Prem - Nafrat - 50 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૫૦

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૫૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૦

આરવ પહેલી વખત દિલ ખોલીને નાચ્યો હતો. તેના દિલમાં ખુશીનો એટલો ઊભરો હતો કે નાચીને વ્યક્ત કરી રહ્યો હતો. રચનાના મનમાં પોતે આયોજન મુજબ જ આગળ વધી રહી હોવાની ખુશી હતી. એક પછી એક કદમ એકદમ વ્યવસ્થિત મૂકી રહી હતી. કોઇ અવરોધ આવી રહ્યો ન હતો. સાપસીડીની રમતમાં ઘણા નસીબદાર હોય છે જેમને સીડી જ મળે છે અને મંઝિલ પર ઝડપથી પહોંચી જાય છે. રચના પોતાને એવી જ ભાગ્યશાળી માની રહી હતી. જ્યારે મિત્રોએ બીજા એક ગીત પર ડાન્સ કરવાની ફરમાઇશ કરી ત્યારે આરવે હાંફતા- હાંફતા ના પાડી દીધી. પણ એ માન્યા નહીં. એમણે રચનાને પણ તૈયાર કરી દીધી અને બીજા ગીત પર તૈયારી વગર જેવું આવડે એવું નાચવા કહી દીધું.

ફરી એક ગીત શરૂ થયું.

'આપ યહાં આયે કિસલિયે? આપને બુલાયા ઇસલિયે, આયે હૈં તો કામ ભી બતાઇએ, પહલે જરા આપ મુસ્કુરાઇયે...'

રચના મનમાં જ મુસ્કુરાઇને વિચારતી હતી કે આરવે એને એના જીવનમાં બોલાવી તો લીધી છે પણ એ કયા કામથી આવી છે એ જાણતો નથી. આરવ ગીતની બે પંક્તિ સુધી જ ડાન્સ કરી શક્યો. થાકીને બેસી ગયો. રચના પણ થાકીને લોથપોથ થઇ ગઇ હતી. એ તેની સાથે જ ખુરશી પર બેસી પડી.

મોબાઇલના લોન્ચિંગની સાથે આરવનો લગ્ન સમારંભ રંગેચંગે ઉજવાઇ ગયો હતો. લગ્ન પછી બધાં પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા. બધું સમેટીને આરવનો પરિવાર બંગલા પર આવી ગયો હતો. આરવ અને રચના રાત્રે શહેરની એક જાણીતી હોટલમાં જવાના હોવાની વાત ઘરમાં હતી પણ છેલ્લી ઘડીએ એમાં રચનાએ ફેરફાર કરાવ્યો હતો. આરવને એ વિચાર પસંદ આવ્યો હતો. રચનાએ શહેરની નજીકના એક ફાર્મહાઉસમાં જવાનું નક્કી કરાવ્યું હતું. આરવને એ કુદરતી જગ્યાએ જવાનું પસંદ આવ્યું હતું. બંનેએ વહેલા નીકળી જવું પડે એમ હતું. લખમલભાઇએ સુલોચનાબેનને વહુના આગમનની વિધિઓ ઝડપથી પતાવી એમને જવા માટે છૂટા કરવાનું કહી દીધું હતું. સુલોચનાબેન સાથે અલકા અને સોનલ જોડાયા હતા. આમ તો એ બંને વહુઓને કેટલીક બાબતોમાં મતભેદ હતો. બંને હવે એને બાજુ પર મૂકી દેવા માગતી હતી. બંનેના પતિઓએ એમને અણસાર આપી દીધો હતો કે રચનાએ કંપની પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનું શરૂ કરી દીધું છે. એ ઘરમાં પણ પોતાનું ચલાવવાની કોશિષ કરશે. નવી વહુ હોવાથી મમ્મી- પપ્પા એને વધારે લાડ લડાવશે. એની સામે ઝીંક ઝીલવા તમારે બંનેએ એકમત રહેવું જરૂરી બનશે. આ કારણે બંનેએ પોતાના વિચારો સાથે સમાધાન કરી લીધું હતું. રચનાને ઘરમાં આવકાર આપતી વખતે એમના ચહેરા પર ખુશી છલકી રહી હતી એ બનાવટી હતી. એમના દિલમાં પોતાનું સ્થાન લઇ લેશે એવો ગભરાટ અને ચિંતા વધારે હતા.

