Premnu Rahashy - 1 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પ્રેમનું રહસ્ય - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમનું રહસ્ય - 1

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧

અખિલને આજે નોકરીએથી નીકળતા મોડું થઇ ગયું હતું. નીકળવાના સમય પર જ એવું કામ આવી ગયું હતું કે એ કર્યા વગર છૂટકો ન હતો. ત્યારે એને અંદાજ ન હતો કે એમાં ત્રણ કલાક લાગી જશે અને રાત પડી જશે.

તે ઓફિસથી ઘરે જવા નીકળ્યો ત્યારે ઘડિયાળ રાતના પોણા એકનો સમય બતાવતી હતી. તે વીસ માળની ઇમારતમાં ચૌદમા માળ પરથી લિફ્ટમાં પ્રવેશ્યો અને જ્યારે લિફ્ટ ઉપડી ત્યારે એનો 'ખટ' કરીને અવાજ આવ્યો એ ડરાવી ગયો. રાતના નિરવ વાતાવરણમાં દરેક અવાજ હોય એના કરતાં અનેકગણા વધારે મોટા લાગતા હતા. તેને પોતાના બૂટનો અવાજ પણ બહુ મોટો લાગતો હતો. જે રાતની નિરવતામાં તાલબધ્ધ સંભળાતો હતો. આ સમય પર બીજા કોઇના પગલાનો અવાજ પણ વધુ સારી રીતે સાંભળી શકાય એમ હતો.

આજે પહેલી વખત તેને મોડું થયું હતું. ઇમારતની બધી જ ઓફિસો બંધ થઇ ચૂકી હતી. તે લિફ્ટમાં નીચે ઉતરતો હતો ત્યારે બધા માળ પર તેની નજર ફરતી હતી. બધી જ જગ્યાઓ સૂમસામ હતી. તે જાણે આખી ઇમારતમાં ભૂત જેવો એકલો જ રહી ગયો હોય એવો ભાસ થતો હતો.

અખિલ નીચે ઉતર્યો અને પાર્કિંગમાં જતાં અચાનક તેને યાદ આવ્યું. આજે સવારે બાઇકમાં પંકચર હતું. તે રીક્ષામાં આવ્યો હતો. બપોરે વિચાર કર્યો હતો કે સાંજે કોઇ સાથી કર્મચારીની લિફ્ટ લઇ લેશે. પણ કામમાં એટલો ગળાડૂબ રહ્યો કે સમય વીતતો ગયો અને બધા કર્મચારીઓ એક પછી એક જતા રહ્યા. તેણે મોડે સુધી રોકાવાની ફરજ પડી હતી.

તેને થયું કે આજે મારું કોમ્પ્યુટરનું વધારે પડતું જ્ઞાન દુશ્મન બન્યું છે. બોસને ખબર હતી કે આ કામ અખિલના જ વશનું હતું. અને એ ના પાડી શકે એમ ન હતો. હવે અફસોસ કરવાનો કોઇ અર્થ ન હતો. પત્ની સંગીતાનો ફોન આવ્યો ત્યારે મોડું થવાની જાણ કરી દીધી હતી. અને તેને જમીને સૂઇ જવાની સલાહ આપી હતી. બગાસાં આવતા હતા અને આંખો હવે ઘેરાવા જ લાગી હતી. ઇમારતનો વોચમેન ખુરશીમાં બેસીને બિંદાસ ઘોરતો હતો. ઇમારતની આસપાસમાં અંધારું હતું. તમરાંનો અવાજ વધુ સ્પષ્ટ સંભળાતો હતો. પવનની નાની લહેરખી પણ હવા સાથે મંદ અવાજ કરતી હતી.

અખિલે દૂર દૂર સુધી નજર દોડાવી. કોઇ વાહન દેખાતું ન હતું. એમની ઓફિસની ઇમારત શહેરથી ઘણી દૂર હતી. સસ્તામાં ઓફિસ મળતી હતી એટલે કંપનીના માલિકે ખરીદી લીધી હતી. એણે પોતાના રૂપિયા બચાવવા એવો વિચાર કર્યો ન હતો કે કર્મચારીઓએ દૂરથી સમય બગાડીને અને બળતણનો વધારે ખર્ચ ભોગવીને ઓફિસે આવવું પડશે.

અખિલે થોડું ચાલ્યા પછી આગળ જોયું. ચાર રસ્તા આવતા હતા. ચારમાંથી એક દિશામાંથી તો કોઇ વાહન મળવું જ જોઇએ એવી આશા રાખી. એક- બે બાઇક દેખાયા પણ એ લોકો કદાચ ઓફિસની નજીકમાં આવેલી કોઇ ઇમારતમાં રહેતા હશે અને પાછા ફરતા હશે. બિચારા મારા જેવા જ હશે એમ વિચારી અખિલે મન મનાવ્યું.

તે ચાર રસ્તા સુધી આવી ગયો હતો. હવે કોઇ વાહનની રાહ જોયા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો. અડધી રાત્રે કોઇને હેરાન કરવાનું યોગ્ય ન હતું. સંગીતાને એ જણાવવાનો અર્થ ન હતો કે ઓફિસેથી છૂટીને ઘરે આવી રહ્યો છે. આ વાત જાણીને તે શાંતિ અનુભવવાને બદલે ચિંતા કરશે કે હું કેવી રીતે આવીશ? અખિલે આમતેમ નજર દોડાવી. બેસવાની કોઇ જગ્યા ન હતી. એક- બે દુકાનના ઓટલા એટલા નીચા હતા કે બેસવાનું ફાવે એમ ન હતું. તે આશાભરી નજરે ચારે તરફ જોતો રહ્યો. એક કાર આવતી દેખાઇ અને એના જીવમાં જીવ આવ્યો. તેણે દોડીને રસ્તાની કિનારી પર ઊભા રહી હાથ બતાવ્યો. પણ ખાનગી કાર હતી અને એમાં સ્ત્રીઓ પણ હતી. કોઇ પરિવાર ક્યાંક જઇ રહ્યો કે આવી રહ્યો હતો. કાર ચલાવનારે અખિલની સામે નજર કરી પણ એણે બ્રેક ના મારી. કારને એની જ ગતિએ હંકારી ગયો. જાણે એક આશાનો દીપક સળગ્યો અને બુઝાઇ ગયો.

ત્યાં એણે જોયું કે સ્ટ્રીટલાઇટ લબકઝબક થવા લાગી હતી. અખિલને થયું કે વધુ પડતા પાવર લૉડથી લાઇટો ઝબકારા મારે છે. તે વધારે કંઇ વિચારે એ પહેલાં બધી જ લાઇટો બંધ થઇ ગઇ. તેના દિલમાં ગભરાટ વ્યાપી ગયો. રાત્રિના સમયમાં સ્ટ્રીટલાઇટનું અજવાળું એક સહારો હતું. જે ડર ઓછો કરતું હતું. તેણે મનને મનાવ્યું કે એની પાસે ક્યાં કોઇ કિમતી સામાન છે કે લૂંટાઇ જવાની ચિંતા કરવાની? રાતનું ગંભીર વાતાવરણ અને અંધારું હવે એક ખોફ ઊભો કરતું હતું. ક્યાંકથી કૂતરાઓનો રડવાનો અવાજ આવ્યો અને એના દિલની ધડકન વધવા લાગી. અંધારામાં એ પોતાને આંધળો મહેસૂસ કરતો હતો. ઉપર આકાશના ચમકતા તારાઓ સિવાય કોઇ અજવાળું ન હતું.

અચાનક તેને લાગ્યું કે નજીકમાંથી કોઇ પસાર થઇ ગયું છે. તેણે ડર સાથે ચારે તરફ નજર નાખી. તે 'કોણ છે?' એવું પૂછી શકવાની હિંમત કરી શકે એમ ન હતો. અને ખરેખર કોઇ હતું કે એ ભ્રમ હતો? એનો ખ્યાલ આવે એમ ન હતો. એણે દૂર દૂર દેખાતા અજવાળા તરફ નજર નાખીને આશા બાંધી કે આ વિસ્તારની લાઇટો જલદી જ આવી જશે અને તેને કોઇ વાહન પણ મળી જશે.

જોતજોતામાં સવા કલાક પસાર થઇ ગયો. અખિલને થયું કે તે ચાલતો નીકળી ગયો હોત તો પણ ઘર સુધીનું અડધું અંતર કપાઇ ગયું હોત. ત્યાં ફરી એને લાગ્યું કે નજીકમાં કોઇની હલચલ થઇ છે. તેનું હ્રદય વધારે ધડકી ઊઠ્યું. તેના મનમાં પહેલી વખત ભય ઊભો થયો કે કોઇ ભૂત- પ્રેત તો ફરતું નહીં હોય ને? તેણે પોતાની બેગ છાતી સરસી ચાંપીને જાતને હિંમત આપી.

લાઇટો આવી ગઇ. તેને રાહત થઇ. તેણે વિચાર્યું કે હવે પાંચ-દસ મિનિટ રાહ જોઇને ચાલવા જ માંડવું છે. સદનસીબે પાંચ મિનિટ પછી એક કાર આવતી દેખાઇ. તેણે રોડની વચ્ચે જઇને એને અટકાવવાનો પ્રયાસ કર્યો.

કાર ધીમી ગતિએ આવી રહી હતી. અને તેણે હાથ બતાવ્યો હોવાથી નજીક આવીને ઊભી રહી હતી. તે કારમાં કોણ છે એ જોવા જાય એ પહેલાં જ સ્ટ્રીટ લાઇટો ફરી બંધ થઇ ગઇ. તેનો ડર વધી ગયો. આ જોગાનુજોગ છે કે કોઇ ગેબી કારણ છે? તેને મોબાઇલની ટોર્ચ ચાલુ કરવાનો પણ વિચાર ના આવ્યો.

તેણે જોયું કે કારના કાચ એટલા કાળા હતા કે અંદર કોણ બેઠું છે એનો અંદાજ આવતો ન હતો. તેણે હિંમત ભેગી કરી ડ્રાઇવર બાજુના દરવાજાનો કાળો કાચ આંગળીઓથી 'ટક ટક' કરી ખખડાવ્યો.

દરવાજાનો કાચ નીચે ઉતર્યો અને તેની આંખો અંજાઇ ગઇ.

ક્રમશ: