ANTRATMANO SAD in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | અંતરાત્માનો સાદ

Featured Books
Categories
Share

અંતરાત્માનો સાદ

 
//અંતરાત્માનો સાદ//
 
        અવાજ સાંભળવાની સમસ્યા ત્યારે ઊભી થાય, જ્યારે માણસ કંઈક ખોટું કરવાનો નિર્ણય લઈ રહ્યો હોય અથવા સાચો નિર્ણય લેવાનું ટાળી રહ્યો હોય. ખોટો નિર્ણય લઈ લીધા પછી માણસ અંદરખાને પશ્ચાતાપ અનુભવતો હોય ત્યારે એને એનો અંતરાત્મા ડંખતો હોવાનું કહેવાય છે. આવા ગિલ્ટમાં માણસ ક્યારેક બહુ હેરાન થાય છે. મહેશ ભટ્ટની ફિલ્મ 'અર્થ' સ્મિતા પાટીલને આવી આંતરીક વેદના સહન કરતી સ્ત્રીના રૂપમાં દર્શાવવામાં આવી હતી. 
જોકે મૂળ પ્રશ્ન એ છે કે ખોટું શું અને સાચું શું એ કઈ રીતે નક્કી થાય? ખોટું કરનાર દરેક માણસ પશ્ચાતાપ નથી અનુભવતો. આજકાલ તો મોટા ભાગના લોકો ખોટું કરીને લાઈફ બરોબરની એન્જોય કરતાં હોય છે. સાચું શું અને ખોટું શું એ નૈતિક મૂલ્યોના આધારે નક્કી થાય છે. આ નૈતિક મૂલ્યો ત્રણ સ્તરે આપણા મનમાં પડેલા હોય છે. બે વ્યક્તિ વચ્ચેના સંબંધોના નૈતિક મૂલ્યો, વ્યક્તિના સમાજ સાથેના સંબંધના નૈતિક મૂલ્યો અને સમગ્ર માનવ જાતના નૈતિક મૂલ્યો.
સૌથી પહેલા આપણે સમગ્ર માનવજાતના મૂલ્યોની વાત કરીએ. માનવજાતના મૂલ્યોમાં ધાર્મિક માન્યતાઓનો ફાળો મોટો રહ્યો છે. ક્યારેક માણસના કર્મને ઈશ્વરની દિવ્ય અનુભૂતિ સાથે સાંકળવામાં આવ્યું છે. ટૂંકમાં એમાં એવી વાત છે કે જો માણસનો આત્મા શુદ્ધ રહે તો એ ઈશ્વરની નજીક ઝડપથી પહોંચી શકે. અનેક મહાન સર્જકોએ આવા નૈતિક મૂલ્યોની વાતને સમર્થન આપ્યું છે. બુદ્ધે કરુણાને સૌથી મોટું નૈતિક મૂલ્ય ગણાવ્યું છે. 
બીજા ક્રમે આપણે માણસના સમાજ સાથેના સંબંધમાં પ્રવર્તતા નૈતિક મૂલ્યોની વાત કરીએ. ચાર્લ્સ ડાર્વિને કહ્યું છે કે પોતાની, પોતાના પરિવારની અને પોતાના સમાજની સલામતીને લાંબો સમય સુધી ટકાવી રાખવાની આંતરિક ઝંખનાને લીધે આ નૈતિક મૂલ્યો અસ્તિત્ત્વમાં આવ્યા છે. આથી સમાજને ખતમ કરી નાંખે એવું વર્તન અને એવાં કૃત્યોને નૈતિક રીતે ખોટા માનવામાં આવ્યા. સમાજને ટકાવી રાખવા માટેના કેટલાક મૂલ્યો સનાતન છે અને એનું જ્યારે અધઃપતન થાય ત્યારે એની સામે અંતરાત્માનો અવાજ સામુહિક ધોરણે જાગી ઊઠતો હોય છે.
કરુણા એ છે કે જેમને ખરેખર અંતરત્માના અવાજ સાથે ખાસ કોઈ સંબંધ નથી એવા રાજકારણીઓને જ એમના અંતરાત્માનો અવાજ સાંભળવાની અપીલ કરવામાં આવે છે. આવું ન બનવું જોઈએ, કારણ કે રાજકારણીઓ આ પૃથ્વી પરના સૌથી વધુ પ્રેક્ટિલ માણસો છે. એ લોકો તો પહેલેથી જ જાહેર કરી દે છે કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મનો ન હોય. આ રીતે દગાબાજી કરવાનું લાયસન્સ પહેલેથી તેઓ લઈ રાખે છે. આમ છતાં લોકો એવી આશા રાખે છે કે તેઓ અંતરાત્માનો અવાજ સાંભળવાની કોશિશ કરે. 