આરવ રચનાને લઇને ફાર્મહાઉસ પર જવા નીકળ્યો ત્યારે તાજગી અનુભવતો હતો. એ વિદેશમાં ભણતો હતો ત્યારે ઘણી છોકરીઓએ એની સાથે દોસ્તી કરવાની કોશિષ કરી હતી પરંતુ એણે કોઇને દાદ આપી ન હતી. આરવે નક્કી કર્યું હતું કે તે ભારતમાં રહેતી કોઇ ભારતીય છોકરીને જ જીવનસાથી બનાવશે. રચનાએ ભણતી વખતે પહેલાંથી જ પોતાનું ધ્યેય 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીમાં પ્રવેશ મેળવવાનું રાખ્યું હતું. એણે કંપનીના માલિકના કોઇ છોકરા સાથે લગ્ન કરવાની શક્યતા જોઇ ન હતી. કંપનીમાં પ્રવેશ પછી પોતાનો હેતુ સરળતાથી પાર પાડવા અને મોટા પાયા પર સફળતા મેળવવા આરવ સાથેના લગ્નથી સારો કોઇ માર્ગ દેખાયો ન હતો.

રચના જીપ ચલાવતા આરવને જોઇ જ રહી હતી. સાથે વિચારતી હતી કે આરવ બહુ ભોળો છે પણ એને હથિયાર બનાવવા સિવાય બીજો કોઇ ઉપાય નથી. એને માધ્યમ બનાવીને જ પોતાનું લક્ષ્ય પૂરું કરી શકાય એમ છે. મરતા પહેલાં માના જીવને ટાઢક થાય એવું કંઇક કરવું જ છે.

પોતાની સામે તાકી રહેલી રચનાને જોઇ આરવ રોમેન્ટિક થઇને બોલ્યો:'આજે નજરના તીરથી ઘાયલ કરવાનો ઇરાદો લાગે છે. પણ પછી તારો વારો આવશે એ ભૂલતી નહીં. આજની રાત મારે ચાંદનીને નીરખવાની છે...તને જોવાથી જ મારા દિલમાં ટાઢક થઇ જાય છે!'

'વાહ! લગ્ન પછી મહાશય કવિરાજ બનવા લાગ્યા છે!' રચનાએ હસીને કહ્યું.

'તારા જેવી કવિતા મળી જાય તો કોણ કવિ ના બને?' આરવે જીપને ફાર્મહાઉસના પાર્કિંગમાં પાર્ક કરતાં કહ્યું.

રચના મુસ્કુરાઇને શરમાઇ ગઇ.

બંને ચેકઇનની વિધિ પતાવીને પોતાના આલીશાન રૂમમાં પહોંચ્યા. આરવે દરવાજો બંધ કરીને રચનાને પોતાની બાંહોમાં ઊઠાવી લીધી અને બેડ પર લઇ ગયો.

આરવ રચના સાથે પ્રેમ ચેષ્ટાઓ કરવા લાગ્યો. રચનાએ શરમાવાનું નાટક કર્યા કર્યું. જ્યારે ઉત્તેજનાના એક મુકામ પર આવીને આરવે એના વસ્ત્રો દૂર કરવાનું શરૂ કર્યું ત્યારે રચના ગંભીર થઇ તેને અટકાવતાં બોલી:'આરવ, પ્લીઝ, આગળ ના વધીશ...'

'કેમ? શું થયું?' આરવ ચોંકી ગયો.

'આપણે સુહાગરાત મનાવી શકીશું નહીં...' રચનાએ બેડ પરથી ઊભા થઇ કપડાં સરખા કરતાં કહ્યું.

આરવ માટે આ વાત મોટા આંચકા સમાન હતી. તેના ચહેરા પર સવાલ દેખાયા. રચના કેમ તેને અટકાવી રહી છે? અહીં બંને હનીમૂન મનાવવા આવ્યા છે. એણે જીવનની કોઇ વાત મારાથી છુપાવી હતી કે શું?

ક્રમશ: