ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"રાઘવ ક્યાં છે તું?" રાઘવ નો મોટો ભાઈ મનોજે કણસતા અવાજે રાઘવને પૂછી રહ્યો હતો.
"ભાઈ હું મોહન અંકલે થોડો સામાન મંગાવ્યો હતો એ લઇ રહ્યો છું અને પછી એમના ઘરે આપવા જઈશ."
"તું જલ્દી ઘરે આવ, મને લાગે છે કે તારા ભાઈને હાર્ટ એટેક આવી રહ્યો છે એની છાતી માં અચાનક દુખાવો ઉપડ્યો છે. જલ્દીથી હોસ્પિટલમાં લઇ જવા પડશે." મનોજની પત્ની માલિનીએ રડતા અવાજે કહ્યું અને ફોન કટ કરી નાખ્યો.
xxx
"પપ્પા તમે ક્યાં છો અત્યારે?" સુમિતે અનોપચંદ ને પૂછ્યું. સાંભળીને અનોપચંદે ફોનને સ્પીકર મોડમાં કર્યો અને કહ્યું. "તું ક્યાં છે ગઈ કાલથી ફોન કેમ નથી ઉંચકતો તારી ચિંતા ઘરના બધાને અને સ્ટાફના માણસોને થાય છે."
"પપ્પા હું ઠીક છું અને હા સ્નેહા પણ ઠીક છે. અમે બન્ને સહી સલામત છીએ. લો સ્નેહા સાથે વાત કરો." કહી સુમિતે સ્નેહાને સ્પીકર ચાલુ કર્યું.
"હેલો સ્નેહા દીકરી તું ઠીક છે ને?" અનોપચંદે ભરાયેલા અવાજે પૂછ્યું. ભલે સ્નેહા એની પુત્રવધુ હતી પણ એ જન્મી ત્યારથી અનોપચંદનો એના ઘરે આવરો જાવરો હતા. એ એના ખાસ મિત્રની દીકરી હતી. એ પુત્રીવત સ્નેહ કરતો હતો.
"હા પપ્પાજી હું ઠીક છું. જિંદગીમાં પહેલીવાર તમારી સલાહ ન માની એટલે..." કહીને સ્નેહા રડી પડી.
"હશે દીકરી જે થવાનું હતું એ થઈ ગયું. આપણા કુટુંબ પર મુશ્કેલી આવવાની હતી એ બધી આવીને ચાલી ગઈ. પણ તમે બન્ને બહેનો ને ઘરે જઈને જબરદસ્ત ધમકાવવાના છે." કહેતા અનોપચંદે નીતા સામે જોયું અને એ શરમાઈ ને સહેજ હસી પડી.
"પપ્પાજી નીતા પણ છે તમારી બાજુમાં?" સ્નેહાએ પૂછ્યું.
"હા, નીતા, નિનાદ સિન્થિયા માર્શા આખું ફેમિલી છે. અહીં." અનોપચંદે કહ્યું અને સિન્થિયા અને માર્શાને અભિમાનની લાગણી થઇ આવી આવો બિલિયોનર આપણને પોતાનું ફેમિલી ગણેછે.
"એટલે તમે લંડનમાં છો એમને?" સ્નેહાએ કહ્યું.
"તમે ક્યાં છો?"
"પપ્પાજી તમે વિચારો અમે ક્યાં હશું" સ્નેહાએ જરા મશ્કરી ભર્યા અવાજમાં પૂછ્યું આજે 4 દિવસે હવે એની હિંમત પછી આવી રહી હતી.
"હવે આ બધી રમત મૂક, અને ડાહી દીકરી થઇ ને કામે વળગ અને તારા વરને ય કંઈક કામે લગાડ. તમે મથુરામાં મોજ કરતા હશો પણ જીતુભા મુસીબતમાં છે.
"ઓ બાપરે તમને કેવી રીતે ખબર કે અમે મથુરામાં હોઈશું." સ્નેહાએ પૂછ્યું
"મોહનલાલ મારી સાથે લગભગ 47 વર્ષથી, તારા અને સુમિતના જન્મ પહેલાથી કામ કરે છે સમજી. તું ગાયબ થઇ એના 10-12 કલાક પછી જયારે સુમિતે દુબઈથી ફોન કર્યો ત્યારે જ મને તારી ચિંતા થઇ હતી પણ પછી.."
"પણ પપ્પા, એણે 60 % શેર પોતાના નામે કરી લીધા છે." સુમિતે કહ્યું.
