Runanubandh - 1 in Gujarati Fiction Stories by M. Soni books and stories PDF | ઋણાનુબંધ - ભાગ-1

The Author
Featured Books
  • Venom Mafiya - 5

    अब आगेराघव मल्होत्रा का विला उधर राघव अपने आदमियों के साथ बै...

  • रहस्यमय हवेली

    रहस्यमयी हवेलीगांव के बाहरी छोर पर एक पुरानी हवेली स्थित थी।...

  • किट्टी पार्टी

    "सुनो, तुम आज खाना जल्दी खा लेना, आज घर में किट्टी पार्टी है...

  • Thursty Crow

     यह एक गर्म गर्मी का दिन था। एक प्यासा कौआ पानी की तलाश में...

  • राम मंदिर प्राण प्रतिष्ठा - 14

    उसी समय विभीषण दरबार मे चले आये"यह दूत है।औऱ दूत की हत्या नि...

Categories
Share

ઋણાનુબંધ - ભાગ-1


ઋણાનુબંધ ભાગ (૧)



ટ્રિન..... ટ્રિન.....

“મન્ડે મોર્નિંગ” અખબારની ઓફિસના લેન્ડલાઈન ફોન પર રીંગ વાગી રહી હતી. મેં આજુ બાજુ નજર ફેરવી, લંચ ટાઈમ હોવાથી બધા બહાર નિકળી ગયા હતાં એટલે મેં રીસીવર ઉપાડયું.

“હેલ્લો...”

“હેલો... મંડે મોર્નિંગ??” સામેથી એકદમ ધીમો... કાનમાં ફૂસફૂસ કરતો હોય તેવો પણ થોડો ગભરાટ ભર્યો અવાજ આવ્યો.

“જી હાં! પણ તમારો અવાજ ધીમો આવે છે જરા જોરથી બોલશો પ્લિઝ?“

તમે કોણ બોલો છો? એણે ધીમા અવાજમાં જ પુછ્યું.

“હું મંડે મોર્નિંગની ચિફ ક્રાઈમ રિપોર્ટર અવની ભાટિયા.. તમે કોણ?”

“મેડમ તમારુ જ કામ હતું મારી વાત સાંભળો... મારી પાસે સમય ઓછો છે.”

પછી એ છેડેથી ત્રણ ચાર મિનિટ સુધી બોલાતું રહ્યું.. મને આશ્ચર્યાઘાત મળતા રહ્યાં.. સામે વાળાની વાત પુરી થતા ફોન ડિસ્કનેક્ટ થઇ ગયો.

“હલો... હલ્લો...” મારે ઘણું જાણવું હતું જે વ્યક્તિ વાત કરી રહ્યો હતો એના વિષે અને જેની વાત હતી એના વિષે પણ. જોકે સામે છેડેથી ફોન મૂકાઇ ગયો હતો.

અધુરી છતાં જોરદાર બાતમી હાથ લાગી હતી જો ફોન કરનારની વાત સાચી હોય અને થોડું રિસર્ચ કરવામાં આવે તો કોર્પોરેટ વર્લ્ડમાં ધમાકો થઈ જાય એટલું પોટેન્શિયલ હતું આ વાતમાં.

મેં આજનું લંચ સ્કીપ કરીને એડિટર સાથે મિટિંગ કરી લેવાનો નિર્ણય કર્યો અને હું એડિટર ગોખલેની કેબિનમાં ગઈ

**

મારુ મગજ ગુસ્સાથી ફાટફાટ થતુ હતું, દિમાગ કામમાં લાગતુ નહોતું, મનમાં ધૂંધવાટ હતો, થોડી તાજી હવા મળે એ ઉદ્દેશથી હું બારી પાસે આવી. બહાર નજર કરી તો વાતાવરણ એકદમ ગોરંભાયેલું હતું કાળા ડિબાંગ વાદળો ચઢી આવ્યા હતા, એવું લાગતું હતું કે હમણાં ધોધમાર વરસાદ તૂટી પડશેપણ પડતો નહોતો મારા મનની અવસ્થા પણ એવી જ હતી.

