ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"પૃથ્વી, પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળજે. હું જીતુભા ને લેવા જઈ રહ્યો છું. પણ મને એને લઇને તારા પાસે મારા ઘર સુધી પહોંચવામાં 1 કલાક થઇ જશે."
"ઝાહીદ આગ સાથે રમત માંડતા પહેલા આપણે પોતે પણ દાઝી શકીએ છે એ ખ્યાલ રાખવો પડે છે. હું તો મારા કામ માં હતો. તે જીતુભાને ફસાવવાની મૂર્ખાઈ ન કરી હોત તો હું દુબઇ આવ્યો જ ન હોત. તારું ફેમિલી સલામત જ હતું. હવે કર્યા ભોગવ. 10 મિનિટ થઈ ગઈ છે."
"પૃથ્વી મને માફ કરી દે પ્લીઝ મને 1 કલાક નો સમય આપ. જો એ લોકો મારી વાત નહીં મને તો એમની સાથે લડી ને પણ હું જીતુભાને મુક્ત કરાવીશ."
"જીતુભા એટલો તો કેપેબલ છે જ કે એ તારા 7-8 મગતરા જેવા માણસો ની કેદ માં વધારે વખત નહીં રહે. અને જો એ ત્યાંથી છટકી ગયો હશે તો પછી મારે તારા ફેમિલીને જીવતું રાખવાનું શું કામ છે. આમેય તારી પત્ની અને બાળકો ને મેં તારા બધા કરતૂતો કહ્યા છે. અને એ લોકો તને માફ કરવાના મૂડમાં નથી. ખેર તું ભીખ માંગી રહ્યો છો તો 1 કલાક નો સમય આપું છું. બરાબર એક કલાક પછી 'વર્લ્ડ હબ' મોલમાં જીતુભાને લઇને મળ. અને હા આ તારો નાનો દીકરો મારી સાથે આવવાની બહુ જ જીદ કરે છે. તો એને સાથે લઇ જાઉં છું. જો જે કલાક થી વધુ મોડું ન થાય. નહીતો..." કહી પૃથ્વીએ ફોન કટ કર્યો.
xxx
ઝાહિદે પોતાની કાર જીતુભા વાળી હોટેલના પાર્કિંગ માંથી બહાર કાઢી અને મેઈન રોડ પર ચલાવી. 2 જ મિનિટ માં 'વર્લ્ડ હબ' મોલ પસાર થયો. એક નજર એ સાઈડ નાખી ને એણે સ્પીડ વધારી અહીંથી દુબઈની જેટી ની બાજુમાં આવેલા એ ગોડાઉન કે જ્યાં જીતુભાને કેદ કરી ને રખાયેલો એ સ્થળે પહોંચવા માં એને 10 મિનિટ લાગવાની હતી. એ જ વખતે ઝાહીદ ને મળવા નીકળેલા હની અને ઈરાની પણ એ જ રસ્તા પરથી પસાર થયા. પણ એ લોકોનું ધ્યાન એક બીજા પર પડ્યું ન હતું. એ જ વખતે જીતુભાને પોતે જ્યાં કેદ હતો એ રૂમ નું બારણું ખોલવા નો અવાજ આવ્યો અને એને પોતાના બંને હાથથી ખિસ્સામાં લટકતી દોરો ખેંચી કાઢી.
xxx
"અમ્મા, અમ્મા," એક ચમચા એ દોડતા આવી ને કહ્યું.
"શું છે?" પોતે કેન્દ્ર સરકાર ને પાડી દીધી હતી એ તોરમાં અમ્મા એ પૂછ્યું.
"રાજ્યના ડીઆઇજી નો ફોન છે." મુત્થુસ્વામી કે જે અમ્માની કેબિનેટમાં બીજા નંબરે હતો એણે અમ્માને બાજુની એક રૂમમાં બોલાવીને કહ્યું. ત્યાં એ બે જ લોકો હતા.
"એમને કહી દો મારી પાસે હમણાં સમય નથી."
"અમ્મા, બહુ જ સિરિયસ વાત છે." પોતાના હાથમાં રહેલા મોબાઈલમાં 'પ્લીઝ હોલ્ડ ઓન'
"શું વાત છે. મુત્થુસ્વામી" કહેતા અમ્મા એની નજીક ગયા."
