Jadui Dabbi - 1 in Gujarati Short Stories by yuvrajsinh Jadav books and stories PDF | જાદુઈ ડબ્બી - પ્રકરણ 1

Featured Books
Categories
Share

જાદુઈ ડબ્બી - પ્રકરણ 1




ચોમાસાની રાતમાં વીજળી અને વરસાદના સાથમાં એક ગરીબ પ્રજાપતિને ત્યાં દિકરીનો જન્મ થયો. દિકરીના જન્મતાની સાથે જ તેની માતા મૃત્યુ પામી. એક તો દિકરી એમાંય માતાનું મૃત્યુ ! ગરીબ પ્રજાપતિ અને પાડોશી લોકો દુઃખી થયા. લોકોમાં ચર્ચા પણ થવા લાગી હતી કે, જે દિકરી જન્મતાની સાથે તેની માંને ગળી ગઈ હોય એ જીવનમાં .મુશ્કેલી સિવાય બીજું કંઈ ન આપે. તેમ છતાં તે કુંભાર પ્રજાપતિ તેનો બાપ હતો એટલે લોકોની વાતો સાંભળી તો લીધી. પરંતુ તેની દીકરીને દૂધ પીતી તો ન જ કરવા દીધી. લોકોનો અભીપ્રાય હતો કે, ‘એકલી દિકરીને સાચવવા કરતા તેને મારીને બીજા લગ્ન કરી લેવાં જોઈએ.’ પરંતુ તેને તેમની વાત ગળે ન ઉતરી અને દિકરીને બચાવી લીધી. થોડા સમયમાં પ્રજાપતિ થાકી ગયો. એ સમયે લોકોએ સમજાવ્યો હતો, “એક બાજુ ઘરનું કામ, બીજી તરફ આખો દિવસ ગધેડા ચરાવવા અને પાછું આ બાળકીનો બોજ. આ બધું તારા એકલાંથી ન થાય.” આ વખતે થાકેલાં કુંભારને વાત ગળે ઊતરી અને લગ્ન કરવા માટે માની ગયો.


પ્રજાપતિ નવી પત્ની લાવ્યો. તેને આવતા જ દિકરીને ઉપાડી અને બોલી, “આ તો રાજકુંવરી જેવી લાગે છે આનું નામ તો વૈદેહી જ રાખવું જોઈએ.” આવ્યાની સાથે દિકરીને નામ આપતાં જોઈ કુંભારને સંતોષ થયો, તેને થયું હવે, મારે દિકરીની ચિંતા કરવાની કઈ જરૂર નથી. તેની પત્ની સુંદર તો નથી પણ એને બાળકીને ઉપાડેલી જોઈ કુંભારના મનમાં તેની સુંદરતા વધી ગઈ.


થોડાં જ સમયમાં નવી પત્નીએ કુંભારને પોતાના વસમાં કરી લીધો. હવે, કુંભાર આખો દિવસ માત્ર માટલા ઘડતો, ગધેડા ચારતો અને સાંજે થાક્યો પાક્યો ઘરે આવી સૂઈ જતો. બીજી તરફ દિકરીની નવી માં ગર્ભવતી હતી એટલે તે રોજે આખો દિવસ વૈભવી પાસે કામ કરાવતી. જેથી તેના પિતાના આવતા પહેલા તે ઘસઘસાટ ઊંઘી જતી. કુંભારને થતું આખો દિવસ રમીને સુઈ ગઈ હશે. જ્યારે કામનો શ્રેય બધો નવી પત્ની લેતી અને કુંભારના આવ્યાની સાથે જ કચ-કચ ચાલુ કરી દેતી, “આજે તો આખો દિવસ કામ ચાલ્યું, હવે તો ચાલી પણ નથી શકાતું અને બાકી રહેતું તો આ તમારી અભાગણી દિકરી આખો દિવસ તોફાન કર્યા કરે.”


કુંભાર તેને સાંત્વના આપતાં બોલતો, “એ માસુમ શું હેરાન કરે. જોને કેટલી દુબળી થઈ ગઈ બિચારી, એને ક્યાં એવી ખબર પડે.”


“એ હા... હા... તમે તો એનો જ પક્ષ લેશોને, તમારી પત્ની આખોદી કામ કરીને તૂટી જાય તોય તમને એ જ સારી લાગે.” તેની વાત સાંભળી કુંભાર ચૂપ થઈ જતો અને શાંતિથી આછું પાતળું જમીને ઘરમાં જઈ સૂઈ જતો.


આમને આમ નવ મહિના પૂરા થયાં અને કુંભારને ત્યાં બીજી દિકરીનો જન્મ થયો. પરંતુ આ વખતે કુંભાર થોડો વધુ નીરાશ થયો. કુંભારને જોઈ તેની પત્ની બોલી, "કેમ નિરાશ થાવ છો આપણે ત્યાં તો સાક્ષાત્ લક્ષ્મીજી પધાર્યા છે." ત્યારે કુંભાર હળવેકથી બોલ્યો, “હું નિરાશ એટલે નથી કે, મારા ઘરે બીજી દિકરી આવી. હું નીરાશ એટલે છું કે, તે દિકરી એટલે આપણી દિકરી કાણી છે.”

એટલે તેની પત્નીએ એ દિકરીને પોતાની પાસે લીધી. સાચેજ તેની એક આંખ હતી જ નહીં. કુંભાર બોલ્યો. “કાણી દિકરીને કોણ લઈ જાશે.”


કુંભારની વાતથી ચિડાઈને તેની પત્ની બોલી, “ભલે મારી દીકરી કાણી રહીં પણ જો જો એક દિવસ એ આ રાજ્યની રાણી બનશે... રાણી.”

કુંભાર તેની પત્નીનો એ બાળકી તરફ પ્રેમ જ જોતો રહ્યો.

‘એકતો કદરૂપી અને બીજી તરફ કાણી તોય એની માને બનાવી છે રાણી.’

***

વાંચતા રહો મારી સાથે...