I won't do it in Gujarati Moral Stories by Nisha Patel books and stories PDF | નહીં કરું

Featured Books
Categories
Share

નહીં કરું

નવરાત્રી આવતાં જ યુવાનીમાં પ્રવેશવાં થનગની રહેલી રીમાની આશાઓએ જાણે પાંખો ફેલાવી દીધી. તેને હતું કે બસ આ જ મોકો છે તેને અને ચીન્કુને મન મૂકીને મળવાનો. તેની બહેનપણીઓની જેમ વિનાં રોકટોક ફરવાનો! કલાકો સુધી, આખી રાત ની રાત! બસ, એ અને ચીન્કુ! ગાડીમાં દૂર દૂર સુધી એકલાં જઈ બેસી શકશે! તે ચીન્કુનાં બાહુપાશમાં ખોવાઈ જશે! ચીન્કુનાં ચુંબનોની ધોધમાર વર્ષાંમાં ભીંજાઈને પાણી પાણી થઈ જશે! આ વિચારમાત્રથી જ તેનાં શરીરમાં હજારો વીજળીનાં બલ્બ ઝગમગી ઊઠતાં. તેનાં સ્વપ્નાં પાંખો લગાવી તેને દૂરદૂર આકાશમાં લઈ જતાં!


મધ્યમવર્ગમાંથી તે આવતી હતી. પિતાની એક નોકરી પર કુટુંબનાં સાત સાત જણાં નભતાં હતાં. તેને નવરાત્રીનાં નવ દિવસનાં કપડાં, દાગીનાં, મેક’પ વિગેરેનો ખર્ચો પોસાય તેમ નહોતો. ચીન્કુની મદદથી તેણે માબાપથી છાનીરીતે અમુક વસ્તુઓ ખરીદી રાખી હતી. તો વળી અમુક બહેનપણીઓ સાથે તેમનાં કપડાં-દાગીનાં-મેક’પ પહેરી બીજાં દિવસે પાછાં આપવાની શરતે લઈ આવવાનું નક્કી કરી દીધું હતું અને એક બે જોડી તો પહેલાંનાં તેની પાસે હતાં જ. જૂનાં, પણ ચાલશે. તેને ચલાવ્યાં વગર છૂટકો પણ ક્યાં હતો?!


શરૂઆતનાં ચારેક દિવસ તો બધું વ્યવસ્થિત ચાલ્યું. પાંચમા દિવસે ચીન્કુ મોટરસાઈકલ લઈને આવ્યો હતો. એ બંને અહીં તહીં રખડી ચીન્કુની કોલેજની પાછળનાં સુમસામ રસ્તા પર આવીને બેઠાં. બીજાં તેમનાં જેવાં ચારપાંચ કપલ્સ તો પહેલેથી જ ત્યાં બેઠાં હતાં. લગભગ ચારેક વાગ્યે બંને ત્યાંથી ગરબાંનાં ગ્રાઉન્ડ પર આવવાં નીકળ્યાં. રસ્તામાં એક અંધાધૂંધ આવતી ગાડી સાથે અથડાઈ ગયાં. ચીન્કુ પણ મર્યાદિત ગતિ કરતાં વધુ ઝડપે મોટરસાઈકલ ચલાવતો હતો. વારંવાર પાછળ જોયાં કરતો હતો તથા નશામાં હતો. આથી ગાડી સાથે ટકરાતાં તે મોટરસાઈકલને કાબુ કરી શક્યોં નહીં અને બંને મોટરસાઈકલ પરથી પછડાઈને નીચે પડી રસ્તાં પર થોડે દૂર સુધી ઘસડાયાં.


૰ ૰ ૰ ૰ ૰ ૰


હોસ્પીટલનાં જનરલ રૂમમાં તેની મમ્મી દસેક બીજાં ખાટલાંઓની વચ્ચે રહેલાં તેનાં ખાટલાંની બાજુમાં ખુરશી પર ઉદાસી, ચિંતા અને આંસુંથી ઘેરાઈને બેઠી હતી. એવામાં તેની માસી મળવાં આવ્યાં. તેની મમ્મી માસીને જોતાં જ ઊઠીને વળગીને રડવાં લાગી. તે દવાનાં ઘેનમાં જરૂર હતી પરંતુ સાવ ભાન વગરની નહોતી. થોડીવાર પહેલાં જ જાગ્રત થઈ હતી પણ મમ્મીની સાથે શું બોલવું તે ના સૂઝતાં ઊંઘતી હોય તેમ પડી રહી હતી. માસીએ તેની મમ્મીને પાણી આપી શાંત પાડી.


“રોહિણી, જોયું, આ તારી ભાણીએ અમને જીવતાં જ મારી નાંખ્યાં. ઘરઆંગણે માતાજીનાં ગરબાને બદલે બહાર જે બધાં નાટકો ચાલે છે તેમાં આપણી રીમા પણ જોડાઈ ગયેલી તો તેનું કેવું પરિણામ આવ્યું!? એક તો તે બધાં પાસેથી કપડાંદાગીનાં વગેરે બધું જ લાવીને પહેરતી હતી. ના કહીએ તો સાંભળતી નહોતી. ઉપરથી આપણને કહે કે એ ગરબાં ગાવાં જાય છે અને પછી ગરબાં ગાવાંને બદલે પેલાં રખડેલ ચીન્કુ જોડે ફરતી હતી. હવે જોયું!? આ શું થઈ ગયું!? ચીન્કુનાં બાપને તો મોટો કપડાંનો વેપાર છે તો એને તો આ બધાં દવાખાનાંનાં ખરચા પોસાશે. પણ આપણે ક્યાંથી લાવીશું? તારાં બનેવીનાં પગારમાંથી ઘરનો ખર્ચો પણ પરાણે પૂરો થાય છે!”

એક નિઃશ્વાસ નાંખી તેનાં મમ્મીએ બાકીની વાત પૂરી કરી, “ઉપરથી પાછી તે પહેરીને ગઈ હતી તે કપડાંદાગીનાં ચૂરેચૂરા થઈ ગયાં. હવે એની બહેનપણીને પાછાં કેવરીતે આપવાં?”

“અને બીજાં બધાં યે કરતાં હવે કાયમી ખોડ રહી જશે તો એને કોણ પરણશે?” માના જીવનો ઉચાટ ચાલુ રહ્યો…ને આંખનાં આંસું પણ.


મમ્મીનાં શબ્દોથી તેને એકદમ ધક્કો વાગ્યો. તેને થયું કે તે પોક મૂકીને રડે. તેનાં કારણે મમ્મી પપ્પા કેવી મુસીબતમાં આવી ગયાં?! હવે? પપ્પા આ બધો ખર્ચો કેવીરીતે કરશે? તેણે કેટલી મોટી અને કેટલી બધી ભૂલો કરી? ચીન્કુ જોડે રાત્રે બહાર જવાનું, બહેનપણી પાસે બધી વસ્તુઓ માંગવાનું… શું વ્યાજબી હતું? હવે? હોસ્પીટલનાં, દવાંનાં, કપડાં દાગીનાંનાં પૈસા ક્યાંથી લાવીશું? તે રડું રડું થઈ રહી.

“બસ, મોટીબેન, જે થવાનું હતું તે થઈ ગયું. હવે તમે રડ્યાં ના કરો! એનાં બદલે હવે આપણે શું કરવું જોઈએ એ વિચારીએ.”

માસીએ મમ્મીને આશ્વાસન આપતાં કહ્યું.


તેણે મનમાં ને મનમાં ગાંઠ વાળી. તે હવે કોઈ દિવસ આવી રીતે બહાર નહીં જાય! ચીન્કુને નહીં મળે! હજુ તો તેણે હાઈસ્કૂલ પણ પૂરી કરવાની બાકી છે! અત્યારે તો તેણે માત્ર ભણવાં પર જ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે! અહીંથી ઘરે જાય એટલે તરત એ એકથી પાંચ ધોરણનાં ટ્યુશન કરશે. એટલે એટલું તો કરી જ શકે ને! પપ્પાને ટેકો કરશે! મમ્મી પપ્પા મને માફ કરો. હવેથી આવી ભૂલ કોઈ દિવસ નહીં કરું. તેણે મનોમન માતાજીની પણ માફી માંગી.

“હે મા, તારાં નામે હવે ક્યારેય ખોટું કામ નહીં કરું. નવરાત્રીમાં તારાં ગરબાં ઘરઆંગણે જ ગાઈ લઈશ. મા, મને માફ કરો!” ને પછી પાટાંવાળો હાથ મમ્મી અને માસીનાં હાથમાં મૂકી પાટાંપીંડીવાળાં મોંઢાંએ ત્રૂટક ત્રૂટક બોલી,

“મમ્મી, મને માફ કરી દે. આવી ભૂલ હવે કોઈ દિવસ નહીં કરું!”


સહેજ દૂર મૌન રહી ઊભાં ઊભાં ચૂપચાપ બધું સાંભળી રહેલાં પપ્પાની આંખમાં પણ આંસું આવી ગયાં! ‘ખોટાં રસ્તે આગળ વધતાં પહેલાં દીકરી પાછી ફરી ગઈ’નો સંતોષ ત્રણેય વડીલોનાં ચહેરાં પર પ્રસરી ગયો!