Runanubandh - 2 in Gujarati Fiction Stories by M. Soni books and stories PDF | ઋણાનુબંધ - ભાગ-2

The Author
Featured Books
Categories
Share

ઋણાનુબંધ - ભાગ-2

ઋણાનુબંધ - ભાગ ૨

ધીરેથી દરવાજો ખોલ્યો. થડકતા હૈયે ધીમે પગલે હું અંદર આવી. અંદર એકદમ અંધારું હતું. સાવચેતીથી બે ડગલાં આગળ વધી. આકાશને સાદ પાડવા ગઈ ત્યાં પાછળથી કોઈએતો મને પકડી અને મારા મોઢેથી ચીસ નીકળી ગઈ.

આકાશ ખડખડાટ હસતો સામે આવ્યો. હું સખત ગભરાયેલી હતી. આકાશને સામે જોઈને હું એને વળગી ગઈ.

તું ઠીક તો છે ને? તને કંઇ થયું નથી ને? ક્યાં છે ચિઠ્ઠી? શું લખ્યું છે એમા? કોનું નામ છે? છોડીશ નહી હું કોઇને…” મારી આંખોમાંથી અંગારા વરસી રહ્યાં હતાં..

આકાશ મારી પીઠ પસવારતાં બોલ્યો શાંત મારી જાંસીની રાણી…. શાંતકંઇ નથી થયું મને આ તો મને મારી વાઈફની બહું યાદ આવતી હતી એટલે મારી વાઈફ બધુ છોડીને જલ્દી જલ્દી મારી પાસે આવી જાય એ માટે તારી સાથે નાનકડી પ્રેંક કરી.”

સાચી સિચ્યુએશન સમજતાં મને થોડી સેકંડો લાગી, પણ જેવી હકીકત સમજાઈ કે મને આકાશ પર ગુસ્સો આવ્યો.

આવી જીવલેણ મજાક કરાય?? ખબર છે મારી હાલત શું થઇ હતી?” બોલતાં બોલતાં હું એના પર તૂટી પડી એની છાતીમાં મુક્કા મારવા લાગી.

આકાશને માર ખાતો જોઇને એની મદદે ડિન્સી દૂરથી દોડતી આવી. પાસે આવીને બે પગે ઉછળતા ઉછળતાં તેડવાની કાકલૂદી કરવા લાગી. ડિન્સીની આ હરકતો જોઇને મારો ગુસ્સો ઓગળી ગયો, મેં એને તેડીને વહાલ કર્યુ.

ડિન્સી અમારી પ્યારી બિલ્લી છે. અમારા બંનેનો જીવ વસે છે ડિન્સીમા.

મને ડિન્સીને વહાલ કરતી જોઇને આકાશે પાછળથી મારી કમર ફરતે બેઉ હાથ વીંટાળીને મારી ગરદન પર કિસ કરી.

બસ બસ હવે મારા પ્રેમ પુજારી બહું મોડુ થઇ ગયું છે, હજુ જમવાની તૈયારી કરવાની છે અને મારે શાવર લેવાનો પણ બાકી છેઆકાશથી અળગી થતાં હું બોલી અને બાથરૂમમાં ઘુસી.

ફટાફટ શાવર લઇ બહાર આવી. કિચનમાં જઇને જોયું તો રસોઈ તો બની જ નહોતી.

આજે ગીતાબેન નથી આવ્યા કે?” મે કિચનમાંથી જ આકાશને બુમ મારી.

મેં જ આજે ગીતાબેનને છુટ્ટી આપી છે.”

કેમ?“

અહીં આવ કહીને એ મને બાલ્કનીમાં લઇ ગયો. આ છ બાય આઠની બાલ્કની અમારી બેઉની પ્રિય જગ્યા હતી. અમારી બિલ્ડીંગની પાછળ પહાડ હતો જે અમારી બાલ્કનીમાંથી દેખાતો.

પહાડ અને અમારા બિલ્ડીંગ વચ્ચે બીજુ કોઈ બિલ્ડીંગ નહીં હોવાથી પૂરતી પ્રાઇવસી રહેતી.

બાલ્કનીમાં જતાં જ મને આશ્ચર્યનો આંચકો લાગ્યો.

મસ્ત સજાવટ કરી હતી આકાશે. બાલ્કનીમાં વચ્ચે ટેબલ રાખ્યું હતું ટેબલ પર કાચના મોટા બાઉલમાં ગુલાબ જળ અને લાલ ગુલાબની પાંદડીઓ…. પાણીમાં તરતી કલરફૂલ કેન્ડલ્સ સળગાવી હતી.

ટેબલ પર મારી ફેવરિટ વાઈનની બોટલ અને બે ગ્લાસ રાખ્યા હતાં.

સામસામે બે મોટી વાળી સોફા ચેર ગોઠવી હતી. વાઝમાં મઘમઘતા તાજા ગુલાબ, મોગરો અને ઓર્ચિડ ફ્લાવર વાતાવરણને મદહોશ બનાવી રહ્યાં હતાં.

અરે પણ! આ બધું? આજે કંઈ સ્પેશિયલ છે કે?” મે પ્રશ્ન સૂચક નજરે તેની સામે જોયું.

તેણે પણ નેણ ઉંચા કરી પ્રશ્નાર્થ નજરે મારી સામે જોયું.

મેં વિચાર્યુ હું કંઈક ભૂલી તો નથી રહીને? આજે કઇ તારીખ છે?

અરે બાપરે! ૧૬ જુન... આજથી સાત વર્ષ પહેલાં અમે પહેલીવાર મળ્યા હતા.

આટલી ખાસ તારીખ હું કઇ રીતે ભૂલી ગઈ? મેં ખુદ પર જ ખીજ કરી. આટલી મોટી વાત મારા મગજમાંથી નીકળી કેમ ગઇ? હું ખરેખર ગિલ્ટ ફીલ કરી રહી હતી. પોતાના કાન પકડી હું સોરીની મુદ્રામાં આકાશની સામે ઊભી રહી.

ઓહ કમો’ન યાર અવની, દર વર્ષે તુ જ તો યાદ રાખે છે એક વાર મેં યાદ રાખ્યુંઆકાશે મને આલિંગન આપતા કહ્યું. આકાશે મ્યુઝિક સિસ્ટમ પર અરિજીતનાં સોંગનુ પ્લેલીસ્ટ ચાલુ કર્યું. બેઉના ગ્લાસમાં વાઈન ભર્યો.

મ્યુઝિક સિસ્ટમ પર ધીમે ધીમે વાગતા રોમાંટીક સોંગ્સની સાથે અમે વાઈનનાં ઘૂંટની મજા માણતાં રહ્યા.

આકાશની આ ખાસિયત છે કોઈ સાધારણ પળને પણ સોનેરી ક્ષણમાં કેવી રીતે ફેરવવી એ બખૂબી જાણે છે. એ હંમેશા કહે કે સુખી લગ્નજીવન માટે દેહ કરતાં મનનાં સંબંધ મજબૂત હોવા જોઈએ. ફકત સેક્સ નહી રોમાન્સ ટકવો જોઇએ.

વાઇનની ચાર પાંચ સીપ લીધા પછી હું ઉભી થઇને એની બાજુમાં ગઈ. એનો હાથ મારા ખભા પર લીધો ખને મારું માથું એની છાતી પર રાખ્યું. મને આ રીતે એની બાહોંમા લપાઈને બેસવું બહુ ગમે.

હવાને લીધે કેંડલ્સ બુઝાઈ ગઈ હતી. હવે હતો ફક્ત ચાંદનીનો શિતળ પ્રકાશ, પ્રિયજનનો સ્પર્શ અને બેકગ્રાઉંડમાં વાગતાં પ્રણયભીના ગીત.

આકાશ સાથે મુલાકાત થઇ એ દિવસે મારા જીવનની દિશામાં યુ ટર્ન આવ્યો હતો.

બાકી મેં તો નક્કી જ કરી લીધું હતું મારે પરણવું જ નથી એટલે છોકરાઓ જોવાનો પણ કોઈ મતલબ જ નહોતો. પણ મારા ફૈબાએ એ દિવસે ખુબ આગ્રહ કર્યો આગ્રહ તો શું હઠ જ કરી એટલે નાછૂટકે હું આકાશને મળવા તૈયાર થઈ.

મેં આકાશને જોયો એકદમ આકર્ષક બાંધો મોટી આંખો, સોહામણો ચહેરો, પાંચહાથ પુરો, સૌમ્ય અને સુશીલ. કોઇપણ છોકરીને જોતાવેંત ગમી જાય અને વાત વાતમાં કોઈને પણ પોતાના કરી લેવાની આવડત ધરાવતો હસમુખો પુરુષ.

પહેલી, બીજી, ત્રીજી પ્રત્યેક મુલાકાતે હું વધુને વધુ એના પ્રેમમાં પડતી ગઈ અને મારો લગ્ન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાતો ગયો.

