ ઉપર કોઈ આરોપ મૂકે એના જેવી વાત બની છે. એ છોકરાને હું નાનપણથી ઓળખું છું. એણે આજ સુધી એની યુવાનીમાં પણ કોઈ છોકરી સામે ઉંચી આંખ કરીને જોયું નથી. નાનપણથી સ્વામી વિવેકાનંદ એના આદર્શ રહયા છે. "
" તારી સાથે એનાં લગન થયાં ત્યાં સુધી એના જીવનમાં કોઈ જ છોકરી આવી નથી. એ કોઈને દુઃખી જોઈ શકતો નથી. એણે બિચારાએ કેટલી લાગણીથી મુંબઈથી સાવ અજાણી છોકરીને પોતાનો સમય બગાડીને મદદ કરી અને આત્મહત્યા કરતી બચાવી લીધી ! " વીણામાસી બોલતાં હતાં.
" પણ તું ચિંતા ના કર બેટા. એનો ગુસ્સો પરપોટા જેવો હોય છે. થોડા દિવસમાં શાંત થઈ જશે. એ તારા વગર રહી શકવાનો નથી. એ તને ખૂબ જ પ્રેમ કરે છે. અને જેને પ્રેમ કરતાં હોઈએ, પોતાનું માનતા હોઈએ એનાથી વધારે ખોટું લાગે એ જગતનો નિયમ છે." માસીએ અદિતિને આશ્વાસન આપ્યું.
અદિતિને માસીની વાતથી સારું લાગ્યું. માસી બહુ જ સમજદાર હતાં. મંથન ચોક્કસ મને માફ કરી દેશે એવું મનોમન આશ્વાસન મેળવી એણે ઘરના કામકાજમાં મન પરોવ્યું. મંથન અત્યારે તો જુનાગઢ ગયા છે એટલે હવે જ્યારે આવે ત્યારે દિલથી એમની માફી માગીશ. એણે વિચાર્યું.
જુનાગઢ પહોંચ્યા પછી રાજને ટેક્સી સીધી સ્ટેશન રોડ ઉપર આવેલી હોટલ બેલેવ્યુ સરોવર તરફ લેવડાવી. આ એની કાયમી હોટલ હતી. સ્ટાફ પણ એને ઓળખતો હતો. દર વર્ષે એ આ જ હોટલમાં ઉતરતો.
"તને ખબર છે મંથન ? હિમાલયની ગિરિમાળામાં જેમ અમરનાથ બદ્રીનાથ કેદારનાથની દિવ્ય ચેતનાઓ એકદમ જાગૃત છે તેમ સૌરાષ્ટ્રની ગિરિમાળાઓ પણ દિવ્ય ચેતનાથી એકદમ જાગૃત છે. ગિરનાર, ચોટીલા કે પછી શેત્રુંજય."
" તારી વાત એકદમ સાચી છે રાજન. સૌરાષ્ટ્રમાં તું બહુ ફર્યો લાગે છે. " મંથન બોલ્યો.
" હા મંથન સૌરાષ્ટ્રના લગભગ તમામ તીર્થસ્થાનોમાં હું ફર્યો છું. સૌરાષ્ટ્રની ભૂમિ જાગૃત છે. એમાં પણ જૂનાગઢનો પટ્ટો, ભાવનગરનો પટ્ટો અને જામનગર થી દ્વારકા ઓખા સુધીનો પટ્ટો વધુ ચૈતન્ય ધરાવે છે." રાજન બોલ્યો.
" સારા સારા સંતો સૌરાષ્ટ્રમાં થઈ ગયા છે. નરસિંહ મહેતા, જલારામ બાપા, સ્વામી સહજાનંદ, બાપા સીતારામ જેવા અનેક દિવ્ય આત્માઓ આ ભૂમિ ઉપર જન્મ્યા છે. મારે એકવાર દ્વારકા જવાની પણ ઈચ્છા છે. તને સાથે લઈને જઈશ. તું મારો ગાઈડ થજે." મંથન બોલ્યો.
" ચોક્કસ જઈશું. હવે આપણે થોડો આરામ કરી લઈએ. સાડા ચાર વાગે નીકળી જવાનું છે. રસ્તામાં રેકડી ઉપર જ ચા પીને રીક્ષા કરી ભવનાથ તળેટી સુધી પહોંચી જઈએ. ત્યાંથી ચાલતા ચાલતા ઝીણાબાવાની મઢી સુધી જઈશુ. પછી આગળની દિશા આપણને આપોઆપ મળશે. મને ધ્યાનમાં ઝીણાબાવાની મઢી દેખાતી હતી. " રાજન બોલ્યો.
" આપણે જ્યાં જવાનું છે એ ગુફા તેં જોયેલી નથી ?" મંથને પૂછ્યું.
" જેમના દર્શને આપણે જઈ રહ્યા છીએ એ સિદ્ધ મહાત્મા છે. આપણને એ જ રસ્તો દેખાડશે. તું જોયા કર. આપણે બસ ચાલતા રહેવાનું. એ જ હાથ પકડીને લઈ જશે. " રાજન એક અલગ મસ્તીમાં બોલ્યો.
મંથન માટે આ બધું નવાઈ જેવું હતું. એને ઘણું કુતૂહલ હતું છતાં એ બોલ્યો નહીં. એણે એકાદ કલાક આરામ કરવાનું નક્કી કર્યું.
સવા ચાર વાગ્યે બંને મિત્રો ઊભા થઈ ગયા. હાથ પગ ધોઈ ફ્રેશ થઈ ગયા. એ પછી રૂમ બંધ કરી રિસેપ્શનમાં ચાવી આપીને હોટલની બહાર આવ્યા. બહાર મુખ્ય રોડ ઉપર આવીને એમણે રીક્ષા કરી.
" ભાઈ ભવનાથની તળેટીમાં જાવું છે. રસ્તામાં સારી રેકડી આવતી હોય ન્યાં ચા પીવા ઉભી રાખજે. તું પણ હારે પી લેજે. તને બધી ખબર હોય કે સારી ચા ક્યાં મળે છે ! " રાજન કાઠીયાવાડી અંદાજમાં બોલ્યો.
" અરે હાઈક્લાસ ચા પીવડાવું તમને. હાલો બેહી જાવ. " રિક્ષાવાળો બોલ્યો.
રસ્તામાં એક રેકડી ઉપર રિક્ષાવાળાએ રીક્ષા ઉભી રાખી. ગાયના દૂધની સરસ ચા પીવા મળી.
ત્યાંથી રીક્ષા સીધી ભવનાથ તળેટીમાં જઈને ઉભી રહી. સૌથી પહેલાં બંને મિત્રોએ ભવનાથ મહાદેવનાં દર્શન કર્યાં. એ પછી ઝીણાબાવાની મઢીનો રસ્તો રાજનને ખબર હતી એટલે એણે મંથનને લઈને ચાલવાનું શરૂ કર્યું.
મઢીએ પહોંચ્યા પછી રાજન સરખડિયા હનુમાન તરફ આગળ ચાલતો જ રહ્યો. પથરાળ રસ્તો ઢોળાવ વાળો હતો અને ખૂબ જ ખાડા ટેકરા હતા. ઝાડી ઝાંખરા પણ ઘણાં હતાં. લગભગ બે કિલોમીટર અંતર ચાલ્યા પછી જંગલ ચાલુ થઈ ગયું. કાંટાવાળાં ઝાડ વચ્ચે બહુ આવતાં હતાં. સાચવી સાચવીને આગળ ચાલવું પડતું. કેડીએ કેડીએ આગળ ચાલતાં રસ્તામાં લાકડાની ભારી લઈને આવતો એક કઠિયારો સામે મળ્યો. ક્યાં જવું છે એ તો રાજનને પણ ખબર ન હતી. તો પછી એને રસ્તો પૂછવો પણ કઈ રીતે ?
" અરે ભાઈ આગળ કોઈ સાધુબાવાની ગુફા કે મઢુલી જેવું છે કે ? " રાજન બોલ્યો.
" આગળ કોઈ મઢુલી નથી આવતી. આગળ બધી નાની મોટી ગુફાઓ ઝાર અને દેરીઓ જ છે. તમે સીધા હાલીને જમણા હાથે વળી જજો. સીધા નોં જાતા. નઈ તો આગળ ડાલામત્થો ભટકાઈ જાહે. " કઠિયારો એટલું બોલીને ચાલવા લાગ્યો.
" ડાલામત્થો એટલે સિંહ. દેશી ભાષામાં સિંહને ડાલામત્થો કહે છે. " રાજને મંથનને સમજાવ્યું.
" અરે રાજન આમ રામ ભરોસે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ? અહીં તો જંગલ સિવાય કંઈ જ દેખાતું નથી. કાંટાળી ઝાડીઓ, વેલાઓ અને પથ્થર સિવાય કંઈ નથી. કોઈ ચકલું પણ ફરકતું નથી. સાંજ પણ પડી ગઈ છે. " મંથન બોલ્યો.
" ડરવાનું નહીં. હરિનો મારગ છે શૂરાનો... એ તો યાદ છે ને ? ગિરનાર પર્વત એ કોઈ પર્વત નથી. બધા એમને ગિરનારી મહારાજ તરીકે ઓળખે છે. એમની ચેતના જીવંત છે. એ આપણું ધ્યાન રાખતા જ હોય છે." રાજન હસીને બોલ્યો.
આગળ જતાં બે રસ્તા આવ્યા. એક કેડી સીધી જતી હતી અને બીજી જમણી બાજુ વળી જતી હતી. પેલા કઠિયારાએ કહ્યું હતું એમ બંને જણા જમણી બાજુ વળી ગયા. આગળ જતાં પાણી વગરનો એક ઝરો આવ્યો. એનાથી આગળ જતાં એક નાનકડું મેદાન જેવું આવ્યું. મેદાન ક્રોસ કર્યા પછી ફરી પાછું જંગલવાળું ચઢાણ આવ્યું . એ જંગલમાં જમણી બાજુ થોડેક દૂર એક ગુફા જેવું દેખાયું. ગુફાની બહાર એક લાલ કપડું ભરાવેલું હતું.
એ લોકો એ ગુફા તરફ આગળ વધ્યા. થોડાક નજીક જતાં જ કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. થોડીવાર પછી એ અવાજ પણ બંધ થઈ ગયો.
"આપણે પ્રોપર જગ્યાએ આવી ગયા છીએ. કૂતરાના ભસવાનો અવાજ એ પણ એક સંકેત છે કે તમે ચાલ્યા આવો." રાજન બોલ્યો. રાજનની વાતો ઘણીવાર મંથનને સમજાતી ન હતી.
મંથન અને રાજન ગુફા પાસે પહોંચી ગયા. પાસે જઈને જોયું તો આજુબાજુ નજીકમાં કોઈ કૂતરો હતો જ નહીં. અંદર દ્રષ્ટિ કરી તો લાંબા ગુંથેલા વાળ અને લાંબી સફેદ દાઢી વાળા એક અઘોરી બાબા ચલમ પીતા ત્યાં બેઠા હતા. આખા શરીરે ભભૂતિ ચોળી હતી. સામે ધીમી ધીમી ધૂણી સળગતી હતી.
" પધારિયે. " સાધુએ કહ્યું. એ જ અવાજ જે બોરીવલીમાં મનસુખ અંકલના ઘરે ધ્યાનખંડમાં સાંભળ્યો હતો. સર્વેશ્વરાનંદ !! તો પછી એ ગુરુજી આજે આ સ્વરૂપમાં કેમ અહીં બેઠા છે ?
બંને મિત્રોએ એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અઘોરી બાબાએ એમને બેસવાનો ઈશારો કર્યો. બે આસન તૈયાર પાથરેલાં જ હતાં.
" પ્રસાદ લોગે કયા ? " મહાત્માએ પૂછ્યું.
પ્રસાદની તો ના પાડી શકાય જ નહીં. આવા સિદ્ધ મહાત્માનો પ્રસાદ પણ જીવન બદલી નાખનારો હોય છે.
" જી ગુરુદેવ." રાજન બોલ્યો. તમામ સિધ્ધ મહાત્મા ગુરુતુલ્ય જ હોય છે અને એમને ગુરુજીનું સંબોધન ગમતું પણ હોય છે !
મહાત્માજી એ બે હાથથી તાળી પાડી. ૧૨ ૧૩ વર્ષની એક કુમારીકા ઓચિંતી એ ગુફાની અંદર જ પાછળના ભાગેથી બહાર આવી. એના બન્ને હાથમાં એક નાની પતરાળી અને એના ઉપર એક પડિયો મૂકેલો હતો. એણે બંનેની સામે પતરાળી અને પડિયો મૂકી દીધો. દરેક પતરાળીમાં બે માલપુડા અને પડિયામાં ખીરનો પ્રસાદ હતો !
" પ્રસાદ લીજીએ" મહાત્મા બોલ્યા.
બંને મિત્રોએ પ્રસાદ લઈ લીધો એટલે નાગા સાધુએ બંનેને પાછળના ભાગમાં જવાનો ઈશારો કર્યો. બંને મિત્રો એંઠી પતરાળી અને પડિયા હાથમાં ઉપાડીને પાછળના ભાગમાં ગયા. ગુફા ઊંડી હતી અને જમણી તરફ વળતી હતી.
જમણે વળ્યા પછી જોયું તો બે મોટા પથ્થરોની વચ્ચે એક નાનકડી બખોલ હતી અને ત્યાંથી મોટી ખીણ દેખાતી હતી. ત્યાંથી અંદર પ્રકાશ પણ આવતો હતો. બંને મિત્રોએ હાથ લાંબો કરીને એંઠા પતરાળી પડિયા બહાર ફેંક્યા.
હજુ હાથ ધોવાના બાકી હતા. પાણી પણ પીવું હતું. બંને મિત્રો સહેજ આગળ ચાલ્યા તો એક જગ્યાએ ઉપરથી પાણીની નાનકડી ધારા સતત નીચે પડી રહી હતી જે પથ્થરોમાં થઈને આગળ ખીણ તરફ વહી જતી હતી.
બંને મિત્રોએ હાથ ધોઈ નાખ્યા અને હથેળીમાં પાણી લઈને પી લીધું. પાણીની સુંદર વ્યવસ્થા આ ગુફામાં કુદરતી રીતે થઈ ગઈ હતી. આ પાણીનો સ્વાદ જ કંઈક અલગ હતો !
પેલી બાલિકા પણ રહસ્યમય હતી. એ ક્યાંય દેખાતી ન હતી. ઓચિંતી બાલિકા ક્યાંથી આવી અને માલપુડા અને ખીર કોણે બનાવ્યાં ? કંઈ સમજાતું જ ન હતું.
બંને અંદર આવ્યા અને ફરી પોતાનાં આસન ઉપર ગોઠવાયા.
" જી ગુરુજી અબ આપકા ક્યા આદેશ હૈ ? આપ બાર બાર મેરે ધ્યાનમેં આતે થે. " રાજન બોલ્યો.
" મેં આપ લોગોંકી ભાષા જાનતા હું. ગુજરાતી મેં ભી બાત કર સકતે હો." મહાત્મા હસીને બોલ્યા.
" જી ગુરુદેવ. મને ખબર છે કે આપે જ અમને અહીં બોલાવ્યા છે. સાથે ધ્યાનમાં આ મારા મિત્ર મંથનને લઈને આવવાનું સૂચન પણ આપનું જ હતું. અમને બન્નેને બોલાવવા પાછળ આપનો કોઈક ઉદ્દેશ તો હશે જ ! " રાજન બોલ્યો.
નાગા સાધુ ખડખડાટ હસી પડ્યા. એમણે જોરથી ચલમનો એક ઊંડો કસ લીધો.
"તુ તો બહોત આગે નીકલ ચુકા હૈ લેકિન તેરે ઈસ દોસ્ત કો અબ જગાના પડેગા. તેરે લિયે સિર્ફ એક હી આદેશ હે કિ તુ શાદી કર લે. પીછલે જનમ કા રિશ્તા તેરે સામને અબ આ ચુકા હે. ઇસ જનમ મેં સન્યાસી બનને કા તેરા કોઈ યોગ નહીં હૈ. પીછલે જનમ કી અધુરી વાસના તુજે પૂરી કરની હી હોગી. " અઘોરીબાબા બોલ્યા.
" પિછલે જનમ મેં તુ જિસકો પાના ચાહતા થા વો અબ તેરે સામને આ ચૂકી હૈ. જબ તક સહી સમય આતા નહીં તબ તક કોઈ કિસી કો પહેચાન નહી સકતા. જેસે હી કર્મ જાગૃત હોતા હૈ અચાનક પિછલે જનમ કા વો રિશ્તા સામને આ જાતા હૈ. " સાધુ મહાત્મા બોલતા હતા.
" હું સમજ્યો નહીં. આપ કોની વાત કરો છો ગુરુદેવ ? " રાજન બોલ્યો.
"સમયકા ઇન્તજાર કરો. વક્ત આને પર ઈસકા જવાબ તુજે મિલ જાયેગા. તેરા યે દોસ્ત નિમિત્ત બનેગા." મહાત્મા હસીને બોલ્યા.
" ગુરુદેવ હું એક વાત પૂછું ? " મંથન બોલ્યો.
" અવશ્ય "
"ગુરુજી દોઢ વર્ષ પહેલાં બોરીવલીમાં પટેલ શોપિંગ સેન્ટરમાં એક ફ્લેટમાં સ્વામી સર્વેશ્વરાનંદજી સાથે મારી મુલાકાત થઈ હતી. એ પહેલાં બીજાં બે અલગ સ્વરૂપમાં પણ મેં એ સ્વામીજીને જોયેલા." મંથન બોલી રહ્યો હતો.
" આપને જોઈને હું દ્વિધામાં પડી ગયો છું. આપનો અને એ સ્વામીજીનો અવાજ એક જ છે. પરંતુ સ્વરૂપ બંનેનાં અલગ છે. તો સાચું શું છે ? શું આપ એ જ સ્વામી સર્વેશ્વરાનંદ છો ? " મંથને પોતાની વાત પૂરી કરી.
નાગા અઘોરીબાબા ફરી પાછા ખડખડાટ હસવા લાગ્યા.
" હર બાર અલગ અલગ સ્વરૂપમેં મૈં હી તેરે સામને આયા હું. સમાધિ અવસ્થા પ્રાપ્ત કરને કે બાદ સિદ્ધ સ્વરૂપમેં પંચમહાભૂત કા કોઇ ભી સ્વરૂપ હમ ધારણ કર સકતે હૈં. મૈં એક હી હું. ઈસ જનમમેં મેરા શરીર સર્વેશ્વરાનંદજી કા હૈ. "
" શિવરાત્રી કે દિનોમેં સાક્ષાત શિવ ઈસ ભૂમિ પર પધારતે હૈ ઈસી લિયે ઈસ દિગંબર અવસ્થામેં શિવજી કી લીલા દેખને ગિરનારકી ઇસ તલેટી મેં આ જાતા હું. યહાં સે જો ઉર્જા મિલતી હૈ વો એક સાલ તક ટીકતી હૈ. ગિરનાર કી ભૂમિ તંત્ર ભૂમિ હૈ. " અઘોરી બાબા બોલ્યા. રાજનને પણ એમની વાત સાંભળીને આશ્ચર્ય થયું.
" ગુરુદેવ હવે મારા માટે શું આદેશ છે ? " મંથન બોલ્યો.
" બસ તુજે પ્રસાદ દે દિયા હૈ. વો અપના કામ કરેગા. વો પ્રસાદ દેનેવાલી બાલિકા સાક્ષાત યોગીની થી. " અઘોરી બાબા હસીને બોલ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)