અનરાધાર વરસાદ પડવાથી ગીરમાં ઘડીકમાં નદીઓ અને વોકળામાં બે કાંઠે પાણી આવી જાય છે. માલધારીઓ પોતાના નેહડેથી ચાર પાંચ કિલોમીટર દૂર માલઢોર ચરાવવા જતા હોય છે. તેથી પાછા વળતી વખતે રસ્તામાં આવતી નદીઓ અને વોકળામાં વધારે પાણી હોય તો માલઢોરને ઉતારવા અઘરા પડે છે. તેથી આવો મુશળધાર વરસાદ ચાલુ થાય એટલે માલધારીઓ પોતાના માલઢોર ઘર બાજુ હાંકલવા માંડે છે. ગોવાળિયા પોતાના માલઢોર ભેગા કરવા અને કેડીએ ચડાવવા ખાસ પ્રકારના હાંકલા પાડી રહ્યા હતા. ગેલાને કનો દેખાયો નહીં એટલે તેણે ટેકરીની ધારે આવી કનાના નામની બૂમો પાડી. વરસાદ અને ગાજવીજ હજુ પણ ચાલુ જ હતા. કના અને રાધી માટે સમય થંભી ગયો હતો. તેને આજુબાજુની કશી ખબર નહોતી. પરંતુ ગેલાના હાંકલાનો પોકાર ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. કનાને કાને ગેલામામાનો પોકાર અથડાયો. કનો અચાનક જાગૃત થયો. રાધી હજુ પણ તેને બાજી પડેલી હતી. રાધીની આંખોના આંસુ અને બોરસલીના પાંદડામાંથી પડી રહેલા વરસાદની બુંદો કનાનો ખંબો પલાળી રહ્યા હતા. કનાએ રાધી ફરતે વીંટાળેલા પોતાના હાથનું બંધન ખોલી નાખ્યું. રાધી હજી પણ જાણે નિંદ્રાધીન હોય તેવું લાગતું હતું.
કનાએ કહ્યું, "રાધી હવે હાલવું જોહે. માલ કેડે ચડ્યો લાગે સે. ગેલામામા મને બોલાવે સે."
કનાની વાત સાંભળી રાધી અચાનક જાગી ગઈ હોય તેમ તેણે કનાને બાથમાંથી છોડી દીધો. તે બે ડગલાં પાછી હટી ગઈ. તેને જ્યારે ખબર પડી કે પોતે કેવી હરકત કરી હતી!ત્યારે રાધીએ શરમથી નીચું જોઈ લીધું. રાધીની આંખો ખૂબ રડી હોવાને લીધે લાલચોળ અને સુજેલી હતી.નનાભાઈ પણ રાધીને સાદ પાડી રહ્યાં હતા. જેનો રાધી... રાધીનો સાદ સંભળાઈ રહ્યો હતો. રાધીને કનો વરસતા વરસાદમાં ગોવાળિયા હતા એ બાજુ ચાલવા લાગ્યા.
ગોવાળિયાએ છત્રી ખોલી રાખી હતી, તો કોઈ કોઈ ગોવાળિયાએ પ્લાસ્ટિકનો કુશલો ઓઢેલો હતો. બધા પોતપોતાના માલઢોર હાકલીને કેડે ચડાવા મથી રહ્યા હતા.કનો અને રાધી પણ પોત પોતાના માલઢોરને હાંકવામાં મદદે આવ્યાં. ખૂબ વરસાદને લીધે આખી સૃષ્ટિ આનંદમાં આવી જાય છે. પક્ષીઓ પણ ઝાડની ડાળીઓમાં બેસીને વરસાદની મજા માણી રહ્યા હતા. કાગડા પીછા પલળી જવાથી વધારે કઢંગા લાગી રહ્યા હતા. જે પોતાની જગ્યાએ પહોંચવા માટે લથડતી ઉડાન ભરીને જ્યાં ત્યાં ઉડી રહ્યા હતા. દૂર હરણાનું ટોળું વરસાદને લીધે રુવાટી ફુલાવી આગળ અને પાછળના પગની જોડીને વધારે નજીક રાખીને વચ્ચેથી ડેબો ઊંચો રાખી ત્રાસુ મોઢું કરી ઉભા હતા. કોઈ કોઈ હરણાં શરીર ધ્રુજાવી વરસાદનું પાણી ઝાપટી રહ્યા હતા. ડુંગરાના ઢોળાવ ઉપરથી પાણી દડતું આવતું હતું. જે નીચાણવાળા વિસ્તારમાં થઈને ક્યાંક પથ્થર પરથી ઝરણાની જેમ અફળાતું નીચે વહી રહ્યું હતું. હજી પણ ધોધમાર વરસાદ વરસવાનો ચાલુ હતો. ગોવાળિયાને પોતપોતાના માલઢોર ઘરે પહોંચાડવાની ચિંતા હતી. રાધી અને કનાના મનની પીડા તો તે બંને જણા જ જાણતા હતા.
રાધી અને કનાનો રસ્તો અલગ અલગ દિશામાં હતો. બંનેના નેહડા અલગ અલગ દિશામાં હતા. પાછળ રહી ગયેલી ભેંસને વાળવાને બહાને કનો રાધીને જતી જોઈ રહ્યો. રાધી આગળ જતા ભેસોના ખાડુંની પાછળ ટેકરીનો ઢોળાવ ઉતરી ગઈ. ધોધમાર પડી રહેલા વરસાદની આડમાં રાધી ઓજલ થઈ ગઈ.ક્યાંય સુધી કનો એ દિશા તરફ તાકી રહ્યો. પછી નિઃસાસો નાખી કનાએ પાછળ રહી ગયેલી ભેંસને હાંકલીને આગળ જઈ રહેલા ખાડુંની સાથે કરી દીધી. આખા રસ્તે વરસાદ ચાલુ જ હતો. કનાએ આજે છત્રી કે કુશલો કશું ઓઢેલું ન હતું. તેનું મન વિચારોમાં ઘેરાયેલું હતું. વરસી રહેલો વરસાદ પણ કનાના આંતર મનને સ્પર્શવામાં અસમર્થ હતો. ખૂબ વરસાદને લીધે રસ્તામાં આવતા બે ત્રણ નાના વોકળામાં ઘણું પાણી આવી ગયું હતું. ગોવાળિયાઓએ જેમ તેમ કરી બધા માલને પાણીની પાર ઉતરાવ્યા. ભેંસો તરવામાં કુશળ હોય છે. ગમે તેવા ધસમસતાં પાણીમાં પણ તે પાર ઉતરી જાય છે. પરંતુ ગાયોને નદી પાર કરવામાં મુશ્કેલી પડે છે. તેથી ભેંસોની ઉપરવાસમાં ગાયોને વહેતા પાણીમાં ઉતારીને સામે કાંઠે પહોંચાડવામાં આવે છે. છેલ્લે આડી આવતી હિરણ નદીમાં પણ ખૂબ પાણી આવેલું હતું. જેને પાર કરવામાં ખૂબ મુશ્કેલી નડી. જ્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધારે જોર કરતો હોય ત્યારે, ગોવાળિયાને પણ નદીમાં તરવું અઘરું પડી જાય છે. તેથી આવા સમયે ગોવાળિયા મોટી ભેંસનું પૂછડું પકડી લે છે. અને નદી પાર ઉતરે છે.
જેમ તેમ કરીને કના અને રાધીને નેહડે માલઢોર પહોંચી તો ગયા. ગમે તેવા વરસતા વરસાદમાં, ઠંડીમાં કે બાળી નાખતા તાપમાં પણ માલધારીઓએ રોજિંદુ કામ તો સમયે પતાવું જ પડે છે. વરસાદનું જોર ધીમું પડયું હતું. પરંતુ હજી પણ વરસાદનું વરસવાનું તો ચાલુ જ હતું. નેહડે માલધારીઓ ગાયો ભેંસોને દોવામાં લાગી ગયા હતા. કનો અને રાધી પણ પોતપોતાની ભેસો દોહી રહ્યા હતા. પરંતુ આજે બધું મશીનની માફક થઈ રહ્યું હતું. બંને વરસાદમાં પલળી ગયેલા હતા.તેમાંય ભેંસોને નીચે ખૂંદીને માંદળુ મચાવી દીધું હતું. તેમાં ઉભડક બેસીને બંને પોતપોતાના નેહડે ભેંસો દોહી રહ્યા હતા. રાધીનો ચણીયો કીચડમાં ધસડાતો હોવાથી છાણ મૂતર વાળો બગડેલો હતો. રોજ તો રાધી કપડાં સંકોરીને ભેંસ દોવા બેસે. પણ આજે તેનું મન ઠેકાણે ન હતું. તેથી રાધીને કપડાનું કે સમયનું કે વરસી રહેલા વરસાદનું પણ ભાન ન હતું. રાધીની મા રાધીની ઉપર ક્યારે કુશલો ઓઢાડી ગઈ તે પણ રાધીને ખબર ન હતી. રસ્તામાં આવતા વોકળાને નદી ક્યારે પાર કર્યા તે પણ રાધીને ખબર રહી ન હતી. આજે રાધીના મનને કનાના વિચારોએ ઘેરી રાખ્યું હતું.
કનો પણ બધું કામ અર્ધ જાગ્રત અવસ્થામાં જ કરી રહ્યો હતો. ભેંસ દોતા દોતા દૂધની ડોલ ભરાઈ ગઈ અને છલકાઈને દૂધ નીચે ઢોળાવા માંડ્યું તો પણ કનો બે ધ્યાન થઈ હજી ભેંસ દોહી જ રહ્યો હતો. એ તો રામુઆપાની નજર ગઈ એટલે તેણે કનાને ટપાર્યો, "હં...હં... ભાણું ભાઈ તમી તો ભોને દૂધ પાવા માંડ્યા કે હૂ?"
આ સાંભળી કનો જાગૃત અવસ્થામાં આવીને દૂધ ભરેલી ડોલ રામુઆપાને આપી,બીજી ડોલ મૂકી દોવા લાગ્યો. નેહડાની પાછળથી નીકળતી હિરણ નદીમાં ઘોડાપૂર આવી ગયું હતું.જેનો ખળખળાટ કરતો અવાજ નેહડા સુધી આવી રહ્યો હતો. નેહડાની સામે ઊભેલા જુના ઝાડની બખોલમાં રહેતો શિંગડીઓ ઘુવડ વરસાદ અને વહેલું અંધારું થઈ જવાને લીધે આજે વહેલો બહાર નીકળી ગયો હતો. તે પોતાની ચારે બાજુ ફરતી ડોકથી આજુબાજુની પરિસ્થિતિનું ડોળા ફાડીને નિરીક્ષણ કરી રહ્યો હતો.
કનાને અતિ પ્રિય એવો મામાનો નેસ આજે કોણ જાણે કેમ તેને સુનો લાગી રહ્યો હતો! બધા હાજર હોવા છતાં તેને ખાલીપો લાગી રહ્યો હતો. કનાના મનને પણ આજે રાધીએ ઘેરી રાખ્યું હતું. કનાને આજે અહીંથી દોડીને રાધીના નેહડે ડુંગરીનેસ જવાનું મન થઈ આવ્યું. કનાની નજર સામેથી રાધીની રડતી આંખો દૂર નહોતી થતી. રાધીનો સંગાથ કનાને નાનપણથી જ ખૂબ ગમતો હતો. પરંતુ આ સંગાથ સ્નેહમાં ક્યારે બદલી ગયો એ કનાને પણ ખબર ના રહી. આજે મળ્યા ત્યારે રાધી ખૂબ રડી રહી હતી. એટલે કનાને એટલું તો સમજાઈ જ ગયું હતું કે રાધીને હવે ગીર છોડવાનો સમય આવી ગયો લાગે છે. રાધીના ઉના ઉના આહૂડા ફક્ત ગીર છોડવાને લીધે જ નહોતા પડી રહ્યા, એ પણ કનો જાણતો હતો. પણ અત્યાર સુધીમાં રાધીએ તો કના પ્રત્યે સ્નેહની ક્યારેય વાત પણ કરી ન હતી! કનો વિચારી રહ્યો હતો, "હવે રાધી માલમાં ક્યારેય નહીં આવે?"વિચાર માત્રથી કનો ધ્રુજી ગયો....
ક્રમશઃ ...
(શું ખરેખર રાધી હવે માલઢોર ચરાવવા નહીં આવે? વાંચતા રહો "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
Watsapp no. 9428810621