ATRUPT AKKAKSHA in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | અતૃપ્ત આકાંક્ષા

Featured Books
Categories
Share

અતૃપ્ત આકાંક્ષા

//અતૃપ્ત આકાંક્ષા//

 

તૃષાર ધૂઆં-પૂઆં થતો થતો ઘરમાં પ્રવેશ્યો. રાત્રીના અગિયાર વાગ્યા હતા. એની પત્ની તૃષા વરસાદની જેમ એની પ્રકાગડોળે રા જોઇ રહી હતી. તૃષાનું જેટલું રુપાળુ તન એનાથીયે અદકેરુ એનું હૃદય હતું, અને હોય તેમાં કોઇ નવાઇ જેવું નથી,કારણ કઇ પત્નિ એવી હોય કે જે રાત્રીના અગિયાર વાગ્યા હોય અને ઘરમાંએકલી હોય,અને તેના પતિની કાગડોળે રાહ ન જોવે.

 

’ઘરમાં પ્રવેશતાં જ તૃષારનું ગુહાગમન જે સદાય પ્રસન્નતાનાં પૂર રેલાવતો તે તૃષાર આંજે રોષિત ચહેરાનો વાવટો કેમ ફરકાવી રહ્યો છે ?'

 

તૃષા 'તને ખબર છે કે હું આવક વધારવા નિયમિત નોકરી પૂરી થયા બાદ પણ બીજે પાર્ટ ટાઈમ નોકરી કરું છું. આજે યુવાનોને એક શુભચિંતક અને બની બેઠેલા માર્ગદર્શક નેતા યુવાનોને સફળતાનો રાહ ચીંધવા સંબોધવાના છે એવી જાહેરાતથી પ્રેરાઈ સ્વપ્ન સિદ્ધ કરવાનાં ઉપાયો જાણવાની કેટકેટલી ઉત્કંઠાથી સભાગૃહમાં પહોંચ્યો. તો ત્યાં હું શું જોઉં છું, એ નહોતું વચન કે નહોતું પ્રવચન, યુવાનોને થાબડીને ભવિષ્યમાં પોતાના મતદાતા બનાવવાનો નર્યો ને નર્યો ઢોંગ જ હતો.'

 

તૃષા સાચું કહું આ દેશના 'યુવાનો દેશની શક્તિ છે, યુવાનો જ દેશને ઉજાળશે, આજના યુવાનો દેશ માટે આવતી કાલની આશાની અભિલાષા છે, મહેનત વગર સ્વપ્નો સાકાર થતાં નથી'  જેવા શબ્દો તેમના હોઠેથી સરતા હતા, હૈયેથી નહીં. એમાં આશ્વાસનો હતાં, યુવાનોને સાચા અર્થમાં મદદરૂપ થવાની કશી તૈયારી નહોતી.

 

મેં રોષ સાથે એમને પૂછ્યું, ''તમે કેટલા ગરીબ યુવાનોની ફી ભરી ? પોતાનાં ઘરેણાં ગીરો મૂકી સંતાનને ભણાવનાર કેટલી માતાઓનાં આંસુ લૂછ્યાં ? કેટલા ગરીબ યુવાનોની કારકિર્દીના વિકાસ માટે બેંકલોન માટે જામીન થયા ? તમે કઈ ગરીબ યુવતીને સુખદાતા પતિ પ્રાપ્ત કરવામાં મદદ કરી ? ઉન્માર્ગે ચઢેલા કોઈ યુવાનની જિંદગીમાં ડોકિયું કરી તેને સુધારવાની કોશિશ કરી છે ? યૌવન તમારે મન સ્વાર્થ-સિદ્ધિની ફેકટરીનું સાધન છે. શબ્દોની જાળ બિછાવી છેતરવાનું કાવત્રુ છે.'' તૃષા, હું મારી વાત પૂરી કરું એ પહેલાં જ નેતાના પાળેલા યુવાનોએ મને ધક્કે ચઢાવી હોલની બહાર કાઢ્યો. હું મનથી ખૂબ જ ખિન્ન છું. મને તારી વાત સો ટકા સાચી લાગે છે કે માણસે પોતાના ભવિષ્યની મૂર્તિ જાતે જ ઘડવાની હોય છે. કોઈ કોઈનું ભાગ્યવિધાતા હોતું જ નથી. ભાગ્યને પ્રમાદી લોકોના પ્રગતિપત્રકમાં હસ્તાક્ષર કરવાની ફૂરસદ નથી હોતી. તૃષાએ કહ્યું : મારા પૂજનીય પતિદેવ-ભરથાર, ''હવે બીજાની વિપરીત વાતોને વનમાં ભટકાવવાનું છોડી મનને શાંત કરો. અને ચાલો સાથુ  ભોજન કરી લઈએ. હું પણ પાર્ટટાઈમ નોકરીથી પરવારી હમણાં જ આવી. તૃષાર, નિસાસા તમારા ભાવિ સ્વપ્નોને કચડવાનું બુલડોઝર છે.''

 

તૃષાના મધુર વચનો, એ તો તૃષારની જિંદગીની મૂડી હતી.

 

ભોજન બાદ પાંચ જ મિનિટમાં તૃષા તો ઘસઘસાટ ઊંઘી ગઈ. ઊંઘમાં એની જિંદગીનાં કપરાં દ્રશ્યો તેનાં વણનોંતર્યાં મહેમાન બન્યાં. પિતાની ખાનગી પેઢીમાં નોકરી. એક રૂમ-રસોડાનું નાનકડું મકાન લિવિંગ રૂમ એ જ બેડરૂમ, ડ્રેસિંગ રૂમ અને મમ્મી-પપ્પા-ભાઈ-કાકા અને ફોઈનો ગોદડીઓથી ખીચોખીચ ભરેલો શયનખંડ. સામેના ઘરના દાદા-દાદીએ તૃષાને પોતાના મકાનની બાલ્કનીમાં 'પડયા રહેવાની' છૂટ આપી હતી. અઠવાડિયે એકાદ અતિથિ સગાનું સપરિવાર ઉતારા માટે આક્રમણ તો હોય જ. તૃષા ઊંઘમાં પણ વિચારતી હતી કે મારે કોઈ સંપન્ન કે પૈસાદાર પરિવારની પુત્રવધૂ નથી બનવું, પણ મારી જેમ અભાવોના રણમાં ભટકતા કોઈ યુવાનની જિંદગીમાં પ્રવેશી સ્વપ્રયત્ને સુખી થવું છે. પરસેવાથી સ્વનિવાસના પાયા ચણવા છે. હું ગૌરવી માતાનું વ્રત કરી કોઈ સુખી યુવકની માગણી માતા પાર્વતી પાસે ઈચ્છીશ નહીં પણ એમણે વાંછેલા ભગવાન શંકર જેવો પતિ માગીશ, જેને ઠાઠ-માઠ કે વૈભવમાં રસ ન હોય પણ પત્નીની પ્રસન્નતા એ જ એનો વૈભવ હોય.

 

અને એનાં મમ્મી-પપ્પાનો કોઈ સુખી ઘરના યુવક સાથે લગ્ન કરવાનો આગ્રહ હોવા છતાં મા-બાપ ગુમાવી એકલી-અટૂલી જિંદગી વિતાવનાર તૃષાર પર તૃષાએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

 

તૃષાર એક પ્રામાણિક અને પરિશ્રમપ્રિય યુવક હતો. તૃષાએ પપ્પાને ઘેર રહેવામાં સંકડાશનો સામનો કર્યો હતો, એવી જ સંકડાશમાંથી તૃષાર સાથે આરામથી રહી શકે એવું નાનકડું પણ પોતાનું ઘર બનાવવાનું તેનું એક સ્વપ્ન હતું. એટલે તૃષાર અને તૃષાએ ઘોર પરિશ્રમનું વ્રત લીધું હતું. બન્ને માટે મન જીવન એ કર્મયજ્ઞ હતું. એટલે ખૂબ જ કરકસરથી બન્ને જીવન ગુજારતા હતાં.

 

ક્યારેક તૃષાર, તૃષાને પૂછતો  ''તૃષા તે સુખને તારો સાથી બનાવવાને બદલે દુઃખને તારો સાથી બનાવ્યો. મને પામીને તારા હાથમાં શું આવ્યું ?''

 

તૃષા તેના મોં પર આંગળી મૂકી બોલતો રોકતાં કહેતી : ''તૃષાર, તારા જેવો પ્રેમાળ અને લાગણીશીલ પતિ મળે એ શું ઈશ્વરનું મોટું વરદાન નથી ? જેની આંખમાં આત્મીયતાનાં અમી અને પત્ની પ્રત્યેના પારાવાર પ્રેમનો મહાસાગર ગર્જતો હોય એ જ મારે મન સૌથી સુખી છે. તૃષાર તને ખબર છે, પૈસો સુખની ગેરન્ટી આપી શકે પણ શાંતી, સન્માન અને ગૌરવની ગેરંટી આપી શકતો નથી. તૃષાર, તું આત્મનિંદા કરી મારી તારા પ્રત્યેની લાગણીઓને ઠેસ ન પહોંચાડીશ. તૃષા, સવારે છ વાગ્યે એ જાગી ત્યારે તૃષાર,  ''યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા''ની પ્રાર્થના કરતો. તૃષાના ચરણોની વંદના કરી રહ્યો હતો.''

 

એ જોઈ તૃષાની આંખમાં આંસુ આવી ગયાં. એણે કહ્યું : ''જો સંસારની ભાગ્યશાળી સ્ત્રીઓની યાદી દેવીમાતાઓ તૈયાર કરતાં હશે તો પ્રસન્ન દામ્પત્ય જોઈ મારું નામ પણ અવશ્ય નોંધાશે.'' તૃષા અને તૃષારના નિયમિત અને પાર્ટટાઈમ નોકરીને કારણે પાંચ વર્ષમાં તૃષાએ નાનકડો ફ્લેટ ખરીદવા જેટલી રકમ એકઠી કરી હતી. શહેરથી થોડે દૂરની એક ફ્લેટ યોજનામાં એણે મેમ્બરશીપ મેળવી ફ્લેટ બૂક કરાવી લીધો હતો. પણ એ ફ્લેટનું પઝેશન મળે ત્યા સુધી આ વાત તૃષારથી ગુપ્ત રાખવાનું નક્કી કર્યું હતું.

 

તૃષારે એક દિવસ જોયું કે તૃષાનો સવારે છ વાગ્યે ઉઠવાનો નિયમ તૂટયો છે. સવારના નવ વાગ્યા છતાં એ ઉઠી નથી. પૂજા-પાઠ પતાવી એ તૃષા પાસે પહોંચ્યો ત્યારે તૃષા તાવમાં કણસતી હતી. પાસે પડેલું થર્મોમીટર ૧૦૪ સેન્ટીગ્રેડ ડીગ્રીના તાવની ચેતવણી આપતું હતું. તૃષારે ફેમિલી ડૉકટરને વિઝિટ માટે આવવા ફોન ઉઠાવ્યો, પણ તૃષાએ તેના હાથમાંથી ફોન પોતાની પાસે લઈ લેતાં કહ્યું : ''તૃષાર, એક દિવસના તાવમાં અધીરીઆ થઈ ડૉકટરની વિઝિટ ફીનો ખર્ચ ન કરાય. મેં મારી એક ડૉકટર સખીને પૂછીને તાવની દવાનું નામ લખી લીધું છે. તું એ દવા મંગાવી આપ.''

 

''હું તને એકલી મૂકી ઑફિસે જવાનો નથી. પત્નીસેવાની તક પણ તું મને આપવા ઈચ્છતી નથી'' તૃષારે કહ્યું. ''તારી લાગણીની કદર કરું છું પણ નાનાં-નાનાં અંગત કામ માટે રજા લઈ ઑફિસના કામને હાનિ પહોંચાડવી એ મારી દ્રષ્ટિએ ખોટું છે. જરૂર પડશે તો ફોન કરી તને બોલાવી લઈશ. નોકરી તો અન્નદાતા કહેવાય, એ માતાની ગરજ સારે છે. તારી લાગણીની એ પણ અધિકારિણી છે. હા આજે રસોઈ બનાવવાની મારામાં તાકાત નથી. તું ઓફિસની કેન્ટીનમાં જમી લેજે.''  કહી તૃષાએ તૃષારને ઑફિસ જવા વિદાય આપી.

 

બપોરે બે વાગ્યે એક ટિફિન સર્વિસવાળાએ ડોરબેલ ખખડાવ્યો. તાવ ઘટયો હતો. એટલે તૃષા બારણું ખોલવા ઉભી થઈ. ટિફિનવાળાએ કહ્યું. ''તૃષાર સાહેબે આ ટિફિન મોકલાવ્યું છે અને તમને જમાડયા બાદ જ ખાલી ટિફિન લઈને પાછા આવવાની સૂચના આપી છે. હું ખાલી ટિફિન લઈ કેન્ટીન પહોંચીશ પછી તૃષાર સાહેબ થોડોક નાસ્તો કરશે. મેડમ, તમને સાચું કહું, આ તૃષાર સાહેબ જેવો માણસ તો ક્લાર્કને બદલે ઓફિસર બનવો જોઈએ. તેઓ દેશ માટે સમર્પિત છે અને દિલ રેડીને ઓફિસનું કામ કરે છે. તમને જમાડયા વગર પોતે નહીં જમવાની વાત જાણી મારી પણ આંખ ભીની થઈ ગઈ.''

 

તૃષાએ કહ્યું : ''ભાઈ, તમારી વાત બીલકુલ સાચી છે. તમે એક કામ કરો, એક પ્લેટમાં ટિફિનમાંથી મારી અડધી થાળી તૈયાર કરી આપો. અને બાકીનું ભોજન તમારા તૃષાર સાહેબ માટે લઈ જાઓ. તેમને આગ્રહ કરી જમાડજો.'' ટિફિનવાળાએ તૃષા માટે તેમની સૂચના મુજબ અલ્પ ભોજન સામગ્રીથી થાળી તૈયાર કરી. એણે તૃષાનો ચરણસ્પર્શ કરતાં કહ્યું : ''લોકો સાધુ-સંતોનો ચરણસ્પર્શ કરે છે તેમ પવિત્ર પ્રેમભીની ગૃહિણીઓ અને તેમના લાગણીશીલ પતિનો પણ ચરણ સ્પર્શ કરવો જોઈએ. આજે આપનાં દર્શનથી મને જાણે દેવીમાતાના દર્શનનું પુણ્ય મળી ગયું છે.''

 

સામાન્ય સારવારથી તૃષાના આરોગ્યમાં સુધારો ન થતાં તૃષાર પોતાના સોગંધ નાખી તૃષાને સરકારી હોસ્પિટલમાં લઈ ગયો. એને તપાસ્યા બાદ વધુ ચેકઅપ માટે ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થવાની ડૉકટરે સલાહ આપી.

 

આખો દિવસ તૃષાર ભૂખ્યો-તરસ્યો બેસી રહ્યો. ચેકઅપના બધા જ રિપોર્ટ એક દિવસ પછી મળવાના હતા. તૃષારે નોકરીમાંથી અઠવાડિયાની રજા લઈ લીધી. તૃષાએ કહ્યું : ''મેં એક ફ્લેટ બૂક કરાવ્યો છે. તેની ઓફિસનું આ કાગળમાં સરનામું છે.'' બીજે દિવસે સવારે ડૉકટરે તૃષારને પોતાની રૂમમાં બોલાવ્યો. ડૉકટરના ચહેરા પર ઉદાસીપણું જોઈ સ્વપ્નિલે પૂછ્યું : ''ડૉકટર સાહેબ, આપ કેમ ગંભીર છો. કોઈ આઘાતજનક સમાચાર તો નથી ને ?''

 

ડૉકટરે થોડીવાર મૌન ધારણ કર્યું. પછી રિપોર્ટનું કવર તૃષારના હાથમાં મૂક્યું. રિપોર્ટમાં છેલ્લી સ્ટેજના કેન્સરની રિમાર્ક હતી. રિપોર્ટ વાંચતાં જ તૃષાર બેહોશ થઈ ગયો. ડૉકટરે તેને એક્ઝામિનેશન બેડ પર સુવાડી આશ્વસ્ત કર્યો. એમણે કહ્યું : ''તૃષાબેનને દવા નહીં પણ દુઆ જ મટાડી શકે. એમની કોઈ ખાસ ઈચ્છા હોય તો તે પૂરી કરવાનો પ્રયત્ન કરો.''

 

''ડૉકટર સાહેબ, મને આપના ડ્રાઈવર સાથેની કાર એક કલાક માટે આપશો ? મારી પત્ની તૃષાની અંતિમ ઈચ્છા પૂરી થઈ શકે છે કે કેમ તે તપાસ કરીને હું પાછો આવું છું.''

દયાળુ ડૉકટરે ડ્રાઈવરને બોલાવીને કહ્યું ''તૃષાર બાબૂને જ્યાં જવું હોય ત્યાં લઈ જા.'' અને તૃષાર ફ્લેટ યોજનાના પોતાના ડેવલપરની ઑફિસ પહોંચ્યો. તૃષારને જોઈને ફ્લેટ આયોજકના મેનેજરે કહ્યું : ''વેલકમ મિ. તૃષાર. તમારે સરનામે આ પત્ર મોકલવા અમે તૈયાર કર્યો, એટલામાં તમે જાતે જ આવી ગયા. આપનાં પત્ની તૃષાબેને બૂક કરાવેલ ફ્લેટ તૈયાર છે. તમે બન્ને ખૂબ મહેનત કરી બચત કરી મહામુસીબતે ફ્લેટના પૈસા ઉભા કર્યા છે એ જાણી અમારા શેઠને આનંદ થયો છે. એમણે શુભેચ્છા તરીકે ફ્લેટને વેલફર્નિશ્ડ બનાવી દેવડાવ્યો છે. લો, આ રહ્યો ફ્લેટનો પઝેશન લેટર.'' પઝેશન લેટર મેનેજરે તૃષારના હાથમાં મૂક્યો. તૃષાર ત્યાં ને ત્યાં ધ્રુસકે ને ધ્રુસકે  રડી પડયો અને મેનેજરને નમસ્તે કહી સ્પીડથી ગાડી ચલાવી પોતાને હોસ્પિટલ પહોંચાડવાની ડ્રાઈવરને વિનંતી કરી.

 

તૃષાર હોસ્પિટલ પહોંચી દોડતો તૃષાના રૂમમાં પહોંચી ગયો. એ અર્ધબેહોશીમાં હતી. છતાં ત્રૂટક-ત્રૂટક શબ્દોમાં એણે તૃષારને પૂછ્યું. તમે ફ્લેટ ડેવલપરની ઑફિસે ગયા હતા ? ફ્લેટનું પઝેશન ક્યારે મળવાનું છે ?

 

તૃષારે ખિસ્સામાંથી કવર કાઢી 'પઝેશન લેટર' વાંચી સંભળાવ્યો. તૃષાએ પઝેશન લેટરને આંખે અડાડયો. તૃષારનો હાથ પોતાના હાથમાં લઈ ચૂમ્યો અને પરાણે બોલતાં-બાંલતાં કહ્યું : ''તૃષાર, આવજે, મારો ફ્લેટ એક અલૌકિક દુનિયામાં તૈયાર થવાનો સંદેશો કાનમાં સંભળાઈ રહ્યો છે. 'અલવિદા' કહી તૃષાએ પતિ સાથે પોતાના ઘરમાં રહેવાની અતૃપ્ત ઈચ્છા અધૂરી મૂકી જીવનલીલા સકેલી લીધી.''

DIPAK CHITNIS (dchitnis3@gmail.com)