"જુઓ વાત બહુ જ સિરિયસ છે. કહી અમ્માની નજીક સરકીને એમના કાનમાં કંઈક કહેવા માંડ્યું. એ સાથે જ અમ્માના ચહેરાંનો રંગ ફરવા માંડ્યો.પુરી વાત સાંભળીને એમણે કહ્યું. "મદ્રાસની ફ્લાઇટ કેટલા વાગ્યે છે."
"બપોરે 1 વાગ્યા ની ફ્લાઇટ નીકળી ગઈ છે. હવે છેક રાત્રે પોણા અગિયાર વાગ્યાની ફ્લાઇટ છે." મુત્થુસ્વામી એ કહ્યું.
"તમે એક ચાર્ટર ફ્લાઇટ ની વ્યવસ્થા કરવો જલ્દી. અને સ્વામીને મેસેજ આપો કે હું અરજન્ટ મળવા માંગુ છું. આપણે મોડામાં મોડું સાડા ત્રણ વાગ્યે અહીંથી રવાના થઇ જવું છે." કહી અમ્માએ પોતાના પીએ ને પોતાનો બધો સામાન પેક કરવાનો આદેશ આપ્યો. અને હાજર રહેલા માંથી ચૂંટેલા 8-10 જણાને પોતાની સાથે આવવા કહ્યું. અને પછી પોતે 3-4 અગત્યના ફોન કરવામાં પડી ગયા.
xxx
"ગુરુ અન્ના. હું સીધી ને સ્પષ્ટ વાત કરીશ. મને ખબર છે કે મારી પૌત્રીની સ્કૂલ બેગ તમારા પાસે છે. મને એ બેગ પછી જોઈએ છે. કિંમત બોલો" ક્રિષ્નનને ચોખ્ખું જ કહી દીધું.
"કિંમત તો તું ચુકવી સજ, પણ એની કિંમત તને પણ ખબર છે. તે મારી કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. એટલે તારે મરવું તો પડશે જ. તારું મોત એ જ કિંમત છે. પણ એ બેગમાં એવું શું છે કે તું મને મોં માંગી કિંમત આપવા તૈયાર થયો છે." ગુરુ અન્ના પણ ધિત રાજકારણી હતો એને સમજતા વાર ન લાગી કે કૈક અગત્યનું છે નહીં તો ક્રિષ્ણન એને સામેથી ફોન ન કરે.
"એ અગત્યનું નથી કિંમત બોલો મને અડધા કલાકમાં બેગ પછી પહોંચાડો તમે કહો એટલા રૂપિયા.."
"તું કેટલા રૂપિયા આપી શકીશ એ બેગના" રાજકારણી ગુરુ અન્નાએ સામો પ્રશ્ન કર્યો.
"કેટલા જોઈએ છે ગુરુ અન્ના? 5, 10, 15, 20 કરોડ તમે કિંમત બોલો પણ એ સ્કૂલ બેગ આંખે આખી મારા ઘરે પહોંચાડો અને રૂપિયા લઇ જાવ" કૃષ્ણને કહ્યું અને હાડોહાડ ખંધા ગુરુ અન્નાએ સમજવામાં વાર ન લાગી કે કૈક એવું છે એ બેગમાં જેની કિંમત 20 કરોડથી પણ વધુ છે. એટલે એણે ખંધુ હસતા કહ્યું કે "મને તારી ઓફર મંજુર નથી. તે સુમિત ને ભગાવી ને દગો કર્યો એ બદલ હું તને મોત આપીશ પણ બીજી કોઈ વાર. જા જીવી લે જિંદગી. આજે ગુરુ અન્નાએ તને જીવતદાન આપ્યું છે"
"એક મિનિટ ગુરુ અન્ના ફોન કટ ન કરતા. 50 કરોડ ફાઇનલ પણ બધા રોકડા માં નહીં તમે કહો એ ખાતા માં" સાંભળીને ગુરુ અન્ના ચકરાઈ ઉઠ્યો. નક્કી કંઈક બહુ મોટો પેચીદો મામલો છે એ બેગમાં. એને ગણેશન પર વહાલ ઉભરાઈ આવ્યું. એની સાથે પહેલી વાર વાત થયાને હજી માંડ 6 કલાક થયા ત્યાં 50 કરોડ કમાવી આપ્યા. એણે ક્રિષ્નનને કહ્યું."સોદો કેન્સલ મારે તારા રૂપિયા નથી જોતા. અને તુ મારા પડછાયાથી ય દૂર રહેજે નહીં તો આ દુનિયામાંથી ગાયબ થઇ જઈશ" કહી ફોન કટ કરી નાખ્યો. અને તરત જ ગણેશનનો નંબર ડાયલ કર્યો. સવારથી અત્યાર સુધી એની સાથે 3 વાર વાત થઇ હતી અને દરેક વખતે પહેલી જ ઘંટડીમાં ફોન ઉપાડનાર ગણેશન હવે ફોન ઉપાડતો નહતો. એને ફરીથી નંબર ડાયલ કર્યો પણ સામેથી ફોન ઉપડતો ન હતો. ગુસ્સામાં એને ફોનનો ઘા કર્યો અને પોતાના બે ચમચા ને બોલાવી કંઈક સૂચનાઓ આપવા મંડી.
