ઋણાનુબંધ ભાગ ૩
વહેલી સવારે મારી
આંખ ખૂલી. દિલો દિમાગ પર હજુ ગઈકાલ રાતની પ્રણયક્રિડાનો આછેરો નશો છવાયેલો હતો. આળસ
મરડીને હું બેઠી થઈ. આકાશ વહેલી સવારની ગુલાબી નીંદર માણી રહ્યો હતો. એના ચહેરા પરથી
પરાણે વ્હાલુ લાગે એવું ભોળપણ નીતરી રહ્યું હતું. મેં એના ગાલ પર હળવેકથી પપ્પી
કરી. ઉંઘમાં પણ એના હોઠ પર સ્માઈલ આવી ગઈ. હું ઉભી થઇ બાથરૂમમાં ગઈ. નિત્યક્રમ
પતાવી કિચનમાં જઈ બે કપ ચા બનાવી. ચા ના કપ લઇને આકાશને ઉઠાડવા બેડરૂમમાં આવી.
આકાશ અત્યારે
ઉંધો સૂતો હતો. એક પગ સીધો અને બીજો પગ ઘૂંટણ પાસેથી વાળેલો હતો. એક હાથ તકિયાની
નીચે આવે એમ માથાં નીચે રાખ્યો હતો. બીજો હાથ કોણીએથી થોડો વવાળીને બેડ પર મારી સૂવાની
જગ્યાએ રાખ્યો હતો. હું તો બેડ પર હતી નહીં એટલે મારો તકિયો એ હાથ વડે દબાવી રાખ્યો
હતો. પગથી લઈને કમર સુધી સફેદ ચાદર લપેટાયેલી હતી. ઉપરનું શરીર ખૂલ્લું હતું. લંબગોળ
ફેસકટ, અણીયાળું નાક, તીખી ચીબુક, જાડા સખત હોઠ, એકાદ દિવસની વધેલી દાઢી, પહોળા ખભા, પાતળી કમર આ દ્રશ્ય કોઈ પણ સ્ત્રીની
સુધબુધ ખોવા માટે કાફી હતું. હું એમ જ આકાશને નિરખતી રહી. એના સૌમ્ય ચહેરા પરની
નિર્દોષતા મારુ મન મોહી રહી. થોડી વાર પછી મેં બારીનાં પરદા ખોલ્યાં. વહેલી સવારના
કોમળ તડકાના કિરણોએ આકાશની ઉંઘમાં ખલેલ પહોંચાડી હોય તેમ એની આંખોના પોપચાં થોડાક
ફરક્યાં પછી એણે મોઢું ફેરવી લીધું પણ મેં ગલીપચી કરીને એને પરાણે ઉઠાડ્યો. બંનેએ
ચા પીધી.
નિત્યક્રમ પતાવી બેઉ
જણાએ બ્રેકફાસ્ટ લીધો.
દર બુધવારે મારો આર્ટિકલ
આવતો હોવાથી એની પ્રિપરેશન માટે મારે મંગળવારે જલ્દી જવાનું હોય છે એટલે હું
પ્રેસમાં જવા નીકળી.
આર્ટિકલ પૂરો
કરીને પ્રૂફ રીડરને આપ્યો અને નવરી પડી ત્યાં કાલની રાજવંશ ઈંડસ્ટ્રીઝની અનામી ફોન
વાળી વાતે મારા મન પર કબજો જમાવ્યો. બપોરના બાર વાગ્યા હતાં બે વાગ્યે ડો. મહેતાની
એપોઇન્ટમેન્ટ હતી. શું કરવું? ક્યાંથી શરૂઆત કરવી એ સમજાતું નહોતું એટલે મે
વિરાટને પકડ્યો.
“જો વિરાટ કોઈપણ
જાતનો ભાવ ખાધા વગર તારે મને હેલ્પ કરવાની છે“
“એનીથીંગ ફોર યુ
મેમ” વિરાટે કુર્નિશ બજાવતો હોય એવી એકટીંગ કરી.
“રાજવંશ
ઈંડસ્ટ્રીઝ વિષે મારે જીણાંમાં જીણી માહિતી જોઈએ છે, તેની ક્યા રાજયમાં કઈ અને કેટલી
ફેક્ટરી છે ત્યાં શું બને છે, કુલ કેટલી હોટેલ્સ છે? કોનું કેટલું ટર્નઓવર છે આ બધું
તો જોકે તને ઈંટરનેટ પર મળી જશે પણ મારે હજુ વધારે માહિતી જોઈએ છે“
“બીજુ શું?”
“તેની સ્કૂલ્સ,
હોસ્ટેલ્સ, સ્કોલરશિપ્સ, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામની સ્પોન્સરશિપ... “
“અરે પણ આ તો બધું
CSR અંતર્ગત આવે... મતલબ કે દરેક મોટી કંપનીએ ફરજીયાત પોતાના નફાનો બે ટકા ભાગ
સામાજિક ઉત્થાન માટે વાપરવો પડે...”
“એક મિનિટ વિરાટ....
એ બધી મને ખબર છે તુ પહેલા ધ્યાનથી મારી વાત સાંભળ: કાલે જે ફોન આવ્યો હતો ને એમાં એણે કહ્યું હતું કે રાજવંશ ઈંડસ્ટ્રીઝ દ્વારા
સંચાલિત ગાયત્રી દેવી ટ્રસ્ટની આડમાં ગોરખધંધા ચાલે
છે તમે થોડું ઘણું ખોદશો તો ઘણાં મુડદા નીકળશે. એણે પોતાના વિશે કંઈ પણ માહિતી નથી
આપી એટલે આગળનું રીસર્ચ આપણે જ કરવાનું છે.”
અરે તું પણ અવની…. આ નનામો ફોન કોઇ વિઘ્નસંતોષીનો અથવા તો કોઈને નોકરીમાંથી કાઢી મૂક્યો હશે એણે બદલો લેવા કર્યો હશે. વિરાટે મને સમજાવવાની કોશિશ કરી.
પણ સાવ આગ વગર તો
ધૂમાડો ના ઊઠે ને? પત્રકાર તરીકે આપણી ફરજ છે કે કંઇ અનૈતિક હોય તો સમાજની સામે
લાવવું. મેં ભાવનાત્મક રીતે વળતી દલીલ કરી.
“પણ એવડું મોટું કમઠાણ
લઈને બેઠા હોય ત્યાં નાનુ
મોટું ભ્રષ્ટ આચરણ થતું જ હોય છે, નાના માણસો કે કર્મચારીઓને એ વાત બહુ મોટી લાગતી હોય એટલે એ લોકો રાઈનો પહાડ બનાવી દેતાં
હોય, બાકી મને આ કેસમાં કંઇ દમ લાગતો નથી.“
“તું મને હેલ્પ કરીશ કે
નહીં વિરાટ?“
એક કામ કરીએ થોડી રાહ જોઈએ, જો હજુ પણ એકાદ
બે ફોન આવે તો આપણે આમાં ઉંડા ઉતરશું એમ કહીને વિરાટે પણ ગોખલેની જેમ હાથ ખંખેરી નાખ્યા.
અને પ્લીઝ અવની મને વચન આપ કે કંઇ પણ થાય તું એકલી આ વાતમાં
નહીં પડે કેમ કે આ માણસો બહું મોટાં છે જીવનો ખતરો થઇ શકે. વિરાટે મારી પાસે વચન લીધું.
હું પણ બીજો ફોન ન
આવે ત્યાં સુધી આ વાતને સાઇડમાં રાખવાનું નક્કી કરીને બીજા કામમાં ખૂંપી ગઈ.
બે વાગ્યાની
એપોઇન્ટમેન્ટ હતી એટલે પંદરેક મિનિટ પહેલાં ક્લિનિક જવા નીકળી. છેલ્લા ત્રણેક
વર્ષથી અમે બાળક માટે કોશિશ કરી રહ્યા હતા. બે વર્ષ પહેલાં કન્સિવ થઇ હતી પણ એ
એક્ટોપિક પ્રેગ્નન્સી હતી. ગર્ભાશયની બહાર ફેલોપિન ટ્યુબમાં ગર્ભ રહ્યો હતો. ખબર
પડી ત્યાં સુધીમાં મોડુ થઇ ગયું હતું. ટ્યુબ ફાટી અને પોઇઝનીંગ થઇ ગયું, ડોક્ટરનું
કહેવું હતું કે ઓપરેશન તો સફળ રહ્યું પણ ભવિષ્યમાં પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ બહુ ઓછા
છે.
બસ ત્યારથી દર
મહિને એજ અધીરાઇથી રાહ જોવાની અને અંતે એ જ નિરાશા, ફરી નવી આશા લઇને નવેસરથી પ્રયત્નો..... બસ એજ
ચક્કર ચાલુ છે. જોકે માતૃત્વ જ સ્ત્રીને સંપૂર્ણ બનાવે છે એવા જરીપુરાણા વિચારોમાં હું
માનતી નથી પણ એક સ્ત્રી સહજ ભાવના કહો કે અમને
બંનેને જીવનભર બાંધી રાખનાર અમારા પ્રેમની નિશાની કહો, ખોળો ખાલી હોવાની ખોટ મને સાલતી હતી. મારે માતૃત્વ અનુભવવું હતું, એની સાથે બાળક બનીને રમવું હતું, મારું ખોવાયેલું બાળપણ એનામાં શોધવું હતુ. પણ અત્યાર સુધી જીંદગીએ મને એમ સરળતાથી કશું આપ્યું
નથી, એક એક વસ્તુ માટે જીંદગીએ મને તડપાવી છે, તરસાવી છે. છતાં જે કંઈ
આપ્યું છે એ દિલ ખોલીને આપ્યું છે. આટલો પ્રેમાળ પતિ જેણે મારા જીવનમાં રહી ગયેલી પ્રેમની કમી વ્યાજ સાથે ભરી દીધી છે.
મારા સાસુ સસરા પણ ખૂબ માયાળુ છે. એમને મુંબઈમાં ફાવતું નથી એટલે ગામડે રહે છે. હું બહુ જીદ કરૂ ત્યારે થોડા દિવસ મુંબઈ રોકવા
આવે. એમને પણ તેઓ જીવે છે ત્યાં સુધીમાં પોતાના સંતાનના ઘરે પારણું બંધાય એવી આશા હોય
ને! પણ ક્યારેય એમણે એમના વર્તનમાં કે વ્યવહારમાં મને એવું દેખાવા નથી દીધું. આ બધા વિચારો કરતાં હું ક્લિનિક પહોંચી. આકાશ મારી પહેલા પહોંચી ગયો હતો. તે કન્સલ્ટિંગ રૂમની બહાર ચેરમાં બેઠો હતો. મેં જોયું કે ટેન્શનમાં એનો એક પગ સતત હલાવ્યા કરતો હતો.મને જોઇને એ ઉભો થયો. એ પોતે પણ એટલો સ્ટ્રેસમાં હોવા છતાં મને હગ કરીને એણે ધીરજ બંધાવી.
વારો આવતાં અમે
ડોક્ટરની કેબિનમાં ગયા. અમારો રીપોર્ટ ડોક્ટરના
ટેબલ પર આવી ગયો હતો. જેનો ડર હતો એ જ થયું, ફેલોપિન ટ્યુબ સિત્તેર ટકા બ્લોક હતી. નોર્મલ પ્રેગનન્સી રહેવાની શક્યતા હવે નહોતી
રહી. તમારા કેસમાં IVF એ એકમાત્ર ઉપાય
છે. ડોક્ટર મહેતા બોલ્યા.
IVF નો સહારો લેવાની સલાહ આપી ડોક્ટર મહેતાએ અમને બાજુની રૂમમાં વેઇટ કરવાનું
કીધું. આકાશે સતત મારો હાથ પોતાના હાથમાં
પકડી રાખ્યો હતો. થોડી વારમાં એમના આસિસ્ટન્ટ ડોક્ટર માધવી આવ્યા. એમણે અમને IVF વડે પ્રેગનન્સી રહેવાની
શક્યતા, એ પદ્ધતિનાં ફાયદા નુકસાન, લાગનારો સમય, ખર્ચ તથા માતાને પડનાર માનસિક તથા શારિરીક ત્રાસ વગેરેની લંબાણ પૂર્વક સમજણ આપી.
“શાંતિથી વિચાર કરીને તમારા સમયે જવાબ આપજો કેમ આ ટ્રીટમેન્ટ ખર્ચાળ છે
અને સફળતાનો દર પ્રમાણમાં ઓછો હોય છે એટલે તમારે વિચારવા માટે પૂરતો સમય લેવો જોઈએ”
કહી એક મીઠી સ્માઇલ આપી અમને ત્યાં બેઠેલા
છોડીને ડો.માધવી બહાર નીકળી ગયા.
ઉપાય સરળ તો બિલકુલ નહોતો, નિર્ણય અમારે લેવાનો હતો. મારી આંખોમાં ભીનાશ આવી ગઈ.
“બધુ બરાબર થઇ જશે હું છું ને તારી સાથે!” મારા ખભા પર હાથ રાખી
મને દિલાસો આપતા આકાશ બોલ્યો. એની પોતાની અવસ્થા પણ મારા જેવી જ હતી પણ હું
હિંમત ન હારી જાઉ એટલે એ પરાણે સ્વસ્થ રહેવાની કોશિશ કરી રહ્યો હતો.
આપણને દુઃખી
જોઈને આપણી પ્રિય વ્યક્તિ વધારે દુખી થઈ જતી હોય છે. આકાશ દુઃખી ન થાય એટલે હું આંખો લુછીને ઉભી થઇ
“તુ છે મારી સાથે પછી મારે
શાની ચિંતા! “ મેં ચહેરા પર સ્માઇલ લાવીને કીધું.
ધેટ્સ માય ગર્લ… આકાશનો મુડ પણ ઠીક થયો.
આમતો ભાવનાત્મક
રીતે આકાશ કરતાં હું વધારે મજબૂત છું. બાળપણનાં કઠીન અનુભવે મને અંદરથી થોડી કઠોર
બનાવી દીધી છે પણ જ્યારે વાત આકાશની હોય, અમારા પ્રેમની હોય ત્યારે હું લાગણીશીલ
બની જાઉ. આકાશનું મારા થી ઉલટું છે એ અત્યંત કોમળ હૃદયનો છે પણ હું જ્યારે ઢીલી
પડું ત્યારે એ પોતાને મક્કમ કરીને બાજી પોતાના હાથમાં લઇ લે, મારી ઢાલ બનીને ઉભો
રહી જાય.
ડો. મહેતાના
ક્લિનિકથી નીકળી આકાશ તેની ઓફિસ જવા નીકળ્યો. મેં પણ ઓફિસ પહોંચી કામમાં મન
ખૂંપાવવાની વ્યર્થ કોશિશ કરી. કામ યંત્રવત્ થઇ રહ્યું હતું મન વિચારોમાં ખોવાયેલું
હતું.
જેમ તેમ કામ નિપટાવીને
ઓફિસથી નીકળી. આજે પણ પ્રિયાને મળવાનું હતું. રોજબરોજનાં તણાવ ભરેલા વિષયો છોડીને કંઇક અલગ વિષયો પર ગપ્પા
ગોષ્ઠિ કરી એથી મન ઘણું હળવું થયું.
હવે મારો આ
નિત્યક્રમ બની ગયો. રોજ સાંજે ઓફિસથી નીકળી કોફીશોપમાં
પ્રિયાને મળવાનું કોફી પીતા-પીતા કલાક દોઢ કલાક ગપ્પા મારવાના પછી ઘરે જવાનું.
મેં નોટિસ કર્યું
સ્કૂલ વખતની પ્રિયા અને અત્યારની પ્રિયાનાં બોલવામાં ઘણો ફરક હતો સ્કૂલમાં હતી ત્યારે છૂટથી બોલતી
ઘણી વાર બાફી પણ મારતી, પરંતુ હવે બહું
તોળી તોળીને બોલતી, છતાં સારુ બોલતી હતી. કોને ખબર કેમ પણ મને એની કોરી કટ આંખોમાં ઉંડે ઉંડે કંઈક પીડા દેખાતી. ઉપર ઉપરથી હું પણ મારા જીવનમાં બધું
વ્યવસ્થિત જ છે એવો દેખાવ કરતી પરંતુ મારી આંખોમાં જે મારુ પોતાનું દર્દ હતું કદાચ
પ્રિયાએ પણ નોટિસ કર્યું જ હશે. અમે
બંને ચર્ચા અમારા અંગત જીવન પર
આવે એ પહેલાં વાતને બીજી તરફ વાળી લેતાં. મેં અને આકાશે
હજુ IVF બાબતે નિર્ણય કર્યો નહોતો એટલે ચર્ચા એ તરફ ન
વળે એનું હું ધ્યાન રાખતી.
અમારી રોજીંદી
મુલાકાતને આજે એક અઠવાડિયું થઇ ગયું હતું પરંતુ અમે બંને હજુ અમુક વિષય પર વાત
કરવામાં અસહજ હતાં. છતાં પણ પ્રિયા સાથે ગપ્પાં
મારવા મને ગમતાં. એનાથી હું ખુશખુશાલ રહેતી
મનમાં હળવાશ અનુભવતી.
આ વાતની સારી અસર અમારા
બેડરૂમમાં પણ દેખાતી, હું પહેલા કરતા વધારે એન્જોય કરતી. રતિક્રિડામાં મારો સક્રિય સહયોગ પહેલા કરતા વધ્યો હતો. આકાશે પણ એ વાત
નોટિસ કરી. એ પણ ખૂબ ખુશ હતો.
આજે બીજુ
અઠવાડિયું હતું અમે મળ્યા એનુ. મને પ્રિયા વિષે
વધુ જાણવાની ખૂબ ઈચ્છા હતી. પણ એની વાત
નીકળતા કોઈ ને કોઈ બહાને વાત
ટાળી દેતી.
આજે મે ફરી
પુછ્યું, તમારી મેરેજ લાઈફ કેવી છે? તારા હસબંડ શું કરે છે?
“રહેવા દે ને એ વાત અવની” વાત ટાળવાની કોશિશ કરતા એ બોલી.
“મારાથી શું છાનું રાખવાનું? બાળપણથી આપણે એક બીજાનાં સિક્રેટ જાણીએ છીએ. પંદર દિવસથી આપણે રોજ મળીએ છીએ છતાં મને ફક્ત તારા જીવનનો પૂર્વાર્ધ જ ખબર છે આપણે છૂટા પડ્યા પછી તારી લાઈફમાં શું
બન્યું એ વસ્તુથી હું બિલકુલ અજાણ છું” આટલું બોલતાં હું થોડી લાગણીશીલ થઈ ગઈ.
“અવની… દરેકના જીવનમાં એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં એને કોઈ જજ ના કરે, જ્યાં કોઇ ન તમારો ભૂતકાળ પૂછે ન વર્તમાન. જ્યાં હું ફક્ત હું હોઉ અને તુ ફક્ત તુ હોય. એક એવો ખુણો કે જ્યાં
કોઇ પૂછે ત્યારે નહીં પરંતુ આપણી ઈચ્છા થાય ત્યારે આપણું મન ખાલી કરી શકીએ, બધુ ઠાલવી શકીએ, જ્યાં કોઇ આવરણ કોઈ મુખવટો ના હોય…. અવની મારો એ ખૂણો તું
છે”
કેટલી ઊંડી અને સાચી વાત કરી પ્રિયાએ…. હું અને આકાશ એકબીજાને કેટલો બધો પ્રેમ કરીએ
છીએ છતાં એકબીજા દુખી ના થાય એટલા માટે પણ હું મારી માં વિષે કે આકાશ બાળક વિષે વધારે ચર્ચા નથી કરતા. આ પણ અમે ધારણ કરેલા એક પ્રકારનાં મુખવટા જ છે ને?
અત્યાર સુધી હું મને
આત્મનિર્ભર, મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતી
મોડર્ન યુવતી સમજતી હતી અથવા તો બીજા એવું સમજે એવો મારો પ્રયાસ રહેતો કે પછી સાચે જ હું હોઈશ મજબૂત, હિંમતવાન આત્મનિર્ભર
પણ પ્રિયાની નિખાલસ વાત સાંભળીને મારો મુખવટો ઉતરી ગયો, અમારી વચ્ચે એક અદ્રશ્ય આવરણ હતું એ હટી ગયું. કેટલાય સમયથી ખાળી રાખેલો લાગણીઓનો પ્રવાહ
વછૂટી ગયો. મારી આંખો ભરાઈ આવી.
પ્રિયાએ એની હથેળી વડે મારો હાથ દાબી રાખ્યો. શાંત કરવાની બિલકુલ
કોશિશ ન કરી મને રડી લેવા દીધી.
“આવા વખતે પડખે માં હોય તો કેટલું સારું નહીં ? એ પ્રેમથી આપણાં માથા પર હાથ ફેરવે અને આપણે એના ખોળામાં
માથું રાખીને મન મોકળું કરી શકીએ.” પ્રિયા બોલી.
માં શબ્દ
સાંભળીને મને મારી માં યાદ આવી એના પ્રત્યેનો મારી અંદર રહેલો તિરસ્કાર મારા ચહેરા પર આવી
ગયો.
“ફક્ત જનમ આપી દેવાથી માં નથી
બની જવાતું, ઘણો ત્યાગ પણ કરવો પડે. મારું બાળપણ રજળી ગયું, બાપ નરક જેવી જીંદગી જીવીને મર્યો. ફક્ત એના સુખ એના સ્વાર્થ માટે અમારા જીવન બરબાદ કર્યા, આખુ કુટુંબ ઊજાડી નાખ્યું એ બાઈએ..” હું ક્રોધમાં બોલી.
“અવની… ત્યારે આપણે નાના હતા, બાળકબુદ્ધિ હતી આપણી… જે સાંભળતા એ
માની લેતા, અને એના ઉપર જ આપણો મત બાંધી
લેતા…. પણ જેમ મોટા થતાં ગયાં તેમ આપણી સમજ વધતી ગઈ ને? આપણને સારા નરસાનું ભાન થવા લાગ્યું. આપણે તર્ક કરતાં થયાં, વિશ્લેષણ કરતાં શિખ્યા. આપણને એ ખબર પડી કે સિક્કાની બીજી બાજુ પણ હોય
છે.”
“તુ કહેવા શું માગે છે પ્રિયા?“
એજ કે બની શકે છે
કે તને જે બતાવવામાં આવી છે એ ફક્ત સિક્કાની એક બાજુ જ હોય, બીજી બાજુ તને ખબર જ ન
હોય.”
“તો?”
“તો તારે સિક્કાની બીજી
બાજુ પણ જાણવી જોઇએ, બની શકે કે તારી મમ્મી
સાથે જે બન્યું તેની બીજી બાજુ પણ હોય! “
પ્રિયા ઉંમરમાં મારા જેવડી જ હતી. પણ અત્યારે એ મારાથી ક્યાંય મોટી, મેચ્યોર અને કયાંય
વધુ અનુભવી લાગી રહી હતી.
એની ગંભીર
આંખોમાં જોઇને મને લાગ્યું કે જીંદગીએ એને મારા કરતાં પણ વધારે મોટી થપાટ મારી હશે.
હું ઘરે જતા આખે રસ્તે વિચારતી રહી શું મારી માંનાં કિસ્સામાં પણ સિક્કાની બીજી બાજુ હશે?
ક્રમશઃ
પ્રિયાએ એવું કેમ કહ્યુ કે સિક્કાની બીજી બાજુ પણ હોય શકે?
પ્રિયા પોતાના જીવન વિષે વાત કરવાનું
શું કામ ટાળે છે? શું રાજવંશ ઈંડસ્ટ્રીઝ વિષે ફરીથી પેલા કોલરનો ફોન
આવશે? રાજવંશ ઈંડસ્ટ્રીઝનું સ્કેન્ડલ બહાર લાવવામાં
શું વિરાટ અવનીને મદદ કરશે? અવની IVF ટ્રીટમેન્ટ કરાવશે કે નહીં?
આ પ્રશ્નોના જવાબ જાણવા વાંચો નવલકથાનો આગામી ભાગ..