JAGAT JANNI in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | જગતજનની

Featured Books
Categories
Share

જગતજનની

//જગત જનની//
 

માની મમતાનું એક બિંદુ અમૃતના ભરેલા
સમુદ્ર કરતા પણ મીઠું હોય છે.
પૂરા જગતનો આધાર માતાની આગળી છે. માનવસ્ત્રીજીવ હોય કે મુંગુ પશુજીવ પણ કેમ ન હોય. બાળકને જન્મ આપનાર “મા” ની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો  એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ?
કો અવધૂત શો ગિરનાર બેઠો છે. તેની જટા જેમ પ્રદેશનાં પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે, ગીર. સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે ૧૩૦ થી વધુ જેટલા નેસડા છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર આ માલધારીઓમાં જોવા મળે ! સાવજના ઘુઘવાટાને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય.
આવા બહાદુર માલધારીઓના જીવનની અનેકોનેક વાતો છે. કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસડો. આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. પ્રાગડ ફૂટે માલધારીઓ ભેંસો અને બીજા માલ ઢોર ને લઈ ચરાવવાને ઊપડી જાય છે . સ્ત્રીવર્ગ ઘેર રહે. પાંચસો ભેંસોના મેળવેલ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય .
સાંજ પડ્યે ખૂટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શૉપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ ! આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયાં-લાકડા વીણવા નીકળી, તેની સાથે ચારેક વર્ષ નું બાળક. માતા તો સૂકાં લાકડાં વીણતી વીણતી આગળ નીકળી ગઈ.
પેલું બાળક ધીમે  ધીમું ફૂલડાં ચૂંટતું માની પાછળ પાછળ જતું હતું . એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર પર પડી. ત્યાં કંઈક ગલૂડિયા જેવું ઉં … ઉ … કરતું હતું હતું. બાળકને રસ પડી ગયો. તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલામા સના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું.
બચ્યું તેના નાના પગ વડે ભેખડ ઊતરવા કોશિશ કરતું હતું, પરંતુ ઊતરાતું નહિ, તેથી વિચિત્ર અવાજ કરતું હતું. બંને એકબીજાં સામું આંખમાં આંખ પરોવી જોઈ રહ્યાં. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો.
નવા દોસ્ત સાથે ભોળો શિશુ તેની કાલી કાલી બોલીમાં વાત કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી. માલધારી સ્ત્રી સાંભળીને ચોંકી ઊઠી ! તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું. તેનો જીવ અડધો થઈ ગયો. કરગઠિયાને-લાકડાને પડતાં મૂકી એણે દોટ મૂકી.
પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન તેણી પસ્તાવો કરતી હાંફળીફાંફળી દોડી. પરંતુ વાડ વટાવી જ્યાં ભેખડ પાસે આવી, ત્યાં તો એણે સામેનું દૃશ્ય જોયું તે જોઈને તેની આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ ગોળ ફરતી લાગી. પોતાનું અસ્તિત્વ ભુલાતું લાગ્યું.
વાત એમ હતી કે, ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાંને આગલા દિવસે જન્મ આપ્યો હશે , એટલે બે બચ્ચાં બોડમાં હતાં. એમાંનું એક બચ્ચું બહાર નીકળી આવેલું. સિંહણ ‘મા‘ શિકારની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ  પાછળ પરંતુ માનવબાળની ગંધથી સિંહણ તુરત જ પોતાની બોડ તરફ પોતાના વહાલસોયાના રક્ષણ માટે દોડી આવેલી.
અવકાશમાં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે
અને પૃથ્વી ૫ર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો
નથી તેને આ૫ણે ‘મા’ કહીએ છીએ.
જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો, એટલે તેણે દૂરથી જ ત્રાડ નાંખી હતી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે બે ભૂલકાં એક પશુદેહધારી, એક માનવદેહધારી ! કુદરતની કેવી બલિહારી ! માલધારી સ્ત્રીએ દૂર રહ્યે  રહ્યે પોતાના બાળકને બગલમાં રહેલ સિંહબાળને છોડી દેવા બૂમ પાડી. ”છોડી દે .. છોડી દે .. બેટા . છોડી દે … ” પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે ? માનો જીવ તાળવે ચોંટ્યો. પાછળ ઘુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી.
કોણ જાણે ક્ષણમાં શું બનશે એવા બાળકની માના મનમાં વિચારો ઘુંઘવાતા હતા ?
માનવસ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતાં છેલ્લી વિનંતી કરતાં જાણે કે ચીસ પાડી. ”છોડી મૂક બેટા, મૂકી દે.”સિંહણ પણ બાળકની ફક્ત સાત ફૂટ દૂર પાછળ  પાછળ ચાલી આવતી ઘુરકાટ કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું.
માલધારી બાળકે સિંહ  શિશુને પડતું મેલ્યું. દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ  શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું . સામસામે બે માતાઓ અને વચ્ચે તેમનાં બે શિશુઓ ! ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછાપગે ચાલી ઘેર.તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોડમાં જવું હતું. બંને માતાઓ પોતાનાં શિશુને લઈ ચાલી ગઈ . તેમનાં ખોળિયાં જુદાં જુદાં હતાં , પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો.
આખી વાત બાદ એટલું નક્કી કે, મા એક એવું વ્યક્તિત્વ કે જેના વગર તમે જીવન કલ્પી જ ન શકો. મા તો મા હોય છે, એ પછી મનુષ્યની હોય કે પછી પ્રાણીઓ અને પક્ષીની હોય છે. મા એજ વ્યક્તિ હોય છે કે જેમણે તમને જીવન આપવાથી લઈને તમારૂ જીવન ધડવામાં અગત્યનો ભાગ ભજવ્યો હોય છે. એટલા માટે જ તો કહેવાય છે ને કે મા તે મા બીજા બધા વગડાના વા. આ કહેવત ભૂતકાળથી લઈ ને વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ લાગું પડશે. અને એટલે જ તો તમે સૌ એ સાભળ્યું હશે માતૃદેવો ભવ : કે જે સુત્ર આપણા ઋષિમુનિઓ દ્વારા માતાના મહત્વને સમજી તેમને દેવનો દરજ્જો આપેલ છે. આમ, તો મા વિશે આપણે ગમે તેટલુ લખીએ તો પણ એ ઓછું જ પડે, કારણેકે માં હદયમાં તેમના સંતાન પ્રત્યે ક્યારેય પણ ઓટ આવતી નથી
“માનવ હોય કે પશુ – માતૃહૃદય તો સૌનાં સરખાં !”

Dipakchitnis

dchitnis3@gmail.com