કામ કરવાની સહેજે ઈચ્છા રહી નહોતી.

ઘડિયાળમાં ક્યારે છ વાગે અને ક્યારે ઘરે જવા નીકળુ એમ થતુ હતું. આપણે જ્યારે સમય વહેવાની રાહ જોતા હોય ત્યારે જાણે સમયને પણ ચાલવાનો કંટાળો આવતો હોય તેમ સુસ્ત થઈને ધીરે ધીરે ચાલે છે. ઘડિયાળનાં કાંટાને કોઇએ પકડી રાખ્યા હોય તેમ ખસવાનું નામ નહોતા લેતા. મેં આજુ બાજુમાં નજર ફેરવી બાજુમાં બેઠેલા વિક્રમ સર, દેસાઈ મેડમ, રાકેશ કાનાણી, સામેની સાઈડ દેશપાંડે, સોફિયા, પૂર્વી બધાં પોત પોતાના કામમાં વ્યસ્ત હતાં. હું પાછી મારી ખુરશીમાં આવીને બેઠી. ટેબલ પર આમતેમ વિખરાયેલા કાગળો સમેટીને વ્યવસ્થિત ફાઇલ કર્યા. ઉશ્કેરાટનાં લીધે હું એક પગ સતત હલાવ્યા કરતી હતી. થોડી વાર પછી ફરી ઉભી થઈ. સિગારેટનાં ધૂમાડાં સાથે મનનો ધૂંધવાટ પણ નીકળી જશે એમ વિચારીને સ્મોકિંગ ઝોનમાં જઇ એક સિગારેટ સળગાવી. જર્નાલિઝમ મારું ડ્રીમ હતું મારું પેશન હતું પણ અહીં આવીને એવું લાગતું હતું કે મારાં સપનાનું જર્નાલિઝમ અને અત્યારે જે થઈ રહ્યું છે એ જર્નાલિઝમમાં જમીન આસમાનનો તફાવત છે. આજે આવેલા પેલા ફોન પર રાજવંશ ઈંડસ્ટ્રીઝના માલીક હેમંત રાજવંશના સ્કેન્ડલ વિષે મને જબરદસ્ત લીડ મળી હતી પણ એડિટર ગોખલે મારી વાત સાંભળવા તૈયાર નથી. કહે છે કે આવા અનામી ફોન પર વિશ્વાસ કરાય તેમ નથી. અને એમા પણ તુ રાજવંશ ઈંડસ્ટ્રીઝનું નામ લઈ રહી છે. હું આમ નનામા ફોન પર ભરોસો કરીને તને ગો એહેડ ન આપી શકું.

હાં બરાબર છે! અડધો અડધ એડવર્ટાઇઝમેન્ટ તો રાજવંશ ઈંડસ્ટ્રીઝ જ આપે છે ને આ ન્યુઝપેપરને? એની સામે પડવાની હિંમત આ અખબારના માલીક પણ ના કરે તો ગોખલે સર ક્યાંથી કરે? ખરેખર અંદરથી અસહાયતા અનુભવી રહી હતી હું.

મારી સાથે આવું પહેલીવાર નહોતું થયું. ગોખલે સરને મનાવવા ઘણી વખત મારે પાપડ બેલવા પડ્યા છે. પછી જ્યારે સ્ટોરી સકસેસફૂલ થાય ત્યારે જશ લેવા જરુર આવી જાય. ક્યારેક તો એવું લાગતું કે આ નોકરી છોડીને ફ્રીલાન્સ કામ કરુ પણ મજબૂરી છે ને! કોણ જાણે ટ્રીટમેન્ટ પાછળ હજુ કેટલો ખર્ચો થશે? હજુ હમણાં જ આકાશે જોબ છોડીને પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો છે. આકાશ કેટલો પ્રેમ કરે છે મને..! અને હું એનુ એક સપનું પૂરું નથી કરી શકતી.... જોકે એણે મને કદી દેખાવા નથી દીધું કે નથી ક્યારેય દોષ દીધો પણ મારા મનમાં ખટકો રહે છે.

આંગળી પાસે ચટકો લાગતાં હું ઝબકી ગઈ જોયું તો સિગારેટ સળગતી સળગતી આંગળી સુધી પહોંચી ગઈ હતી.

અરે! અવનિ મેડમકામકાજ નથી કે આજે?” વિરાટ પાછળથી હળવી ટપલી મારતાં એકદમ મારા કાન પાસે આવીને જોરથી બોલ્યો.

એમ કાનમાં રાડો નહીં પાડવાની મને ઇરીટેટ થાય છે તને કેટલી વખત કીધું? વિરાટને ધક્કો મારતાં હું બોલી.

હું નીકળુ છું ઘરે જવા તારે કંઈ કામ ન હોય ચલ મારી સાથે કોફી પીવડાવુંવિરાટે કીધું.

“કેમ તુ આજે વહેલો?”

“અરે કાલે એક લીડ ફોલો કરવામાં આખી રાત જાગ્યો. ગઈ કાલનો સુતો નથી હવે ઉંઘ આવે છે એટલે..“

મારી ઓફિસની નજીક જ કોફી શોપ આવેલી છે એટલે કારને પાર્કિંગમાં જ રહેવા દઇને અમે ચાલતા જ કોફી શોપમાં ગયા. કોમર્શિયલ એરિયામાં હોવાથી આ કોફી શોપ હંમેશા ધમધમતી રહેતી પણ આજે પ્રમાણમાં જરા ઓછી ગિરદી હતી. અમે અંદર જઈને જમણી બાજુના ટેબલ પર બેઠાં, અમારા ટેબલની એક તરફ સળંગ કાચની આખી દિવાલ હતી. દિવાલની આરપાર ફૂટપાથ અને આખો રસ્તો દેખાતો હતો. અમે બે ફિલ્ટર કોફીનો ઓર્ડર આપ્યો.

વિરાટવિરાટ ભાનુશાળી મારો ખાસ મિત્ર. કોલેજમાં માસ કોમ્યુનિકેશનમાં અમે બંને સાથે ભણતાં. લગ્ન પછી મારા પતિ આકાશ સાથે પણ વિરાટને દોસ્તી થઈ ગઈ, ક્યારેક તો એવું લાગે કે એ બંને બાળપણનાં મિત્રો હોય, બીજાને તો સમજ પણ ના પડે કે વિરાટ મારો મિત્ર છે કે આકાશનો! એટલી ગાઢ દોસ્તી થઈ ગઈ બેઉની.

અમારી કોફી આવી અને બહાર ધોધમાર વરસાદ તૂટી પડ્યોકયારના ગોરંભાયેલા વાદળ તો જાણે વરસવા લાગ્યા પણ મારા મનના ધૂંધવાટનું શું?

હાં તો મેડમ આજે કેમ ઉદાસ ઉદાસ છે? વિરાટે મારો મૂડ ઠીક કરવા પુછ્યું.

મેં મને મળેલી રાજવંશ ઈંડસ્ટ્રીઝના સ્કેન્ડલની ટીપ વિષે વિરાટને વાત કરી. તું જ કહે વિરાટ અત્યાર સુધીમાં મેં જેટલી બ્રેકિંગ સ્ટોરી કરી છે એ બધી સ્ટોરીએ કેટલી સનસનાટી ફેલાવી છે? હું એક વખત પણ ખોટી પડી છું કે? તો પણ આ વખતે આ સાલો ગોખલે માનતો નથી.

મેં એડિટર પરનો બળાપો કાઢતા કાઢતા વિરાટને કીધું: તારે તો ગોખલે સાથે સારુ બને છે ને તો તું એને વાત કરને.”

જો અવની અત્યાર સુધીની તારી સ્ટોરીઓની વાત અલગ હતી પણ હેમંત રાજવંશ કંઇ નાનુસુનુ નામ નથી, દેશના પહેલા દસ પ્રતિષ્ઠિત લોકોમાં એનું નામ આવે છે. ફકત ભારતમાં જ નહીં વિદેશોમાં પણ એમનું બિઝનેસ સામ્રાજ્ય ફેલાયેલું છે, ભલભલા પોલિટિશ્યનો એના ખિસ્સામાં છે. આપણા મન્ડે મોર્નિંગ અખબારની વાત છોડ આ દેશનુ મોટામાં મોટું મિડિયા હાઉસ પણ એની સામે આંગળી ચીંધતા પહેલા દસ વાર વિચારે. એની સામે પડીને તું તારી જીંદગી જોખમમાં શું કામ નાખે છે?” વિરાટે મને સમજાવવાની કોશિશ કરી.

આ માટે? વિરાટ આ માટે આપણે જર્નાલિઝમ ભણ્યાં? યાદ કર વિરાટ આપણે ફાઇનલ યરમાં હતા ત્યારે આપણે શું વિચાર્યુ હતું? ગમે એવો ચમરબંધી ભલે હોય પણ જો ખોટો હોય તો આપણે એને દુનિયા સમક્ષ નાગો કરીશું. યાદ છે કે ભૂલી ગયો? “ બોલતાં બોલતાં મારો અવાજ થોડો ઉંચો થઇ ગયો આંખમાં પાણી આવી ગયા.

શાંત જગદંબા શાંત વિરાટે મારો હાથ પસવારતા કહ્યુ: જો અવની મને ત્યારે પણ તારા વિચારો પ્રત્યે માન હતું અને હજી પણ છે પરંતુ આપણે કોલેજમાં હતા ત્યાની વાત અલગ હતી. આપણને પ્રેક્ટિકલ દુનિયાની ખબર નહતી. આ દુનિયા આપણા કહેવા પ્રમાણે ચાલતી નથી. તું હજુ પણ દિમાગ કરતાં દિલથી વધુ વિચારે છે.

મને હતું કે વિરાટ કોઈ રસ્તો કાઢશે એ પણ પાણીમાં બેસી ગયો.

ક્યારેક તો એવું લાગે છે કે આ નોકરી છોડી દઉં એમ બોલીને મોઢું ફેરવીને હું કાચમાંથી બહાર જોવા લાગી.

બહાર વરસાદ હજુ પણ ધોધમાર પડી રહ્યો હતો સાથે થોડો પવન પણ હતો એટલે છત્રી ઓઢી હોય તો પણ લોકો ભીંજાઈ રહ્યા હતાં. એક યંગ કપલ એકજ છત્રીમાં જઇ રહ્યું હતું હવાને લીધે છત્રી કાગડો થઇ ગઇ બંન્ને ભીંજાઈ ગયાં. યુવક છત્રી સંભાળવાની નાકામ કોશિષ કરી રહ્યો હતો. એ દ્રશ્ય જોવામાં મને રસ પડ્યો પણ એ કપલ અને મારી વચ્ચે એક આલીશાન મર્સિડિઝ સી ક્લાસ કારે આવીને મને એ દ્રશ્ય જોવામાં ખલેલ પાડ્યો. કાર ફૂટપાથની લગોલગ ઉભી રહી. ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલીને એક સફેદ વર્દી ધારી શોફર બહાર આવ્યો. શોફરે એક હાથે છત્રી પકડી એને બીજા હાથેથી કારનો પાછળનો દરવાજો ખોલ્યો. કારમાંથી અત્યંત સુંદર યુવતી બહાર નીકળી. યુવતી પર છત્રી ધરી શોફર એની પાછળ ચાલ્યો. યુવતી ઝડપથી કોફીશોપ તરફ આવી. છત્રી નીચેથી એનો ચહેરો અલપ ઝલપ જ દેખાઈ રહ્યો હતો પરંતુ ચાલવાની ઢબ મને કંઈક જાણીતી લાગી રહી હતી. એ દરવાજામાંથી અંદર આવી. હું એકધારી એ તરફ જોઈ રહી હતી એટલે વિરાટનું ધ્યાન પણ એની તરફ ખેચાયું એને જોઇને વિરાટનાં મોઢામાંથી હળવી સીટી વાગી... હવે યુવતીના માથાં પર છત્રી નહોતી, એનો ચહેરો જોતા જ હું આશ્ચર્યથી ઉછળી પડી... અરે બાપરે! પ્રિયા!? એટલાં વર્ષે જોઈ તો પણ એક સેકંડમાં હું એને ઓળખી ગઈ,

