Jivanno Dhyey aatlo j Hovo Ghate in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | જીવનનો ધ્યેય આટલો જ હોવો ઘટે!

Featured Books
Categories
Share

જીવનનો ધ્યેય આટલો જ હોવો ઘટે!

જીવનનો ધ્યેય આટલો જ હોવો ઘટે!

     શેના માટે જીંદગી હશે આપણી? શા હેતુ માટે હશે એવો કંઈક વિચાર કરેલો? જન્મ્યા છીએ એટલે જીવવાનું, પણ તે તો લોકો ય જીવે છે ને! બધાં જાનવરો ય જીવે છે. આ જીવવાનું શેને માટે છે, એવો કંઈ ધ્યેય નક્કી કર્યો છે? આખી જીંદગી શેના હારુ જીવવાની, એવું કંઈક હોવું જોઈએ કે ના હોવું જોઈએ? નામ કાઢવા માટે, કીર્તિ કાઢવા માટે, આબરૂ રાખવા માટે? શેના માટે? તમને શું લાગે છે? કે આપણે લોકોમાં સારા દેખાઈએ એવી હરીફાઈ માટે?

     પણ ધ્યેય કશું ના હોય માણસને? શું ધ્યેય હશે? જીવવું સફળ છે એ કોને કહેવાય? એનો વિચાર આવે કર્યો છે તમે? એક પચ્ચીસ હોર્સ પવારનું ઈન્જિન હોય, એની મહીં તેલ નાખ્યા કરીએ, ઓઈલ નાખ્યા કરીએ ને પછી એને ચલાવીએ, તે ચાલ ચાલ કરે અને આપણે જોયા કરીએ. તો લોકો આપણને ઠપકો આપે ખરાં કે? લોકો શું કહે છે કે અરે! ઈન્જિનને શું કામ વગર કામના ખાલી ચલાવ ચલાવ કરો છો? કંઈ પટ્ટો આપો ને કંઈ કામ કરાવી લો ને!        

   એવું આ મનુષ્યજીવનને પટ્ટો આપવાનો છે. એના માટે આપણે જીવવાનું છે. નહીં તો જીવીને આ બધાંય ખાય છે. આ બધાં જાનવરો ખાય છે ને? પણ પટ્ટો એટલે આપણે કઈ ગતિમાં જવું છે? દેવગતિમાં જવું છે કે મનુષ્યગતિમાં આવીને ગાંધીજી જેવા થવું છે? કે પછી આપણે મોક્ષે જવું છે? એવો ધ્યેય નક્કી કર્યા વગર કામ જ શી રીતે થાય? તમારો ધ્યેય શું જીવનમાં?

    મોક્ષે જવાનો જ! એ જ ધ્યેય હોવો જોઈએ. તમારે ય મોક્ષે જ જવું છે ને? ક્યાં સુધી ભટકવું? અનંત અવતારથી ભટક, ભટક, ભટક... કંઈ ભટકવામાં બાકી જ નથી રાખ્યું ને! જાનવરમાં, મનુષ્યગતિમાં, દેવગતિમાં બધે ભટક, ભટક, ભટક જ કર્યું છે.

    હવે શાથી ભટકવાનું થયું? કારણકે, ‘હું કોણ છું’ તે જ ના જાણ્યું. પોતાના સ્વરૂપને જ જાણતાં નથી. પોતાનું સ્વરૂપ જાણવું જોઈએ. પોતે કોણ છે એ ના જાણવું જોઈએ? આટલું બધું ફર્યા તો યે ના જાણ્યું તમે? એકલા પૈસા કમાવા પાછળ પડ્યા છો? મોક્ષનું યે થોડુંઘણું કરવું જોઈએ કે ના કરવું જોઈએ?

    અત્યારે તમે બંધનમાં છો કે નથી? તમે બંધાયેલા છો, એ ખબર પડે? બંધન શું છે એ ખબર પડે છે? પરવશતા ખબર પડે છે?

    એક પાંજરું હોય, એમાં વાંદરાને પૂરી દઈએ તો વાંદરો શું પ્રયત્ન કરે પછી? હા, હવે એને મહીં પાંજરામાં બંધન ગમતું નથી. એને મોક્ષ જોઈએ છે. એને આ પાંજરાનું બંધન ગમતું નથી. એવું તમે આ બધાં બંધનમાં છો. પણ તમે બંધનમાં છો એવું તમને હજુ ભાન થયું નથી. મોક્ષ તમને સમજાય ક્યારે? જેટલું જેટલું બંધન છે એનું ભાન થાય. જ્યાં ને ત્યાં ઉપાધિ લાગે, પાંજરામાં ઘાલ્યા હોય એવું લાગે ત્યારે. પાંજરામાં તો પેલાં વાંદરાને ય ના ગમે, તો આપણને કેમ કરીને ગમે? ઘેર મોડા ગયા હો, તો ઘરમાં ઠપકો આપે ખરાં? તો તમને ગમે? એનું નામ બંધન, પરવશતા. એટલે બીક મહીં લાગે ને, મોડું થઇ જાય તો? અને કંઈક ખોટું થઈ ગયું હોય તો સરકારની બીક લાગે ને? એ બધી પરવશતા અને પરવશતા એ જ બંધન છે. આ શરીર કે માથું દુઃખતું હોય તો આપણે બહાર નીકળીને બેસાય? મહીં ઘરમાં બેસી રહેવું પડે ને? દુઃખ ભોગવવું પડે ને? હા, પ્રકૃતિથી તો પરવશ. પણ આ બધા ઘરના માણસો બધાથી યે પરવશને. પેલા કહેશે, સવારના સાત વાગ્યા તો ઉઠયા નથી ને હજુ? આપણે થાકેલા હોઈએ, પણ પેલા બોલે ‘ઉઠયા નથી’. એટલે આપણે પાછું ઉઠવું પડે. નહીં તો કહેશે, ‘એય ચા થઈ ગઈ, ઊઠો.’ તે તબિયત સારી ના હોય તો ય ઉઠવું પડે ને? હા, શું થાય પણ? મહીં આખા ટોળાવાદમાં આવ્યા છીએ. પરસ્પર સંબંધમાં તે પરવશ રહેવું જ પડે ને? નિરાલંબ સંબંધ ઉત્પન્ન થાય તો જગતમાં કોઈની યે જરૂર ના પડે.

    આ તમને અહીં સત્સંગમાં બે કલાક બેસાડી રાખે, અહીંથી જવા ના દે. મહીં ભૂખ લાગે તો શું કરો તમે? એ ભૂખનું બંધન કેટલું? તરસનું બંધન, ઊંઘનું બંધન. પછી આ પોલીસવાળો પકડે  એ ય બંધન, સ્ત્રીનું બંધન, છોકરાનું બંધન, કેટલા પ્રકારનાં બંધનો! વાળ ના કપાવ્યા હોય ને મોટા થઇ ગયા હોય તો મનમાં બંધન લાગ્યા કરે. નખ ના કાપ્યા હોય તો બંધન લાગ્યા કરે. હા, નખ વધારવાનો જેને શોખ હોય તેને બંધન ના લાગે.

    તમને સમજાય છે ને કે હું બંધાયેલો છું. તમને અનુભવમાં આવે છે ને કે કેટલી બાજુનાં બંધન છે, એવું? પહેલાં તો ભાન જ નહોતું. ત્યાં આગળ શું થાય? આ તો ધર્મ ખોળે છે. પણ પોતાને બંધન છે એવું નથી જાણતા.

    એટલે સ્વતંત્ર થવાની જરૂર છે. આમ પરવશ ક્યાં સુધી રહેવું? આવડું મોટું જગત. તેમાં મચ્છર પણ તમને ડખલ કરે, વીંછી પણ ડખલ કરે, કોઈ માણસ આવે તે પણ ડખલ કરે. આ તો કેટલી બધી પરવશતા! પાછું વાળ કપાવવા માટે વાળંદ પાસે જવું પડે. વાળંદ માથું દબાવે, તે જાણે પેલા બકરાના માથાની જેમ માથું દબાવે. તે ઘડીએ મોટો શૂરવીર હોય તો ય શું કરે? એટલે નારી પરવશતા છે. આ પરવશતા નથી? આ હજામ આમ માથું પકડી પકડીને દબાવે તે પરવશતા ના લાગે? એટલે સ્વતંત્ર થવાની જરૂર તો ખરીને? સ્વતંત્ર ના થવાય તો પણ સમજની જરૂર ખરી ને? સ્વતંત્ર થવાય કે ના થવાય એ પછીની વાત છે. પહેલાં સમજ હાથમાં આવી ગઈ એટલે બહુ થઇ ગયું.

    હવે જેને બંધાવાની ઈચ્છા છે એને છૂટવાનું મળે નહીં. જેને છૂટવાની ઈચ્છા છે તે ને બંધાવાનું મળે નહીં. છૂટવાની ઈચ્છા છે ખરી કોઈને? એનાં માટે તો છૂટવાની ઈચ્છા શી રીતે થાય એ જાણવું જોઈએ. આ સાધુ-આચાર્યો બધાય છૂટવા હારુ જ માથાકૂટ કરે છે ને? તે કેટલાંય અવતારથી આનું આ જ જપ ને તપ કર્યા કરે છે, ને  ત્યાગે ય કર્યા કરે છે. પણ તો ય કશું વળે નહીં. એની પધ્ધતિ સિવાય કશું વળશે નહીં. એટલે પધ્ધતિ જોઈશે.