રાજકારણી હોય કે સામાન્ય માણસ, અંતરાત્માના અવાજનો પ્રોબ્લેમ એમની સામે અવારનવાર આવ્યા કરતો હોય છે. કઈ બલા છે આ અંતરાત્માનો અવાજ? ખરેખર તો અંતરાત્મા એ આપણો ભારતીય સંસ્કૃતિમાં પાંગરેલો શબ્દ છે કારણ કે આપણે ત્યાં જ આત્મા અને પરમાત્માના અસ્તિત્વને સ્વીકારવામાં આવે છે. પશ્ચિમના દેશમાં અંતરાત્માને કન્સાયન્સ કહે છે.
૨૦૧૨માં દિલ્હીમાં બનેલી નિર્ભયા ગેંગરેપની ઘટનાએ આખા દેશની પ્રજામાં એક પ્રકારની ચેતના જગાવી દીધી હતી. અચાનક જાણે લોકોનો અંતરાત્મા સામુહિક સ્તરે જાગી ઊઠ્યો હતો. લોકો પોતાનું કામકાજ છોડીને શેરીમાં આવી ગયા અને આ ગોઝારી ઘટના સામે એમણે વિરોધ નોંધાવ્યો. આવી જ ઘટના અન્ના હઝારેની ભ્રષ્ટાચાર વિરોધી ચળવળની હતી. એ પહેલા ખૈરનારે આવી સામુહિક ચેતના જગાવી હતી. દરેક ઘટનામાં કોમન વાત એક જ હતી કે ઈનફ ઈઝ ઈનફ. સમાજ માટે અમુક હદથી વધુ ખોટું થાય એ અમે નહીં ચલાવીએ. આથી અંતરાત્માનો અવાજ સાંભળીને લોકોએ ચૂપ બેસી ન રહેવાનો નિર્ણય લીધો હતો. સમાજને ટકાવી રાખવા, એને સ્વસ્થ રાખવા માટે તો સમાજના વિવિધ વર્ગ માટેના કેટલાક વિશેષ મૂલ્યો સ્થાપિત થયા છે. અમુક વ્યવસાયને નોબલ ગણવામાં આવ્યા છે. ડોક્ટર અને શિક્ષકોના વ્યવસાયને નોબલ ગણવામાં આવ્યા છે. એ વાત અલગ છે કે આજે એ બંને વ્યવસાયોનું ધંધાકીયકરણ વધુ થયું છે. પત્રકાર અને લેખકની ફરજને વિશેષ માનવામાં આવી છે. રાજકારણીઓ માટે પણ રાજધર્મ તય થયો છે. આ દરેક ક્ષેત્રમાં ક્ષય થઈ ગયો છે. મૂલ્યો સચવાઈ નથી રહ્યા, છતાં એક વાતની ગેરન્ટી છે કે જ્યારે જ્યારે વાત હદને પાર કરે ત્યારે પેલા અંતરાત્માનો સુશુપ્ત જ્વાળામુખી ફરી સળગી ઊઠે છે. ઈમર્જન્સીને પગલે દેશના રાજકારણમાં ક્રાન્તિ આવી એ તો આપણા દેશની વાત છે. અન્ય દેશોમાં પણ અનેક શાસકો અતિશયોક્તિને પગલે ખતમ થઈ ગયા છે.
અંતરાત્માનો અવાજ સાંભળવો કે ન સાંભળવો એને લગતી સૌથી મોટી કશ્મકશ પારસ્પરિક વ્યક્તિગત સંબંધોમાં પેદા થતી હોય છે. અહીં એક તરફ લાગણી, જવાબદારી અને કમિટમેન્ટ હોય છે અને બીજી તરફ તત્કાળ મળનારાં લાભ હોય છે. સલીમ જાવેદે અંતરની લાગણી અને તત્કાળ મળનારા લાભ વચ્ચેની કશ્મકશ અનેક ફિલ્મોમાં બહુ સરસ રીતે વર્ણવી છે. ત્રિશૂલ ફિલ્મમાં સંજીવ કુમાર પોતાની મહત્ત્વકાંક્ષા ખાતર ગર્ભવતી બનેલી પ્રેમીકા વહીદા રહેમાનને ત્યજીને ધનવાન પરિવારની સ્ત્રી સાથે લગ્ન કરવાનો નિર્ણય લે છે. એ સમયે સંજીવ કુમાર પોતાના અંતરાત્મા સાથે કઈ રીતે લડે છે એ જોઈને અંતરાત્માનું ઈન-આઉટ સરળતાથી સમજાઈ જાય. વાસ્તવિક જીવનમાં પણ અનેક પરીણીત પુરુષો અન્ય સ્ત્રી પ્રત્યે આકર્ષાયને પોતાના પરિવારને છિન્નભિન્ન કરી નાંખતા હોય છે. આવા પુરુષ પણ પછી કેવી માનસિક યાતના વેઠતા હોય છે એ આપણે જોતા હોઈએ છીએ. ખોટું કરનારને અંતરાત્મા ક્યારેય છોડતો નથી.
મહાભારતના મોટા ભાગના પાત્રો અંતરાત્માના પ્રોબ્લેમવાળા છે. એમને કરવું છે કંઈક અને એમનો અંતરાત્મા એમને બીજુ કંઈ કરવાનું કહે છે. આવી દ્વિધા સતત ચાલતી જ રહે છે અને એમાં જ વાર્તા પૂરી થઈ જાય છે. આધુનિક જમાનામાં પણ નાનાં મોટા લાભ ખાતર માણસ પરિવારજનો કે મિત્રો સાથે દગાબાજી કરતા હોવાના અનેક કિસ્સા બનતાં હોય છે. કંઈક એવું બને છે ને માણસ રાતોરાત બદલાઈ જાય છે. બે આંખની શરમ જ છૂટી જાય છે. 
અંતરાત્મા ડંખતો હોવા છતાં માણસ ખોટું તો કરે જ છે. આથી એવું કંઈક તો છે, જે અંતરાત્માના અવાજને દબાવી દેવા સક્ષમ છે. અંતરાત્માનો અવાજ જેટલો શક્તિશાળી છે એનાથી વધુ ઉત્કતા એ અવાજ દબાવી દેવા માટેની લાલસામાં હોય છે. બે વચ્ચેની કશ્મકશ ચાલ્યા જ કરે છે.
અંતરાત્માના અવાજના મૂળમાં નૈતિક મૂલ્યો છે, પરંતુ એનાથીય વધુ તાકાતવાન છે માણસની પોતાની માન્યતા. અંતરાત્મા એને જ ડંખે છે, જે મૂલ્યોમાં માને છે. જે વ્યક્તિ મૂલ્યોમાં નથી માનતી એને અંતરાત્મા સાથે કોઈ સંબંધ નથી હોતો. હિટલરે આટલું ખોટું કર્યું છતાં એને એનો અંતરાત્મા ક્યારેય ડંખ્યો નહોતો. એણે આત્મહત્યા કરી ત્યારેય એને કોઈ પશ્ચાતાપ નહોતો, કારણ કે છેલ્લી ઘડી સુધી એ પોતાની માન્યતા પર મુશ્તાક રહ્યો હતો. આજે આપણી આસપાસ અનેક લોકોને આપણે કોન્ફિન્ડન્સથી ખોટા કામો કરતાં જોઈએ છીએ, કારણ કે જે મૂલ્યોને સાર્વત્રિક રીતે સ્વીકારવામાં આવતા હતા એ મૂલ્યોનું હવે એટલી ઉત્કટતાથી જતન નથી થતું. માન્યતાઓ બદલાઈ છે. 
અને અંતરાત્માની બાબતમાં કદાચ શ્રીકૃષ્ણે સૌથી વધુ ઊલટી વાત કહી છે. મહાભારતના યુદ્ધ દરમિયાન પેલો બિચારો અર્જુન અંતરાત્માનો અવાજ સાંભળીને સ્વજનોનો વધ ન કરવાનું વિચારે છે તો શ્રીકૃષ્ણ એના અંતરાત્માના અવાજને દબાવી દેવાની સલાહ આપે છે અને એને ઉશ્કેરતા કહે છે કે જા પતાવી દે તારા કુટુંબીજનોને. એમાં જ તને લાભ છે. પ્રશ્ન એ થાય કે અંતરાત્માનો અવાજ વધુ મહત્ત્વનો કે ભગવાન શ્રીકૃષ્ણનો ? હવે આ તો ગીતા છે. એનો જ અર્થ કાઢવો હોય એ કાઢી લેવાનો. 
આપણા માટે પ્રેક્ટિકલ વાત એ છે કે જ્યારે અંતરાત્માનો અવાજ માફક ન આવે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરી લેવાના.