ઋણાનુબંધ ભાગ ૪
હું ઘરે પહોંચી. હજુ પણ પ્રિયાનાં એ શબ્દો મારા મનમાં પડઘાઇ રહ્યા
હતા “બની શકે કે તારી મમ્મી સાથે જે બન્યું તેની
બીજી બાજુ પણ હોય”
ખરેખર હશે બીજી
બાજુ?
પણ જેના લગ્ન થઈ
ગયા હોય, ખોળામાં એક છોકરી રમતી હોય છતાં એ બાઈએ લગ્નબાહ્ય
સંબંધ બાંધ્યા હોય એની વાતની બીજી બાજુ હોય તો પણ શું એવડી મોટી હશે કે હું એને માફ
કરી શકું?
શું એક બાળકનું બાળપણ છીનવી લેવા કરતા પણ એની મજબૂરી મોટી હોય
શકે?
નહીં! એ નિષ્ઠુર સ્ત્રીની
બાજુ એટલી તો મોટી ન હોય શકે કે હું એને માફ કરી દઉ.
હું બેડમાં પડી પડી છત તરફ તાકીને વિચાર કરી રહી હતી. આકાશ મારી બાજુમાં બેઠો બેઠો બુક વાંચી રહ્યો
હતો. મારા મનમાં અજબ દ્વંદયુદ્ધ ચાલી રહ્યું હતું. એક મન આટલા વર્ષોનો તિરસ્કાર ભૂલવા તૈયાર
નહોતું, બીજુ મન પ્રિયાના દ્રષ્ટિકોણથી વિચાર કરવા
કહેતું હતું.
મને ઊંડા
વિચારોમાં ખોવાયેલી જોઇને આકાશે બૂક બંધ
કરી સાઇડ ટેબલ પર મૂકી.
“શેની ચિંતા છે?” મારા વાળમાં આંગળીઓ ફેરવતાં આકાશે પુછ્યું.
મેં મારી કશ્મકશની
વાત કરીને આકાશને સવાલ કર્યો કે હવે તું જ કહે મારે શું કરવું જોઇએ?
“મને પ્રિયાની વાત યોગ્ય
લાગે છે. આપણે કોઈને પણ ગુનેગાર ઠેરવતા પહેલા એનો પક્ષ
પણ જાણવો જોઇએ.” આકાશે પ્રેક્ટિકલ વાત કરી.
“પણ મમ્મી પપ્પા બંને આ
જગતમાં નથી ત્રીજા તો માલતી ફઈ છે અને હું જે જાણું છું એ તો એણે જ મને કીધેલ છે. બીજા કોઇને હું
ઓળખતી નથી.” મેં મારી મુંઝવણ કહી.
એક કામ કરીએ
સવારે દિમાગ સ્વસ્થ હોય ત્યારે વિચારીએ કોઈ ને કોઈ ઉપાય જરુર મળી જશે કહીને આકાશે મને પડખાંમા ખેંચી એક દીર્ઘ ચુંબન
આપ્યું. આકાશનાં ચુંબને જાદુ કર્યું મારુ મન શાંત થવા લાગ્યું.
“આઈ લવ યૂ આકાશ” એની
છાતી સાથે મારું નાક ઘસતાં કહ્યુ. આઈ લવ યૂ ટુ અવની કહીને આકાશે મને એની ઉપર લીધી.
હું એના કપાળ,
આંખો, હોઠ ગરદન, છાતી.... ચુમતા ચુમતા છેક
નીચે સુધી ગઈ. આકાશના મોઢેથી આહ નીકળી ગઈ. થોડી ક્ષણો પછી આકાશ પૂર્ણપણે ઉત્તેજિત થઈ
ગયો હતો. હવે હું એને ચુમતી ચુમતી નીચેથી ફરી ઉપર તરફ ગઇ. આજે લગામ મારી પાસે હતી.
એક લાંબી કિસ પછી બે તન એક થઈ ગયા.
મન હળવુંફૂલ અને
તન થાકીને લોથ થઇ ગયું. હું ગાઢ નિંદ્રામાં સરી ગઈ.
સવારે ઉઠીને મેં સુરત
માલતી ફઈને ફોન લગાવ્યો. ખબર અંતર પુછ્યા પછી મારી માં વિષે વાત કાઢી. માલતી ફઈએ
ફરીથી એ ની એ જુની રેકોર્ડ ચાલુ કરી. મારા મનમાં એક જ વિચાર ફરતો હતો કે વાત ફરી ફરીને
ત્યાં જ આવે છે તો પછી કોની પાસેથી માહિતી કઢાવવી? હું ફક્ત અમારા ગામનું નામ જાણતી
હતી. ભાવનગર જીલ્લાનું સાજણગઢ અમારું ગામ. ત્યાં હું ઓળખતી કોઈને નહોતી કેમકે ત્રણ
ચાર વરસની હતી ત્યારે જ માલતી ફઈ મને સુરત લઇ ગયા હતા. સતર વરસની થઇ ત્યાં સુધી સુરત
રહી અને પછી કોલેજ કરવા મુંબઈ આવી. ત્યારથી મુંબઈમાં જ રહું છું મુંબઈને જ
કર્મભૂમિ બનાવી લગ્ન પણ મુંબઈમાં કર્યા. વાત વાતમાં ફઈ માંનાં પ્રેમીનું નામ બોલી ગયા,
અચાનક મારા પત્રકાર દિમાગમાં ચમકારો થયો, થોડી આડી અવળી વાત કરીને મેં ફોન મુક્યો.
ગામનું નામ મને
ખબર હતું, એ શિક્ષક હતો એ પણ ખબર હતી હવે એનું નામ પણ જાણતી હતી. એટલી માહિતી પછી
ભાવનગર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી ખૂટતી કડીઓ મેળવવામાં મુશ્કેલી નહીં પડે
એની મને ખાત્રી હતી. એક વાર મુલાકાત થાય પછી તો હું જીણાંમાં જીણી વાતો કઢાવી લઈશ.
બેબી... નાસ્તો તૈયાર છે...આકાશે મને બુમ પાડી..
“આવી... “
આકાશે
કોર્નંફ્લેક્સ, ઓરેન્જ જ્યૂસ અને બ્રેડ બટર તૈયાર કરી રાખ્યા હતા. નાસ્તો કરતાં
કરતાં મે આકાશને મારો પ્લાન જણાવ્યો. એણે પણ મારી સાથે આવવાની જિદ કરી. ડિન્સી ઘરે
એકલી થઈ જશે એવું બધું માંડ
માંડ એને સમજાવી હું ઓફિસ જવા નીકળી. ઓફિસ પહોંચી બે દિવસની રજા મંજૂર કરાવી
ભાવનગરની રિટર્ન ટિકિટ બુક કરાવી.
રાતનાં સાડા નવ વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ટ્રેન ઉપડવાની હતી અમે નવ વાગ્યે સ્ટેશન પહોચી ગયા. આકાશ મને મુકવા સ્ટેશન આવ્યો હતો. સામાનમાં ફક્ત એક
બેકપેક હતી જેમાં એક લેપટોપ, એક જિન્સ, બે કુર્તી અને એક
નાઈટડ્રેસ હતો.
ચોમાસાની ઓફ સિઝન
હોવાથી સ્ટેશન પર ગિરદી બિલકુલ
નહોતી. ટ્રેન પણ ખાલી હતી. મને ટ્રેનમાં બેસાડતી વખતે આકાશ ભાવુક થઇ ગયો, એની આંખમાં પાણી આવી ગયાં. એને જોઇને મારી આંખો પણ ભરાઇ
આવી. લગ્નના સાત વરસ પછી પહેલી વાર અમે એકબીજાથી છૂટા પડી રહ્યા હતા.
“અરે! હું હંમેશા માટે થોડી
ને જાઉ છું? બે દિવસમાં તારી પાસે પાછી આવી જઈશ…” મારા માટે પણ અઘરી ઘડી હતી છતાં પણ મે સ્વસ્થતા જાળવીને કીધું.
“મને ઉંઘ નહીં આવે તારા
વિના“ આકાશ બોલ્યો.
“મને પણ… “
“સવારે સાડા દશ વાગે ટ્રેન
પહોંચશે ભાવનગર, સોથી પહેલા હોટલ પહોંચીને ફ્રેશ થઈને કંઇક ખાઈ લેજે, ભૂખ્યા પેટે દોડાદોડી નહીં કરતી”
“હા”
“ધ્યાન રાખજે તારું”
“હા… તુ પણ તારુ ધ્યાન રાખજે મારી ઉપાધિ નહીં કરતો હું બે દિવસમાં આવી જઈશ”
ટ્રેન ઉપડી ત્યાં
સુધી આકાશ ભલામણ કરતો રહ્યો. હું દરવાજે ઉભી રહી. ટ્રેન પ્લેટફોર્મ છોડીને દૂર નીકળી ત્યાં સુધી તે
હાથ હલાવીને બાય કરતો રહ્યો. ખરેખર આકાશને
પામીને મારુ જીવન ધન્ય બની ગયું હતું.
હું મારી સીટ પર પહોચી. મારુ મન વિચારે ચડી ગયું. હું જે કરવા નીકળી છું એ યોગ્ય છે?
કાલે શું થશે?
હું જે જાણું છું
તેના કરતાં વધારે ખરાબ વાતો જાણવા મળશે તો?
જે દુખ છે એ ઓછુ છે કે વધુ જાણી ને હજુ વધુ
દુખને આમંત્રણ આપવા નીકળી છું?
મનની વ્યગ્રતા
વધતી ગઈ. વિચાર કરતા કરતા મને નિંદર આવી ગઈ.
ઊતરવા વાળા
પેસેન્જરોના કોલાહલને કારણે સવારે મારી નીંદર વહેલી ઉડી ગઈ. બહાર એકધારો વરસાદ ચાલુ હતો. પણ મારા મનના વાદળો હજુ ગોરંભાયેલા હતા.
સવારે બોટાદ
આવતાં ચા નાસ્તો કર્યા.
સવા અગીયાર વાગે ભાવનગર ઉતરીને હોટેલ પર પહોચી પહેલા આકાશને ફોન કર્યો. આરામથી પહોચી ગઈ છું એ જણાવીને ફ્રેશ થવા ગઈ.
લગભગ સાડા બાર
વાગ્યે જીલ્લાઅધિકારીની ઓફિસ જવા નીકળી. વરસાદ જોર પકડી રહ્યો
હતો. છત્રી હોવા છતા હું લગભગ આખી ભીંજાઈ ગઈ..
જીલ્લાધિકારી ઓફિસમાં ટિપિકલ સરકારી વાતાવરણ હતું. વરસાદને કારણે અમુક લોકો આવ્યા નહોતા તો જે આવ્યા હતા એમાથી મોટા ભાગના હજુ જસ્ટ લંચ
ટાઈમ પતાવીને આવ્યા હતા ઉપરથી વરસાદી માહોલને લીધે કામ કરવાનો કોઇને મૂડ નહોતો.
પત્રકાર તરીકેની ઓળખ આપ્યા પછી મને કંઇક સહકાર મળ્યો. શિક્ષણાધિકારી સાહેબે પોતે
ક્લાર્કને બોલાવીને કિશોરચંદ્ર વ્યાસ નામના શિક્ષક જે સાજણગઢ ગામમાં નોકરી કરતા
હતા એનો છેલ્લામાં છેલ્લો રેકોર્ડ કાઢી લાવવાનો ઓર્ડર આપ્યો.
સર, જુના રેકોર્ડ
તપાસવા પડશે થોડો સમય લાગશે બેનને કહો સાંજના ચાર વાગ્યા સુધીમાં મળી જશે ક્લાર્ક
બોલ્યો.
અધિકારી સાહેબે
સુચક દ્રષ્ટિએ મારી સામે જોયુ.
“હાં ચાલશે સર,
પણ એક કામ થઈ શકે?“
“હા, બોલો ને બેન”
“મને ફોન પર વિગત
આપી શકો? તો વરસાદમાં મારે અહીં સુધી ધક્કો નહીં” મેં રીક્વેસ્ટ કરી.
“હા.. હા..
તમે આ નિકુંજભાઇ સાથે નંબર એક્સચેન્જ કરી લો. એ તમને ફોન પર જણાવી દેશે
તમારે ધક્કો ખાવાની જરુર નથી.” અધિકારી બોલ્યા.
હું નંબર
એક્સચેન્જ કરીને નીકળી. વરસાદ હજુ ચાલુ હતો. મને ભૂખ પણ લાગી હતી. પંજાબી કે
ફાસ્ટફૂડ ખાવાની બિલકુલ ઈચ્છા નહોતી એટલે કાળુભા રોડ પર આવેલા ‘રસોઈ’ ડાઇનિંગ હોલમાં જઈને
ટ્રેડિશનલ ગુજરાતી થાળી જમી. વરસાદ હવે રોકાઈ ગયો હતો. નિકુંજભાઇનો ફોન ચાર વાગ્યા
પહેલાં આવવાનો નહોતો એટલે હોટેલ પર જઇને આરામ કરવાનું વિચાર્યું.
ટ્રેનમાં મને વ્યવસ્થિત
ઉંઘ આવી નહોતી એટલે હોટેલ પહોચીને બેડમાં પડી અને થોડી વારમાં ઉંઘ આવી ગઈ.
એકાદ કલાકે ઉંઘ
ઉડી પોણાચાર વાગ્યા હતાં. ચા મંગાવીને પીધી ત્યાં મોબાઈલ પર રીંગ વાગી જોયું તો નિકુંજભાઈનો
ફોન હતો. એક અજ્ઞાત થડકારા સાથે મેં ફોન ઉપાડ્યો. સામેથી નિકુંજભાઈનો ઉત્સાહી અવાજ
સંભળાયો. મેડમ તમારુ કામ થઈ ગયું. એણે ફટાફટ માહિતી
આપતા કહ્યું :
“કિશોરભાઈનું પુરુ નામ
કિશોરચંદ્ર ડાહ્યાલાલ વ્યાસ. પહેલા સાજણગઢ ગામે
નોકરી કરતા હતા છેલ્લી જાણકારી પ્રમાણે પચ્ચીસ વર્ષ પહેલાં સિહોર
તાલુકાના અમરપુર ગામે ટ્રાંસફર લીધી છે.”
ખૂબ ખૂબ આભાર નિકુંજભાઇ તમારો. તમે સમય કાઢીને મારુ કામ કરી આપ્યું. સાહેબને પણ મારા વતી
થેંક્સ કહેજો.
ફોન મુકીને મે ગુગલ મેપમાં અમરપુર ગામનું લોકેશન અને રસ્તો જોઇ લીધો. ભાવનગરથી ત્રીસ કિ.મી દૂર હતું. મેં કાલે સવારે આઠ વાગ્યે નીકળવાનું નક્કી
કર્યું. હોટેલના રિસેપ્શન પર ફોન કરીને કાલ માટે ટેક્સી બુક કરાવી લીધી.
સવારે ટેક્સી વાળો સમયસર આવી ગયો. કાલનાં વરસાદ પછી આજે આકાશ સાફ હતું વહેલી સવારનો
કુમળો તડકો નીકળ્યો હતો. ટેક્સી સડસડાટ જઇ રહી હતી. મારા મનમાં વિચારો પણ
એટલી જ ઝડપે આવ જાવ કરી રહ્યા હતા. શું થશે? એમને મળીને શું પુછીશ? વાતની શરૂઆત ક્યાંથી
કરીશ? ક્યારથી એમની વચ્ચે આડા સંબંધો હશે? એમના સંબંધો મારા જન્મ પહેલાંથી જ હશે? જો એવું હશે તો મારા
પપ્પા કોણ હશે? મને પેટમાં ચૂંથારો થવા લાગ્યો. મને લાગ્યું કે મારાં જ વિચારોનાં ભારથી હું ગૂંગળાઈ જઈશ. મેં ડ્રાઈવરને
ટેકસીનાં બધાં કાચ નીચે ઉતારવા કીધું. તાજી હવા ટેક્સીમાં પ્રવેશવાથી થોડી રાહત થઈ. અડધો પોણો કલાકમાં અમરપુર
આવી ગયું.
સાવ નાનું ગામ હતું એથી થોડું પુછતા ઘર મળી ગયું. જુની ઢબનું નળિયા વાળું મકાન હતું. દરવાજો ખટખટાવતાં એક બાઇએ બારણું ખોલ્યું. ભીનો વાન, ફિકો ચહેરો. મોટો અંબોડો, આસમાની રંગની સાડી પહેરી હતી. એકંદરે વ્યવસ્થિત લાગતી હતી. ઉંમર લગભગ સાઈઠેક
વર્ષની લાગતી હતી.
કિશોરચંદ્ર વ્યાસનુ ઘર આ જ? મેં થોથરાતા અવાજે પુછ્યું.
“હાં, અંદર આવો” એમણે આવકાર આપતા કહ્યું.
રૂમમાં સામેની સાઈડ ગાદલું પાથરેલો સેટી પલંગ હતો. બાજુમાં બે ખુરશી ને વચ્ચે
લાકડાંની ટિપોઈ હતી.
એમણે ખુરશી તરફ ઈશારો કરીને મને કહ્યું બેસો, અને એ પાણી લેવા અંદર ગયાં.
મે રૂમમાં નજર ફેરવી, ખાસ કંઈ ફર્નિચર નહોતું પણ ચોખ્ખાઈ ઊડીને આંખે વળગે તેવી હતી. ચારે કોર સાદગી જ સાદગી હતી.
“તમારી ઓળખાણ ના પડી…” મેં પાણી પી લીધા પછી એમણે પુછ્યું.
મેં સૌરાષ્ટ્રની આ ખાસિયત વિષે ફક્ત સાંભળ્યું હતું આજે પ્રત્યક્ષ અનુભવ થયો. અહીં અજાણ્યો માણસ પણ જો ઘરઘણીનું નામ લઈને આવે તો એને આવકાર આપીને પાણી પીવડાવ્યા પછી ઓળખાણ પૂછે .
“હું સાજણગઢ વાળા સુખલાલની દિકરી” મેં કહ્યું.
અમે એકબીજાને ઓળખતા નહોતા. વાતો પણ શું કરવી? થોડી ક્ષણો એમ જ અવઢવમાં વિતી.
“મિ. કિશોર…..” મેં પ્રશ્ન અધ્યાહાર રાખી પુછ્યું.
“છ મહિના પહેલાં ગુજરી ગયાં” સામેની દિવાલ પર લટકતાં ફોટા તરફ આંગળી
ચીંધીને એમણે કહ્યું.
“ઓહ” મને આઘાત લાગ્યો. સાવ સાધારણ દેખાવ, મોઢાં પર શીળીનાં ચાઠાં, શામળો વાન… ફોટો જોઈને મને વિચાર આવ્યો કે મારી મમ્મીને આમાં
શું દેખાયું હશે?
“અને તમે….” મેં નજર ફોટા તરફ જ રાખીને પુછ્યું.
“હું એમની પત્ની ભારતી”
જેના વિશે જાણવું હતું એ બેમાંથી કોઈ આ દુનિયામાં રહ્યા નહોતા. આગળ શું વાત કરવી એ
સમજાતું નહોતું. અવઢવમાં ખાસ્સી બે મિનિટ વીતી.
“કંઈ ખાસ કામ હતું?” આખરે ખામોશી તોડતા એ બોલ્યા.
“ના… ખાસ કંઈ નહીં, એ તો હું આ બાજુથી નીકળી એટલે મને થયું કે કિશોરચંદ્ર ઘરે હોય તો મળતી જાવ” મેં અસ્વસ્વસ્થતા
છુપાવવાની કોશિશ કરી.
“અચ્છા તો હું રજા લઉ, મારે ભાવનગર જવાનું છે” કહીને હું ઉભી થઇ.
મેં એક ફરી એક નજર પેલા ફોટો પર ફેરવી, મને મારી માં પર ધૃણા થઇ આવી. હું દરવાજા તરફ ચાલી.
“રંભા…” એમનો અવાજ મારી પીઠ સાથે અફળાયો.
હું જ્યાં ઉભી હતી ત્યાં જ સ્તબ્ધ થઇને ખોડાઈ ગઈ.
રંભા… મારી મમ્મીનું નામ, મતલબ કે બધી ખબર હતી એમને. મેં ચમકીને એમની સામે જોયુ.
“બહુ શાંત, મળતાવડી, સુશીલ અને સહનશીલ હતી તારી મમ્મી” મારા ચહેરા ગિલ્ટ જોઈને એમણે કહ્યું.
“તમને ખૂબ ગુસ્સો આવ્યો હશેને?” મારા અવાજમાં જરા દિલગીરી ભળી.
“આવ્યો હતો ને બહુ ગુસ્સો આવ્યો હતો જ્યારે એ મને એકલી મૂકીને ઉપર ચાલી ગઈ”
મને ભારોભાર આશ્ચર્ય થયું. મારા માનવામાં નહોતુ આવતું કે આ બાઈ એના પતિની પ્રેમિકા
વિષે વાત કરી રહી હતી..
“આવ બેસ અહીં તને માંડીને વાત કરૂ” એમણે સામેની ખુરશી તરફ ઈશારો કરીને
કહ્યું.