xxx
"અમ્મા, હમણાં બધા વિપક્ષયોની મિટિંગ છે અડધો કલાકમાં અશોકા હોટેલમાં. તમે તૈયાર થઈ જાવ ગાડી તૈયાર છે." ચન્દ્રેશન કે જે સાંસદ હતો એ અમ્માને કહી રહ્યો હતો.
"હું થોડીવાર માટે બહાર જાઉં છું. મુત્થુસ્વામી અને બે-ચાર લોકો મારી સાથે આવે છે."
"પણ કઈ બાજુ? આઈ મીન તમને પાછા ફરતા કેટલો વખત થશે?"
"લગભગ અડધો કલાક, અને હું ડાયરેક્ટ અશોકા પર આવી જઈશ."
પણ અમ્મા અત્યારે ક્યાં જવું છે. આટલી અગત્યની મિટિંગ..."
"શટ અપ, ચંદ્રેશન માપથી બોલ. તારી સીટ પર ઉમેદવાર થવા ગુરુ અન્ના રઘવાયો થયો છે"
"સોરી અમ્મા, મારો એ મતલબ નહોતો. મારી કોઈ હેસિયત નથી તમે ક્યાં જાઓ છો.એ પૂછવાની. કહી એ રૂમની બહાર નીકળ્યો અને એક ખૂણામાં જઈ ઉભો રહ્યો. અને પોતાના ફોન માંથી કોઈને ફોન લગાવ્યો માત્ર 2 મિનિટ પછી એને ફોન કટ કર્યો અને પછી ફરીથી કોઈ ને ફોન જોડ્યો અને સામેથી ફોન ઉંચકાયો એટલે એણે કહ્યું. "ક્રિશ્નનન "
xxx
"ગુરુ અન્ના, ગણેશન પોલીસ ચોકી માં નથી." એક ચમચાએ પોલીસચોકી માંથી ફોન કરતા ગુરુ અન્નાને કહ્યું.
"ક્યાં મર્યો છે એ? શોધો એને."
"કમિશનર ઓફિસ માંથી સાહેબે એને બોલાવ્યો હતો એટલે મળવા ગયો છે. "
"ક્યારે આવશે?" અન્નાએ પૂછ્યું.
"નક્કી નથી કદાચ 10 મિનિટ માં અથવા અડધો કલાકમાં."
"બાસ્ટર્ડ, તું એક કામ કર કમિશનર ઓફિસ પહોંચ અને હું પણ ત્યાં પહોંચું છું. અને તને એ ગમે ત્યા દેખાય તો પહેલા ઓલી સ્કૂલબેગ એની પાસેથી લઇ લેજે. અને એ આનાકાની કરે તો ગોળી મારી દેજે." ગુરુ અન્ના પોતાના માણસને આ સૂચના આપી રહ્યો હતો એ જ વખતે ગણેશન કોઈ અજ્ઞાત જગ્યાએ કમિશનર અને ડીઆઈજી ની સામે બેઠો હતો અને એના હાથમાં ક્રિષ્નનનની પૌત્રીની બેગ હતી.
xxx
જેવો દોરો ખેંચાયો એ સાથે જ ત્યાં પેન્ટમાં અંદર રહેલી પ્લાસ્ટિક ની નાની થેલી જીતુભાનાં હાથમાં આવી હકીકતમાં ત્યાં ચોર ખિસ્સું હતું અને ઉપર કાચી પાકી સિલાઈ કરેલ હતી. બારણાંનું તાળું ખોલવાનો અવાજ સંભળાયો. જીતુભા એ જમણા ખિસ્સાની થેલી ચીવટથી હાથમાં લીધી અને જોયું તો કોઈ પાવડર હતો. ઝીપ લોક ખોલીને થેલી સહેજ નાક પાસે લાવ્યો ત્યાં જાણે નાક જાણે બળવા માંડ્યું. એના ચહેરા પર સ્મિત આવ્યું. એણે થેલી નાક પાસેથી દૂર કરી. જીતુભાએ ડાબા હાથ વાળી થેલી પછી ખિસ્સામાં મૂકી અને પોતાનો રૂમાલ કાઢ્યો એજ વખતે બારણું ખુલ્યું.. અને 3-4 માણસો રૂમમાં ધસી આવ્યા. જીતુભાને બંધનમુક્ત ઊભેલો જોઈ એ લોકો આશ્ચર્યમાં પડી ગયા. એ લોકોના હાથમાં લોખંડની પાઇપ અને એકાદના હાથમાં ચાકુ હતા. એ થોડો મોટો કમરો હતો લગભગ 25 x 40 ફૂટનો અને જીતુભા દરવાજાથી લગભગ 15 ફૂટ દૂર હતો. "જેને જીવતા રહેવું હોય એ ચૂપચાપ હાથમાંના હથિયાર નીચે ફેંકી દે. પછી હું બીજો મોકો નહિ આપું." જીતુભા એ કહ્યું. એ સાથે જ ચાકુ વાળો જીતુભા તરફ દોડ્યો અને બીજા એને અનુસર્યા. પણ જીતુભા એ પોતાનું સ્થાન બદલ્યું અને પોતાનો હાથ ઉંચો કરીને થેલી માંથી અડધો પાઉડર હવામાં ઉલાળ્યો. ભૂત જોલકીયા મરચા નો અત્યંત બારીક રીતે પીસી ને તૈયાર કરવામાં આવેલ એ પાઉડરે હવા માં ભળતા જ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કર્યું અને ચાકુ વાળો જીતુભા હતો એ સ્થાને પહોંચે એ પહેલા રાડો પાડવા માંડ્યો એના હાથમાંથી ચાકુ છટક્યું હતું. એની પાછળ આવેલા 3 જણ ની હાલત પણ એ જ હતી જાણે કોઈ ગળું કાપી રહ્યું હોય એવા બોકાસા એ લોકો નાખી રહ્યા હતા. જીતુભા એ પોતાનો રૂમાલ પોતાના નાક અને મોં પર દબાવ્યા હતા હવે એ દરવાજાની સામેની સાઈડ પાછળ સરક્યો હતો અને પછી એણે રૂમાલને પોતાની આંખ અને નાક પર બાંધી અને દરવાજા તરફ દોડ્યો આ લોકો ની ચીસો સાંભળીને બાકી રહેલા 3-4 જણા પણ રૂમમાં અંદર પ્રવેશ્યા. અને અંદર આવતા જ એમની હાલત પણ એના સાથીઓ જેવી થઇ. રૂમની વચ્ચોવચ રહેલા અને ફૂલ સ્પીડ થી ફરી રહેલા પંખાના કારણે જીતુભાનું કામ આસાન થયું હતું રૂમમાં છેલ્લે પ્રવેશનાર એક નસીબદાર સાથે જીતુભા અથડાયો અને એ જીતુભા પર હુમલો કરે એ પહેલા જૂતુભાએ એને ખેંચીને રૂમની બહાર લઇ અને દરવાજો બહારથી બંધ કરી દીધો. રૂમ અંદર સામુહિક કતલ થઈ રહી હોય એવી ચીસાચીસ હજી ચાલુ જ હતી.
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો.