વાર્તા:- મકાનનું ઘર ફક્ત સ્ત્રીઓ જ બનાવી શકે.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
ધરતીનો છેડો ઘર,
જયાં મનને શાંતિ મળે એ ઘર,
થાક્યો માણસ તાજગી અનુભવે તે જગ્યા ઘર,
બાળક જયાં કિલકિલાટ કરે તે જગ્યા ઘર,
મોટા મોટા મહેલ હોય કે હોય નાનું ઝૂંપડું,
દરેકને વ્હાલું પોતાનું ઘર.
કરે સજાવટ સૌ કોઈ ઘરની,
હોય એ ગરીબ કે અમીર.
જીવનભરની યાદો સમાવે એ ઘર.
ભલે બન્યું હોય ચાર દિવાલોથી,
સમાવે સૌને એ ઘર.
સાક્ષી પૂરે છે દરેક ઘર,
નાનાં નાનાં ઝગડાઓ હોય કે હોય
ખુશીઓનાં પ્રસંગ.
એક જ વાત યાદ રાખવી
ઘર છે એક મંદિર, જો રાખો એને મનથી
નહીં તો બની જશે એ ખંડેર
લાગણીઓના અભાવથી.
- સ્નેહલ જાની
ઉપરનું કાવ્ય વ્યક્તિનાં જીવનમાં ઘરનું મહત્ત્વ કેટલું છે એ દર્શાવે છે. ચાર દિવાલો ચણી દેવાથી કોઈ ચણતર ઘર નથી થઈ જતું. એને પ્રેમ, લાગણી અને હૂંફથી સિંચવું પડે છે. એમાં રહેતાં સભ્યો વચ્ચે એકતા હોવી જરૂરી છે. ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવી પડે છે, ત્યારે જઈને એક મકાન ઘર બને છે.
ઘરનો છેડો એટલે સ્ત્રી. ગમે એવું મોટું મકાન બાંધીને એને ઘર કહો, કોઈ અર્થ નથી જ્યાં સુધી કોઈ સ્ત્રી એને સજાવે નહીં. કોઈ પણ જાતનાં અંગત સ્વાર્થ વિના ચાર દિવાલના મકાનને ઘર બનાવવાની ક્ષમતા એક સ્ત્રી પાસે છે.
સ્ત્રી ધારે તો ઘરને ઘર બનાવી રાખે અને વિફરે તો ઘર બરબાદ કરી નાંખે. જ્યાં સ્ત્રીનું માનસન્માન ન જળવાય ત્યાં ઘરને મકાન બનતાં વાર નથી લાગતી. લગ્ન સમયે લગ્નની ચોરીમાં થનાર ભાવિ પતિ સામે બેઠેલી સ્ત્રી જ્યારે પાલવનાં છેડા સાથે એ પુરુષ સાથે બંધાય છે અને એની જીવનસંગીની બને છે ત્યારથી જ એ પારકાં ઘરનો આધારસ્તંભ બની જાય છે. ઘરનાં સભ્યો એનાં પર નિર્ભર થઈ જાય છે.
સવારે વહેલા ઊઠીને સૌની સગવડ સાચવવાથી લઈને ઘરનાં સામાજિક પ્રસંગોમાં પણ સમયસર હાજરી પુરાવી એને માણવો એ એક સ્ત્રી જ કરી શકે. આ કારણથી જ મેં કહ્યું કે ઘરનો છેડો સ્ત્રી. શાળાએથી છૂટીને ઘરે આવેલું બાળક શોધે છે એની મારૂપી સ્ત્રીને. નોકરીએથી થાકીને આવેલો પુરુષ એની પત્નીરૂપી સ્ત્રીની હૂંફ શોધે છે. ઘરનાં વડીલો પોતાની વહુરૂપી સ્ત્રી પાસે કાળજીની અપેક્ષા રાખે છે. ઘરની કોઈ પણ વ્યક્તિ હોય, અંતે તો એક સ્ત્રીની મદદથી પોતાનાં કાર્યો પૂર્ણ કરે છે.
પોતાનાં નવરાશનાં સમયમાં પોતાની શોખની બાબતને બાજુમાં મૂકી ઘરની સજાવટ કરવા સમય ખર્ચે તે સ્ત્રી. મહિનાનાં અંતે કરકસર કરી ઘર ચલાવવાની આવડત એક સ્ત્રીને ખૂબ સારી રીતે આવડતી હોય છે. એને માટે પોતાનું ઘર જ મંદિર સમાન છે.
ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જેની સ્ત્રીઓ ઘર પાછળ સમય ખર્ચતી નથી અને ઘરને રહેવાલાયક બનાવતી નથી. જ્યારે સ્ત્રીનાં છેડા એ ઘર સાથે જબરદસ્તી બાંધવામાં આવ્યાં હોય અથવા તો એ ઘરમાં સ્ત્રી સાથે અન્યાય થતો હોય તો જ સ્ત્રી માટે એ ઘર નહીં પણ મકાન બની રહે છે, અથવા તો જેલ સમાન લાગે છે. બાકી સ્ત્રી થકી જ ઘરનું નિર્માણ થાય છે.
બહારનાં દુન્યવી કામો પતાવીને થાકીને ઘરે આવેલો દિકરો કે પતિ પોતાની મા કે પત્ની અથવા નસીબદાર હોય તો બંનેને જુએ અને એનો અડધો થાક તો એમ જ દૂર થઈ જાય છે. માંદું બાળક પણ માની હૂંફમાં દવા કરતાં પણ ઝડપથી સાજુ થઈ જાય છે.
આથી જ કહું છું કે ભલે પૃથ્વીનો છેડો ઘર કહેવાય, પણ ઘરનો છેડો તો ઘરની સ્ત્રી જ છે. એક મકાનમાં પોતાનાં પ્રેમ અને માવજતરૂપી પ્રાણ પૂરી એને ઘર તો એક સ્ત્રી જ બનાવે છે.
વાંચવા બદલ આભાર🙏સ્નેહલ જાની