( ગયા અંકમાં આપે વાંચ્યુ... માસીએ કહ્યુ કે દૌલતનગરમા ઍક શેઠની હવેલીએ તારે કામ કરવા જવાનુ છે.)... હવે આગળ વાંચો.
"માસી.આ દૌલત નગર ક્યાં આવ્યું?"
મે માસીને પૂછ્યુ
" બેટા છે તો આઘુ. ન્યાં હોડકામાં બેસીને જવું પડે એમ છે.પણ ત્યાના જે શેઠ છે ને એ બહુ સારો એવો પગાર આપે એમ છે.."
" તમે મારી ભેગા ત્યાં આવશો ને?"
" હા હું તારી સાથે તને ત્યાં મૂકવા આવીશ ખરી."
" પછી?"
" પછી શુ? તને મૂકીને પાછી વય આવીશ."
" મને એકલી મૂકીને?"
મેં બીતા બીતા કહ્યુ.
"હા તો હું થોડી તારી ભેગી ન્યા રેવાની હતી." માસી કરડકાઈ થી બોલ્યા.
" પણ હુ ત્યા એકલી સાવ અજાણ્યાઓની વચ્ચે કેમ કરીને રહીશ?"
મેં ધ્રુજતા સ્વરે માસીને પૂછ્યુ.
" હવે એકલા રહેવાની આદત પાડ. કાલ સવારે સાસરે જઈશ ત્યારે આ માસી તારી ભેગી નહી આવે સમજી? અને સવારે આપણે વહેલા નીકળી જવાનું છે એટલે વહેલા વહેલા ઉઠી જજે જા હવે સુઈજા છાની માની."
માસી તાડુકીને બોલ્યા. માસીનો ઘાટો સાંભળીને હું મૂંગી થઈ ગઈ.
બીજે દિવસે સવારે અમે દૌલતનગર શેઠ અંબાલાલ ની હવેલી એ પહોંચ્યા. મને જોઈને અંબાલાલે ખંધુ હસતા માસીને પૂછ્યુ.
" તો આ છોકરી છે?"
માસી એ પણ જવાબમાં એવું જ કુટીલ હાસ્ય વેરતા પોતાના નૈના નચાવતા પૂછ્યુ.
"કાં.કેવી લાગી?"
એ બંનેની વાતચીત મને સમજાતા થોડીક વાર લાગી મને.
પંચાવન વર્ષના એ આધેડ શેઠે. પોતાના પીળા પીળા દાંત દેખાડતા કહ્યુ.
"છે તો ફટાકડો.પણ આય રેહેને બરાબર?"
એમનો આ ફટાકડો શબ્દ સાંભળીને મારે કાળજે ઘા વાગ્યો. મને દાળ મા કાળુ લાગ્યુ. મે ચોંકીને માસીને પૂછ્યુ.
" માસી તમે મને આય ક્યા કામ માટે લાવ્યા છો?"
તો માસીએ કરડાકી થી કહ્યુ.
" આજથી તુ આ શેઠની દાસી છો. આ શેઠ સાથે તારે પરણવાનું છે.પછી શેઠ જે પણ કહે એ બધું તારે કરવું પડશે."
હવે મારું હૃદય શંકા કુશંકાઓથી ઘેરાવા લાગ્યુ. ન તો મને માસી નો ઈરાદો સારો લાગ્યો. ન તો શેઠનો. મેં શેઠની હવેલીમાં રહેવાનો સાફ સાફ શબ્દોમાં ઈનકાર કર્યો.
"ના માસી હું અહીં કોઈ કાળે નહીં રહુ." પણ માસીને બદલે શેઠે કહ્યુ.
" જો છોડી. આ દૌલતનગર છે. અને અહીં મારું રાજ છે. અને હું તને લગ્ન કરીને આ દૌલતનગરની રાણી બનાવવા માગું છું."
મેં કહ્યું.
" મારે રાણી બાણી નથી થવુ.અને જરાક તો શરમ કરો શેઠ.મારી ઉંમરની તો તમારે પૌત્રી હશે?"
પણ શેઠે એકદમ નફ્ફટ્ટાઈથી કહ્યુ
" તું ફક્ત આટલું જ જો. કે તું મારી પર પૌત્રી નથી.અને મારી સાથે લગ્ન કરીને તું અહીં રાજ કરીશ.અને એના બદલે તારી માસીને મે વીસ હજાર રોકડા દીધા છે. એ એના ઘરે રાજ કરશે."
અંબાલાલ શેઠની વાત સાંભળીને મને આઘાત લાગ્યો. મેં તિરસ્કાર ભરી નજર માસી તરફ નાખતા પૂછ્યુ.
" તમે સગા માસી થઈને મને આ શેઠને વેચી નાખી?"
માસી લાજવા ના બદલે ગાજ્યા.અને બેશરમીથી બોલ્યા.
"બેટા.તને પરણાવવા મારે ગાંઠનું ગોપીચંદ કરવું પડે એમ હતુ.અને આ જો. આય તારા લગને થઈ જશે. અને ઉપરથી હું આખી જિંદગી બેસીને ખાવ એટલા રૂપિયા ય મળી ગયા."
" હું ક્યારેય આ ડોસલા સાથે નથી પરણવાની."
મેં ક્રોધિત સ્વરે કહ્યુ.
" તો ઠીક છે. હું ય જોઉં છું કે તું મને કેમ નથી પરણતી."
અંબાલાલ શેઠે પોતાના સફેદ વાળ ના ગુછછાને ઉપરની તરફ ઝાટકો મારી મને દબડાવતા કહ્યુ. અને પછી પોતાના માણસોને હુકમ કર્યો
"લઈ જાવ આને અને ગેસ્ટ હાઉસના ઓરડા નંબર ત્રણમાં પુરી દયો." અંબાલાલના માણસોએ મને ઓરડા નંબર ત્રણમા પુરી દીધી.