"તો ભલેને કરી લીધા તારે રૂપિયાને બટકા ભરવા છે? સહેજ અકળાઈને અનોપચંદે પૂછ્યું. અને પછી ઉમેર્યું. "એણે મને ફોન કરેલો સ્નેહા ગાયબ થઇ ને તે મને દુબઈથી ફોન કર્યો હતો સ્નેહના ગાયબ થવા વિશે. એના લગભગ 5 કલાક પછી અને મને કહ્યું હતું કે મને મારી રીતે રમવા દો. તમે અને તમારું ફેમિલી બધા 5-6 દિવસ અહીંથી આઘા રહેજો મને ત્યારે જ સમજાઈ ગયું હતું કે એ કોઈ મોટું કામ કરવા જઈ રહ્યો છે. અને ભારતમાં એની રમતમાં આડું આવે એવી આપણા ફેમિલીની એક સ્નેહા જ હતી એટલે એને ક્યાંક મોહનલાલે સલામત ગોઠવી દીધી હશે. એ જ હતું ને સ્નેહા?" અનોપચંદે પૂછ્યું.
"હા પણ એ ચાર દિવસનો અનુભવ ભયંકર હતો. પણ મથુરા નો તમને કેમ વિચાર આવ્યો?" સ્નેહા હજી વાત મુક્તી ન હતી.
"કારણ કે તું દિલ્હીમાં હતી અને ગાયબ થઇ દિલ્હીથી મથુરા જ નજીક પડે જ્યાં તને શોધવાનો કોઈ પ્રયાસ ન કરે. ગુજરાત હોતતો દ્વારિકા કે મહારાષ્ટ્ર હોતતો પંઢરપુર અને લખનૌ હોતતો બનારસ. બાકી બલદેવ ગોર ને મારા પ્રણામ કહેજો હવે અમે બધા થાક્યા છીએ. એટલે પોતપોતાની રૂમ પર જઈને ઊંઘી જઈશું. સુમિત તું જીતુભાનું સ્ટેટસ જોઈ લેજે. અને ઓલા 4 મહેમાનનું શું થયું એ પણ પૂછી લેજે. આમ તો પૃથ્વી દુબઇ ગયો છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે છતાં."
"ભલે પપ્પા. પછી મોહનલાલનું?' સુમિતે પૂછ્યું.
"અમે રાતની ફ્લાઇટ પકડીને સવારે મુંબઈ પહોંચશું. ત્તમે વહેલી સવારે ફ્લાઇટ પકડજો કાલે બપોરે ઘરે બેસીને એની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણા એક્ટિવ સ્ટાફના ખબર ફોનથી લઇ લે." કહી અનોપચંદે ફોન કટ કર્યો.
xxx
"ઓહ્હ. આમ વાત છે. એટલે કે ગુરુ અન્ના અને ચન્દ્રેશન બન્ને માત્ર પોતાનો સ્વાર્થ જ વિચારે છે એમને?" અમ્મા એ કહ્યું.
"એમ તો અમ્મા તમે પણ, ખોટું લાગે તો માફ કરજો પણ અનોપચંદની કંપનીઓ પર તપાસ કરવાની વાત તમે જ મંજુર કરેલી." ગણેશને કહ્યું. એ અંદરથી કાંપતો હતો આવડા મોટા રાજ્યના અત્યંત લોકપ્રિય ચીફ મિનિસ્ટરને મોઢામોઢ એમની ભૂલ એણે કહી હતી. ડીઆઈજીએ એની સામે આંખ કરડી કરી પણ હવે શું? તીર કમાનમાંથી નીકળી ગયું હતું. અમ્મા એના ચહેરાને એકાદ મિનિટ તાકી રહ્યા. પછી કહ્યું. "તારી વાત સાચી છે. શું નામ તારું? હા ગણેશન, એ મારી ભૂલ હતી. હું ત્યાં દિલ્હીમાં અત્યંત ટેન્શનમાં હતી. અને ચૂંટણી ગમે તે મિનિટ જાહેર થશે. અને પાર્ટી ફંડની જરૂર હતી અને અચાનક ગુરુ અન્ના એ ફોન કર્યો અને મારાથી હા કહેવાય ગઈ. પણ પુરી ઈમાનદારીથી કહું છું કે મેં વિચાર્યું કે એ માત્ર મદ્રાસની કંપનીમાં અગર કોઈ ગેરરીતિ ચાલતી હોય તો એની તપાસ કરાવશે. અને મને ખબર પડી કે એ આખા ભારતમાં બધે ઠેકાણે દરોડા પડાવવાનું વિચારી રહ્યો છે એટલે તરતજ મેં એને પાર્ટી માંથી બરખાસ્ત કરી નાખ્યો. અનોપચંદને હું પર્સનલી ઓળખું છું અને એય વર્ષોથી. એ ભારતમાં આવશે એટલે હું એની માફી માંગીશ કે મારા માણસોની ભૂલથી એમને તકલીફ પડી." એટલામાં અમ્માનો ફોન વાગ્યો. ડીઆઇજીએ જોયું તો 'લાલજી' નામ સેવ કરેલું હતું. એમણે કહ્યું "અમ્મા કોઈ લાલજી, અરે આતો હોમ મિનિસ્ટર લાલ જી નો ફોન છે." અમ્માએ ફોન ઉચક્યો. તો લાલજીએ કહ્યું. "અમ્મા કુશળ છોને" અહીં ઘણી અફવા સાંભળવામાં આવી છે."
"હા લાલજી, મને કઈ નથી થયું અહીંના ડીઆઈજી અને કમિશનર અને ખાસ તો એક ઇન્સ્પેકટર છે ગણેશન એમના દ્વારા સમયસર માહિતી મળી ગઈ એટલે. નહીં તો.."
"અશોકા હોટલ પર સ્યુસાઇડ એટેક થવાનો હતો. પણ ચીફ સેક્રેટરીએ તરત મને સૂચના આપી અને ગૃહ મંત્રાલય હરકતમાં આવી ગયું. બધા વિપક્ષના આગેવાન સલામત છે. 3-4 જણા પકડાયા છે."
"ચંદ્રેશન પકડાયો?"
"ના એ છટકી ગયો છે. પણ એરપોર્ટ ટ્રેન અને હાઇવે પર પોલીસ પહેરો સખ્ત કરી દેવાયો છે. તમે સંભાળજો. મને ખરેખર તમારી ચિંતા થાય છે." ગૃહ મંત્રીએ કહ્યું
"મને સમજાય છે ગૃહમંત્રીજી, ભલે આપણા રાજકીય વિચારો અલગ રહ્યા પણ તમે ખરેખર મારા વિશે ચિંતિત હશો જ એટલા તો તમને હું જાણું છું."
"તમારી મહેરબાની થી હું ગૃહમંત્રી હવે નથી રહ્યો મેડમ" હસતા હસતા લાલજીએ કહ્યું.
"કંઈ નહીં પાછા બની જશો. અમ્માએ પણ હસતા હસતા કહ્યું.
xxx
"ઝાહીદ, તું ક્યાં છે." પૃથ્વીએ પૂછ્યું એના હાથમાં નાનું બાળક હતું જે મસ્તીથી આઈસ્ક્રીમ કોન ચાટી રહ્યું હતું. અને તેમાંથી આઈસ્ક્રીમ પૃથ્વીના શર્ટ પર ટપકી રહ્યો હતો.
"હું બસ જીતુભાને જ્યાં રાખ્યો છે એ ગોડાઉન પર પહોંચવા જ આવ્યો છું. માત્ર અર્ધા કલાકમાં 'વર્લ્ડ હબ' મોલ પર પહોંચી જઈશ."
"પણ તારા કહેવાથી એ લોકો જીતુભાને છોડશે? વિચારી લે તારો નાનો દીકરો મારા હાથમાં જ છે." અવાજ કરડો કરીને પૃથ્વીએ કહ્યું.
"પ્લીઝ પૃથ્વી સિંહ, એને કઈ ન કરતા એ તો માંડ અઢી વર્ષનું બાળક છે. હું સામે આવું ત્યારે મને ગોળી મારી દેજો બસ." રડતા રડતા ઝાહીદ બોલ્યો.
"તો તું સુધરી ગયો છે એમ?"
"હા, પ્લીઝ એને કઈ ન કરતા, હું અહીંની સરકારને પોલીસને બધું જણાવી દઈશ. મારો ગુનો કબૂલ કરી લઈશ. મને જે સજા મળશે એ મંજુર પણ પ્લીઝ મારા દીકરાને.."
"જીતુભા પણ કોઈનો દીકરો છે. કોઈનો ભાઈ છે. કોઈનો થનારો પતિ છે. એ વિચાર પહેલા ન આવ્યો. તારા ઘરમાં બધાને બાંધી ફોનની લાઈન કાપી અને ઘરમાં બૉમ્બ પ્લાન્ટ કરીને આવ્યો છું. અડધા કલાકમાં તું મારી સામે નહીં હોય તો તારું ઘર છે ની જગ્યા એ હતું થઇ જશે."
"પ્લીઝ એવું કઈ ન કરતો. હું હમણાં જ જીતુભાને છોડાવીને.."
"જીતુભા 5 મિનિટમાં મારી પાસે પહોંચશે. મેં તને કહ્યું હતું ને કે તારા 7-8 મગતરા એને નહીં રોકી શકે એ 20 મિનિટ પહેલા ત્યાંથી નીકળી ગયો છે. હવે સાંભળ.." કહી પૃથ્વીએ ઝાહીદ ને કંઈક સમજાવવા માંડ્યું.
xxx
"ગુરુ અન્ના, ગણેશન બોલું છું."
હરામ.., ક્યાં છો તું હમણાં તારી માં, બહેન .... આવું છું મળ મને" ગુરુ અન્ન બેફામ ગાળો બોલ્યો હતો સ્પીકર દ્વારા આ સાંભળી રહેલા અમ્માએ કાન પર હાથ દાબી દીધો.
"કમિશનર સાહેબ ને મારા પર કંઈક વહેમ પડ્યો હતો. એટલે મને મળવા બોલાવ્યો અત્યારે તો અષ્ટમ પષ્ટમ સમજાવીને છૂટ્યો છું. પણ હાઉસ એરેસ્ટ છે. મારા ઘરની બહાર પોલીસ પહેરો છે. એટલે જ કોઈકના ફોનમાંથી (ડીઆઈજી નો ફોન હતો) ફોન કરું છું. મારે તમને સાંસદ બનાવવા છે."
"તું ભાડમાં જા મને શું ફરક પડે છે. ગણેશન જલ્દી બતાવ સ્કૂલબેગ ક્યાં છે. નહીં તો હમણાં તારા ઘરે ગુંડા ની ફોજ મોકલીશ. કમિશનરે બેઠો રહેશે અને તારું ત્યાંજ, તારા ઘરમાંજ ખૂન કરાવી નાખીશ." આ સાંભળીને કમિશનર ઉશ્કેરાઈને રાડ નાખવા જતા હતા. પણ ડી આઇ જી એ એનો હાથ પકડીને રોક્યા.
"સ્કૂલબેગ તો હું આપી દઈશ તમને પણ મને પણ થોડો હિસ્સો જોઈએ છે. કમસે કમ 100 કરોડની માહિતી એ બેગમાં છે." ગણેશને ડીઆઇજીએ સમજાવ્યું હતું એમ કહ્યું.
"કેટલા જોઈએ છે બોલ."
"10 કરોડ લઇને કાલે સવારે 6 વાગ્યે એકલા મરીના બીચ પર આવજો એક નાળિયેર વાળો છે ક્રિષ્નન અય્યર. એની પાસેથી નાળિયેર પી અને રૂપિયા ભરેલી બેગ ત્યાં મૂકી દેજો. અને એનાથી 200 ફૂટ દૂર સિંગ ચણા ભંડાર છે. ત્યાં જઈને કહેજો કે, 'તમને કાલે મળી હતી. એ સ્કૂલ બેગ આપો' એટલે એ આપી દેશે. અને અત્યારે ત્યાં માણસો મોકલવાની ભૂલ ના કરતા ત્યાં કોઈ નહીં હોય. ના વહેલા સવારે ચાલાકી કરતા કેમ કે નહીં તો સ્કૂલ બેગ નહિ મળે. અને તમારી જાણ ખાતર કહી દવ કે એમાં ચન્દ્રેશનના વિરુદ્ધ અમ્માની હત્યાનું કાવતરું કરવાના તમામ સબૂત છે. તમારે સાંસદ થવું હોય તો 10 કરોડ આપી દો તમારું સાંસદ થવાનું પાક્કું."
"હું કોઈ ચાલાકી નહીં કરું. તારા રૂપિયા તને મળી જશે. ગણેશન તારો ઉપકાર હું નહિ ભૂલું."
"તો તમે હમણાં જ અમ્માને ફોન કરીને કહો. એમનો જીવ બચી જશે. હુમલો આજે જ થવાનો છે."
"તને હું એટલો મૂર્ખ લાગુ છું. અમ્મા નું જે થવાનું હોય એ થાય. હું કાલે પ્રેસ કોન્ફરન્સમાં આ સબૂત બતાવીશ. અમ્મા નહીં હોય અને ચંદ્રેશનની ધરપકડ કે એન્કાઉન્ટર થશે એટલે પાર્ટીના વેલ વિસર તરીકે પાર્ટી મારી અંડરમાં. હા મુત્થુસ્વામી છે. પણ એમને ય હું ક્યાંક ફસાવીને મેનેજ કરી લઈશ. 20 વર્ષથી અમ્માના ચપ્પલ ઉપાડીને ફર્યો છું. હવે સત્તા મેળવવાનો સમય છે. તું ચિંતા ના કર મારું કામ થઈ જશે તો હું કમિશનરને હટાવી દઈશ, અરે તને કમિશનર કે વિધાનસભ્ય બનાવી દઈશ. અને કાલે આપું એ 10 કરોડ તો બોનસ સમજજે તને રૂપિયામાં નવડાવીશ." આ સાંભળીને અમ્માનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. એ કંઈક બોલવા જતા હતા. પણ ગણેશને પરિસ્થિતિ સમજી ને ફોન કટ કરી નાખ્યો.
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો.