હિરણનદીના ખળખળ વહેતા પાણીને કાંઠે બેઠેલા રાધી અને કનો એકબીજાની મનની વાત સમજી તો રહ્યા હતા. પરંતુ મનની વાત મોઢે લાવી શકવા માટે તેના સંસ્કારો અને રિવાજોને લીધે અસમર્થ હતા. રાધીએ તેના મનનો ઉકળાટ માછલીની વાત કરીને હળવો કર્યો. વાતાવરણમાં હજી પણ ઉકળાટ હતો. આકાશમાં વાદળા ઘેરાઈ રહ્યા હતા. તેની વચ્ચેથી અલપ ઝલપ થતો સૂરજદાદો ઘડીક ઘડીક પોતાનો ગરમ સ્વભાવનો પર્ચો આપી જતા હતાં. જેના લીધે રાધી પરસેવાથી પલળી ગઈ હતી. રાધીના પરસેવામાં તેની યુવાની અને સ્ત્રીત્વની સુગંધ ભળી ગઈ હતી. આ સુગંધ કનાને મહેસુસ થઈ રહી હતી. રાધીના બદનની આ ખુશ્બુ અને ગોઠણ સુધી ખુલ્લા ભીંજાયેલા પગ કનાની યુવાનીને મધહોશ કરી રહ્યા હતા. એક જ પથ્થર પર બેઠેલા હોવાથી સંકડાશને લીધે અનાયાસે થઈ જતો સ્પર્શ બંને યુવાન હૈયાને પસંદ આવી રહ્યો હતો. આ બંને યુવાન હૈયાને જોવા માટે હિરણ નદીનું પાણી પણ જાણે ઘડીક થંભી જતું હતું તેવું લાગી રહ્યું હતું. પરંતુ પાછળથી આવતા પાણીના દબાણને લીધે આ થંભેલું પાણી ગોળ ગોળ વમળ આકારે ફરીને ત્યાં ભમરી(પાણી ગોળ ગોળ ફરે એને વચ્ચે ઉંડે સૂધી એક છિદ્ર જેવું બને તે)નું સર્જન થતું હતું. જે ફરી મૂળ પ્રવાહમાં ભળી આગળ વધી રહ્યું હતું.
રાધીના ચહેરા પર દર્દ ભર્યું સ્મિત હતું. તેને નાનપણથી જ કના સાથે ખૂબ ફાવી ગયું હતું. તેનો ભાઈ કહો કે મિત્ર એ બધું જ કનો હતો. આખો દિવસ માલઢોર ચરાવતા બંને સાથે જ રમતા અને ઝઘડતા પણ ખરા. રાધી આખો દિવસ કનાને ગીરની અને ગીરના પશુ પંખીડાને ઝાડવાની વાતો કર્યા કરતી. ઘણા વર્ષોથી સાથે રહેતા રાધી અને કના વચ્ચે ક્યારેય આકર્ષણ થયું ન હતું. પરંતુ છેલ્લા દિવસોમાં બનેલી ઘટના, જેમાં રાધીને કનાએ પાણીમાં ડૂબતી બચાવી. ત્યારથી રાધી પોતાનું આ જીવન કનાએ જ આપેલું છે, એવું સમજી રહી હતી.હવે કનાને પણ રાધી પ્રત્યે લાગણી વધી રહી હતી. આ દુર્ઘટના પછી રાધીની મા નું ધ્યાન પણ રાધી પર વધારે ગયું છે. રાધીની મા ને રાધી અચાનક યુવાન થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સ્ત્રીની આંખમાં અજબ શક્તિ હોય છે. પોતાના સંતાનો અને તેમાંય ખાસ કરીને પોતાની દીકરીના શારીરિક અને માનસિક ફેરફારની સ્ત્રીને તરત જ ખબર પડી જતી હોય છે. રાધીની મા એ રાધીના શરીરમાં અને વર્તનમાં આવેલ ફેરફારથી રાધી યુવાન થઈ ગઈ હોવાનું જાણી લીધું. એટલે હવે તે પણ પોતાના પતિ નનાભાઈને રોજ રોજ રાધીની સગાઈ કરી નાખવા દબાણ વધારી રહી હતી. અને તેથી જ હવે રાધીની મા રાધીને જંગલમાં માલ ઢોર ચરાવવા આવવા દેતી નથી.
કાયમ જંગલમાં ઉછરેલી જંગલની હરણી જેવી રાધીનો જીવ ઘરે ખૂબ મુંજાય છે. ઘરે રહીને પણ તેને આખો દિવસ ગીર, હિરણનદી અને કનો યાદ આવ્યા કરતો હતો. એટલે જ તેણે કનાને કહ્યું કે હજી એક માછલી તડપી રહી છે તેને તું આ તડપનમાંથી છોડાવી દે. પણ આવું કરવું અને કહેવું માલધારી યુવાન માટે સહેલું ન હતું. તેમાંય કનો અહીં મોહાળમાં રહીને ઉછર્યો હતો. કનો પોતાની બધી ઈચ્છાઓ ખુલીને અહીં કેવી રીતે કહી શકે? વળી ગેલાનું ખોરડું આર્થિક રીતે નનાભાઈની બરાબરી કરી શકે તેવું ન હતું. ગેલા પાસે વધારે માલઢોર ન હતા. જે થોડા ઘણા હતા તેના દૂધ વેચીને ગેલો પાંચ જણાનું ગુજરાન આરામથી હકાવતો. જોકે તેમ છતાં ગેલાનુ ખોરડું ખાધેપીધે તો સુખી હતું. પરંતુ રાધીના ઘરની આગળ કનાનું ઘર નાનું પડે. રાધીના આપા નનાભાઈને ભેંસોનું મોટું ખાડું હતું. જેનું દૂધ રોજે રોજ કેનના કેન ભરીને ડેરીમાં ભરાતું હતું. જેની આવક હજારોમાં હતી. એટલે ગેલાની ઈચ્છા હોવા છતાં તે નનાભાઈ પાસે કના માટે રાધીની માંગણી કરી શકે તેમ ન હતો. રખેને નનાભાઈએ ઘસીને ના કહી દીધી હોય તો પોતાની વર્ષોની આબરૂ અને સંબંધ બધું જવાની બીક હતી.
ભારેખમ મૌન તોડતા કનાએ રાધીને કહ્યું,"રાધી તું તારા આપાને તારા મનની વાત ન કહી હકે? તારે ગર્ય મેલવી નથી એવું તો કઈ હક ને?"રાધીના મોઢા પર મજબૂરીની રેખાઓ ખેંચાઈ આવી, "કના તની હૂ કવ? મેં તની અગાઉ પણ કહેલું સે કે, મારી ઉપર મારા આપાનો ખૂબ મોટો ઉપકાર સે. એણે એનું આખું આયખું મારી ઉપર ઓળઘોળ કરી દીધું સે. હું મારી મા ની હારે આંગળીયાત આવેલી સુ. મારી હાસવણી હારી રીતે થાય અને મારી પરતે હેતપરિત ઓસી નો થાય એ હારું થઈ મારા આપાએ બીજું સંતાન જ નો થાવા દીધું. મને ઈની હગી દીકરી કરતા ય વધારે હેત આપ્યું. હવે તું જ કે હું એના વેણને કેવી રીતે વાઢી હકું!? મારા આપાને હવે ગર્ય ઉપર ભરોહો નહીં રહ્યો. મારા આપા કેતા'તા કે ગમે તે'દી માલધારીએ ગર્ય અને નેહડા ખાલી કરવા જોહે. એટલે ઈ મને ગર્યની બારે જ આપસે. અને મારી મા હવે જટ ઉતાવળી થઈ જઈ સે કે ક્યારે મારા હાથ પીળા કરી દે ને ક્યારેય એનો ભાર ઉતરે!"આમ કહી રાધીએ નજર નીચે ઢાળી દીધી જેથી તેની આંખોમાં આવેલા ઝળઝળિયા બહાર ટપકી ના પડે.
ઘડીક રહીને રાધીએ વાત આગળ ચલાવી, "મારા આપા જ્યાં કેહે નયાં હું હાલી જાશ. પણ મારી રગેરગમાં તો ગર્ય જ રેશે.ગર્યની ધૂડ, હિરણનું પાણી કાયમ મારી રગુમાં ધોડ્યા કરશે.કના તને આજ હું ઈ વાત કરવા જ આવી હૂ. મારી મા અને આપાએ મારી હગાઈની વાત નક્કી કરી સે. થોડા દાડામાં મારી હગાઈ પણ થય જાહે. હવે મારી મા મને માલમાં આવવા દે ઇમ નહીં.આજયે તો હું પરાણે માલમાં આવીસુ.હવે કદાસ આપણે આયા ગીરમાં કેદીયે નહીં મળવી."આટલું બોલતા રાધીના ગળે ડૂમો ભરાઈ ગયો. તે આગળ બોલી ન શકી. આંખમાંથી દડદડ કરતાં આંસુ પડવા લાગ્યા. કનો પણ ગંભીર થઈ ગયો. આ પરિસ્થિતિમાં તેણે શું કરવું જોઈએ તે તેને પણ સમજાતું ન હતું. કનાની આંખો પણ સજળ થઈ ગઈ. કનાએ નાકમાં આવેલું પાણી પાછું ખેંચતા કહ્યું, "રાધી આપડો હંગાથ આટલો જ હશે બીજું શું? તારી વગર મને ય ગર્યમાં નહીં ગોઠે. આ માના ખોળા જેવી ગર્ય તારી વગર વેરાન લાગશે. હું માલમાં આવીશ તોય ગર્ય મને ખાવા ધોડશે."આનાથી વધુ કનો કશું ના બોલી શક્યો. રાધીની આંખોમાં હજી પણ આંસુ વહી રહ્યા હતા. જે હિરણના વહેતા પાણીમાં ભળીને મીઠા બની આગળ ચાલી નીકળ્યા હતા.
થોડો સ્વસ્થ થઈ કનાએ કહ્યું, "રાધી તું નહીં હો ને તો હુય માલમાં નહીં આવું. આમેય હવે મને મારું કાઠીયાવાડ હાંભર્યું સે. હુંય ગર્યને મેલીને કાઠીયાવાડ ભેગો થઈ જાશ."કનો ઘડીક ગમગીન થઈ ગયો, વળી નિઃસાસો નાખી બોલ્યો, "પણ ન્યા જઈને ય હૂ કરીશ?ઈમ મને મનમાં થાય સે. ઘરે જાવ એવી મને મારી મા હાંભરી જાય સે."એટલું બોલી કનાએ નાક લુછવાના બહાને આંખો પણ લૂછી નાખી.
ચારે બાજુ પાણી જ પાણી હતું. હિરણનદીમાં ધસમસતું પાણી હતું, કના અને રાધીની આંખોમાં હુંફાળું પાણી હતું, અને માથે ઘેરાયેલા વાદળામાં જળુંબી રહેલું પાણી હતું. ઘડીક શાંતિ છવાઈ ગઈ. વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. હિરણનું પાણી ખળખળ કરતું જાણે સંગીત રેલાવી રહ્યું હતું. આકાશ કાળુ ડમ્મર થઈ ગયું હતું. એટલામાં મેઘાડંબરથી ઉન્માદમાં આવેલો મોરલો ઘેરાયેલા વાતાવરણને ચીરતો ટેહુક... ટેહુક..કરી જાણે મલ્હાર ગાવા લાગ્યો. વાદળા પણ જાણે મોરલાના આમંત્રણની રાહે જ હોય તેમ ટપ... ટપ..કરતાં ટીપું..ટીપું...થઈ ધરતી પર ધુબકા દેવા લાગ્યા. ઊંડે ઊંડે હરૂડાટનો ગેબીનાદ સંભળાઈ રહ્યો હતો. જેને બીજા હરીફ સિંહની ડણક સમજી નજીક રહેલો સાવજ સામે પ્રતિધ્વનિ આપતો હૂકવા લાગ્યો. જેના હૂંકવાનો ધ્વનિ વરસાદી વાતાવરણને લીધે ચોખ્ખો દેખાઈ રહેલા ગિરનારના ડુંગર સાથે અથડાઈને પડઘાઈ રહ્યો હોય તેવું લાગતું હતું.
કનો અને રાધી ઘડીક તો વરસાદમાં ભીંજાતા બેસી રહ્યા. આજે બંનેને અહીંથી ઊઠવાનું મન થતું ન હતું. જોરદાર પવનની ઠંડી લહેરખીઓ વધારે વાદળોને ખેંચી લાવી. ધીમીધારે વરસી રહેલો વરસાદ ઘાટા છાંટે વરસવા લાગ્યો. ઝાડવાઓ એક ધ્યાન થઈ વરસાદમાં સ્નાન કરી રહ્યા હોય તેવું લાગતું હતું. થોડા દિવસ પહેલા પણ સારો વરસાદ વરસી ગયો હોવાથી અમૂક ઝાડવાઓમાં નવા પાંદડા ફુટી નીકળ્યા હતા. જેના લીધે સુકાઈ ગયેલું ગીરનું જંગલ લીલા કલરમાં પીછી બોળી ક્યાંક ક્યાંક ખંખેરી હોય તેવું થોડું થોડું હરિયાળું લાગી રહ્યું હતું. ધીમેધીમે મેઘ ગર્જના નજીક આવી રહી હતી. ધીમી ધારે વરસતો વરસાદ પોતાના અસલ રૂપમાં આવી ગયો હતો. ધોધમાર વરસતાં વરસાદમાં કનો અને રાધી પાણીથી તરબોળ થઈ ગયા હતા. વરસાદ સાથે પવન ભળતા વરસાદ તોફાની થઈ ગયો હતો. પલળી ગયેલા કનો અને રાધી હવે પથ્થર પરથી ઉભા થઈ વરસાદથી બચવા કાંઠે ઉભેલા ઘટાટોપ બોરસલીના ઝાડ નીચે જતા રહ્યા. રાધીને કનો પાણીથી નીતરી રહ્યા હતા. રાધીના વાળની છૂટી લટોમાં થઈને પાણીની બુંદો નીચે પડી રહી હતી.રાધીની ચુંદડી ભીંજાઈને તેનાં શરીર સાથે ચોટી ગઈ હતી.જે પાછળ સંતાડેલી રાધીની યુવાનીને ઉજાગર કરી રહી હતી. ક્યારની પલળી રહેલી રાધીના શરીરમાં ઠંડીની અસરથી ધ્રુજારીનો અનુભવ થઈ રહ્યો હતો. રાધીના ગોરા હાથ પર આછી ભૂરી રુવાટી ઠંડીને લીધે ઊભી થઈ ગયેલી હતી. ઠંડીને લીધે રાધીનો નીચેનો હોઠ થથરી રહ્યો હતો. રાધીની દાઢીમાં પણ ધ્રુજારી આવી રહી હતી. બોરસલીનું ઝાડ પણ વધારે વરસાદનો ભાર ન વેંઢારતા ધીમે ધીમે વરસવા લાગ્યું હતું. ચારે બાજુ નકરું પાણી પડી રહ્યું હતું. જેના લીધે થોડે દૂર પણ કશું દેખાતું ન હતું. માલધારી પોતાના માલ ભેગા કરવા માટે હાંકલા પાડી રહ્યા હતા.જે અહીં સુધી સંભળાય રહ્યાં હતાં. ભેંસોને વરસતાં વરસાદમાં ચરવાની વધારે મજા આવે,એટલે તે પણ આગળ ચાલતી ન હતી.
આવાં ઠંડા અને ભીના વાતાવરણમાં વરસાદની હેલીમાં રાધી અને કનો પાણીથી તરબોળ એકબીજાની નજીક ઉભા હતા. બંનેની નજર એકબીજા સામે જે હતી. વરસાદના પાણીએ બંનેના આંસુને સારી પેઠે છુપાવી લીધાં હતા. રાધીના શ્વાસોશ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતાં. જેના લીધે રાધીની છાતી ઊંચી નીચી થઈ રહી હતી.ભીની ચુંદડીને લીધે જે દેખાઈ રહી હતી.જે યુવાન રાધીને વધારે યુવાન બતાવી રહી હતી. કનાના હાથ પણ ધ્રુજી રહ્યા હતા.ઉપરથી વરસી રહેલાં પાણીથી બચવા બંને એક એક ડગલું નજીક આવ્યા. વરસાદની ઠંડકમાં રાધીના ઝડપથી ચાલી રહેલા ઉના શ્વાસનો કનાને અનુભવ થઈ રહ્યો હતો. અચાનક આકાશમાં આગનો મોટો લિસોટો ધરતી સુધી લંબાયો. થોડી જ વારમાં ભયંકર કડાકો થયો. આગનો આવો મોટો લિસોટો અને આવો ભયંકર કડાકો એકદમ નજીક વીજળી ત્રાટકી હોવાનું બતાવી રહ્યો હતો. આમ તો ગીરના જંગલમાં ઘણી વખત વીજળી પડતી હોય છે. તેથી માલધારીઓ આવા કડાકા ભડાકાથી ડરતા નથી. પરંતુ આજે કોણ જાણે શું થયું!? રાધીએ બાજુમાં ઉભેલા કનાને બાથ ભીડી લીધી. રાધીના બંને હાથે કોઈ ઝાડના થડ ફરતે વીંટળાઈ વળેલી વેલની પેઠે કનાને જકડી રાખ્યો હતો. જેની પક્કડ વધારેને વધારે મજબૂત થતી જતી હતી. રાધીએ કનાને ભીંસી દીધો હતો. ઘડીક તો કનાને શું કરવું સમજાયું નહીં. કનાના હાથ હજી પણ નીચે સીધાં જ હતા. રાધીના ગરમ શ્વાસ કનાની ડોકે અથડાઈ રહ્યા હતા. રાધીના હોઠ કનાના ભીંજાઈ ગયેલાં ખંભે લિંપાઈ ગયાં હતાં. રાધી જોરથી હાંફી રહી હતી. જેના લીધે જોરથી ધડકી રહેલા રાધીના હૃદયની ધડકન કનાની છાતી સાથે અથડાઈ રહી હતી. બંનેના શરીર જાણે એક થઈ ગયા હોય તેવું લાગતું હતું. વેગથી વાય રહેલો વાયરો પણ આ બંને યુવા શરીરની વચ્ચેથી પસાર થવામાં અસમર્થ હોવાથી બાજુમાં થઈને નીકળવા લાગ્યો હતો.બંને યુવાન હૈયાએ અત્યારે એકમેક વચ્ચેનું અંતર લોપી નાખ્યું હતું. આ સુંદર દ્રશ્ય જોઈને વરસાદને પણ કંઈક યાદ આવી ગયું હોય તેમ તે પણ અનરાધાર વરસવા લાગ્યો હતો. જે બોરસલીના ઝાડની આરપાર થઈ બંને યુવા હૈયાને ભીંજવવા લાગ્યો.
પોતાને વેલીની માફક વિંટળાયેલી રાધીને હવે કનાએ પોતાના મજબૂત બાવડાની ઝકડમાં દબાવી લીધી. વીજળીના ચમકારા અને કડાકા ભડાકા થવા લાગ્યા. જાણે આજે આકાશના વાદળાં પણ આનંદમાં આવી એકબીજાને ભેટી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. જેનાં ભેટવાથી વધું ને વધું વીજળીના ચમકારા થવા લાગ્યાં. થોડે દૂર વરસાદથી બચવા એક સાવજ અને સિંહણ પણ એક ઝાડવા નીચે આશરો લેવા આવી ઊભા રહી ગયા. બંને પાણી ઝાપટવા શરીરને ધ્રુજાવી પાણી ઉડાવી રહ્યા હતા.સાવજે પોતાની ડોક ધ્રુજાવી કેશવાળી ઝાપટી પાણી ઉડાડ્યું.હાવજ સિંહણને કોરી કરવાં લાંબી જીભે ચાંટી રહ્યો હતો..
ક્રમશ: .....
(બંને યુવા હૈયા,સિંહ,સિંહણ અને ગીરને ભીનાડાએ મદહોશ કરી દીધાં...વાંચતા રહો"નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
Watsapp no. 9428810621