સાજણગઢમાં મારા પતિની બદલી થઇ ત્યારે અમારા નવા નવા લગ્ન થયેલાં. મારૂ પિયર
સુરત અને લગ્ન ગામડે થયા હતા. સામાન્ય રીતે એના કરતાં ઉલટું થતું હોય છે. શહેરની
છોકરી પરણીને ગામડે ના આવે પણ હું આવી.
હું સુરતમાં ઉછરેલી હોવથી સાજણગઢમાં એડજસ્ટ થવામાં મને તકલીફ પડતી હતી. એ
સમયમાં મારી ઓળખાણ તરી મમ્મી સાથે થઈ. થોડા સમયમાં અમારા બહેનપણાં થઈ ગયા.
તારા મમ્મી પપ્પાના એરેન્જ કમ લવ મેરેજ હતા. તારા પપ્પા સુખલાલ સાજણગઢ રહેતા
અને એને વરતેજમાં તલાટીની નોકરી હતી. એ રોજ બસમાં અપ ડાઉન કરતા. તારી મમ્મીનું મૂળ
ગામ કિશનગઢ. એ કિશનગઢથી ભાવનગર કોલેજ એજ બસમાં જતી. બંને દેખાવડાં, બંને યુવા હૃદય
રોજ સવાર સાંજ એકજ બસમાં ભેગા થાય. ધીરે ધીરે દોસ્તી થઈ અને લોક નજરે ચઢવા લાગ્યા.
વાત ઊડતી ઊડતી તારા નાનીમાં સુધી પહોંચી. ગામના ડાહ્યા માણસોએ સલાહ આપી કે બાપ
વગરની દિકરી છે અને જો કંઈ ઉંધુ ચત્તુ થઇ ગયું તો ઉપાધિ થશે. છોકરો ન્યાતનો જ છે ને વળી સરકારી નોકરી છે
છોકરીના હાથ પીળા કરી નાખો.
ઉતાવળે એ લોકોના ઘડિયા લગ્ન લેવાયા.
તારા જન્મનાં બે મહિના પછી તારા પપ્પા પર લાંચ લેવાનો આરોપ લાગ્યો અને દોઢ
વરસની જેલની સજા ફટકારવામાં આવી. અચાનક બધી જવાબદારી તારી મમ્મી પર આવી ગઇ. એ જમાના પ્રમાણે તારી
મમ્મીનું ભણતર ઘણું સારું હોવાના લીધે ગામની જ સરકારી શાળામાં એને નોકરી મળી ગઈ. મારા પતિ પણ એ જ
શાળામાં શિક્ષક હતા. એટલે તારી મમ્મી સાથે મારી ઓળખાણ થઈ. સુખલાલ સજા ભોગવીને
બહાર આવ્યા પછી એને દારૂની લત લાગી ગઈ. દિવસે દિવસે પીવાનું વધતુ ગયું. રોજેરોજ ઝગડા થતા હતા. સુખલાલ ક્યારેક હાથ પણ
ઉપાડી લેતાં પણ તારી મમ્મી ઘરની વાત બહાર ન આવવા દેતી.
તારી મમ્મી દારૂ માટે પૈસા ન આપે ત્યારે તારા બાપનો અહમ્ ઘવાતો. બૈરી સરકારી નોકરી કરે અને પોતાને પૈસા માટે બૈરી પાસે હાથ લંબાવવા પડે એ એને કઠતુ. એટલે એ મારામારી પર
ઉતરી આવતા. દિવસને દિવસે ત્રાસ વધતો ગયો.
હું ઘણીવાર એને કહેતી કે છોડી દે ને એ દારુડિયાને અને નવી શરૂઆત કર. તું તો
પગભર છે, શું કામ આટલો ત્રાસ સહન કરે છે?
તો કહેતી “સમય આવ્યે થઈ જશે બધુ ઠીક. હું તો મારી દીકરીનું મોઢુ જોઉ છું ને મારી બધી તકલીફો
ભૂલી જાવ છું.” ગજબની સહનશીલ હતી એ બાઇ.
ઝગડો બહું વધી જાય ત્યારે એ તને લઇને મારી પાસે આવતી.
ક્યારેક ઢોરમાર ખાધો હોય ને હાડકે હાડકા કળતાં હોય ત્યારે હું એના શરીરે હળદર
લગાવી આપતી. બોલતાં બોલતાં એમના ગળે ડૂમો ભરાઈ આવ્યો. એ અટક્યા.
મારી આંખો પણ ભરાઇ આવી હતી.
“તું સાંભળી શકીશ ને દિકરી?” અમણે ગળું ખંખેરતા પુછ્યું.
“હાં માસી,” મેં પહેલી વખત એમને ‘માસી' સંબોધન કર્યું એ એમને ગમ્યું.
“આજ દિન સુધી તો મારી માં વિષે ફક્ત જૂઠ સાંભળતી આવી
છું, આજે પહેલી વાર એની સચ્ચાઈ સાંભળવા મળી રહી છે. હું કાળજૂ કઠણ કરીને સાંભળીશ”
“કાળજૂ કઠણ તો તરી મમ્મીનું હતું” ભારતી માસીએ વાતનો દોર સાધ્યો: રંભા મારે ઘેર આવતી એ
વાતને લઇને સુખલાલનાં દારૂડિયા ભાઇબંધો એને ચડાવતા: “ધ્યાન રાખજે સુખા.. તારી બૈરીનો આવરો જાવરો ઓલ્યા માસ્તરના ધેર બવ વધ્યો છે. ક્યાંક હાથમાંથી સરકી
જશે.”
“એકતો કમાય છે ને ઉપરથી રૂપાળી છે નમાલો નહિ થતો નઇતો નાક કપાવશે તારૂ” બીજો ટાપશી પુરાવતો.
જે દિ' દોસ્તારો ચડાવતા તે દિ’ તારી મમ્મીને વધુ માર પડતો.
તું ચારેક વરસની હશે ત્યારની વાત છે. હું અઠવાડિયા માટે સૂરત ગઈ હતી. એક રાત્રે તને લઇને રડતી રડતી રંભા મારા ઘરે આવી.
“કિશોરભાઇ ગમે તે કરો પણ મને છોડાવો, હું કંઈ પણ કરીને અમારૂ માં દિકરીનું પેટ
ભરી લઇશ પણ આ રાક્ષસ ના ઘરમાં હવે નહીં રહું.”
“શું થયું રંભાબેન?” કિશોરચંદ્રએ એને શાંત પાડવાની કોશિશ કરી.
“આજે આ ફૂલ જેવી દિકરી પર હાથ ઉપાડીને એણે બધી હદ પાર કરી દીધી.”
તારી પીઠ પર આંગળીઓની સોળ ઉપસી આવેલી. કિશોરચંદ્રથી એ જોવાયુ
નહીં, એણે પીસીઓ પર જઇને મને ફોન લગાવ્યો. મેં એમને કહ્યુ કે તમે આજની રાત એને સંભાળી લો, કાલે
હું ઘરે પહોંચી જઈશ.
“અરે પણ ભારતી! હું ઘરે એકલો છું, રંભાબેન આપણા ઘેર રાત રોકાય તો અર્થ નો અનર્થ થાય” કિશોરચંદ્રે ભય વ્યક્ત
કર્યો.
દુનિયાને જે કહેવું હોય એ કહે. એક તો એ મારી બહેનથી વિશેષ બહેનપણી છે અને આપણે આંગણે આવેલી દુંખીયારીને આશરો આપવો એ આપણો ધર્મ છે. કિશોરચંદ્રને મારી વાત
વ્યાજબી લાગી. તમને માં દિકરીને અમારા ઘરમાં લીધાં.
હું વહેલી સવારે સુરતથી નીકળી ગઈ બપોર પછી સાજણગઢ પહોંચતાં જ મને આઘાત લાગ્યો. ઘરે જઈને જોયું તો બઘું
અસ્તવ્યસ્ત પડ્યું હતું. કિશોરચંદ્રના હાથે પગે પાટાપીંડી કરેલા
હતાં.
“તમને શું થયું? કેવી રીતે?” હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી.
“તને ફોન કર્યા પછી માં દિકરીને અંદર સુવડાવ્યા. સુખલાલ એ લોકોને લેવા રાતના બે
વાર આવ્યો હતો. ગંદી ગંદી ગાળો બોલતો હતો, માં દિકરી બેઉ ફફડતી હતી. મેં દરવાજો ના
ખોલ્યો એટલે ધમકી મારીને જતો રહ્યો. મને એમ કે સવારમાં નશો ઉતરી જશે એટલે એની સાન
ઠેકાણે આવી જશે. પણ એણે તો સવારના પહોરમાં ગામ ભેગું કરીને રાડારાડ કરી મુકી કે
માસ્તરની બાઇડી પિયર ગઈ છે ને આ બંને ખુલંખુલ્લા રંગરેલીયા મનાવે છે. આ રાં... કાલ
રાતની માસ્તરનાં ઘરમાં ભરાણી છે. સુખલાલનાં દારૂડિયા દોસ્તો અને બીજા વિધ્ન
સંતોષીઓએ ભેગા મળીને અમને બંનેને ઘરમાંથી બહાર કાઢ્યા. રંભાબેન પર થૂંક્યા ને ચોક
વચ્ચે ઉભો રાખીને મને માર્યો.” કિશોરચંદ્રએ આખી ઘટના સંભળાવી.
કિશોરચંદ્રને શારિરીક કરતાં પણ માનસિક આઘાત વધુ લાગ્યો હતો. અડધી રાતે કોઈની
પણ મદદે દોડી જનાર જેનું પ્રામાણિક શિક્ષક તરીકે ગામમાં પ્રતિષ્ઠા હતી, માન સન્માન
હતું એને આજે વ્યભિચારી ચીતરી દેવામાં આવ્યો હતો.
મને રંભાની ચિંતા થઈ આવી. હું તપાસ કરવા એને ઘરે ગઇ. તારા પપ્પાએ તને તાબામાં
લઈને તારી મમ્મીને ઘરની બહાર કાઢી મુકી હતી. રંભા ઘરની બહાર ઓટલા પર સૂનમૂન બેઠી હતી. એની આંખો કોરી કટ હતી. હું એને મારા ઘરે આવતા મનાવતી રહી પણ એ જાણે મારો
અવાજ સાંભળતી જ ન હોય તેમ શૂન્યમાં તાકતી રહી. ઘણી કોશિશ કરી પણ એ ઉભી ન થઈ. છેવટે હું મારા ઘરે આવી.
સવારે ખબર પડી કે રંભાએ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી છે. જીવ દીધા પછી પણ બિચારી પોતાની નિર્દોષતા સાબિત ના કરી શકી. ગામલોકોએ તો એમ જ
માન્યું કે ખોટું કામ કર્યું હતું અને હવે કાળું મોઢું કોઈને બતાવી શકે તેમ નહોતી
એટલે કૂવો પૂર્યો અને અમને પણ પાપનાં ભાગીદાર ગણ્યા. છેવટે અમે પણ ગામ છોડ્યું.
ભારતી માસીઐ વાત પુરી કરી અને મારી આંખોમાંથી ધોધ વછુટ્યો…
“લોકોની વાત છોડો માસી… એની પોતાની દિકરી એને ચારિત્ર્યહીન માનતી રહી અને નફરત કરતી રહી”
“એમાં તારો વાંક નથી દિકરી” ભારતી માસી મારી પીઠ પર હાથ ફેરવતાં બોલ્યાં. તે તો સમજણી થઇ ત્યારથી જે સાંભળ્યુ એજ માને ને?”
એમની વાત સાંભળીને મને પ્રિયા યાદ આવી એણે જ મને કીધું હતું ને કે સિક્કાની
બીજી બાજુ પણ હોય શકે. પ્રિયા યાદ આવતાં મારુ રુદન અટકી ગયું. મારા હોઠ પર અનાયસ સ્માઈલ આવી. બહાર નીકળીને પ્રિયાને
ફોન કરવાનું વિચારી મેં ભારતી માસીની રજા લીધી.
ટેક્સી ગામ બહાર નીકળી ત્યારે મેં પ્રિયાને ફોન લગાવ્યો.
પ્રિયાનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.
ક્રમશઃ
હેમંત રાજવંશ સાથેનો અવનીનો ઈન્ટરવ્યુ કેવો રહેશે?
મમ્મીની સાચી હકીકત જાણ્યા બાદ અવનીનું રિએક્શન કેવું હશે?
માલતી ફઈએ અત્યાર સુધી ખોટી વાતો કરી હતી તો અવની એના જોડે કેવો
વર્તાવ કરશે?
પ્રિયાનો ફોન સ્વીચ ઓફ કેમ હશે ?
આ બધાં પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચો આગામી ભાગ...