પ્રિયા...આ... આા.. હું લગભગ ચિલ્લાવતા એના તરફ દોડી... એણે મારા તરફ જોયું એ પણ મને ઓળખી ગઈ મને આવતી જોઈને એ બેવ હાથ ફેલાવીને ઉભી, હું જઈને એને વળગી ગઈ.

પ્રિયા મારી સુરતની સ્કૂલ ફ્રેન્ડ, સ્કૂલ સુધી હું સુરતમાં મારા ફઈને ત્યાં રહીને ભણી. એ સ્કૂલમાં મારી સૌથી બેસ્ટ ફ્રેન્ડ હતી પ્રિયા. અમે બહુ મસ્તી કરતાં, એક બીજાના સુખ દુખના સાથી.

બાપરે! પ્રિયા આ તુ જ છે ને? કેટલી બધી બદલાઇ ગઇ છે તું? એનાથી અળગી થતાં એને ઉપરથી નીચે સુધી જોતા હું બોલી.

બે બહેનપણીઓના મિલનમાં વિક્ષેપ પડવાની ગુસ્તાખી બદલ સોરી... વિરાટ અમારી પાસે આવીને બોલ્યો. પ્રિયાને જોઇને હું તો ભૂલી જ ગઈ હતી કે વિરાટ પણ મારી સાથે છે.

ઓહ સોરી વિરાટ... મેં વિરાટની માફી માંગી વિરાટ અને પ્રિયાની ઓળખાણ કરાવી.

એકબીજાની ઓળખાણ પતી ત્યાં વિરાટનાં મોબાઈલ પર કોલ આવ્યો, એની લીડ બાબતે કોઈ ખાસ ચર્ચા કરવાની હોવાથી એડિટરે એને બોલાવ્યો હતો. ચાલુ ફોનમાં જ મારે અર્જંટ કામ છે તમે લોકો એન્જોય કરો કહીને વિરાટે અમારી રજા લીધી.

અત્યારની પ્રિયાને જોઇને કોઇને જુની પ્રિયાની કલ્પના પણ ન આવે. બાળપણની સીધી સાદી ગભરુ છોકરી. પંજાબી ડ્રેસ પહેરીને માથામાં તેલ નાંખીને ચપોચપ બે ચોટલા રાખતી પ્રિયા સાવ સાધારણ ઘરની છોકરી હતી માંડ માંડ એના ઘરનું પુરુ થતું. અને આજે અતિશય સુંદર રૂપ, સુરેખ નાક, બોલતી આંખો... આત્મવિશ્વાસથી ભરપુર.. આધુનિક અને જાજરમાન યુવતી લાગતી હતી એ.

ચિકનકારી રેડ બોર્ડરની બ્લેક સાડી અને બેકલેસ બ્લાઉઝ, બ્યુટીફુલ હેરસ્ટાઈલ, ગળામાં સિંગલ પ્રિંસેસ ડાયમંડનું પેંડેંટ પ્રિયાની ખૂબસૂરતીમાં ઔર વધારો કરી રહ્યું હતું. પગમાં ગૂચીનાં હિલ્સ, હાથમાં લૂઈ-વિત્તોનુ પર્સ પ્રિયાની શ્રીમંતાઈની ચાડી ખાતા હતા. જમીન આસમાનનો ફરક પડી ગયો હતો પ્રિયામાં. પણ એના મનની સાદગી હજુ એવી ને એવી જ હતી. ઘમંડ બિલકુલ નહીં.

વર્ષો પછી મળેલી બહેનપણીઓની અલક મલકની વાતો ચાલુ થઈ. જોકે વધારે તો હું જ બોલતી હતી... ફલાણી કયાં છે ને પેલીનું શું થયું? કોણ કોણ સંપર્કમાં છે વગેરે. જુની અને બાળપણની યાદગીરીની તો જાણે સુનામી આવી ગઈ. પ્રિયાને મળીને હૂં એકદમ હળવી ફૂલ થઇ ગઇ. એડિટર પરનો ગુસ્સો ઓગળી ગયો હતો. મન પ્રફુલ્લિત થઇ ગયું.

શું કરે છે તું લગ્ન થઈ ગયા કે? પ્રિયાએ પુછ્યું....

હું મન્ડે મોર્નિંગ ન્યુઝપેપરમાં જર્નાલિસ્ટ છું અને હાં લગ્ન થઈ ગયા મારા મે કહ્યુ.

અરે વાહ! શું નામ છે જીજુનું એ પણ જર્નાલિસ્ટ છે કે?

અરે નહીં... આકાશ સોફટવેર એન્જિનીયર છે. જસ્ટ હમણાં જ પોતાની ફર્મ ખોલી છે.” મેં આકાશ વિષે જણાવ્યું.

વરસાદ હવે રોકાઈ ગયો હતો કોફી શોપમાં ટેબલ પણ લગભગ ખાલી થઈ ગયા હતા.

વ્હોટ એબાઉટ યુ? તે મેરેજ કર્યા કે નહીં? મેં પુછ્યું.

પ્રિયા જવાબ આપે તે પહેલા એના મોબાઈલ પર રીંગ વાગી.

એક્સક્યુઝ મી કહીને એ ઉભી થઇ, મારે નીકળવું પડશે આપણે કાલે મળીએ અહીં જ આ સમયે કહીને એ ફટાફટ નીકળી ગઈ.

મને એની આ વર્તણુક અજીબ લાગી પણ આટલા વર્ષ પછી પહેલી વાર મળ્યા હતા અને હું એની અત્યારની લાઈફ વિષે કંઈ ખાસ જાણતી પણ નહોતી એટલે મને થયું કે હશે કંઈક અર્જંટ કાલે મળશે ત્યારે વાત એમ વિચારતા વિચારતા હું પાર્કિંગ તરફ ચાલી.

પહેલા વિરાટ સાથે અને પછી પ્રિયા સાથે વાતો કરવામાં ઘણો સમય નીકળી ગયો હતો આકાશ બિચારો રાહ જોતો હશે લાવ એક ફોન કરુ વિચારીને મે પર્સમાંથી ફોન કાઢયો. ત્યાં આકાશનો જ ફોન આવ્યો મારા ચહેરા પર સ્માઇલ આવી ગઈ, ફોન ઉપાડીને મે કહ્યુ આને કહેવાય ટેલિપથી…. હું તને જ ફોન કવા જતી હતી અને તારો ફોન આવ્યો

હલ્લો અવની તું જલ્દી ઘરે આવઆકાશનો અવાજ એકદમ ગભરાયલો હતો. મને ફાળ પડી.

શું થયું આકાશ?

તુ બની શકે એટલી જલ્દી ઘરે આવ બારીનો કાંચ તોડીને કાગળમાં લપેટેલો એક પત્થર કોઈએ ઘરમાં ફેંક્યો છે અને કાગળમાં તારા નામની જાસાચિઠ્ઠી છે…”

હું ગભરાઈ ગઈ. “આકાશ તું બરાબર છે ને? તને કંઇ થયું નથીને? ડિન્સીડિન્સી ક્યાં છે?” મે ફફડતા અવાજે પૂછ્યું.

અમને કંઈ નથી થયું પણ તુ જલ્દી ઘરે આવી જા એમ કહીને આકાશે ફોન મુક્યો. મને કંઇ સુજતું નહોતુ ગભરાટનાં માર્યા મારુ શરીર ધ્રુજી રહ્યું હતું. હાથ પગ પાણી પાણી થઇ રહ્યાં હતાં. ધમકી આપનાર જે હોય તે હું એની જીંદગી બરબાદ કરી નાખીશબહુ ગુસ્સો આવતો હતો, આકાશ અને ડિન્સીની ચિંતા થતી હતી.

હું એટલી હાંફળી ફાંફળી થઇ ગઇ હતી કે પર્સમાંથી કારની ચાવી નહોતી મળી રહી. માંડ ચાવી હાથ લાગી. કાર સ્ટાર્ટ થતાં જ ફૂલ એક્સિલેટર આપ્યું. સેકંડોમાં ચિચિયારી બોલાવતાં પાર્કિંગમાંથી કાર રોડ પર આવી ગઇ. મેં ફુલ સ્પિડમાં કાર ઘર તરફ ભગાવી.

મને કંઇ સમજાઈ નહોતુ રહ્યું. કોનું કામ હશે આ? કાગળમાં શું ધમકી લખી હશે? આની પાછળ શું હેમંત રાજવંશ હશે? સાલો કાયર ઘર પર પત્થર ફેંકાવ્યો? પણ એને કેવી રીતે ખબર પડે કે મને એના વિષે ટીપ મળી છે? અરે! હેમંત રાજવંશ છે એબધી જગ્યાએ પહોંચ છે એની. મને ખરેખર કંઈ સમજમાં આવતું નહોતું. હું અંદરથી ખળભળી ગઈ હતી.

કંપાઉન્ડમાં ગાડી પાર્ક કરી મેં ઉપર મારા એપાર્ટમેન્ટની બારી તરફ જોયું લાઇટો બંધ હતી. આકાશ ઘરે જ છે તો પણ લાઇટ કેમ બંધ રાખી હશે?

મારું ઘર બીજા માળે હોવાથી લિફ્ટની રાહ જોયા વગર જાતજાતનાં વિચારો કરતાં હું દાદરા ચઢી ગઈ. મેં ડોરબેલની સ્વિચ દબાવી પણ બેલ વાગ્યો નહીં. મારા ધબકારા વધી રહ્યા હતા. મને અમંગળ વિચારો આવી રહ્યા હતા. સામે વાળા કપૂર અંકલનો ફ્લેટ પણ બંધ હતો. બેલ ના વાગ્યો એટલે મે આકાશને બુમ મારી પણ કોઈ જવાબ આવ્યો નહીં.

મેં પર્સમાંથી ઘરની એકસ્ટ્રા ચાવી કાઢી હળવેથી કિ-હોલમાં ફેરવી.

ધીરેથી દરવાજો ખોલ્યો. થડકતા હૈયે ધીમે પગલે અંદર આવી. અંદર એકદમ અંધારું હતું. સાવચેતીથી બે ડગલાં આગળ વધી. આકાશને સાદ પાડવા ગઈ ત્યાં પાછળથી કોઈએતો મને પકડી અને મારા મોઢેથી ચીસ નીકળી ગઈ.

ક્રમશઃ

**

પ્રિય વાચક મિત્રો, આ પહેલા મારી ત્રણ લઘુકથા માતૃભારતી પર પ્રકાશિત થઇ ચૂકી છે, તેને આપનો અઢળક પ્રેમ મળ્યો છે. વાચકોના ઘણા બધા પ્રતિભાવ પણ મળ્યા. આપ સૌ સાથે જાણે અંગત સંબંધ બંધાઇ ગયો છે.

મિત્રો, નવલકથા લખવાનો આ મારો પ્રથમ પ્રયાસ છે. મને આશા છે કે આ નવલકથાને પણ આપ સૌ એટલો જ પ્રેમ આપશો. કૃપા કરીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી જણાવશો 🙏

©મૂકેશ ધકાણ.