લગ્ન નહી કરવાના મારા નિર્ણયની જડ મારા બાળપણમાં હતી. મારુ બાળપણ બહું કમનસીબ રહ્યું છે. મને માં-બાપનો પ્રેમ બિલકુલ નથી મળ્યો.

માં તો હું ચાર વર્ષની હતી ત્યારે જ ગુજરી ગઇ મને તો એનો ચહેરો ય ખાસ યાદ નથી. એક ધૂંધળી સી યાદ છે.

મારી માં ગામડાંની કોઇ સ્કૂલમાં શિક્ષિકા હતી એ જ સ્કૂલમાં ભણાવતાં કોઈ શિક્ષક સાથે આડા સંબંધ હતાં એના.

સૂરજ છાબડે ઢાંકયો થોડીને રહે? એમાંય આ તો ગામડું ગામ.... વાત ફેલાઈ ગઈ પછી તો શુ? ક્યાંય મોઢું છુપાવવાની જગ્યા રહી નહીં એટલે કૂવામાં પડીને જીવ દીધો.

માં ગયા પછી બાપા દારુનાં રવાડે ચડ્યા એમા બાપનો પ્રેમ પણ ન મળ્યો.

મને મારું બાળપણ સાવ ઝાંખુ ઝાંખુ યાદ છે, માંનો ચહેરો ખાસ તો યાદ નથી. સાંભળ્યું છે કે એ રૂપાળી હતી.

ફક્ત સાંભળેલું જ છે બધુ કેમ કે સમજવા જેટલી ઉંમર નહોતી મારી. સમજણ આવી એ દિવસથી રંભા નામની એ સ્ત્રીથી મને નફરત થઈ ગઈ.

એ બાઈને લીધે મારુ બાળપણ છીનવાઈ ગયું. બાપા ગામડે રહેતાં અને હું મારી ફઇને ત્યાં સૂરતમાં મોટી થઇ. બારમા ધોરણ સુધી હું સુરતમાં ભણી. દરમિયાન લીવર ફેઈલ થતાં બાપા પણ ગુજરી ગયાં.

ગ્રેજ્યુએશન મેં મુંબઈમાં કર્યું. આપણું પોતાનું ઘર અને માં-બાપની હૂંફ કેવી હોય એ તો મેં ફક્ત વાર્તાઓમાં જ વાંચેલું. પણ પછી આકાશ મારી લાઈફમાં આવ્યો અને મારુ જીવન પ્રેમ અને ખુશીઓથી તરબતર કરી દીધું.

“શું વિચારી રહી છે?” મારા વાળમાં આંગળીઓ ફેરવતા ફેરવતા આકાશે પુછ્યું.

“એ જ કે તું મારી લાઈફમાં ન આવ્યો હોત તો મારુ શું થયું હોત?”

“ભગવાને મને તારા માટે જ તો બનાવ્યો છે, એટલે તારી લાઈફમાં હું આવવાનો જ હતો” મારાં માથાં પર ચૂમી ભરતાં આકાશ બોલ્યો.

પછી તો અમે ઘણી બધી વાતો કરી. એની ઓફિસની વાતો, મારા પ્રેસની વાતો.

આકાશે આજે મુંબઈની પ્રખ્યાત ઈટાલિયન રેસ્ટોરન્ટ “ઓહેકો”માંથી જમવાનું મંગાવ્યુ હતું એને ન્યાય આપ્યો.

રાતે જમ્યા પછી નીચે ગાર્ડનમાં રાઉન્ડ મારવાની આકાશને ટેવ હતી. આકાશને લીધે હવે મને પણ એ ટેવ પડી ગઈ હતી.

ગાર્ડનમાં ચાલતાં ચાલતાં મેં આજે પ્રિયા મળી હતી એ વાત આકાશને કરી. ગાર્ડનમાં અર્ધો કલાક રાઉન્ડ મારી અમે ઉપર આવી બેડરૂમમાં સૂવા માટે ગયાં.

મારૂ મન વિચારે ચઢ્યું હતું. એક તરફ હેમંત રાજવંશ વિષે વધુ જાણકારી કેવી મેળવવી અને બીજી તરફ કાલે રિપોર્ટ આવવાના હતા એનુ ટેન્શન હતું. આકાશ મારા માથામાં આંગળીઓ ફેરવી રહ્યો હતો પણ મારી આંખો છત તરફ મંડાયેલી હતી.

શું વાત છે?“ મને વિચારોમાં ખોવાયેલી જોઈને આકાશે પુછ્યું.

આકાશ કાલે રિપોર્ટ આવવાના છે એનું મને ખૂબ ટેન્શન થાય છે, ડર લાગે છે શું આવશે રિપોર્ટમાં..

“અરે તું જ્યારે મારા પડખાંમાં હોય ત્યારે કંઇ ટેન્શન તારી આજુ બાજુમાં પણ ફરકવાની હિંમત ન કરે” આકાશ એકદમ રોમેન્ટિક રીતે ધીમા પણ પુરુષાતનથી ભરેલા મક્કમ અવાજે મારા કાન પાસે બોલ્યો એ સાથે એના ગરમ ગરમ શ્વાસ મારા કાન સાથે અથડાયા. મારા શરીરમાં ઝણઝણાટી થઈ.

બીજી ક્ષણે એણે મારુ પડખુ ફેરવીને મને ઝટકાથી પોતાના તરફ ખેંચી. મારા હોઠ આકાશના હોઠની લગોલગ આવી ગયા. મારા શ્વાસોશ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા.

આકાશે એની આંગળીઓ મારા હોઠની કિનારીઓ પર ફેરવી અને મારી આંખો બંધ થઈ, એ જ ક્ષણે એના ધધકતા સખત હોઠ મારા થરથરતા કોમળ હોઠ સાથે ચંપાઈ ગયા એના હોઠની હલ્કી ખારાશ મારી જીભ પર છવાઈ ગઈ.

એની બરછટ હથેળી મારા મુલાયમ અંગ ઉપાંગોનો પ્રવાસ ખેડવા લાગી.

મારા સ્નિગ્ધ શરીરનાં લીસ્સા ચઢાવ ઉતાર પર હાથ ફેરવતાં વચ્ચે કોઇક અંગો પર આકાશ પ્રેશર આપતો ત્યારે જાણે મને કરંટ લાગતો હોય એવું ફીલ થતું.

એ જાણે મારા શરીરનો ભોમીયો ન હોય તેમ મને ઉત્તેજિત કરવાની બધી રીત એને ખબર હતી.

હું ધીરે ધીરે મારા પરનો કાબૂ ગુમાવી રહી હતી.

હવે અમારી વચ્ચે કોઈ આવરણ નહોતું ફરીથી એક પ્રગાઢ ચુંબન કરીને એ મારી ઉપર આવ્યો.

એના ભીના પણ સખત હોઠ મારી ગરદન પર થઇ બેઉ ઉરોજ પર ફરી વળીને પાછા મારા હોઠ પાસે આવીને ઝુક્યા અને પ્રિયતમનાં સમર્પણમાં મારી આંખો ઝુકી ગઈ અને શરૂ થયો બેઉ શરીરનો પ્રેમની અલૌકિક દુનિયાનો લયબદ્ધ પ્રવાસ.

હવે મારા શરીર પર મારો કાબૂ નહોતો…. આ અવની હવે સંપૂર્ણપણે આકાશના કાબૂમાં હતી. એની બધી ઈચ્છાઓમાં મારો સાથ હતો. બેડરૂમનાં બિલકુલ શાંત વાતાવરણમાં મારા હળવા-ધીમાં ઉંહકારા આકાશનો ઉન્માદ વધારી રહ્યાં. એના કસાયેલા કસરતી બાવડાંઓની ભીંસમાં હું અનેરી સુરક્ષા અનુભવી રહી.

આકાશે ભરપુર વરસીને મને તૃપ્ત કરી દીધી.

એ પળે મારી દુનિયામાં આકાશ સિવાય કોઈ જ નહોતું. ના ઓફિસ, ના હેમંત રાજવંશ, વિરાટ પણ નહીં અને પ્રિયા ય નહીં. મારો ભૂતકાળેય નહીં ને કાલે આવનારા રિપોર્ટની ફિકર પણ નહીં.

મારી તો એજ ઈચ્છા હતી કે બસ આ સમય અહીં જ થંભી જાય.

પણભવિષ્યનાં ગર્ભમાં શું છુપાયેલું હશે કોને ખબર?

ક્રમશઃ

**

શું વિરાટ હેમંત રાજવંશ વિષે માહિતી ભેગી કરવામાં અવનીને મદદ કરશે? શું એડિટર એટલે કે તંત્રી ગોખલે રાજવંશના સ્કેમની તપાસ કરવાની અનુમતિ આપશે? અવનીના રીપોર્ટમાં શું આવશે? બચપણમાં ગરીબ રહેલી પ્રિયા આટલી પૈસાદાર કઈ રીતે થઈ ગઈ?

જાણવા માટે વાંચો નવલકથાનો આગળનો ભાગ.