“પણ અમને અંદાજ નથી કે ખરેખર ત્યાં શું છે.” કનિકાએ તેનું અધૂરું વાક્ય પૂરું કર્યું.
“તમે મને જે શીખવાડયું એ પૂરતું છે.” વિરાટે મક્કમતાથી કહ્યું.
ગુરુ જગમાલે વિરાટથી અળગા થઈ આંસુ લૂછયા, “ત્યાં કશું ચોરવાનો પ્રયત્ન ન કરીશ.”
“કેમ?”
“કેમકે ત્યાંના ગુપ્તચરો તસ્કરોને પકડવા છટકા ગોઠવે છે.” કનિકાએ જવાબ આપ્યો, “એ જાણી જોઈને જ્ઞાનના પુસ્તકો એવી જગ્યાએ મૂકે છે જ્યાંથી તમે એ ચોરી શકો અને એ તમને રંગે હાથ પકડી લે.”
“એ કામ માત્ર તસ્કરોનું જ છે.” ગુરૂ જગમાલે આગળનું વાક્ય કહ્યું ત્યારે એમના ચહેરા પર નાનો ભાઈ કાકસપા ત્યાં કેદ છે તેની વેદના તરી આવી, “અને ક્યારેક ક્યારેક તો તસ્કરો પણ એ છટકાને ઓળખી નથી શકતાં.”
વિરાટ જાણતો હતો કે ગુરુ જગમાલ સાચા છે. કારુના ગુપ્તચરો જેટલું તેજ મગજ માત્ર અહીંના તસ્કરો પાસે જ હતું.
“બની શકે તો દેવનાગરીનું રહસ્ય સમજવા પ્રયત્ન કરજે.” ગુરૂ જગમાલે કહ્યું પણ તરત જ ઉમેર્યું, “પણ સાવચેત રહીને.”
દેવતાઓની ભાષા શૂન્યો કરતાં અલગ હતી. તેમના જ્ઞાનના ઘણાખરા પુસ્તકો એ વિચિત્ર દેવનાગરી ભાષામાં લખેલા હતા. તસ્કરો એવા કેટલાક પુસ્તકો ચોરી લાવ્યા હતા અને વર્ષોથી એ ભાષાને ઉકેલવા મથતા હતા પણ એ તેમને સમજાતી નહોતી. તેના અક્ષરો એકદમ વિચિત્ર હતા. દરેક અક્ષર પર લીટીઓ ખેચેલી હતી અને અક્ષરો એકદમ લાંબા અને ન સમજાય તેવા હતા. જોકે એ ભાષાના આંકડાઓ તેમના આંકડા જેવા જ હતા બસ થોડો ઘણો ફરક હતો. કોણ જાણે કેમ પણ વિરાટ એ ભાષાને ઉકેલી શકતો હતો. જોકે દીવાલ આ પારના તસ્કરોએ લાવેલા એ પુસ્તકોમાંથી એમને ખાસ કઈ જાણકારી મળી નહોતી.
“મારે ત્યાં બીજું શું કરવાનું છે?” વિરાટે ધીમા અવાજે પુછ્યું. એ કોઈ નિયમો તોડવાની બાબતે ચર્ચા કરતાં ત્યારે ધીમા અવાજે જ વાત કરતાં.
“બસ તારે ત્યાં અવલોકન કરવાનું છે. કોઈને પ્રશ્ન કરવાના નથી. આજ સુધી લોકોએ ત્યાં જઈને બધુ જોયું છે પણ કોઈ એ બધુ સમજી શક્યું નથી. તારે એમના મશીનો, વીજળી, એમની સંદેશા મોકલાવાની જાદુઈ તરકીબો અને દેવતાઓના હથિયારોને સમજાવાના છે.” ગુરૂ જગમાલે સમજાવ્યું, “જ્યાં સુધી આપણે દીવાલની પેલી તરફને સમજી ન લઈએ ત્યાં સુધી તેમની સામે લડવું શક્ય નથી.”
“કોઈ એ બધુ સમજી નથી શક્યું તો હું કઈ રીતે સમજીશ?” વિરાટે પુછ્યું.
“તું અવતાર છો.” કનિકાએ કહ્યું, “આ કળિયુગમાં પણ તારા મનની શક્તિઓ સત્યયુગના માણસ જેટલી છે.”
“અને તને એ માટે તાલીમ પણ આપવામાં આવી છે.” ગુરૂ જગમાલે ઉમેર્યું, “મને વિશ્વાસ છે કે તું જરૂર એમના દરેક રહસ્યનો તાગ મેળવી લઈશ.”
“મને પણ વિશ્વાસ છે.” વિરાટે કહ્યું.
“ધ્યાન રાખજે, તું બધુ સમજવા કે જાણવા માંગે છે એવો શક દેવતા કે નિર્ભય સિપાહીઓને ન થાય.” ગુરૂ જગમાલે ચેતવણી આપી, “તારામાં સમજવા અને જાણવાની ઇચ્છા છે એવું લાગતાં જ એ લોકો તને મારી નાખશે.”
“કેમ?” તેણે પુછ્યું.
“કેમકે એવા લોકો કારુના શાસન માટે જોખમી છે. એવા લોકો સવાલો કરે છે અને એમના સવાલોના જવાબ એ દેવતાઓ પાસે નથી. એવા લોકો સમજી લે છે કે ભગવાન તરીકે પૂજાતો કારુ ભગવાન નહીં પણ કળિયુગ પોતે જ છે. એવા લોકો જાણે છે કે કળિપુરુષના મહેલ પર ફરકતો વાવટો ધર્મ નહીં પણ અધર્મ પતાકા છે અને એવા લોકો આજે કે કાલે એના સામે બળવો કરવાના છે.”
“હું ધ્યાન રાખીશ.”
“તારે ત્યાં મગજથી જ્ઞાની પણ બહારથી દેખાવે શૂન્ય બનીને રહેવું પડશે.” ગુરુમાએ કહ્યું, “દીવાલની આ તરફ જેમ જરા સરખો અન્યાય થતો જોઈ તું ઊકળી ઊઠે છે એમ કરીશ તો દીવાલની આ તરફ રહેતા લાખો લોકોને ગુલામીની સાંકળોથી મુક્ત કરવાની જવાબદારી નિભાવી નહીં શકે.”
“હું મારા ગુસ્સા પર કાબુ રાખીશ.” તેણે વચન આપ્યું.
“તું દીવાલની પેલી તરફ જે જુએ એ બરાબર સમજવાનું અને યાદ રાખવાનું. નાનામાં નાની વિગતો પણ મહત્વની હોય છે.”
“આપણે કેવી વિગતો મેળવવાની છે?” વિરાટે પુછ્યું.
“મને ચોક્કસ ખબર નથી પણ એવી દરેક વિગતો જેનો ઉપયોગ આપણે તેમની સામે લડાઈમાં કરી શકીએ.”
“આપણે એમના સામે ક્યારે જંગ જાહેર કરવાના છીએ?” વિરાટે પુછ્યું. કોણ જાણે કેમ દીવાલની પેલી તરફના લોકો સામે જંગ છેડવાની કલ્પના કરતાં જ તેને ભય લાગતો. તેને પોતાને મરવાનો ભય નહોતો પણ તેના લોકોનું શું થશે એ ડર હતો. તેના લોકો અભણ અને અજ્ઞાની હતા. તેમને લડાઈનો કોઈ અનુભવ નહોતો. તેમની પાસે કોઈ હથિયાર નહોતા અને સામે પક્ષે દેવતાઓ અને નિર્ભય સિપાહીઓ હતા. નિર્ભય સિપાહીઓને ક્યારેય ભય ન લાગતો અને દેવતાઓ પાસે જાદુઈ હથિયારો હતા. એ જંગની કલ્પના માત્ર થથરાવી નાખનારી હતી અને છતા એ જંગ લડ્યા વિના કોઈ છૂટકો નહોતો. આમ પણ એક દિવસ સમુદ્ર શૂન્યોને ગળી જવાનો હતો. ખારા પાણીમાં કાયરની મોત મરવા કરતાં લડીને બહાદુરની જેમ મરવું સારું હતું.
“જ્યારે આપણને તેમની શક્તિનો અંદાજ આવી જાય અને આપણે તેમના હથિયારોમાં છુપાયેલા જાદુને સમજવા લાગીએ.” ગુરૂ જગમાલે કહ્યું, “ગમે તે ભોગે આપણે એક દિવસ એ જંગ તો લડવી જ પડશે. યુધ્ધ એ જ આપણા માટે આખરી વિકલ્પ છે.”
“અને આપણે એમના હથિયારો અને મશીનોના જાદુને કઈ રીતે સમજીશું?”
“ગુરુકુળનો દરેક શિષ્ય એ જ કામ પર લાગેલો છે.” ગુરૂ જગમાલે તેની આંખોમાં જોયું, “દરેક વખતે આગગાડીની સફરમાં હું કેટલાક શિષ્યોને મોકલું છું. લગભગ એમના મોટાભાગના મશીનો અને હથિયારોના ચિત્રો તૈયાર થઈ ગયા છે. બસ હવે એને સમજવાના બાકી છે.”
“એ ચિત્રોથી આપણે ક્યારેય એમના હથિયારોને નહીં સમજી શકીએ.” વિરાટે કહ્યું.
“કેમ?” ગુરુમાએ પુછ્યું.
“કેમકે એ ચિત્રો એ હથિયારો અને મશીનોનો બહારનો ભાગ બતાવે છે.” વિરાટે સમજાવ્યું., “એ બધુ સમજવા માટે આપણે એમની અંદરની રચના સમજવી પડશે.”
“એ કઈ રીતે શક્ય છે.” ગુરૂ જગમાલે પુછ્યું, “એમના હથિયારો કે મશીનો ચોરી લાવવા અશક્ય છે.”
“આપણે એ ચોરવાની જરૂર નથી.” તેણે કહ્યું, “બસ આપણે એ પુસ્તકો લાવવા પડશે જે પુસ્તકોની મદદથી તેમણે એ હથિયારો અને મશીનો બનાવ્યા છે.”
“દીવાલની પેલી તરફ હજારો લાખો પુસ્તકો છે. આપણને શી રીતે ખબર પડે કે એ કયા પુસ્તકમાંથી બધુ શીખ્યા હશે?” ગુરૂ જગમાલે નિસાસો નાખ્યો, “અને આમ પણ આપણા લોકો જે શહેરોનું સમારકામ કરવા જાય ત્યાંથી પ્રલયમાં બચી ગયેલા પુસ્તકો ચોરી લાવે છે. દેવતાઓના મશીન અને તેમના હથિયારની બનાવટ સમજાવી શકે તેવા પુસ્તકો તો પાટનગરમાં હશે જ્યાં હજુ સુધી કોઈ શૂન્ય ગયો જ નથી. ન તો કોઈ શૂન્ય ત્યાં જઈ શકે કેમકે ત્યાં જવા માટે તો ખુદ નિર્ભય સિપાહીઓ અને વેપારીઓને પણ ખાસ પરવાનગી લેવી પડે છે.”
“તો આપણે કોઈ એવા નિર્ભય સિપાહી કે વેપારીને આપણા પક્ષે લેવો પડશે જેની પાસે પાટનગરમાં દાખલ થવાની પરવાનગી હોય?” વિરાટે સૂચવ્યું.
“એ અશક્ય છે.” ગુરુએ કહ્યું, “આપણે કોઈ નિર્ભય સિપાહી કે વેપારીને આપણે જંગ છેડવાના છીએ એ યોજના વિશે જાણકારી ન આપી શકીએ. તેઓ મોટેભાગે કારુને વફાદાર છે અને આપણા માટે ભરોષાને લાયક નથી.” તેણે પોતાની લાંબી દાઢી ખંજવાળી અને પુછ્યું, “કોઈ બીજી રીત?”
“આપણે દેવતાઓની કમજોરી જાણી લેવી જોઈએ.”
એ ઘડીભર વિરાટ સામે તાકી રહ્યા પછી બોલ્યા, “દેવતાઓની કોઈ કમજોરી નથી.”
“કંઈક તો હશે જ.” તેણે વિશ્વાસથી કહ્યું, “આ દુનિયામાં દરેકની કોઈને કોઈ કમજોરી હોય જ છે.”
ગુરૂ જગમાલે ઉદાસ થઈ માથું હલાવ્યું, “આપણે વર્ષોથી એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.”
“કેટલા વર્ષોથી?”
વિરાટને એમ હતું કે કદાચ ગુરુ જગમાલ અમુક સમયથી એ જાણવા પ્રયત્ન કરતાં હશે પણ તેનો જવાબ એકદમ ચોકાવી નાખે તેવો હતો.
“ત્રણ સો વરસથી.” ગુરુએ દૂર કોઈ અદૃશ્ય મંજિલ તરફ નજર ઠેરવીને કહ્યું, “મારા પિતાજી, એમના પિતાજી અને એમના પિતાજી અમે બધા એ જ પ્રય્તન કરતાં આવ્યા છીએ. દાદાજી કહેતા કે મારા પૂર્વજો પ્રલય પહેલા પણ જ્ઞાન આપવાનું કામ કરતાં હતા અને પ્રલય પછી નવા ભગવાને આપણને દીવાલની એક તરફ કેદ કરી જ્ઞાન અને પુસ્તકોથી વંચિત કરી નાખ્યા એ પછી પણ અમારી વંશાવલી અક્ષરજ્ઞાનને ટકાવી રાખવામા સફળ રહી. દીવાલની આ તરફ શરૂઆતના સમયમાં કાગળ કે પુસ્તકો નહોતા એ સમયે મારા પૂર્વજોએ વાંચવા અને લખવાના જ્ઞાનને ટકાવી રાખવાની નવી રીત શોધી કાઢી હતી. એ આંગળી કે લાકડાના ટુકડાથી રેતમાં લખતા અને બાળકોને લખતા વાંચતાં શીખવતા અને આ રીતે પ્રલયના પાંચ સો વર્ષ પછી આજે પણ દીવાલની આ તરફના લોકો અક્ષરજ્ઞાનથી વંચિત નથી. છેલ્લા કેટલાક વર્ષોથી તો તસ્કરો ઢગલાબંધ પુસ્તકો લઈ આવ્યા છે અને છતાં દેવતાઓની કોઈ કમજોરી નથી મળી.”
“એ આપણને શેનાથી દૂર રાખવા માંગે છે?” વિરાટે પુછ્યું, “અક્ષરજ્ઞાન સિવાય કોઈ એવી ચીજ..?”
“હા, પાટનગર.” ગુરૂ જગમાલે તેની તરફ જોયું કારણ વિરાટ હવે અતિશય વિચારતો હતો, “ખાસ કરીને પાટનગરના મધ્યમાં સ્થિત એ મંદિર જ્યાં કારુ પોતે રહે છે. ત્યાં જવાની પરવાનગી પાટનગરમાં રહેતા દરેક દેવતાને પણ નથી. અમુક ચોક્કસ દેવતાઓ જ એ મંદિરમાં જઈ શકે છે. એ મંદિર આસપાસ એવી ભૂલભુલૈયા છે કે ત્યાં વગર પરવાનગીએ જનાર માણસ જીવતો અંદર દાખલ થઈ શકતો નથી.”
“તો બસ એ મંદિર જ એમની કમજોરી છે.” વિરાટે કહ્યું, “એ લોકો એ જ મંદિરની આડશમાં તેમની કોઈ મોટી કમજોરી છુપાવી રહ્યા છે.”
“હા, પણ આપણને પાટનગર જવાની પરવાનગી નથી.” ગુરુ જગમાલે કહ્યું, “આપણા લોકોને માત્ર તબાહ શહેરો સુધી જ લઈ જવામાં આવે છે.”
“હું કોઈ રસ્તો કાઢી લઈશ.” એણે કહ્યું, “મને એ તબાહ શહેરોમાંથી કંઈક તો જાણવા મળશે જે પાટનગર સુધી પહોંચવાનો રસ્તો ખોલી આપે.”
“હા, પણ સાવધાની રાખજે.” ગુરુ જગમાલ ઊભા થયા, “સાંજ થવા આવી છે તારે હવે જવું જોઈએ.”
વિરાટે આકાશ તરફ જોયું. સૂરજ ઢળવાની તૈયારીમાં હતો. એ ઊભો થયો. ફરી ગુરુ અને ગુરૂમાને પગે લાગ્યો અને તેમની વિદાય લીધી. એક વાત ચોક્કસ હતી દેવતાઓ સામે જંગ જીતવા એમના મશીનો અને હથિયારોને સમજવા જરૂરી હતા અને એ સમજવા પાટનગરમાં દાખલ થવું જરૂરી હતું. વિરાટને વિશ્વાસ હતો કે એ પાટનગરમાં જશે જ. ભલે એ કોઈ અવતાર હતો કે નહીં પણ તેનામાં એ અન્યાયીઓ સામે લડવાનો જુસ્સો હતો. પોતાના લોકો માટે કંઈક કરી છૂટવાનો ખટકો હતો અને જયારે વિશ્વાસ હોય ત્યારે વિજય આપમેળે મળે છે કેમકે દરેક વખતે માણસ જ રસ્તાને પસંદ નથી કરતો ઘણીવાર રસ્તા પણ માણસને પસંદ કરતાં હોય છે.
*
વિરાટ ગુરુકુળના પ્રાંગણ બહાર નીકળ્યો કે તરત જ ગુરુમાએ ગુરુજી તરફ જોઈ કહ્યું, “જ્યારે વિરાટે કોઈ નિર્ભયને આપણા પક્ષે લેવાની વાત કરી ત્યારે તમે એને કહ્યું કેમ નહીં કે રક્ષક નામે ઓળખાતો બેનામ નિર્ભય આપણી તરફ છે?”
“કેમકે એ કહેવાનો સમય હજુ નથી આવ્યો.” ગુરુ જગમાલના હોઠ ઉપર એક રહસ્યમય સ્મિત ફરક્યું અને લાંબી દાઢીમાં ઓઝલ થઈ ગયું.
“એક તરફ તમે એને અવતાર કહો છો અને બીજી તરફ તમે એને અંધારામાં રાખો છો?”
“જીવનભર અંધારામાં રહેલા માણસને એકદમ અજવાળું મળે તો પણ તેની આંખો કામ કરતી બંધ થઈ જાય છે, કનિકા. રક્ષક વિશે જાણ્યા પછી વિરાટ તેની અસલિયત પૂછત અને આપણને જ ખબર નથી કે વિરાટના માતા પિતા કોણ છે?”
“આપણે તેને એટલું તો કહી જ શકીએ ને કે તેના પિતા પાટનગરમાં કોઈ ઊંચા દેવતા છે અને જો એ મળી જાય તો તેઓ મદદ કરી શકે?”
“તને શું લાગે છે એટલા પરથી હજારો દેવતાઓમાંથી કોણ એનો પિતા છે એ ખબર પડી શકે? ખુદ રક્ષક પણ નથી ઇચ્છતો કે અવતારને ખબર પડે કે એ કોણ છે. મને લાગે ત્યાં સુધી રક્ષક જાણે છે કે અવતરના માતા પિતા કોણ છે પણ એ છુપાવી રહ્યો છે.”
“પણ કેમ?”
“કદાચ તેના માતા પિતા જ અવતારને મારી નાખવા માંગતા હોય કે કોઈ બીજું જોખમ હોય.” ગુરૂ જગમાલે કહ્યું, “કનિકા, તું અવતાર પર શ્રદ્ધા રાખ. એ બધુ ઠીક કરશે.”
“મને એના ઉપરઅપાર શ્રદ્ધા છે.” કનિકા ઊભા થયા અને વધુ બોલ્યા વગર ઝૂંપડીમાં ચાલ્યા ગયા. અંદર જઈ એણે પદ્માસન લગાવ્યું અને ધ્યાનમાં ખોવાઈ ગયા.
ક્રમશ: